જલ્સા કરોને જેંતીલાલ

વીજળીના વપરાશ પર અસર કરતી બાબતો અને એરકંડીશનરનો કાર્યક્ષમ ઉપયોગ કરવાના ઉપાયો…

ગરમીના દિવસોમાં એરકંડીશનરનો ઉપયોગ હવે ઘરેઘરે સામાન્ય થઈ ગયો છે પણ આ દિવસોમાં સહુથી વધારે જો ચિંતા રહેતી હોય તો તે છે વીજળીના વપરાશની. ઘરમાં એરકંડીશનર તો ઠંડક ફેલાવી દે છે પણ પૂરજોશમાં દોડતું મીટર લાઈટબીલના સ્વરૂપમાં હાથમાં આવે ત્યારે મહિનાદા’ડાની ઠંડક એકસાથે ગરમીમાં ફેરવાઈ જતી હોય છે. એ અલગ વાત છે કે ખરીદી કરતી વેળા વીજળીનો ઓછો વપરાશ કરતો હોય તેવા જ એરકંડીશનરની પહેલી પસંદગી થતી હોય છે છતાં એ સિવાય બીજી એવી અનેક બાબતો છે જે એરકંડીશનરના કાર્યક્ષમ ઉપયોગ બાબતે અસર કરે છે. પહેલા લેખમાં આપણે એરકંડીશનરના ઈતિહાસ, કાર્યપધ્ધતિ, પ્રકારો અને તે ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પર નજર કરી. હવે એરકંડીશનર વિશેના આ બીજા લેખમાં આપણે વીજળીના વપરાશ પર અસર કરતી બાબતો અને એરકંડીશનરનો કાર્યક્ષમ ઉપયોગ કરીને વીજળીનો વપરાશ કઈ રીતે ઘટાડી શકાય તે માટેના ઉપાયો પર વાત કરીશું.

એરકંડીશનરના ઉપયોગ વખતે એવી કેટલીક બાબતો છે જે વીજળીના વપરાશ પર ઘણી અસર કરે છે. તેમાંથી કેટલી મહત્વની બાબતો નીચે પ્રમાણે છે.

૧) રૂમની સાઈઝ : આપણે પહેલા આર્ટીકલમાં જોઈ ગયા તેમ રૂમની સાઈઝ પ્રમાણે એરકંડીશનરની ખરીદી કરવી જોઈએ. દરેક એરકંડીશનર તેના વોટ પ્રમાણે કામ કરતું હોય છે પણ જે-તે રૂમની સાઈઝ તેની કાર્યક્ષમતા પર વધારે અસર કરી છે. એરકંડીશનરનું મુખ્ય કાર્ય રૂમની ગરમી દૂર કરી ભેજયુક્ત ઠંડી હવા ફેલાવવાનું છે. જો રૂમની સાઈઝ મોટી હોય તો તેને ઠંડો કરવા માટે વધારે પ્રમાણમાં કાર્યક્ષમ રહેવું પડે છે જે સરવાળે વીજળીનો વધારે ઉપયોગ કરે છે. ૧.૫ ટનનું એરકંડીશનર ૧૦૦ સ્ક્વેરફીટ અને ૧૨૦ સ્કવેરફીટના રૂમમાં ઉપયોગમાં લેવામાં આવે તો તે એક કલાક દરમ્યાન તેનો વીજળીમાં થતો વપરાશ અલગ અલગ રહેશે. તેનું એકમાત્ર કારણ એ જ કે ૧૨૦ સ્ક્વેરફીટના રૂમમાં ગરમ હવાનું પ્રમાણ વધારે હશે જેને ઠંડો કરવા માટે એરકંડીશનર વધારે પ્રમાણમાં વીજળીનો ઉપયોગ કરશે.
૨) જે- તે જગ્યાનું તાપમાન : રૂમની સાઈઝ ઉપરાંત એરકંડીશનર જ્યાં ઉપયોગમાં લેવાનું છે તે જગ્યાનું તાપમાન પણ તેના વીજળીના વપરાશ પર ઘણી અસર કરે છે. દરેક શહેરનું તાપમાન અને દરેક શહેરમાં જે-તે વિસ્તારનું તાપમાન અલગઅલગ હોય છે. એટલું જ નહીં, એક જ ઘરમાં દરેક રૂમના તાપમાનમાં પણ ફરક હોય છે. અમૂક શહેરોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે તો અમૂક શહેરોમાં દિવસ દરમ્યાન વધારે ગરમ તાપમાન હોય છે. જે જગ્યાએ તાપમાન વધારે હોય છે ત્યાં એરકંડીશનરને ગરમ હવા શોષીને તેને ઠંડી કરવા માટે વધારે વીજળીનો ઉપયોગ કરવો પડે છે. તેથી જ દરેક શહેર પ્રમાણે એરકંડીશનરની જરૂરિયાત અલગઅલગ રહેતી હોય છે. જ્યાં ભેજ અને બાફનું પ્રમાણ વધારે હોય તેવા શહેરોમાં ભેજ દૂર કરી શકે તેવા એરકંડીશનરની આવશ્યકતા વધારે રહે છે તો જે શહેરોમાં ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યાં ગરમી બને એટલી ઝડપથી શોષી શકે તેવા ભારે ટનના એરકંડીશનરની જરૂર પડતી હોય છે. આ જ રીતે, દરેક રૂમના તાપમાન પ્રમાણે એરકંડીશનર વીજળીનો અલગઅલગ વપરાશ કરે છે. જે રૂમની દિવાલો આખો દિવસ સૂરજની ગરમીને કારણે વધારે તપતી હોય તે રૂમમાં વધારે ટનના એરકંડીશનરની જરૂર પડતી હોય છે જે સરવાળે વીજળીના વપરાશમાં ઉમેરો કરે છે.

