વિઘ્નહર્તા – ઘરનું ઘર લેવાના તેના સપના વચ્ચે હતા ફક્ત દોઢ લાખ રૂપિયા પણ… અંત ચુકતા નહિ…

“જુઓ પંકજભાઈ હવે બહુ ના ખેંચતા, આતો તમે જાણીતા એટલે હું થોડી શરમ ભરૂ , બાકી મારે અત્યારે ખુબજ નાણાંભીડ છે એટલે મોડામાં મોડા તમે સાતમી તારીખ સુધીમાં પતે એવું કરજો” ” બધું તૈયાર છે. તમે મારા પર ભરોંસો રાખજો એ મકાન મારા ઘરનાં બધાને ગમી ગયું છે. અમારે એ વેચાણ રાખવાનુજ છે. બસ સાતમી સુધીમાં તો હું આપને બાકીના રૂપિયા પૂરે પુરા સ્યોર આપી દઈશ.” પંકજે તેમને ખાતરી આપેલી.

પતિ-પત્ની બંને મળતાવળા સ્વભાવનાં. મહોલ્લાનાં ઘણા લોકોને કે બાળકોને કોર્ટ કચેરી કે શાળાના કામમાં મદદ કરે. એમ માનોને કે પંકજે બહારથી આવીને સુરૈયાની ખડકીમાં પોતાની આગવી દુનિયા ઊભી કરી હતી. તેમનાં બાળકો પણ ખડકીનાં ભાઈબંધ- મિત્રો સાથે એવાં હળીમળી ગયાં હતાં, કે તેમને પણ આ જગ્યા છોડીને બીજે રહેવા જવાની ઈચ્છા ના હતી. રૂપિયાની સગવડ થઈ જશે તેવા પુરા વિશ્વાસથી મકાનનું સાતમી તારીખનું બાનાખત પણ કરાવી નાખ્યું.

image source

ઘર એટલે દુનિયાનો છેડો ! જ્યાં હા…શ બોલીને લાંબા થઈ શકાય તે ઘર ! એવીજ રીતે પંકજ-નિરુનું ઘર હતું , પણ ભાડાનું ઘર. તેમણે સ્વપ્નું સેવ્યું , ‘ સરૈયાની ખડકીવાળું આ ભાડાનું ઘર આપણું પોતાનું થાય.’ મકાન સસ્તામાં મળતું હતું એટલુંજ નહીં, મકાનના બાંધકામની સ્થિતિ સારી હતી. લોકાલિટી પણ એટલી સરસ કે શહેરના મધ્ય ભાગમાં. શાળા, કોર્ટ કચેરીઓ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન અને બજાર સમાન અંતરે નજીકમાં.

મોટા ભાગના રૂપિયા આપી દીધા હતા. હવે સવાલ હતો માત્ર દોઢ લાખ રૂપિયાનો. એની વ્યવસ્થા પણ થઈ ગયેલ હતી. પંકજે જીપીફંડ ઉપાડ માગ્યો હતો. નાણાં મળવાનાં જ હતાં પણ પ્રોસીઝર થોડો લાંબો હતો. ” અરે યાર ! પંકજ તારા માટે કાંઈ ના હોય ? આવજે ને તું તારે, તારા માટે આપણા દરવાજા ઉઘાડાજ છે” આવું ઘણા મિત્રો કહેતા. આથી હૈયે થોડી હામ હતી. સવાલ હતો ફક્ત દોઢ લાખનો.

image source

‘ પેલા વિપુલિયા ને પકડીશ તો આટલી રકમ તો તે હસતાં હસતાં આપી દેશે. આપણે ક્યાં એના ઘાલવાના છે.’ તે ઘરે આવે ત્યારે ઘણી વખતે કહેતો ” ભાભી તમે જો મદદ ના કરી હોત તો એ બરફના કારખાના ના સોદામાં હું પડયો જ ના હોત. એ જમાનાના તમારા પંદર હજાર રૂપિયા અત્યારના પંદર લાખ કરતાંય વધી જાય. તમારી પાસેથી ઉછીના લીધેલા રૂપિયાથી તો મારા નસીબનાં દ્વાર ઉઘડી ગયાં. બસ ત્યારથી તો હું બે પાંદડે થયો.”

પંકજને વિશ્વાસ હતો કે આવા એક બે જણને પકડીસને તોય દોઢ લાખતો રમતાં રમતાં ભેગા થઈ જશે.

