વેવાણ – આયુષી સેલાણી લિખિત એક દિલની વાત !! અચૂક ને અચૂક વાંચજો !!

“અરે કામિનીબહેન, તમે તો મારા બેનથીયે વિશેષ છો હો.. મારી મૈથિલીને તમે વહુ નહિ દીકરીની જેમ જ સાચવશો તેવી મને ખાતરી છે.”

સુનયનાબહેન પોતાની દીકરીની વિદાય વખતે વેવાણ કામિનીબહેનને કહી રહ્યા હતા.

સુનયનાબહેનને એક દીકરી મૈથિલી તથા દીકરો મૃદુલ. મૃદુલના લગ્ન તેઓએ હજુ બે મહિના પહેલા જ મિરિતા જોડે કરાવ્યા હતા. દીકરો ને વહુ જાણે રામ-સીતાની જોડી જેવા. સુનયનાબહેનના પતિ શ્રીધરભાઈ વરસ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેથી તેમણે જમા કરેલા પૈસા બેંકમાં રાખી સુનયનાબહેન વ્યાજ વડે ઘર ચલાવતા.

મૃદુલ તો અમેરિકા રહેતો અને ત્યાં જ નોકરી કરતો. તેણે ઘણી વખત માઁને ત્યાં આવી જવા આગ્રહ કર્યો હતો પરંતુ સુનયનાબહેન ભારત છોડી ક્યાંય જવા માંગતા નહોતા. મૃદુલ જયારે રજાઓમાં અમેરિકાથી આવ્યો ત્યારે તેઓએ તેના મિરિતા જોડે તેના લગ્ન કરાવ્યા. મૃદુલ માટે પણ માઁની પસંદગી એ જ આખરી પસંદગી હતી. પછી તો દીકરી મૈથિલી માટે પણ તેઓ યોગ્ય મુરતિયો શોધવા લાગ્યા.

ને તેમની નજરમાં જ્ઞાતિના એક પ્રસંગમાં મલ્હાર નજરે પડી ગયો. તે પછી તો તેના પરિવાર વિશે પૂરતી તપાસ કરીને સુનયનાબહેને તેમને દીકરીને જોવા આવવાનું કહેણ મોકલાવ્યું. મૃદુલ ભારતમાં છે ત્યાં સુધી દીકરીના લગ્ન થઇ જાય તો સારું તેવી સુનયનાબહેનની ઈચ્છા હતી. મલ્હાર પોતાની માઁ અને પિતા રસિકભાઈ સાથે રહેતો. ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા રસિકભાઈએ દીકરા મલ્હારના કહ્યા બાદ ઘરની બાજુમાં જ પોતાનું નાનકડું શોપિંગ સેન્ટર શરૂ કર્યું હતું. મલ્હાર ત્યાં જ બેસતો. સુનયનબાબેનને ખાતરી હતી કે આવા ખાનદાન કુટુંબમાં પરણાવ્યા બાદ દીકરી ક્યારેય દુઃખી નહિ થાય.

બસ પછી તો એ દિવસ ને આજનો દિવસ. એક મહિનામાં તો બધું નક્કી કરીને આજે સુનયનાબહેન પોતાની લાડલીને પરણાવી રહ્યા હતા. મૈથિલી પણ ખુબ જ ખુશ હતી. સુનયનાબહેનના સંસ્કાર એટલે જાણે નો ટચનું સોનુ. તેમના બન્ને બાળકો અત્યંત સમજદાર અને સુશીલ. એમાંય મૈથિલી તો જાણે આ કળજુગની કહેવાય જ નહિ. ક્યાંય તેને આ કળયુગ સ્પર્શ્યો નથી.

મૈથિલીના લગ્ન બાદ બીજા જ દિવસે તેને પોતાના પરિવારની વ્યવહારિક્તાનો અને ખાનદાનીનો અનુભવ થઇ ગયો. એમાં થયું એવું કે સવારે વહેલી જાગીને મૈથિલી રસોડામાં ગઈ.

“માઁ બોલો શું કામ કરવાનું છે? હવે બધું કામ હું કરીશ. તમે બસ મને શીખવાડતા રહેજો અને ચીંધતા રહેજો. બાકી તમારે આરામ જ કરવાનો છે.”

