વેરના વળામણા – એક શિક્ષિકાના સાહસથી આવ્યો અંત વર્ષો જૂની દુશ્મનીનો…

💐વેરના વળામણા💐

“” …એ..ક્યાં ગયો.. મોન્ટુ ??? એ મોન્ટુ… !! ” પેટમાં ફાળ પડી ગઈ !!! અમૃતા હાથમાંની બધી વસ્તુ એ દુકાનમાં જ લગભગ ફેંકતી હોય તેમ નાખીને ભાગી… “… ઉપાડી જ ગયા.. !!! આ વખતે તો એમને બરાબરનો પાઠ ભણાવવો પડશે !! અમૃતાનો જીવ અધ્ધર ચડી ગયો !! એ સમજી ગઇ હતી કે આ કોનું કારસ્તાન હશે !! ઘરે આવીને દીવાલેથી એણે ફટાફટ બંદૂક ઉપાડી , જે બંદૂકને હાથ ન લગાડવાના એણે પોતાના પતિને સોગન આપ્યા હતા !! આજે પોતે રણચંડી બનીને બંદૂક લઇને દોડી…


એ સીધી જ જસાપરમાં આવી પહોંચી… અને ત્યાં આવેલી હવેલીમાં જઈ, દરવાજો ખોલીને ત્રાડ પાડી.. ” મારી અમાનત કોણ લઇ ગયું ???? કોની હિંમત થઇ ????? આજે હું એને બક્ષવાની નથી !!

. અને એના એક અવાજે, હવેલીમાં રહેલ દરેકેદરેક વ્યક્તિ બહાર આવી ગઈ..!! કોને ખબર ક્યા બંધનથી એ પોતે જયસિંહ સાથે જોડાયેલી !!! નોકરીનો ઓર્ડર હાથમાં આવ્યો એ પહેલાં તો આ ગામનું નામ પણ નહોતું સાંભળ્યું !! હજુ તો શિક્ષિકા તરીકે નોકરીનો પહેલાં જ દિવસ હતો… અને હવે અહીં નોકરીનો સ્વીકાર કરતાં હવે પોતાને આ ગામમાં જ રહેવા માટે ઘર માટે ભાડે રાખવું પડશે એમ વિચારી ને નિશાળ છૂટયા પછી બીજા એક શિક્ષિકા બેન ની સાથે ગામમાં જવા નીકળી હતી !!


ત્યાં અચાનક, એક બાળકની પાછળ, ચાર પુરુષો હાથમાં બંદૂક સાથે આવી પહોંચ્યા અને …. એ છોકરો , ” એ ટીચર કરતો .. એ ટીચર…. મને બચાવી લો..!!!.” કરતોકને અમૃતાને વળગી ગયો !! અમૃતા કંઈ સમજે, એ પહેલાં જ એ પુરુષો એને કહેવા લાગ્યા, ” આજે તારુ બચવું મુશ્કેલ છે!! આજે તો તું બચી નહીં શકે !! આજ તો તારી ખેર નથી !!! … અને તારા બાપને ખબર પડશે હવે !!” એમ કહીને અમૃતાની પાછળ લપાયેલા છોકરાને લેવા, એક આદમી હાથ લંબાવે છે….

અમૃતા હિંમતથી ગુસ્સો કરીને, આ બાળક પાછળ દોડી આવેલા આ ત્રણ-ચાર પુરુષોને કહે છે, ‘તમને શરમ નથી આવતી ??? નાદાન બાળકને આ રીતે ડરાવતા ?? આવી રીતે કોઈ બાળકને ડરાવો તો એનો માનસિક વિકાસ પણ રૂંધાય જશે !!! આટલા નાના બાળકને સાથે આવી રીતે વાતચીત કરાય ?? ત્યારે એ ચાર પુરુષોમાં નો એક અટ્ટહાસ્ય કરતા બોલે છે, “વિકાસ તો ત્યારે રૂંધાશે, જ્યારે આ છોકરો આયાંથી જીવતો જાહે !!”