૩) રૂમમાં રહેતા માણસોની સંખ્યા : રૂમમાં કેટલા લોકો રહે છે અથવા જે-તે સમયે હાજર હોય એ પણ એરકંડીશનરના માધ્યમ થકી વીજળીના વપરાશ પર અસર કરે છે. માનવશરીર ગરમીનું ઉત્સર્જન કરે છે. જ્યાં એકસાથે વધારે પ્રમાણમાં માણસો ભેગા થાય ત્યાં તાપમાન આપોઆપ વધી જતું હોય છે. સ્વાભાવિક છે કે રૂમમાં કેટલા વ્યક્તિઓ હાજર છે તે પ્રમાણે રૂમના બદલાતા વાતાવારણને અનુલક્ષીને એરકંડીશનર રૂમને ઠંડો રાખવા વીજળીનો વત્તાઓછા પ્રમાણમાં ઉપયોગ કરતું રહે છે. બે વ્યક્તિ બેડરૂમમાં એરકંડીશનર વાપરે અને એક કોચિંગ ક્લાસ કે ઓફીસ જ્યાં એકસાથે વીસત્રીસ લોકો કામ કરતાં હોય બંને જગ્યાએ અલગઅલગ ટનના એરકંડીશનરની જરૂરત રહે છે, સરવાળે વીજળીના વપરાશમાં ફેરફાર રહે છે.

૪) રૂમનો કલર : આ કદાચ જલ્દી માનવામાં ન આવે તેવી બાબત છે પણ એરકંડીશનરના કાર્યક્ષમ ઉપયોગ પર અને વીજળીના થતા વપરાશ પર આ બાબત પણ અસર કરે છે. રૂમમાં જેટલા પણ ઘાટા એટલે કે ડાર્ક કલર હોય તે ગરમીનું વધારે પ્રમાણમાં શોષણ કરે છે તેથી તેમને ઠંડા થતા ઘણી વાર લાગે છે. માત્ર એટલું જ નહીં, રૂમમાં જે-તે વ્યક્તિએ પહેરેલા કપડાં પણ જો ડાર્ક કલરના હોય તો તેને પણ આ જ વાત લાગુ પડે છે. તમે ઘણીવાર નોંધ્યું હશે કે કાર અથવા ઘરમાં એરકંડીશનર ચાલુ હોય છતાં પણ ગ્રે અથવા કાળા કલરનું પેન્ટ, શર્ટ કે અન્ય કાપડ તડકાના સંસર્ગમાં આવતાં જ સાવ ઓછા સમયમાં જલ્દી જ ગરમ થઈ જાય છે. આ પ્રકારના કપડાં ગરમીનું શોષણ કરતાં હોય છે. જે રૂમમાં ડાર્ક કલરની દિવાલો હોય ત્યાં એરકંડીશનરને ઠંડક ફેલાવવામાં વધારે વાર લાગતી હોય છે જે વીજળીનો વપરાશ વધારે છે. આ બાબત બહુ ઓછા પ્રમાણમાં અસર કરે છે પણ જો ધ્યાનમાં રાખવામાં આવે તો વીજળીના વપરાશને બચાવી શકાય છે.