વળી પાછો એક દિવસ ગુણવંતભાઈનો ફોન આવ્યો. ” અરે પંકજભાઈ જુઓ તમારા વાયદાને ત્રણ દિવસ આડા રહયા. મામલો સાંભળી લેજો એટલે હું આગળ ખોટો ના પડું. આજે એ મકાનનું પૂછવા બે ઘરાક આવ્યાં હતાં. હાર્ડ કેશની ઓફર હતી. પણ આપણે જૂની ઓળખાણ અને તમે સાતમી તારીખ સુધીનું બાનાખત કરાવી લીધું છે, એટલે મેં એમને પાછા મોકલી દીધા. આ પેલો રાધે નઈ ? મકાનનો લે વેચનો દલાલ. એ મારી પાછળ પડી ગયો છે. પાંચ-દસ હજાર વધુ આપવાની એણે ઓફર કરી હતી. મેં હાલ કોઈને મચક આપી નથી. હવે મારાથી વધુ ટકી શકાય એમ નથી. એટલું ધ્યાન રાખજો.”

image source

પૈસા ચૂકવાઇ જશે તેવી તેણે સામે વાળાને હૈયાધારણ તો આપી પણ સમયતો જાણે દોડતો હોય તેવું તેને લાગ્યું. જીપીએફ ઉપાડની દરખાસ્તવળું આખું પ્રકરણ ઉપલી ઓફિસથી પરત આવ્યું હતું. એમાં એક બે પુરતતાઓ માગી હતી. પુરતતા કરીને દરખાસ્ત ઉપલી કચેરીએ મોકલવામાં આવી હતી પણ નાણાં હાથમાં આવતાં બીજા દસ-પંદર દિવસ તો સહેજેય નીકળી જાય તેમ હતા. રાતભર તેને ઊંઘ ના આવી. તેની પત્ની પણ તેને પડખાં બદલતો જોઈ જાગતી રહી.

” તે તમે વિપુલભાઈ પાસે જઈ આવોને, દોઢ લાખ તો એમને રમત વાત ગણાય ! વળી આપણે ક્યાં મહિનો દિવસ રાખવા છે. અઠવાડિયાનો તો સવાલ છે. ઓફિસમાંથી પૈસા મળે એટલે તરતજ એમને આપણે પાછા આપી દઈશું.” ચિંતાગ્રસ્થ ચહેરે નિરુએ પંકજને સલાહ આપી. ” તારી વાત સાચી નિરુ, પણ સાલું કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો કરેલો નથી, એટલે માગતાં જીભ ઉપડસે કે કેમ એ સવાલ છે !” એણે પોતાની મૂંઝવણ બતાવી.

image source

પગ ઉપડતો ના હતો. તેમ છતાં તે વિપુલ પાસે જવા તૈયાર થયો. બહાર નિકળતોજ હતો ને મકાન માલિક ગુણવંતભાઈ સામેથી દેખાયા. ઘરમાં આવ્યા. પાણી પીધું પણ ભારે ચીંતામાં હોય તેવું લાગ્યું. ” જુઓ પંકજભાઈ, હું ઘણો ટેનસનમાં છું” એ હાંફતા હોય તે રીતે બોલ્યા. ” ટેનસન તો તમારાથી મારેય વધારે છે, વડીલ પણ મારી ગણતરી થોડી ખોટી પડી એટલું જ.” ” પંકજભાઈ જુઓ, એમ કરો, તમારા પૈસા હાલ તમને પરત કરું છું. જે તમે મને કાલ સાંજ સુધીમાં એક સામટા આપજો. જો તમે ના આપી શકો તો પછી બાનાખતની શરત મુજબ આપણો સોદો રદ સમજવાનો. ” પૈસાની બેગ પંકજને પરત આપતાં તેઓ બોલ્યા.

” પણ…પણ..ગુણવંતભાઈ ! ” એ કાંઈ આગળ બોલે તે પહેલાં વાતને કાપતાં ગુણવંતભાઈ બોલ્યાં ” મકાન ખાલી કરવાનું ટેનસન રાખતા નહીં. હું જે બીજી વ્યક્તિને મકાન વેચવાનો છું તે તમને આ મકાનમાં મહિનો દિવસ રહેવા દેશે બહુ ઉતાવળ કરસો નહિ.” આટલું બોલી એ ચાલતા થયા.

image source

ખડકીના સ્ત્રીવર્ગમાં તો વાત ફેલાઈ ગઈ હતી. “હવેતો નિરુબેન ભાડવાત મટી મકાન માલિક બની જશે. સારું લ્યો, સારાં માણસોને ભગવાન પણ વ્હારે આવે. કેવો સીધી સાદી રીતે સોદો પાર ઉતરી ગયો!” છેલ્લા બે ત્રણ દિવસથી નિરુના કાને આવા શબ્દો પડતા હતા. ‘ ન કરે નારાયણ ને મકાન ખાલી કરવું પડે’ પરત આવેલા પૈસા ઠેકાણે મૂકતી વખતે એના શરીરમાં કમકમિયું આવી ગયું.