અમૃતાની સાથે રહેલા શિક્ષિકાબેન અમૃતાને બોલતી અટકાવવા માંગે છે, પણ, અમૃતા ડર્યા વગર, એ છોકરાને પોતાની એ પાછળ છુપાવીને કહે છે, “જોઉં છું !! મારી પાસેથી આ છોકરો તમે કેવી રીતે લઈ જાવ છો ?? ” એ ચાર માન એક પુરૂષ બોલે છે , એ માસ્તરાણી બેન રહેવાદો !! આ અમારા આપસનો મામલો છે !તમે વચમાં ન પડો! અમૃતાની સાથે રહેલ શિક્ષિકાબેન અમૃતાને સમજાવે છે.. “મૂકી દો આ બાળકને ! આ બંને કુટુંબ વચ્ચે પેઢીઓથી દુશ્મનાવટ ચાલી રહી છે !! બંને કુટુંબ એકબીજાના લોહીના તરસ્યા છે.!! “””

ત્યારે એ પુરુષોમાંથી એક પુરૂષ બોલે છે, ” લોહીના તરસ્યા અમેં નથી એ લોકો છે! અને જો એ સમજતાં હોય કે અમે એમનાથી ડરીએ છીએ, તો અમારે ય એમને બતાવી જ દેવું પડે કે અમે પણ બંગડીઓ નથી પહેરી !! અને એ બાળકને લેવા માટે હાથ લાંબો કરે છે… અમૃતા બોલી, ” ખબરદાર !!, જો કોઇએ હાથ પણ અડાડ્યો છે તો !! અરે, ભારત આઝાદ થઇ ગયું એને કેટલા વર્ષો વીતી ગયા.. , છતાં હજુ તમે ક્યાં રાજા રજવાડા અને વેરઝેરમાં જ ઊભા છો !!


જરાક આંખો ખોલીને જુઓ તો ખરા !! દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે ??? અને આપણે હજુ નાત-જાત ,વેરઝેર, અને ઝગડામાંથી ઊંચા આવતા નથી !! જુના રીતરિવાજો છોડો ,કજિયાકંકાસ મૂકો, અને આ બાળકોને શિક્ષણ અપાવો !! “..પણ, અમારો બાપ-દાદાનો ચાલ્યો આવતો ચીલો છોડી દઈએ ?? અમારી પરંપરા નો અમે કેવી રીતે ત્યાગ કરીએ ??

અમૃતાએ જવાબ આપ્યો, “શું તમે હજુ પણ, જેવી રીતે તમારા બાપદાદા જીવતા હતા, એ જ રીતે જીવો છો ?? એવા જ કપડાં પહેરો છો ?? એવુ જ ખાવાનું ખાવ છો ? તમે વાહન શું કામ વાપરો છો ?? ” જીપ સામે આંગળી ચીંધીને બોલે છે !! “એ લોકો પગે ચાલીને જતા હતા તો તમે કેમ વાહન અપનાવી લીધું ??? એ લોકો પહેરતા હતા, એવા કપડાં તમે કેમ પહેરતા નથી ?? અને અમૃતા, એ લોકોના કપડાં સામે જોવે છે ?? જીવનમાં જીવવાનો ફેરફાર લઇ આવો છો !! વિચારમાં ફેરફાર કેમ નથી લઈ આવતા ??

આ તો આપણને જે ગમે તે વસ્તુ આપણે ન બદલીએ અને જે વસ્તુ નથી ગમતી તેને બદલી નાખીએ છીએ !!બદલવું હોય તો બધું જ બદલવું !! ન બદલવું હોય તો કંઈ જ ન બદલવું જોઈએ !!જો તમારે બાપદાદાની પરંપરાના ચીલે જ ચાલવું હોય તો, તમારા બાપદાદાની જેમ જ તમારે ખાવું પીવું હરવું ફરવું બોલવું-ચાલવું બધુ જ કેમ નથી કરતા ???

જેવી રીતે એક શિક્ષક પોતાના વર્ગખંડમાં કોઈ તોફાની બાળક ને સમજાવે તે રીતે જ, અમૃતાએ આ ચારેયને બરાબરના ખખડાવી નાખ્યા… અત્યાર સુધી સાંભળતાં હતાં એ ચારમાંથી એક ને ખૂબ ગુસ્સો આવ્યો… એ આગળ આવીને અમૃતા સામે હાથ ઉગામે છે …ત્યાં એમાનો જ એક યુવાન તેની સામે રહેલા ત્રણેય પુરુષોને કહે છે, “દાદા, આ જ હવે રહેવા દો !! એ કરડાકીભર્યા અવાજે બોલે છે ..