૫) ઈલેક્ટ્રીકલ સાધનો અને લાઈટનો ઉપયોગ : તમે ઘણીવાર નોંધ્યું હશે કે લગાતાર ઉપયોગના કારણે ટીવી અથવા લેપટોપનો અમૂક હિસ્સો ગરમ થઈ જાય છે. આ પ્રકારની ઈલેક્ટ્રીક વસ્તુઓ ગરમીનું વધારે પ્રમાણમાં વહન કરે છે જેના લીધે રૂમના તાપમાનમાં ભલે અંશતઃ પણ ઘણો વધારો થાય છે. એટલું જ નહીં, રૂમમાં લગાડવામાં આવેલી ટ્યૂબલાઈટ કે એલઈડી લાઈટ પણ તેના ઉપયોગની કારણે ગરમ થતી હોય છે અને તે રૂમના તાપમાનને ગરમ કરતી રહેતી હોય છે તેથી જો એક જ રૂમમાં ઘણીબધી લાઈટ ચાલુ હોય તો તે રૂમને ઠંડો કરવા માટે એરકંડીશનરને વધારે કાર્યક્ષમ રહેવું પડે છે. એરકંડીશનર રૂમના તાપમાનને નક્કી કરેલા આંક સુધી ઠંડો કરવા માટે બધી વસ્તુઓને ઠંડુ કરતું રહે છે. ઈલેક્ટ્રીક વસ્તુઓ ગરમ થતી રહેતી હોવાથી તેને ઠંડી કરવા માટે એરકંડીશનરને વધારે પ્રમાણમાં કાર્યક્ષમ રહી વીજળીનો વધુ વપરાશ કરવો પડે છે.

૬) એરકંડીશનરનું તાપમાન (થર્મોસ્ટેટ ટેમ્પ્રેચર) : વીજળીના વપરાશ પર સહુથી મોટી અસર કરતી બાબત હોય તો તે છે થર્મોસ્ટેટ ટેમ્પ્રેચર. રૂમને જેટલો ઓછો કે વધારે પ્રમાણમાં ઠંડો કરવાનો હોય તે રીતે એરકંડીશનરને વત્તાઓછા પ્રમાણમાં કાર્યક્ષમ થવું પડે છે. સામાન્યરીતે દરેક લોકો એવું માને છે કે એરકંડીશનરમાં જેટલુ ઓછું તાપમાન સેટ કરવામાં આવે તેટલો જલ્દી રૂમ ઠંડો થશે જો કે એ માન્યતા સાવ ખોટી છે. એરકંડીશનરની અંદર લાગેલ થર્મોસ્ટેટ રૂમના તાપમાન અને નક્કી કરેલા તાપમાન વચ્ચેનો ફેરફાર કાઢે છે અને પછી કમ્પ્રેસરને ત્યાં સુધી ચાલુ રાખે છે જ્યાં સુધી નક્કી કરેલા તાપમાન સુધી રૂમ ઠંડો ન થઈ જાય. તેનો સીધો મતલબ એ થયો કે જેટલું ઓછું તાપમાન સેટ કરવામાં આવે તેટલું કમ્પ્રેસરને વધારે લાંબો સમય ચાલુ રહેવું પડે છે, સરવાળે એરકંડીશનર વધારે પ્રમાણમાં વીજળીનો વપરાશ કરે છે.

