વિદ્યાર્થી જીવન દરમિયાન આ 8 વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જે આ આદતોથી દૂર રહે છે તે જ અભ્યાસમાં આગળ વધે છે.

વિદ્યાર્થીઓએ દૂર રહેવું જોઈએ આ 8 વસ્તુઓથી, ન રહે તે અભ્યાસમાં હોય છે ‘ઠોઠ’

ભારતના ઈતિહાસમાં આચાર્ય ચાણક્યાનું મહત્વપૂર્ણ સ્થાન છે. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ માનવજીવન માટે ઉપયોગી સાબિત થાય છે. જે પણ વ્યક્તિઓ તેમની નીતિઓનું પાલન કરે છે તેના જીવનમાં સુખ-સુવિધાની ખામી રહેતી નથી. આચાર્ય ચાણક્યએ જીવનની અલગ અલગ અવસ્થાઓ માટેની નિતીઓનું વર્ણન પણ કર્યુ છે. જેમાંથી આજે આપણે જાણીએ વિદ્યાર્થીકાળ માટેની નિતીઓ વિશે. વિદ્યાર્થી જીવન દરમિયાન આ 8 વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જે આ આદતોથી દૂર રહે છે તે જ અભ્યાસમાં આગળ વધે છે.

કામ ક્રોધ અરૂ સ્વાદ, લોભ શૃંગારહિં કૌતુકહિં

અતિ સેવન નિદ્રાહિ, વિદ્યાર્થી આઠૌ તજૈ

આ શ્લોકમાં 8 વાતનો વર્ણન કરવામાં આવ્યું છે જેનાથી વિદ્યાર્થીઓએ દૂર રહેવું જોઈએ. અભ્યાસ કોઈપણ વ્યક્તિના જીવન ઘડતરનો પાયો હોય છે. તેથી જરૂરી છે કે આ પાયો મજબૂત હોય. તો ચાલો જાણી લો કે આ પાયાને મજબૂત કેવી રીતે કરવો.

કામ ભાવના

અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ કામ ભાવનાથી દૂર રહેવું જોઈએ. આ પ્રકારના વિચારોના કારણે અભ્યાસમાં મન લાગતું નથી. વિદ્યાર્થીનું મન વાસનાના વિચારોમાં જ ભટકવા લાગે છે. કારણ કે વિદ્યાર્થી ઉંમરના એવા સમયમાં હોય છે કે ત્યારે તેને કામ જીવન અંગે સમજ હોતી નથી. આવા સમયમાં જો તે મન પર કાબૂ ન રાખે તો અભ્યાસ પૂર્ણ થઈ શકતો નથી.

ક્રોધ


ક્રોધ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ ગણાય છે. ક્રોધ કરનાર વ્યક્તિની સમગ્ર શક્તિ નષ્ટ થઈ જાય છે. વ્યક્તિના મન પર ક્રોધ હાવિ થઈ જાય તો તે વિચાર કરી શકવા માટે પણ સક્ષમ રહેતી નથી. તેથી અભ્યાસુ વ્યક્તિએ મનને શાંત જ રાખવું.

લાલચ


લાલચ સૌથી ખરાબ બલા કહેવાય છે. લાલચમાં જે વ્યક્તિ ફસાય છે તે ક્યારેય બહાર આવી શકતી નથી. વિદ્યાર્થીઓએ તો ખાસ લાલચથી દૂર રહેવું જોઈએ. ઓછી મહેનતે ઉત્તિર્ણ થવાની લાલચમાં એવા કોઈ કામ ન કરવા જે સફળતાના રસ્તામાં બાધા બની જાય.

સ્વાદ


સ્વાદિષ્ટ અને ચટપટું ભોજન કોને ન ભાવતું હોય? પરંતુ આ પ્રકારના ભોજનની અસર મન પર થતી હોય છે. તેથી અભ્યાસના સમયે સ્વાદનો મોહ છોડી સંતુલિત આહારને મહત્વ આપવું. સંતુલિત આહાર લેવાથી અભ્યાસ સારી રીતે કરી શકાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

શ્રૃંગાર


આજકાલ કોલેજ જતી યુવતિઓ અને યુવકો પણ પોતાના અભ્યાસક્રમ કરતાં વધારે પોતાના દેખાવ પર વધારે ધ્યાન આપે છે. આ આદતને પણ ચાણક્ય નીતિમાં નુકસાનકારક જણાવી છે. જરૂર કરતાં વધારે શ્રૃંગાર, સાજ-સજાવટ કરનારનું ધ્યાન અભ્યાસમાં હોતું નથી. આવા શોખીનો સારું પરિણામ મેળવી શકતાં નથી.

મનોરંજન


વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાથે રમતગમત પણ જરૂરી છે. પરંતુ તેનો અતિરેક પણ હાનિકારક હોય છે. જો કે આજકાલ તો વિદ્યાર્થીઓ કોલેજમાં પહોંચે તે પહેલાં જ તેમની પાસે સ્માર્ટફોન આવી જાય છે. જેનાથી મનોરંજનના અનેક રસ્તાઓ ખુલી જાય છે. જો કે આ પ્રકારનું મનોરંજન વિદ્યાર્થીઓ માટે જોખમી છે. આપણી આસપાસ એવા કિસ્સાઓ પણ બનતા હોય છે જેમાં આ પ્રકારના મનોરંજનના ગંભીર પરિણામો બાળકોની બરબાદીનું કારણ હોય છે.

ઊંઘ


અભ્યાસ કરવા બેસે તે દરેક વિદ્યાર્થીને ઊંઘ તુરંત આવવા લાગે છે. મોબાઈલ હાથમાં લઈ અડધી રાત સુધી જાગી શકતાં વિદ્યાર્થીના હાથમાં પુસ્તક આવે એટલે આંખો ઘેરાવા લાગે છે. આ કહાની પણ ઘરે ઘરની હોય છે. પરંતુ આચાર્ય ચાણક્ય જણાવે છે કે વિદ્યાર્થીઓએ માત્ર 6થી 7 કલાકની ઊંઘ જ કરવી જોઈએ. તેનાથી વધારે ઊંઘ કરનારને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સેવા


આમ તો સેવાને સત્કર્મ કહેવામાં આવે છે. પરંતુ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તેમનો સમય સેવાકાર્યોમાં વધારે ન આપવો જોઈએ. આમ કરવાથી તેમના અભ્યાસ પર અસર થાય છે. તેથી આ સત્કર્મથી અભ્યાસના સમય દરમિયાન દૂર રહેવું હિતાવહ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