દાદા એંના પર ગુસ્સો કરીને કહે, “એલા બે બદામની આવી બાઈથી ડરી ગયો ?? આજે આપણે ખાલી હાથે જવાનું નથી !! તને ખબર જ છે કે આ સોકરાના બાપે તારા બાપને અને બે કાકાને કેવી રીતે મારી નાખ્યા હતા.. ??હવે આજે આ છોકરો એના વંશવારસ નો એકમાત્ર આધાર છે ?? મહામુશ્કેલીએ આઇજ આ આપણા હાથમાં આઇવો સે !!આજે એને જવા દઉં તો મારુ કુળ લાજે !!”


ત્યારે અમૃતા તેમને સમજાવતાં કહે છે, ” આજે તમે આને મારો, વળી પાછા, એનો બાપ આવીને તમારા ખાનદાનને પતાવી દે, પછી તમારા છોકરા, એના બાપને પતાવે !! આવું જ ચાલવા દેશો ??? આવી નબળી માનસિકતામાંથી બહાર નીકળવું કે ના નીકળવું ??? કઈ સદીમાં જીવો છો તમે ?? તમારા બાળકોને શિક્ષણ આપો !! શાંતિથી જીવો અને જીવવા દો !!

” એ બેન, બસ થયું બહુ !! અમે આ બધું સાંભળીએ છીએ એટલે ??? એમ કહીને વળી પાછો એક આદમી પેલા છોકરાનું બાવડુ પકડવા આગળ આવે છે !! ત્યારે અમૃતા, છોકરાને મજબૂતાઈથી પકડીને કહે છે,” મારા શરીરમાં પ્રાણ છે ,ત્યાં સુધી તમે આ બાળકને લઈ તો ન શકો પણ તેનો વાળ વાંકો નહિ કરી શકો !!”

આવી રકઝક ચાલતી હતી ત્યાં બજારમાં બધા લોકો એકઠા થઇ જાય છે… અને ચારે આદમી ખાલી હાથે પાછા ફરે છે …ગામના લોકો અમૃતાની પ્રશંસા કરે છે.. કોઈ એમપણ કહે છે, ” આ મસ્તરાણીબેને નકામા સાપના દરમાં હાથ નાખ્યો છે !!”” એ છોકરાના કુટુંબની કોઈ વ્યક્તિ આવીને પેલા છોકરાને લઈ જાય છે ! અમૃતાને સાથે રહેલા શિક્ષિકાબેન, તેને ભાડે મકાન અપાવે છે …અને તેને ત્યાં સામાન ગોઠવવામાં મદદ કરે છે. પછી નિરાંતે, તેને બધુ જાણવા મળે છે કે આ ગામમાં આ બે કુટુંબો વચ્ચે, પેઢી-દર-પેઢી વેર ચાલ્યુ આવે છે.


આ લોકો કોઈ સમજ્યા સમજે એવા નથી, તમે આ બધાથી દૂર રહેજો ! જે બાળક તમારી પાછળ સંતાવા આવ્યું હતું, તેના પિતાએ પહેલાના કુટુંબના ત્રણ જણાને ઉભી બજારે બંદૂકના ભડાકે દીધા હતા !!

અને ત્યારે, એ એમ કહેતો હતો કે, તમે અમારા એકને મારશો તો અમે તમારા પાંચ માણસો મારશું !! અમૃતાએ પૂછ્યું કે આ લોકો પોલીસમાં ફરિયાદ કેમ કરતા નથી ??” ” પોલીસ ??? અહીં પોલીસ કે કાયદો કોઈ જાણતું નથી. અમૃતા ! અહીં જંગલરાજ છે !! અહીં કાયદો એટલે શું તે કોઈને ખબર નથી !! જેને પાસે હથિયાર હોય એ જીવ લઈ લે !! અહીં તો જીતે એ જીવે !! આ લોકો બંદુકની જ ભાષા સમજે છે!!”

અમૃતાને લાગ્યું કે પોતે આ ગામમાં નોકરી મેળવીને કાંઈ ખોટું તો નથી કર્યુંને ?? પણ, એને ક્યાં ખબર હતી, કે આ ગામ સાથે હવે તો એને એવો નાતો બંધાઇ જવાનો છે કે છૂટયો છૂટવાનો નથી કે તૂટ્યો તૂટવાનો નથી !! બીજે દિવસે સવારે, એ નિશાળે જતી હતી… ત્યારે પહેલા ચાર પુરુષોમાં એક , તેની સામે અચાનક આવીને ઊભો રહી જાય છે.અમૃતા અત્યારે એની સામે ધારીને જોવે છે…