ના છૂટકે પછી એ વિપુલ પાસે જવા નીકળ્યો. પૈસા માગવાની વાતની શરૂઆત કેવી રીતે કરવી, રસ્તામાં એવી ગડમથલ કરતો કરતો એતો બરફના કારખાને પહોંચી ગયો. એણે અચકાતાં અચકાતાં વિપુલને પૈસા બાબતે વાત કરી.

image source

” યાર પંકજ તેં આજ પહેલી વખત આ માગણી મૂકી, પણ અત્યારે તો મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે, જો બે દિવસ પહેલાં જ જીઇબીનો રૂપિયા ચાર લાખનો દંડ ભર્યો, એથી હું તો સાવ ખાલી થઈ ગયો, સિઝન પણ જોને મંદી ચાલી રહી છે. ઉપરથી પછી આમારા ધંધાની હરીફાઈ ” પૈસા આપી શકાય તેમ નથી એવું કહેવાને વિપુલ આવો ગોળ ગોળ જવાબ આપ્યો. થોડી આડીઅવળી વાત કરી એ ઘરાક પતાવવા કાંટા પર ગયો ને પંકજે ચાલતી પકડી.

બીજા એક બે મિત્રો યાદ આવ્યા પણ સૌથી સારા આસામીએ હાથ અધ્ધર કરી દીધા, એટલે બીજા મિત્રો પાસે હાથ લાંબો કરવાની એની હિંમત ના ચાલી. કામમાં મન લાગતું ના હતું. હતાશ થઈ તેણે આજે નોકરીની પણ રજા પાડી. ઉદાસ ચહેરે બેઠોલો જોઈ પત્ની કાંઈ પૂછવાની હિંમત ના કરી શકી. સાંજે વાયદાની અવધી પુરી થાતી હતી. તેણે હેડ ઓફીસ ફોન કર્યો તો જાણવા મળ્યું કે તેની નાણાં ઉપાડવાની માગણી મંજુર થઈ ગઈ છે.

image source

બીલ બને, સરકારી તિજોરીમાં, દાખલ થાય ,ત્યાં સુધી સહેજેય ચાર-પાંચ દિવસ નીકળી જાય. પછી નાણાં હાથમાં આવે એમ ગણતરી કરતો હતો. એટલામાં મ્હેલ્લાની એક નાની છોકરી દરવાજે આવીને બોલી ” આ તેમનું ઘર ને આ બેઠા તે પંકજ અંકલ ” તે ગામડાના લાગતા એક અજાણ્યા માણસને તેનું ઘર બતાવતાં બોલી.

” આવો,” એણે મહેમાનને આવકાર આપ્યો.” રંગપુરથી આવ્યો.” મહેમાન બેઠક લેતાં બોલ્યા. ” એક સંબધીને દવાખાને દાખલ કર્યા હતા. તેમની ખબર કાઢવા આવ્યો હતો ને બીજું થોડું કામ હતું . નિરવભાઈ આપની માસીના દીકરા થાયને, તેમણે તમારું સરનામું આપેલું.” રંગપુર ને નિરવનું નામ પડ્યું એથી થોડો એ ચમક્યો. મનમાં વહેમ આવ્યો કે વળી આ ગામડિયો ઉછીના લેવા આવ્યો. ” પંકજભાઈ, આ શહેરના ડોક્ટરો જેવા તેવાની કેડો ભાગી નાખે હો ! માણસને ચીરી નાખે તેવી એમની ફી” ચાની રકાબી હાથમાં લેતાં એ બોલ્યા. પંકજ સમજી ગયો કે મહેમાન ઉછીના રૂપિયા માગવાની પૂર્વ ભૂમિકા બાંધતા લાગે છે.

image source

” ગામડાના ડોક્ટરો સારા અહીં અવાય નહીં” એકતો ટેનસનને આ લપ જલ્દી ઉઠે તો સારું એ વિચારી રહ્યો. એણે પૂછ્યું ,” જમવાનું કેમ છે વડીલ ?” ” જમીને નીકળ્યો છું. એ તકલીફ ના લેતા. આતો નીરવ કહેતો હતો કે પતિ-પત્ની બહુ માયાળુ સ્વભાવનાં માણસ છે. તમારે કાંઈ કામ હોય તો મળજો. એટલે મને થયું લાય ને જતો આવું. ઓળખાણ તો મોટી ખાણ કહેવાય ! ગમે ત્યારે કામ લાગે.” મહેમાન ખુશ થતા બોલ્યા. મહેમાન ભોળા ભાવે બોલે જતા હતા પણ પંકજના મગજમાં અત્યારે હથોડા પડી રહ્યા હતા, એ આ ગામડિયો બિચારો ક્યાંથી જાણે.