કામિનીબહેન તો જાણે આવી વહુ મેળવીને ધન્ય થઇ ગયા. તેમણે પ્રેમથી મૈથિલીને કહ્યું કે તારે હમણાં કંઈ જ કામ કરવાની જરૂર નથી. ધીમે ધીમે બધું થશે. તું અત્યારે તારા લગ્ન પછીના સમયને બસ માણતી રહે.

મૈથિલીને પણ જાણે સ્વર્ગ સમું સાસરું મળ્યું.ચારે તરફ આનંદની છોળો ઊડતી હતી. સમય ક્યાં પસાર થઇ રહ્યો હતો તેનો અંદાજ પણ નહોતો. બધા એકબીજાની સાથે ખુબ જ ખુશ હતા.

એવામાં એક દિવસ કામિનીબહેનને રસોડામાં કામ કરતા કરતા ચક્કર આવ્યા ને તેઓ પડી ગયા. મૈથિલી તો ખુબ ગભરાઈ ગઈ. પાપાજી ને મલ્હાર બન્ને કામસર બહારગામ ગયા હતા. તેને સુજ્યું નહિ કે શું કરવું તેથી તેણે પોતાની માઁને ફોન કરીને ઘરે બોલાવી. સુનયનાબહેને આવતાવેંત જ કામિનીબહેનનું બીપી તપાસ્યું.

ખુબ હાઈ બીપી હતું તે જોઈને તેઓએ ડોક્ટરને ફોન કરીને ઘરે બોલાવ્યા. ડોક્ટરને આવીને તપાસ કરીને કહ્યું કે ગેસ અને એસિડિટીના કારણે આવું થયું હતું. પછી તો સુનયનાબહેન તેમની સાથે જ રહ્યા આખી રાત. મલ્હારને ફોન કરીને બધું જણાવ્યા બાદ કહી દીધું હતું કે ચિંતા કરવાની જરૂર નથી. બાવીસ વરસની દીકરીને વળી રોગમાં ને તેના ઉપચારમાં શું ખબર પડે એટલે પતે હા જ રહેશે તેમ કહ્યું.

સુનયનાબહેને મૈથિલીને કહ્યું,

“સારું કર્યું દીકરી તે મને બોલાવી જ લીધી. નહીંતર તો તું એકલી શું કરત..!”

પછી તો સુનયનાબહેને કામિનીબહેનની સારવારમાં કોઈ કસર ના રાખી. આખી રાત તેઓ તેમની બાજુમાં જ રહ્યા. ઘડી ઘડી જાગીને વધારે ખાંડ વાળું લીંબુ પાણી બનાવીને પીવડાવતા રહ્યા. વળી કલાકે કલાકે બીપી તો માપી જ લે. કામિનીબહેનને બાથરૂમ જવું હતું તો ત્રણ વખત તેમનો હાથ પકડીને તેમને લઇ ગયા. પંખા વગર ક્યારેય ઊંઘ ના કરવા વાળા સુનયનાબહેને કામિનીબહેનને ઠંડી લાગતી હતી તેથી પંખો બંધ રાખ્યો. આખી રાત એમનો હાથ પકડીને સુતા રહ્યા.

સવાર પડતા તો રસિકભાઈ અને મલ્હાર આવી ગયા. બંને કામિનીબહેનના ઓરડામાં ગયા ને જોયું તો બંને વેવાણ એકબીજા સાથે ગપાટા મારતી હતી. એક રાતમાં જ સુનયનાબહેને કામિનીબહેનને દોડતા કરી દીધા. મલ્હાર તો જઈને સાસુમાને ભેટી પડ્યો ને ગાલ પર એક ચુંબન પણ કરી લીધું.

પછી તો નક્કી થઇ ગયું. દર રવિવારે પાંચેય જણા ભેગા થાય અને ફરવા જાય. પછી સાંજના 6 થી 9 ના શોમાં બન્ને વેવાણ એકલી ફિલ્મ જોવા જાય. હવે જાણે વેવાણ નહિ પણ બેનપણીઓ જ હતી.

આમ ને આમ સમય પસાર થઇ ગયો. એક દિવસ મૈથિલીએ ઘરના બધાને પોતાના ગર્ભવતી હોવાના સમાચાર આપ્યા ને તે દિવસે પાંચેય ફરી એક વખત બહાર જમવા ગયા.