ગોરો વર્ણ, છ ફૂટ ઊંચાઈ, કસાઈ ગયેલો બાંધો, વાંકડિયા ઝુલ્ફાં… જાણે કે નવી નવી ફિલ્મનો હીરો !! જોતાવેંત જ ગમી જાય તેવો દેખાવ !! પણ એનું વર્તન ?? અમૃતાને યાદ આવ્યું કે ગઈકાલે આ જ યુવાન હતો કે જેણે ડહાપણની વાત કરીને પેલા દાદાને અટકાવ્યા હતા . આજે હવે શું લેવા આવ્યો છે ?? અમૃતા કરડાકીથી તેની સામે જોવે છે .અને કહે છે,”

તુ જો એમ સમજતો હોય કે , મને ડરાવે …તો હું કોઈથી ડરું તેમ નથી !!પેઢી દર પેઢીથી ચાલી આવતી વેરઝેરની પરંપરા મને નરી મૂર્ખાઈ લાગે છે !! અને હા, તું એમ માનતો હોય કે અત્યારે મને એકલી જાણીને… બિવડાવીશ, તો જાણી લે ,હું ક્યારેય કોઈથી ડરી નથી અને ડરવાની નથી !!” આમ કહી અમૃતાએ ઘણું બધું ભાષણ એ યુવાનને સંભળાવી દીધું..! આટલું બધું જુસ્સાથી બોલવાથી અમૃતાને હાંફ ચડી ગઇ !! એ થોડીવાર માટે અટકી …અને જોવે છે તો પેલો યુવાન તો મરક મરક હસતો એકીટસે અમૃતાની સામે તાકી રહ્યો છે.. અને અમૃતાનું નખશિખ નિરીક્ષણ કરી રહ્યો છે !!


અમૃતા વિચારમાં પડી ગઈ કે હું આને પૂછતી પણ નથી કે શું કામ છે, અને ઘણું બધું બોલી ગઈ, હવે, તે આગળ કશું બોલ્યા વગર જવા ચાલતી થઈ ગઈ.. અને એ યુવાન, તેને જતી જોઈ રહ્યો !! અમૃતાએ જેટલી વાર પાછળ ફરીને જોયું, તો એ યુવાન, હજુ પણ અમૃતા તરફ જ જોઈ રહ્યો હતો !! અમૃતા નિશાળમાં પ્રવેશીને પોતાના શાળાકાર્યમાં લાગી ગઈ… અમૃતાની શાળાનો સ્ટાફ ખૂબ સારો હતો.. વિદ્યાર્થીઓ પણ વ્યવસ્થિત હતા. પાંચ કલાક ક્યારે પૂરી થઈ ગઈ ખબર ન પડી !

અને જેવી નીશાળ છૂટી કે તરત બહાર આવતા જ તેણે જોયુ કે જે યુવાન એને સવારે તાકતો રહ્યો હતો.. તે જ યુવાન નિશાળથી થોડે દૂર વિશાળ વૃક્ષની બાજુમાં નિશાળની સામે જોઈને ઉભો હતો અને અમૃતા જેવી ત્યાંથી નીકળી કે તરત, તેની સાથે ચાલતો થયો.. અમૃતાએ તેની સામે જોયું ..પણ, એ કંઈ કહેવા જાય તે પહેલાં યુવાને એને મજાનુ સ્મીત આપ્યુ…

અમૃતાએ એની આંખોમાં જોયું.. મોટી મોટી આંખો માં કંઈક એવો જાદૂ હતો કે અમૃતાએ ઘણું બોલવું હતું છતાં એક પણ શબ્દ બોલી ન શકી..

તે ઘર તરફ ચાલતી થઈ.. અને તેણે જોયું કે તે યુવાન થોડું અંતર રાખીને તેની પાછળ પાછળ આવી રહ્યો હતો.. રસ્તામાં લોકોને થોડી અવરજવર હોવાથી ઝઘડો કરવાનું ટાળી.. તે ઘરમાં પ્રવેશી.. ફરીને જુએ છે તો … તે યુવાન પાછો વળી જાય છે !!

