વિરેશે સાચા પ્રેમની તાકાતથી આખરે બાળપણથી ચાહેલી વૈશાલીને જીવનસાથી બનાવી…

સૌરાષ્ટ્રનું પ્રેવેશ દ્વારા એવુ પૌરાણીક વિરમગામ શહેર રાજ્યભરમા પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ ઔતિહાસીક શહેરનું હાલનું નામ વિરમગામ વિક્રમ સંવત૧૩૫૦ થી ૧૩૬૦ ના સમયમાં ઉલ્લેખ થયાનું કહેવાય છે.વિરમગામ શહેરમાં આવેલ સુપ્રસિદ્ર મુનસર તળાવ પણ તેજ અરસામાં કે તે પૂર્વે બનેલ હોવાનું માનવામાં આવે છે. આ તળાવની આસપાસ સોલંકી કાળની સ્થાપના શૈલીમાં પથ્થરથી બનાવેલી કેટલીક દેરીઓ હયાત છે.મુનસર તળાવ નો વિસ્તાર ૧૯ હેકટર ૧૭ આરે ૧૨ ગુઠા છે. પશ્વિમ દિશામાં મુનસરી માતાનું મંદિર નીચેથી વરસાદનું પાણી તળાવમાં પ્રવેશી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે.

આ તળાવની દક્ષિણ દિશાએ સાસુ વહુના ઓરડા તરીકે પ્રચલીત થયેલ પૌરાણીક મંદિર છે.આવા ઐતિહાસીક મુનસર તળાવના કિનારે ક્યારેક પ્રેમી પંખીડાઓ પણ જોવા મળે છે. મુનસર તળાવના કાંઠે બેઠેલા આવા જ પ્રેમી પંખીડા એટલે વિરેશ અને વૈશાલી. આમ તો વિરેશ સ્વભાવે થોડો શાંત, સરળ, શરમાળ સ્વભાવનો છે અને વૈશાલી પણ શાંત, શરમાળ પ્રકૃતિની છે. તેમ છતાં પણ ક્યારેક વૈશાલીને ગુસ્સો આવી જાય. પોતાના મનનું ધાર્યુ ન થાય એટલે વૈશાલી ગુસ્સે થાય પણ આ ગુસ્સો ક્ષણીક જ હોય.

આમ તો પ્રેમની વાર્તાઓમાં છોકરા તથા છોકરીનું મિલન અચાનક જ થઇ જતુ હોય છે. પરંતુ વિરેશ તથા વૈશાલીની વાત થોડી અલગ પ્રકારની છે. બન્ને નાનપણથી જ એક શાળામાં સાથે અભ્યાસ કરે છે અને એક બીજાના ઘરે સહજ અવર જવર હોવાથી સારી રીતે ઓળખે છે. બન્ને શાળામાં રીસેષ દરમ્યાન પોતાના મિત્રો સાથે પોતાની મસ્તીમાં રમત રમે છે, નાસ્તો કરે છે. વિરેશ જેવો કિશોરાવસ્થામાં પહોચે છે કે તે સ્વાભાવિક રીતે વૈશાલી તરફ આકર્ષાય છે. વિરેશને વૈશાલી ગમવા લાગે છે અને મનોમન પ્રેમ કરવા લાગે છે. વિરેશ વૈશાલીના ઘરે તથા આસપાસના વિસ્તારમાં આવીને સતત તેને નિહાળ્યા કરે છે. તો બીજી બાજુ વૈશાલી ફક્ત તેના અભ્યાસમાં જ ધ્યાન આપે છે અને આવી બધી બાબતોથી સાવ અજાણ છે.