તો આ પ્રમાણે અનેક બાબતો એરકંડીશનરની કાર્યક્ષમતા પર અસર કરે છે જે સરવાળે વીજળીના બિલ પર અસર દેખાડે છે. થોડી સાવધાની રાખવામાં આવે તો એરકંડીશનરના ઉપયોગ વખતે વીજળીના ખોટા ખર્ચથી બચી શકાય છે. આપણે એ જોયું કે એરકંડીશનર થકી વીજળીનો વપરાશ કઈ રીતે વધે છે, હવે આપણે તેનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે થાય તે બાબત પર નજર નાખીશું. એરકંડીશનરના વ્યવસ્થિત ઉપયોગ થકી અને અન્ય બાબતો ધ્યાનમાં રાખવાથી વીજળીનો વપરાશ કઈ રીતે ઓછો કરી શકાય તે અંગે જાણીએ.
૧) એરકંડીશનરની પરફેક્ટ ખરીદી : તમે કયા પ્રકારનું એરકંડીશનર ખરીદો છો તે બાબત વીજળીના બિલમાં અસર કરી શકે છે. જો ઘર કે ઓફીસમાં બે કરતાં વધારે રૂમમાં એરકંડીશનર લગાવવાની જરૂરત હોય તો એ સંજોગોમાં દરેક રૂમમાં અલગઅલગ એરકંડીશનર ન લગાવતાં સેન્ટ્રલ એરકંડીશનર લગાવવું વધારે હિતાવહ છે. જો દરેક રૂમ માટે અલગઅલગ એરકંડીશનરની ખરીદી કરવાની હોય તો રૂમની સાઈઝ, તાપમાન અને તેમાં રહેતા માણસોની સંખ્યા વગેરે બાબતનો વિચાર કરીને તેની પસંદગી કરવ્વે જોઈએ. મોટા રૂમ માટે ઓછા ટનનું એરકંડીશનર લગાવવામાં આવે તો તે રૂમને ઠંડો કરવા માટે સમય વધારે લગાવે છે અને સરવાળે વીજળીનો વપરાશ પણ વધારે કરે છે. આ સિવાય એરકંડીશનર લગાતાર ચાલુ રહેવાથી મેઈન્ટેનન્સ વધી જાય એ નફાનું. તેથી રૂમની સાઈઝ પ્રમાણે પરફેક્ટ ખરીદી કરવી જોઈએ.

૨) એનર્જી એફીસિયન્ટ અને સ્ટાર રેટેડ એરકંડીશનરની ખરીદી : દરેક પ્રકારની એરકંડીશનરને ઈન્ડિયન બ્યૂરો ઓફ એનર્જી એફીસિયન્સી દ્વારા ૧ થી ૫ સુધી BEE રેટીંગ આપવામાં આવ્યા હોય છે. વીજળીના ઓછા વપરાશે જેટલું વધુ કાર્યક્ષમ તે પ્રમાણે એરકંડીશનરને સ્ટાર આપવામાં આવે છે. તેથી બને ત્યાં સુધી ૫ સ્ટારવાળા એરકંડીશનર ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
૩) દિવાલોનો કલર અને રૂમમાં રહેલી વસ્તુઓ. : જેમ આપણે અગાઉ જોયું તેમ ડાર્ક કલર ગરમીનું વહન વધારે પ્રમાણમાં કરે છે તેથી બની શકે તો રૂમની દિવાલોનો કલર લાઇટ રાખવો જોઈએ જેથી એરકંડીશનરનો વીજળીના ઓછા વપરાશે પણ મહત્તમ ઉપયોગ થઈ શકે. આ સિવાય એરકંડીશનર દ્વારા ફેલાતી ઠંડી હવા રૂમમાં રાખવામાં આવેલી દરેક વસ્તુઓને ઠંડી કરે છે. તેથી રૂમમાં બને એટલી ઓછી વસ્તુઓ હોય તે જરૂરી છે. આ સંજોગોમાં બને ત્યાં સુધી નાનીનાની વસ્તુઓ રૂમમાં અસ્તવ્યસ્ત પડી રહે તેના કરતાં તિજોરી અથવા મોટા કબાટમાં મૂકવી જોઈએ. જેમ આપણે અગાઉ જોયું તેમ ઈલેક્ટ્રીક વસ્તુઓ ગરમીનું વહન કરે છે તેથી એરકંડીશનર ચાલતું હોય ત્યારે ઈલેક્ટ્રીક વસ્તુઓ અને લાઈટનો બને એટલો ઓછો ઉપયોગ વીજળીના બિલમાં ખાસ્સી બચત કરી આપે છે.