આવું થોડાક દિવસ ચાલ્યું… એક દિવસ, અમૃતા પૂછે છે આવી રીતે આમ , આવતા-જતા મારી પાછળ પાછળ ફરીને મને જો ડરાવવા માંગતા હો, તો તમે ખાંડ ખાઓ છો !! હું ક્યારેય કોઈથી ડરી નથી !! ડરીશ નહીં !! તેથી હવે મારો પીછો કરવાનું છોડી દો !!” હજુ ઘણું બધું કહે છે


ત્યારે એ યુવાન કહે છે, ” હું તમને ડરાવવા માગતો નથી !! પણ તમને ખબર છે ??અત્યાર સુધી તમે કેમ જીવતા રહ્યા છો ?? તમારા રક્ષણ માટે હું તમે ઘરમાંથી નીકળો તે પહેલા તમારા ઘરની બાર આવી જાઉં છું અને નિશાળની બહાર નિકળો તે પહેલાં નિશાળની બહાર આવી જાવ છું !! તમને બચાવવા !! ” ઓહો !!, તો તમે મારા બોડીગાર્ડ બન્યા છો !! એમાં તમને કોણે નિયુક્ત કર્યા ?? “એમ કહીને અમૃતા હસે છે..

પેલો યુવાન અમૃતા સામે જોઇને કહે છે, ” તમને મજાક લાગે છે ?? પણ, જો હું તમારી સાથે ન હોત તો ?? અત્યારે જ… જુઓ … તમે કેટલી બંદુકની નિશાની પર છો ?? “” એમ કહી તેની આજુબાજુ નજર કરવા કહે છે ! અમૃતાએ જોયું તો ગુંડા જેવા છસાત લોકો સાચ્ચે જ તેના તરફ જોઈ રહ્યા હતા…” જેવી રીતે શિકારી કૂતરાઓ સસલા તરફ જોઈ રહ્યા હોય !!પ્રશ્નસૂચક નજરે તે યુવાન સામે તાકી રહે છે કે આ કોણ છે ??

ત્યારે યુવાન કહે છે , આ બધા અમારા, એટલે કે અમારા દાદાના જ માણસો છે ! તમે પેલા છોકરાને રક્ષણ આપ્યુ હતું તે દિવસથી દાદાએ આ લોકો સાથે મળીને નક્કી કર્યું છે કે, ” એ છોકરાને પછી મારશું , પહેલાં આ માસ્તરાણીને ઉડાવી દો !! પરંતુ હું સાથે હોવાથી એ કોઈ તમારો કોઈ વાળ વાંકો કરી શકતું નથી !! અમૃતા અસમંજસમાં પડી ગઈ અને એ યુવાનને પૂછે છે , “શા માટે ??? અને ક્યાં સુધી ?? તમે મારું આવી રીતે કેટલું રક્ષણ કરશો ???”

તે યુવાન કહે છે, શા માટે એ ખબર નથી પરંતુ હું જીવીશ ત્યાં સુધી તમારું રક્ષણ કરીશ. અને મને ખબર છે કે મારો વાળ વાંકો કરવાના નથી આ કોઈ, કેમકે દાદાના વારસનું એકમાત્ર સંતાન છુ, મને તો આ બધા લોકો, પોતાના જીવના જોખમે પણ તમારી પહેલા તમારી રક્ષા કરશે અને હું તમારી… રક્ષા કરીશ.. ” અમૃતા નક્કી નહોતી કરી શકતી કે એણે આ ગામમાં આવીને પોતે સારું કર્યું કે ખરાબ ?? પણ, અમૃતાને ક્યાં ખબર હતી કે નિયતિએ જ તેને આ ગામ સાથે જોડી હશે !!


અમૃતા એ યુવાન સાથે આત્મીયતા અનુભવે છે આ ભાવ ધીમે-ધીમે ખબર પડતા ક્યારે પ્રેમ માં પરિવર્તન પામે છે અને એ યુવાન જેનું નામ જય સિંહ છે તે પોતાના પ્રેમનો એકરાર કરતાં અમૃતાને કહે છે, “તમે જ મારું જીવન બની ગયા છો !હું તમારા માટે હથિયાર જ નહિ, પણ તમે જે કહેશો તે છોડવા તૈયાર છું !!”

અમૃતા પણ એક અજીબ ખેંચાણથી જયસિંહ સાથે જોડાઈ જાય છે … બંને સાથે મળીને નક્કી કરે છે… અને નિશાળમાંથી અમૃતાની બદલી કરાવીને આ ગામમાંથી જતું રહેવાનું,અને શહેરમાં બદલી કરાવે છે… હવે, આ શહેરમાં આવીને નજીકના સગાં સંબંધીને બોલાવીને જયસિંહ અને અમૃતા સાદાઈથી લગ્ન વિધિ કરીને પરણી જાય છે.. અમૃતા નોકરી કરે છે અને જયસિંહ પણ એક જગ્યાએ નોકરીએ લાગી જાય છે. અમૃતા ને ખબર હતી કે જયસિંહ માટે ખૂબ જ અઘરી વાત હતી કોઈને ત્યાં નોકરી કરવી તે !! પણ જયસિંહ અમૃતાને એટલો પ્યાર કરે છે કે તે અમૃતાની દરેક ઈચ્છાને ખૂબ જ માન આપે છે !!