વૈશાલી તેની સહેલીઓ સાથે ગૃપ ફોટો પડાવે છે. વિરેશ શાળાના વેકેશન દરમ્યાન વિરમગામમાં જ રહેતા વૈશાલીના માસીના ઘરે જાય છે ત્યારે તે વૈશાલીનો ફોટો જોઇને થોડો સરમાઇ જાય છે. વૈશાલીના માસી વિરેશને પુછે છે કે આ છોકરી તને ગમે છે? ત્યારે વૈશાલી ગમતી હોવા છતાં પણ વિરેશ મૌન ધારણ કરે છે તથા ખુશ થઇને મનોમન મલકાયા કરે છે. વેકેશન પછી જ્યારે શાળાઓ શરૂ થઇ ત્યારે વિરેશ શાળામાં વહેલો પહોચી જાય છે અને વૈશાલીની આવવાની રાહ જોયા કરે છે. જેવી વૈશાલી આવે કે તરત જ વિરેશ ક્લાસરૂમમાં બેસી જાય છે અને વૈશાલીનું સતત અનુકરણ કર્યા કરે છે.

વિરેશ સતત વૈશાલીને પ્રેમ કર્યા કરે છે જ્યારે વૈશાલી ફક્ત ભણવામાં ધ્યાન આપે છે તથા ભણીને પરીવારને આર્થિક રીતે મદદ કરવાનું વિચારે છે. વિરેશ વૈશાલીને પસંદ કરે છે તે બાબતથી વૈશાલી હજુ પણ સાવ અજાણ છે પરંતુ વૈશાલીની એક સહેલી આ બધી વાત જાણે છે. એક દિવસ હિમ્મત કરીને વૈશાલીને આપવા માટે વિરેશ પ્રેમ પત્ર લખે છે પરંતુ જેવી વૈશાલી સામે આવે છે કે તરત જ વિરેશની બધી હિમ્મત કડડડ ભુસ કરતી ભોંય ભેગી થઇ જાય છે. તે વૈશાલીને પ્રેમ પત્ર આપી શકતો નથી અને માત્ર તેને નીહાળ્યા કરે છે. વિરેશ પ્રેમપત્ર ન આપી શકવાના કારણે થોડો નિરાશ ચોક્કસ થાય છે પરંતુ હિમ્મત હાર્યા વગર વૈશાલીને એક તરફી પ્રેમ કર્યા કરે છે.

બોર્ડની પરીક્ષામાં પણ વિરેશ તથા વૈશાલી બન્ને યોગાનુયોગ એક જ ક્લાસમાં આવે છે ત્યારે વિરેશ બોર્ડની પરીક્ષાની સાથે સાથે પ્રેમની પરીક્ષા આપી રહ્યો છે. બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર થતા વિરેશ તથા વૈશાલીના પરીવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પરીવારના સભ્યો એકબીજાને પેંડા ખવડાવીને મોં મીઠુ કરાવે છે. કુદરત પણ જાણે આ બે પ્રેમી પંખીડાઓનું મિલન કરાવવા તત્પર હોય તેમ વિરેશ જે કોલેજમાં એડમીશન લે છે તે જ કોલેજમાં વૈશાલી પણ એડમીશન લે છે. વૈશાલીને જોતા જ વિરેશ ખુશ થઇ જાય છે. પરંતુ વિરેશની આ ખુશી બહુ લાંબા સમય સુધી નથી ટકતી અને એક મહિનામાં જ વિરેશ તથા વૈશાલી કોલેજમાંથી છુટા પડે છે.

વૈશાલી પહેલેથી જ શિક્ષક બનવા માંગતી હોવાથી પીટીસી કોલેજમાં ફોર્મ ભરે છે અને તેને એડમીશન મળી જતા તે પીટીસી કરવા કલ્યાણપુરા જાય છે.પરંતુ આ સાથે જ વિરેશના જીવનમાં ચારેબાજુ અંધકાર છવાઇ જાય છે. વૈશાલી વગરની કોલેજ વિરેશને વેરાન લાગી રહી છે અને પ્રેમીકા વગરની ઉજ્જડ કોલેજમાં વિરેશનું સહેજ પણ મન લાગતુ નથી. વિરેશ બસ સ્ટેન્ડ પાસે આવેલી મિત્રની દુકાને પહોચીંને બસમાં અપડાઉન કરતી વૈશાલીની એક ઝલક જોઇને પણ ખુશી મેળવવાનો સતત પ્રયાસ કર્યા કરે છે. વિરેશ ફરી એક વખત વૈશાલીને પોતાના દિલની વાત કરવાનુ વિચારે છે પણ હિમ્મત ફરી વખત તુટી જતા તે સપનામાં વૈશાલી સાથે વાત કર્યા કરે છે અને ખુશ થાય છે.

