વેજિટેરિયન ડાયેટ્સ વજન ઉતારવા માટેનો ઉત્તમ ડાયેટ છે. તો ક્યારથી શરુ કરો છો તમે આ પ્લાન…

વેજિટેરિયન ડાયેટ્સ વજન ઉતારવા માટેનો ઉત્તમ ડાયેટ છે. છોડ આધારીત ખોરાક જેમ કે, શાકભાજી, ફળ, કઠોળ અને અનાજમાં પ્રચૂર માત્રામાં ફાઈબર હોય છે જેમાં ખુબ જ ઓછી કેલરી હોય છે જે તમારા શરીરનું વજન નથી વધવા દેતા. આ ઉપરાંત, તેનાથી હૃદયને લગતા રોગોનું જોખમ પણ ઘટી જાય છે. માટે જો તમે વેજિટેરિયન હોવ અથવા તમે માસ-મચ્છી ન ખાતા હોવ તો, આ 7- દિવસનું વેજિટેરિયન ડાયેટ તમને તમારા શરીરની ચરબી ઘટાડવામાં ખુબ મદદ કરશે. વજન ઘટાડવાની સાથે સાથે તે તમારી હેલ્થ પણ સુધારશે. આ લેખમાં, અમે તમને 7-ડે વેજિટેરિયન ડાયેટ પ્લાન વિષે જણાવીશું જેમાં કેલરી, વેજિટેરિયન ડાયેટના ફાયદા અને વેઇટ લોસ ટીપ્સ વિષે પણ માહિતગાર કરીશું.

વેજિટેરિયન ડાયેટ શું છે?

એક સંતુલિત શાકાહારી ભોજન તે દરેક ઉંમરના લોકો –બાળકો, પુખ્ત, ગર્ભવતિ મહિલા, સ્તનપાન કરાવતી માતાઓ, એથલીટ્સ અને માંદગીમાંથી ઉભી થતી વ્યક્તિ માટે પણ ઉત્તમ છે. શાકાહારી ભોજન ખનિજ, પ્રોટિન, કેલ્શિયમ, વિટામીન્સ, આયર્ન, આયોડીન અને ઝિન્કથી ભરપૂર હોય છે જે શરીરના સુચારુ રીતે કામ કરવા માટે જરૂરી છે.

ઘણા બધા ડોક્ટરો વિવિધ રોગો માટે શાકાહારી ભોજનની સલાહ આપે છે. હૃદયને લગતા રોગો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશન, કેન્સર, રેનલ (મૂત્રપિન્ડ)ને લગતા રોગો, અસ્થિરોગો, ગાંડપણ, પિત્તાશયની પથરી, સંધિવા વિગેરે રોગોને પણ એક સંતુલિત શાકાહારી ડાયેટ પ્લાનથી અટકાવી શકાય છે.

કોઈ અન્ય ડાયેટ પ્લાનને ફોલો કરવા કરતાં એક સંતુલિત શાકાહારી ડાયેટ પ્લાન અપનાવવો ખુબ જ સરળ છે. શાકાહારી ભોજન તરફ વળવું તે એક લાંબું તેમજ જીવનશૈલી બદલતું પગલું છે. ધીમે ધીમે ફળ તેમજ શાકભાજીનો ઉપયોગ તમારા રોજિંદા ખોરાકમાં કરવાથી તમારા માસાહારમાં ઘટાડો થશે. ત્યાર બાદ તમે સંપૂર્ણ રીતે શાકાહાર તરફ વળી શકો છો. અહીં અમે વજન ઘટાડવા માટે વેજિટેરિયન ડાયેટની વ્યૂહરચના આપી છે.

7-ડે શાકાહાર ભોજનની વ્યૂહરચના

– ધીમે ધીમે તમારી કેલરીની જરૂરિયાતમાં ઘટાડો કરો

– ઉચ્ચ-પ્રોટિન શાકાહારી ડાયેટનો ઉપભોગ કરો

– ક્યારેય કોઈ ભોજન સ્કિપ કરવું નહીં

– રિફાઈન્ડ શુગરનો ઉપયોગ ટાળો

– નક્કી કરેલા ડાયેટ પ્લાનને વળગી રહો

આ 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખવાથી તમને તમારું વજન ઘટાડવામાં સફળતા મળશે. હવે અમારા નીચે દર્શાવેલા 7-ડે વેજિટેરિયન ડાયેટ ચાર્ટ જણાવશે કે તમારે શું ખાવું.

વજન ઘટાડવા માટે 7-ડે વેજિટેરિયન ડાયેટ ચાર્ટ

પ્રથમ દિવસ (સોમવાર – 1800 કેલરીઝ)

ભોજન શું ખાવું

વહેલી સવાર એક ગ્લાસ પાણીમાં એક રાત પાણીમાં પલાળેલા 2 ટીસ્પૂન મેથીના દાણા

(6.00-7.00 a.m)

નાશ્તો વાટેલી અળશી સાથે ઓટ અને 1 કપ ફ્રેશ ઓરેન્જ જ્યૂસ

(6.45-7.45 a.m)

મધ્ય સવાર 1 કપ તરબુચ + 4 બદામ

(10.15-11.15 a.m)

લંચ (મધ્યાહન ભોજન) 1 કપ બ્રાઉન રાઇસ, ગ્રીલ્ડ ટોફુ, ટામેટા, ડુંગળી, પાલક સાથે લેવું+1 કપ છાશ

(12.30-1.30 p.m)

બપોરનો નાશ્તો 1 કપ ગ્રીન ટી+1 સફરજન

(3.30-4.30 p.m)