નિરુને અધિરી બની ગઈ હતી. તેને ડર હતો કે આટલામાં પેલા ગુણવંતભાઈ આવી ના જાય તો સારું. “હે ભગવાન તું લાજ રાખજે ” તે મનમાં પ્રભુ સમરવા લાગી. જે કામ હોય તે જલ્દી પતાવી તે ઊઠે એવા આશયથી એ બોલ્યો. ” મારા લાયક કાંઈ કામ હોય તો બોલો વડીલ.” ” કામતો હતું. પૈસાનું ” મહેમાન ધીમેથી બોલ્યા. એના શરીરમાં એક ધ્રુજારી છૂટી ગઈ. એની માસીના દીકરા નિરવને એણે મનમાં એક ગાળ ચોપડાવી દીધી. એટલામાં બહાર બાઈકનો અવાજ આવ્યો. એ સફાળો ઊભો થઈ કોણ આવ્યું છે, તે જોવા બારણે આવ્યો. ‘હાશ ! ‘ અનાયાસે ઊંડે ઊંડેથી એક હાશકારો નીકળી ગયો.

image source

” આ જુઓને દવાખાનું અને બીજું એક કામ હતું.” મહેમાન અટક્યા. પંકજની ધીરજ ખૂટવા લાગી હતી. નિરુ સ્તબ્ધ થઈને બધું સાંભળી રહી હતી. એના ધબકારા વધે જાતા હતા. થોડી થોડી વારે એની નજર બહાર રસ્તા પર પહોંચી જાતી હતી. ક્યારેક વળી બીજાની નજર ચૂકવી દીવાલે ટીંગાતા વિઘ્નહર્તાના ફોટા સામે હાથ જોડી લેતી હતી. ” હે દુંદાળા તું દયા કરજે દાદા!” દુકાળમાં અધિક માસ ! કોઈ દિવસ નહીં ને આજે આ મહેમાન એમને આંખના કણા જેવો લાગી રહ્યો હતો.

” અમે બાપ-દીકરો બેય આવ્યા હતા. ટ્રેક્ટરની ટોલી લેવા, મનું ઘેર ગાયોને મને એમકે આ પૈસાનું જોખમ લઈને વારે ઘડીએ શહેરના પાવઠીએ ચડવું સારું નહિ. ટોલીનું બાનું દસ હજાર આપી દીધું. ટોલીવાળો દસ દિવસે ટોલી તૈયાર કરી આપશે. ” મહેમાન થેલીમાંથી રૂપિયાનાં બંડલ કાઢતા બોલ્યા. ” પંકજભાઈ તમને વાંધો ના હોય તો ખાલી દસ દિવસ આ બે લાખ રૂપિયા સાચવો તો તમારો ઉપકાર.” મહેમાને પૈસા ટીપોઇ પર મુક્યા. વળી બોલ્યા “ગણો જુઓ બધી બે હજારવાળી નોટો છે વાર નહીં લાગે. બસોમાં વારેઘડીએ આવું મોટું જોખમ લઈને આવતાં મારો જીવ નથી ચાલતો.”

image source

” પણ એ નિરવને લેતા આવજો ફરી આવો ત્યારે.” પંકજ ઉત્સાહમાં આવી પૈસા ગણવા લાગ્યો. ” લો રજા લઉ ત્યારે, અમે દસેક દિવસમાં ટોલી લેવા આવસુ ત્યાં સુધી સાચવજો. આ શહેરમાં તમારા જેવા વાલેસરી માણસની ઓળખાણ અમને કેટલી કામ લાગી!” બોલતાં બોલતાં મહેમાન ઉઠયા. ” હા પણ આ વખતે આવો ત્યારે જમીને ના આવતા. જમવાનું આપણા ઘેર રાખજો ને એ નીરવિયા ને અમારી યાદ આપજો.” મહેમાનને વિદાય આપતાં એ બોલ્યો. એમને રિક્ષામાં વળાવી નાકેથી એ પરત આવ્યો ત્યારે નિરુ વિઘ્નહર્તાની છબી સામે હાથ જોડીને ઊભી હતી.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