આવા સમયે પણ વિરેશને પોતાના પ્રેમ પર પુરો વિશ્વાસ છે અને તે વૈશાલીને પોતાની જીવન સાથી બનાવવા મક્કમ છે. વૈશાલીનો પીટીસીનો અભ્યાસ પુર્ણ થતા તે વિરમગામમાં જ સ્થાયી થઇ જાય છે અને શિક્ષક તરીકેની નોકરીની શોધખોળ શરૂ કરે છે. થોડા સંઘર્ષ પછી વૈશાલીને વિરમગામની જાણીતી ખાનગી શાળામાંશિક્ષકની નોકરી મળી જાય છે. શિક્ષક તરીકેની નોકરી મળતા જ વૈશાલીની ખુશીનો કોઇ પાર રહેતો નથી અને તે જાણે નાચવા લાગે છે. વૈશાલીને નોકરી મળવાથી પરીવારમાં ખુશી જોવા મળે છે પરંતુ સાથે વૈશાલીના ભવિષ્યને લઇને ચિંતા પણ જોવા મળે છે. વૈશાલીના માતા પિતા તેના માટે યોગ્ય છોકરો શોધવાનું શરૂ કરે છે. વૈશાલીના સામેથી જ ઘણા માંગા આવ્યા હોવા છતાં યોગ્ય છોકરો ન હોવાથી માતા પિતાએ જ ના પાડી દીધી છે. ભગવાન પણ આ પ્રેમી પંખીડાનું મિલન કરાવવા ઇચ્છતા હોય તેવી ઘટના બને છે.

વૈશાલીના મામા તેના ઘરે આવે છે અને બધી વાત કરતા કહે છે કે વૈશાલી માટે એક યોગ્ય છોકરો મારા ધ્યાનમાં છે. આપણા વિરમગામનો જ છે. હાલમાં જ અભ્યાસ પુર્ણ કર્યો છે અને સારા ઘરનો છે. જો તમને યોગ્ય લાગે તો આપણે આગળ વાત કરશુ. વિરેશ વૈશાલીને જોવા માટે ઘરે આવે છે ત્યારે વૈશાલીના માતા પિતાને કહે છે કે તમે ચિંતા ના કરો વૈશાલીને હું સાચવીશ. વિરેશના આ શબ્દો સાંભળતા જ વૈશાલીને ગુસ્સે આવે છે અને મનમાં તો એમ વિચારે છે કે આ છોકરાના ઘરે જઇને કંઇક સંભળાવી આવું. પરંતુ વૈશાલીને ક્યાં ખબર છે કે આ વિરેશ તેનો ભાવી પતિ હશે.

વૈશાલીના માતા પિતાને વિરેશ પસંદ આવી જાય છે ત્યારે તેઓ વૈશાલીને વિરેશ વિશે પુછે છે. વૈશાલીએ ત્યારે એક જ જવાબ આપ્યો કે આપની પસંદ એ જ મારી પસંદ છે. થોડા સમયમાં જ વિરેશ તથા વૈશાલીની સામાજીક રીતિ રીવાજ મુજબ સગાઇ કરવામાં આવે છે. સગાઇ પછી બન્ને પ્રેમી પંખીડાઓ અમદાવાદ, આબુ, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થાનો પર ફરવા જાય છે અને જીંદગીની મોજ માણે છે. પ્રેમ મળી જવાના કારણે વિરેશ ખુબ જ ખુશ થઇ જાય છે. જોત જોતામાં જ સમય ક્યાં પસાર થઇ જાય છે તે ખબર પડતી નથી અને વૈશાલી તથા વિરેશ લગ્નના તાંતણે બંધાય છે. વિરેશ બાળપણથી ચાહેલી વૈશાલીને પોતાની જીવન સાથી બનાવે છે અને બન્ને પ્રેમથી સુખી લગ્ન જીવન માણી રહ્યા છે. (સત્ય ઘટનાથી પ્રેરીત, માહિતી સ્ત્રોત-વૈશાલી વિરેશ પરમાર)

લેખક : નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