૪) એરકંડીશનરનું તાપમાન : એરકંડીશનરનું તાપમાન બિલ બહુ મોટી અસર કરે છે. સામાન્યતઃ એરકંડીશનરનું તાપમાન કેટલું રાખવું જોઈએ તે અંગે લગભગ દરેક જગ્યાએ પ્રમાણભૂત માહિતી અલગઅલગ મળે છે પરંતું ‘અમેરિકન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રીજરેટીંગ અને એરકંડીશનીંગ એન્જીનિયર્સ’ દ્વારા સંશોધન બાદ એવું સાબિત કરવામાં આવ્યું છે કે એરકંડીશનરનું આઈડલ તાપમાન 23.5oC અને 25.5oC વચ્ચે હોવું જોઈએ. જેમ આપણે અગાઉ જોયું કે જેટલું નીચું તાપમાન રાખવામાં આવે એટલું કમ્પ્રેસર વધારે કાર્યરત રહે છે તેથી જો જરૂર ન હોય તો એરકંડીશનરને 24C અથવા 25C આસપાસ સેટ રાખવું જોઈએ.

૫) એરકંડીશનરની સાથે પંખાનો ઉપયોગ : એક ગણતરી પ્રમાણે એરકંડીશનર એક સીલીંગ ફેન (છત પર લગાવવામાં આવતો પંખો) કે ટેબલ ફેન કરતાં ૨૫ ગણો વધારે વીજળીનો વપરાશ કરે છે. જો એરકંડીશનરની સાથે પંખાનો પણ ઉપયોગ કરવામાં આવે તો વીજળીના વપરાશમાં ઘણો ફાયદો થઈ શકે છે. પંખાની મદદથી રૂમમાં એરકંડીશનરની ઠંડી હવાનું પરિભ્રમણ વધે છે અને રૂમનું તાપમાન જલ્દી ઠંડુ થઈ જાય છે. સરવાળે, એરકંડીશનર વીજળીના ઓછા વપરાશે રૂમના ખૂણેખૂણાને ઠંડો કરી શકે છે. જો કે અહીં એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે પંખાનો ઉપયોગ એવા સંજોગોમાં કરવો જોઈએ જ્યારે છત પર સીધો તડકો ન આવતો હોય. જો છત પર અગાશી હોય તો તેવા સંજોગોમાં પંખાનો ઉપયોગ ન કરવો જોઈએ. ગરમીમાં છત તપતી હોવાની કારણે પંખાનો ઉપયોગ કરવામાં આવે તો તે રૂમમાં ગરમ હવા ફેલાવે છે જેથી એરકંડીશનરને રૂમનું તાપમાન નીચું લાવવામાં વધુ સમય લાગે છે.