પછી તો આનંદમાં દિવસો પસાર થતા ગયા. કામિનીબહેન પોતાની વહુનું દીકરીની જેમ ધ્યાન રાખતા. તેને કોઈ જ વાતની તકલીફ ના પાડવા દે પરંતુ એક દિવસ અચાનક કામિનીબહેનને ફરી ચક્કર આવ્યા ને તેઓ મૈથિલી માટે રસોડામાં રાબ બનાવી રહ્યા હતા તે બધી ઢોળાઈ ગઈ ને તેઓ પડી ગયા. સદ્ભાગ્યે ત્યારે મલ્હાર ઘરમાં જ હાજર હતો તેથી તેની માઁની બૂમ સાંભળીને સીધો ત્યાં દોડી ગયો. પછી તો ડોક્ટર આવ્યા ને તેમણે કામિનીબહેનને ગેસ્ટ્રીક બાયપાસ કરવાનું કહ્યું. મૈથિલીને પણ છઠો મહિનો જતો હતો. જો સર્જરી થાય તો કામિનીબહેનનું ધ્યાન રાખવા મૈથિલી અસમર્થ હતી. તેવા સમયે સુનયનાબહેને કહ્યું કે તેઓ બંનેનું ધ્યાન રાખશ.

કામિનીબહેનની સર્જરી થઇ. સુનયનાબહેન તેમની પડખે સતત ને સતત રહેતા. વળી દીકરી મૈથિલીની રોજિંદી કાળજી ને જરૂરિયાતો પણ સાચવતા.

ધીમે ધીમે કામિનીબહેનને સારુ થતું ગયું અને મૈથિલીની સુવાવડની તારીખ નજીક આવતી ગઈ.

આખરે એ દિવસ આવી જ ગયો. બધા જ ઓપેરેશન થિયેટરની બહાર કાગડોળે સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા. કામિનીબહેન પણ એકદમ ઠીક હતા. ત્યાં જ ડોકટરે બહાર આવીને બધાને ખુશખબરી આપતા કહ્યું કે દીકરો થયો છે. ને બધા જ જાણે અંદર જવાની ઉતાવળ કરવા લાગ્યા. ત્યાં જ કામિનીબહેને મલ્હાર ને રસિક્ભાઈને ના કહી અને બોલ્યા,

“આ દીકરા પર પ્રથમ અધિકાર તેના નાનીમાનો જ છે. પોતાના દોહિત્રને પ્રથમ ચુમવાનો, ગળે વળગાવાનો અધિકાર તેમનો જ છે. સમાજ ભલે તેના દાદા દાદીને પહેલા અભિનંદન આપતો પરંતુ આજે હું તમને પ્રથમ અભિનંદન આપું છું બહેન. મારી બહેન.

જાવ સુનયનાબહેન. તમારો દોહિત્ર તમને મળવા આતુર છે…!!”

ને જાણે આ સાંભળી ત્યાં રહેલા દરેકની આંખમાંથી આંસુ સરી પડ્યા…

સુનયનાબહેન બોલ્યા,

“બેન હું તેર વરસની હતી ને ત્યારે મારી માઁને બીજી દીકરી આવેલી. એ ઢીંગલી મને એટલી વહાલી કે વાત ના પૂછો. જાણે મને નવું રમકડું મળી ગયું હતું. હું હંમેશ તેની ચારેકોર ફરતી રહેતી. તે જયારે છ મહિનાની થઇ ત્યારે એક દિવસ હું તેને ઘોડિયામાં સુવરાવીને હીંચકા નાખતી હતી. ઉત્સાહમાં ને ઉત્સાહમાં હું એટલા જોરથી હીંચકા નાખવા લાગી કે મને ધ્યાન ના રહ્યું કે ક્યારે એ ગબડીને નીચે પડી ગઈ. તેના માથામાં એટલા જોરથી વાગ્યું કે ત્યારે ને ત્યાં જ મારી એ ઢીંગલી મને છોડીને ચાલી ગઈ……!!!!

બસ તમને જોયા ત્યારથી તમારામાં મારી બહેનની છબી જોતી હું મારી વેવાણ..!! આજે તમે મને બહેન કહીને નાનપણના એ અપરાધભાવથી મુક્તિ આપી..!!!”

ને બંને વેવાણ એકબીજાને ભેટી પડી.

લેખક : આયુષી સેલાણી

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