જયસિંહ અમૃતાને ખૂબ ખૂબ પ્રેમ કરે છે અમૃતા પણ જયસિંહને મેળવીને પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે !! જયસિંહ અમૃતાને જેટલો પ્યાર કરે છે, તેનાથી વધારે તેનું સન્માન કરે છે !! અમૃતાની કહ્યા વગર જયસિંહ દરેક લાગણીને સમજીને તે પ્રમાણે જ જીવે છે !અમૃતા પણ જયસિંહ સાથે સંસારનું સ્વર્ગથી પણ વધારે સુખ માણે છે !!

તેમના સંસાર બાગમાં હવે એક ફૂલ ખીલવાની તૈયારીમાં છે અને એક દિવસ અચાનક એવું બની જાય છે કે ખુલ્લી જીપમાં આવેલા શસ્ત્રધારીઓ અમૃતા પર હુમલો કરે છે… પણ, ઓચિંતા.. જયસિંહ આવી જાય છે.. રાજા સિંહને આવેલો જોઈને શિયાળીયા જેમ નાસવા લાગે છે … તેમ હુમલાખોરો ભાગે છે ..અને જયસિંહ તેમની પાસેથી બંદૂક આંચકી લે છે !!! અને તે તાકીને કહે છે , ” જો તમે કોઈએ અમૃતા સામે આંખ ઊંચી કરીને જોયું છે , તો હું ભૂલી જઈશ કે તમે મારા દાદા છો !!”


એ લોકો તો ચાલ્યા જાય છે… પણ, તે દિવસે જયસિંહના હાથમાં બંદૂક જોઈ અમૃતા પતિ પાસેથી વચન લે છે કે “જીવનમાં ક્યારેય તે શસ્ત્ર ઉઠાવશે નહી !! અને શાંતિથી જેમ જીવીએ છીએ તેમ જ જીવશે !!” જયસિંહ અમૃતાની વાત માને છે અને તે બંદૂક અમૃતાના હાથમાં મૂકી દે છે અને બંદૂક આપતા બોલે છે, ” હું શસ્ત્ર ઉઠાવુ કે ન ઉઠાવુ પણ , હું જીવું છું ત્યાં સુધી તારો કોઈ વાળ વાંકો કરી શકશે નહીં . મારે કોઈ હથિયાર ની જરૂર નથી તારા રક્ષણ માટે !મારું હોવું જ કાફી છે!!”

….અને અમૃતા તેની હિંમત અને આ પ્રેમના ઘૂઘવતા સાગરમાં સમાઈ જાય છે. થોડા સમય પછી અમૃતા એક સુંદર મજાના દીકરાને જન્મ આપે છે , તેનું લાડથી નામ મોન્ટુ રાખે છે. જયસિંહ તો અમૃતા પર ઓળઘોળ તો હતો જ .હવે તે અમૃતાનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બંને મળીને બાળકને ઉછેરે છે . પણ કુદરતને શું મંજૂર હશે …!! કે..એક દિવસ જયસિંહના કુટુંબના દુશ્મનો આવે છે અને જયસિંહ ના અજાણતા જ, પાછળથી પિસ્તોલથી ગોળી મારી, હત્યા કરી,નાસી જાય છે…

અમૃતા તો જીવતા જીવ મરી જાય છે !! જયસિંહ વગર તેને જિંદગી નકામી લાગે છે!! જાણે કે આભ ફાટી પડ્યું તેના પર !! પણ, તે બન્નેના પ્રેમની નિશાની, મોન્ટુ છે .તે મોન્ટુને જોતા જ અમૃતાને જીવન જીવવા માટે તાકાત મળે છે. જયસિંહના મૃત્યુની બધી વિધિ પૂરી થાય તે પહેલાં જ અમૃતાને ખબર પડે છે કે જયસિંહના દાદાએ દુશ્મન કુટુંબના ચાર સભ્યોનો ખાતમો બોલાવી જયસિંહના મોતનો બદલો લઈ લીધો !