૬) રાત્રિ દરમ્યાન એરકંડીશનરનો ઉપયોગ : દિવસ કરતાં રાતનું તાપમાન હંમેશા થોડું ઠંડુ હોય છે જેથી રાત્રિ દરમ્યાન એરકંડીશનરનું તાપમાન નીચું રાખવું જોઈએ. એરકંડીશનરનો સપ્રમાણ ઉપયોગ થવાથી વીજળીના બિલમાં ખાસ્સી બચત થઈ શકે છે. જો બની શકે તો રાત્રે સુતી વખતે એરકંડીશનરમાં આપવામાં આવેલા ‘સ્લીપ મોડ’નો પણ ઉપયોગ કરવો જોઈએ.
૭) મેઈન્ટેનન્સ અને સર્વિસ : એરકંડીશનરના કાર્યક્ષમ ઉપયોગ માટે તેની રેગ્યૂલર સાફસફાઈ અત્યંત આવશ્યક છે. ફિલ્ટર પર ધૂળ અને મેલ જામી જવાને લીધે એરકંડીશનરની હવાને અંદર અને બહાર પરિભ્રમણ કરવામાં તકલીફ પડી શકે છે. આ સંજોગોમાં એરકંડીશનરનો વધારે સમય ઉપયોગ થવાથી વીજળીના વપરાશ વધી શકે છે. જો લાંબો સમય સુધી એરકંડીશનરની સાફસફાઈ ન કરવામાં આવે તો તેની કોઈલ અને અંદરના અન્ય ભાગને નુકસાન પણ થઈ શકે છે તેથી એરકંડીશનરના બહારના ભાગની અને સ્લાઈડિંગ ફિલ્ટરની સાફસફાઈ દરરોજ કરવી જોઈએ. એ સિવાય જરૂર ન લાગતી હોય તો પણ તેનું વાર્ષિક મેઈનટેનન્સ અને સર્વિસ રેગ્યૂલર થાય તે ધ્યાન રાખવું જોઈએ.

૮) બહારની હવા : જ્યારે રૂમ કે ઓફીસમાં એરકંડીશનર ચાલતું હોય ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બહારની હવાની અવરજવર ન થતી હોય. બારીબારણા અને નાના હોલ, જ્યાંથી હવાની અવરજવર થઈ શકે તેમ હોય તો તેને એરકંડીશનર ચાલુ હોય તે સમય દરમ્યાન બંધ રાખવા જોઈએ. બહારની ગરમ હવા જો રૂમના વાતાવરણમાં ફેલાય તો એરકંડીશનરને રૂમ ઠંડો રાખવા માટે વધારે સમય કાર્યરત રહેવું પડે છે જે વીજળીના વપરાશ અને એરકંડીશનરની કાર્યક્ષમતા પર અસર કરે છે.
૯) આઉટડોર યુનિટ : સ્પ્લિટ એરકંડીશનરની બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેનું આઉટડોર યુનિટ જ્યાં લગાવવામાં આવે ત્યાં તડકો ન આવતો હોય. જો આ યુનિટ પર સૂરજની ગરમી લગાતાર પડતી હોય તો તેની કાર્યક્ષમતા પર ઘણી અસર થઈ શકે તેમ છે. યુનિટની અંદરના ભાગ ગરમ થવાને કારણે લાંબેગાળે કમ્પ્રેસર અને અન્ય ભાગમાં નુકસાન થવાની સંભાવના પણ રહે છે. જો અન્ય કોઈ જગ્યા ન હોય તો યુનિટની આસપાસ તડકો ન આવે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ.

તો આ પ્રકારના વિવિધ ઉપાયો થકી વીજળીના વપરાશમાં ઘણો ફાયદો થઈ શકે એમ છે. સામાન્ય રીતે આપણે સૌ દરેક ઈલેક્ટ્રીક વસ્તુઓનો ઉપયોગ કરી જાણીએ છીએ પણ તેની કાર્યક્ષમતા પાછળ કયા કારણો અસર કરે છે એ જાણતા ન હોવાથી વસ્તુનો મહત્તમ ઉપયોગ કઈ રીતે થઈ શકે તે બાબતથી અજાણ હોઈએ છીએ. આ આર્ટીકલ થકી એરકંડીશનરનો ઉપયોગ કરતી વખતે આપણે કઈકઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણવા મળશે. વળી, વીજળીનો ઓછો વપરાશ કરવામાં અને એરકંડીશનરની કાર્યક્ષમતા ટકાવી રાખવામાં આ આર્ટીકલ ઘણો મદદરૂપ થશે.
લેખન સંકલન : ધવલ સોની

જે મિત્રોને આની આગળનો ભાગ વાંચવાનો બાકી છે તે અહિયાં પાર્ટ-૧ પર ક્લિક કરો. આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો, દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

Exit mobile version