એક દિવસ સવારે, જયસિંહના દાદા અમૃતાના ઘરે આવીને ઊભા રહે છે અને કહે છે કે તમે આ બાળકને લઈ ને ઘરે પાછા આવતા રહો !! જયસિંહની આ અમાનત લઈને તમે આપણે ત્યાં આવી જાઓ !! ” અમૃતા ના પાડે છે અને કહે છે કે ત્યાં આવીને આને પણ લોહિયાળ જંગ ખેલતા શીખવાડવો છે !! તમારા કોઈનો પડછાયો પણ આ બાળક માથે પડવા નહી દઉં !! મારા દીકરાને મારે, તમારા બધા જેવો જંગલી બનાવવો નથી !!


જે દાદાની સામે, ગામનું કોઈ માણસ આંખ ઊંચી ઉઠાવીને જોઈ ન શકે, તે દાદાને , મોઢામોઢ આવી રીતે જંગલી કહેનાર સામે દાદા લાચારીથી હાથ જોડે છે, વિનવણી કરે છે, કે પોતાની અમાનત લઈને ગામે પાછી ફરે !!

અમૃતા સાફ ઇન્કાર કરે છે .. તો દાદા જણાવે છે , ” મારા આ વારસદારના રક્ષણ માટે હું મજબૂર છું !! જો આને કઈ થશે તો અમારા કુટુંબમાં દીકરીએ ય દીવો રહેશે નહીં !! આ એકમાત્ર આખરી ચિરાગ છે અમારા કુટુંબનો !!તું એનું રક્ષણ નહીં કરી શકે !! માટે જો તું અમારા ગામે ન આવે તો આ ચાર જણા અહીં જ રહેશે તમારા બન્નેનું રક્ષણ કરવા !” અમૃતા સાફ શબ્દોમાં ઘસીને ના પાડી દે છે. અને કહે , ” મને આ કંઈ જ ન જોઈએ !હું મારા દીકરાનું રક્ષણ કરવા માટે સક્ષમ છું !તમે બધા જ જાવ અહીંથી !! નહીં તો હું અહીં શહેરમાં તમારી સામે પોલીસ ફરિયાદ કરીશ !!” દાદા લાચારીથી અમૃતા સામે જોવે છે અને માની જવા કહે છે,” દીકરી ચાલ મારી સાથે મારા આ ચિરાગને આવી રીતે જોખમમાં મૂકીને હું જઈ શકીશ નહિ !”

અમૃતા એને સમજાવે છે કે ક્યારેય વેરથી વેર શમતું નથી. તમે આ વાત પહેલે થી સમજી ગયા હોત તો હું આજે વિધવા ન હોત !!” અપમાન કરીને અમૃતા તેમને પાછા વાળી દે છે પણ હવે અમૃતાને મોન્ટુની ખૂબ ચિંતા થાય છે કેમકે ખાલી દુશ્મન કુટુંબ જ નહીં પણ ગમે ત્યારે જયસિંહના દાદાના માણસો આવીને મોન્ટુને પોતાની સાથે ઉપાડી જવા તૈયાર થયા છે!! અમૃતા એમ કાંઈ હિંમત હારે તેમ ન હતી .તેમણે એ માણસોને કહી દીધું કે જો તમે અહીંયા રહેશો તો હું મોન્ટુ ને લઈને અહીંથી દૂર ચાલી જઈશ તમને કોઈને કહ્યા વગર.. કે તમે કોઈ અમને શોધી નહિ શકો !!”


હવે, આજે … આ એવું બન્યું કે અમૃતા બજારમાં કંઈ ખરીદી કરવા નિકળી હતી અને મોન્ટુ તેની આંગળી છોડીને દુકાનની બહાર નીકળ્યો કે તરત જ મોન્ટુને ઉઠાવીને ભાગી ગયા !! અમૃતાને બધો ખયાલ આવી જાય છે … તે ઘરે આવીને છે … અને જે બંદૂક જયસિંહના હાથમાંથી તેને છોડાવી હતી, તે જ બંદુક પોતે લઈને, ટેક્સી કરીને તરત જ પોતાના સસરાને ઘેર એટલે કે દાદા સસરા પાસે આવે છે અને અમૃતા…

ત્રાડ પાડે છે!!!…દાદાસસરાને લલકારે છે..!!. લાવો મારી અમાનત !!! આજે હું ભૂલી જઈશ કે આ ઘરની સાથે મારે શું સબંધ છે !! હું ભૂલી જઈશ કે તમે જયસિંહના માવતર છો !!આજે મને એટલું જ યાદ છે કે આ ખૂનની હોળી ખેલનારા સામે મારે મારા દીકરાને બલિનો બકરો બનાવવો નથી!! મારે મારા દીકરાને આ વાતાવરણમાં મોટો કરવો નથી .ક્યાં છે મારો દીકરો ?? લાવો મને આપી દો !! હું એકલી છું એટલે મારે સંરક્ષણની જરૂર પડે એમ ન સમજો !! મારા દીકરાના રક્ષણ માટે જરૂર પડે તો નવદુર્ગાનું રૂપ ધારણ કરી, તમને અને તમારા દુશ્મન કુટુંબના બધાનો નાશ કરી મારા દીકરાનો જીવ બચાવીશ !!”

અમૃતાનું આ રૂપ જોઈને જયસિંહના દાદા પણ હચમચી જાય છે અને ઘરની બધી સ્ત્રીઓ પણ રડી રડીને સમજાવે છે કે હવે આ ખૂનની હોળી ખેલવાનું બંધ કરી દો . ત્યારે દાદા કહે છે, ” જો આ ખુની ખેલમાંથી હું હટી જઇશ તો , જયસિંહની અને આપણાં કુટુંબની એક માત્ર નિશાનીને આપણા દુશ્મનો જીવવા દેશે નહીં !! ” ત્યારે જયસિંહની મા પહેલી વખત પોતાના સસરાને કહે છે કે તમે તમારી ખોટી આન-બાન અને શાનમાં તમારો દીકરો, તમારા ભાઈઓ, અને બીજા કેટલા લોકોનો જીવ ગુમાવી બેઠા છો !! શેનો મોહ છે તમને !!

જો તમે ચાલીને આત્મસમર્પણ કરો તો આ બધું ખતમ થઈ જાય !! ત્યારે દાદા કહે છે,” મારા આત્મસમર્પણથી આપણા દુશ્મનો વધારે જોરમાં આવી જશે !!” ત્યારે અમૃતાએ કહ્યું , ” એ લોકોને મેં એક સામાજિક સંસ્થાને જાણ કરી તેમનું કાઉન્સેલિંગ કરાવીને સમજાવી દીધા છે , તેના વડીલ પણ આત્મસમર્પણ કરવા તૈયાર છે …અને પાછળ… પોલીસ આવી જ રહી છે..!”

એક અભૂતપૂર્વ દ્રશ્ય સર્જાઇ રહ્યુ… ગામના ચોકમાં પોલીસ બંદોબસ્ત સાથે બંને દુશ્મનાવટ વાળા કુટુંબોના મોભી , બંને વડીલો, ખાલી હાથે અને ગામની વચ્ચે બધા લોકોની હાજરીમાં, પોલીસ અને કાયદાની સામેં આત્મસમર્પણ કરે છે !! ગામ લોકોને પણ હાશ થાય છે, અને બધા નિરાંતનો શ્વાસ લે છે !!અને કહે છે ને ??.. શમે ન વેર વેરથી…ક્ષમા વિરસ્ય ભૂષણમ !! અને પેઢીઓથી ચાલ્યું આવતું બે પેઢીનું વેર… સમાપ્ત થાય છે વેરના વળામણા થાય છે !!


અને પોલીસને પણ ખુબજ સંતોષ થાય છે!! બધા જ લોકો અમૃતાને શાબાશી આપે છે !! તાળીઓના ગડગડાટથી વધાવે છે !! અને સરકાર તરફથી પોલીસ સંસ્થા જાહેરમાં કાર્યક્રમ યોજીને અમૃતાને “બહાદુર માં ” કહી સન્માન કરીને સલામી આપે છે!!

વાંકડિયા ઝૂલ્ફાવાળા મોન્ટુ માતાની સામે જોઈ રહયો છે !! અમૃતાને લાગે છે જાણે કે જયસિંહ ની જ છબી !! તે મોન્ટુને છાતીસરસો ચાંપીને આંખમાં આંસુ સાથે જયસિંહને શ્રદ્ધાંજલિ આપે છે .. ગામ આખું શિક્ષિકાને એક સિંહણના રૂપમાં જોઈને પોતાના સંતાન માટે કેવુ અંબા સ્વરૂપ ધરી શકે તે જોઈ રહે છે !!

યા દેવી સર્વભૂતેષુ, શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ!!

લેખક : દક્ષા રમેશ

દરરોજ દક્ષા રમેશની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