ડીનર 2 રોટલી + 1 કપ દેશીચણાનું શાક + કાકડી, ગાજર, બીટનું સલાડ

(7.00-7.30 p.m)

સૂતી વખતે 1 ગ્લાસ ફૂલ-ફેટ હુંફાળુ દૂધ

(10.00-10.30 p.m)

તે કેવી રીતે કામ કરે છે

મેથીના દાણા શરીરના મેટાબોલિઝમને વેગ આપે છે, અને તેનું પાણી તમારા શરીરમાંના બધા જ ઝેર બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. ઓટ્સ અને કેળા ડાયેટરી ફાઇબરથી સમૃદ્ધ હોય છે. અળશી એ હલ્ધી ફેટનો સારો સ્રોત છે તે શરીરની અંદરની બળતરાને ઘટાડે છે. સંતરામાં ભરપુર પ્રમાણમાં વિટામીન સી હોય છે. તરબુચ તમારી ભુખને કાબુમાં રાખે છે અને બદામ હેલ્ધી ફેટનો સારો સ્રોત છે. બ્રાઉન રાઇસને ટોફુ તેમજ શાકભાજીઓ સાથે ખાવાથી તેમાં શરીરને પુરતા પ્રમાણમાં ફાયબર, પ્રોટિન, વિટામિન્સ, અને ખનીજ મળી રહે છે. છાશ તમારા પાચનને સરળ બનાવે છે. ગ્રીન ટીથી નુકસાનકારક ઓક્સિજનના કણોને સાફ થાય છે અને એક સફરજન તમારા શરીરને વિટામિન એ, ડાયેટરી ફાયબર અને ખનીજ પુરા પાડે છે. પ્રોટિનથી ભરપુર સાંજનું ભોજન એટલે કે દેશીચણાનું શાક અને શાકભાજી પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. સુવા જતાં પહેલાં હુંફાળુ દૂધ પીવાથી તમને ઉંઘ સારી આવે છે અને તમને બીજા દિવસના વેજેટિરિયન ડાયેટ માટે તૈયાર કરે છે. આ ઉપરાંત ફુલ-ફેટ દૂધ તમને વજન ઉતારવામાં સ્કીમ મિલ્ક અથવા લો-ફેટ મિલ્ક કરતાં પણ વધારે મદદ કરશે.

બીજો દિવસ (મંગળવાર – 1500 કેલરીઝ)

ભોજન શું ખાવું

વહેલી સવાર એક કપ પાણીમાં 1 લીંબુનો જ્યુસ અને 2 ટીસ્પૂન ઓર્ગેનિક મધ

(6.00-7.00 a.m)

નાશ્તો એક કપ મલ્ટીગ્રેઇન ફ્લેક્સમાં સ્ટ્રોબેરિઝ, બદામ, ખજૂર અને સફજન + 1 કપ ગ્રીન ટી

(6.45-7.45 a.m)

મધ્ય સવાર 1 કપ પાઇનેપલમાં લીંબુનો જ્યૂસ અને હિમાલયન સોલ્ટ નાખી ખાવું

(10.15-11.15 a.m)

લંચ (મધ્યાહન ભોજન) બાફેલી ફણસી+બેબી સ્પિનેચ+ગાજર+કાકડી+બીટ+1 કપ ફુલ ફેટ દહીં

(12.30-1.30 p.m)

બપોરનો નાશ્તો 2 કપ નારિયેળ પાણી

(3.30-4.30 p.m)

ડીનર બાફીને વઘારેલી મસૂરની દાળ+કોઈપણ એક શાક

(7.00-7.30 p.m)

સૂતી વખતે 1 ગ્લાસ ફૂલ-ફેટ હુંફાળુ દૂધ

(10.00-10.30 p.m)

લીંબુ એ સી વિટામિનથી ભરપૂર હોય છે અને મધમાં એન્ટિબેક્ટેરિયલ તત્ત્વો સમાયેલા હોય છે. ફળ અને મલ્ટીગ્રેઇન ફ્લેક્સનો નાશ્તો કરવાથી પેટ ભરેલું લાગે છે. ગ્રીન ટી શરીરનો બગાડ દૂર કરે છે. પાઇનેપલ શરીરનો દાહ અને નુકસાનકારક ઓક્સિજન રેડિકલ્સ દૂર કરીને તમને વજન ઉતારવામાં મદદ કરે છે બાફેલી ફણસીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટિન હોય છે અને શાકભાજી તમને સારું કાર્બોહાઇડ્રેટ, ખનીજ અને વિટામિન્સ પુરા પાડે છે. 1 કપ ફૂલ-ફેટ દહીં પેટ ભરેલુ રાખે છે અને પાચનમાં પણ મદદ કરે છે. નારિયેળનું પાણી પણ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે કારણ કે તેમાં કૂદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે અને તે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે, કોલેસ્ટેરોલ નીચું લાવે છે અને મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે. મસૂરની દાળમાં પ્રચૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, આ ઉપરાંત શાકભાજી ઓછી કેલરી ધરાવે છે અને તે ખુબ જ પોષણયુક્ત હોય છે. હૂંફાળુ દૂધ શરીરની કેન્દ્રિય ચરબી ઘટાડે છે.

ત્રીજો દિવસ (બૂધવાર – 1200 કેલરીઝ)

ભોજન શું ખાવું

વહેલી સવાર એક ગ્લાસ પાણીમાં એક રાત પાણીમાં પલાળેલા 2 ટીસ્પૂન મેથીના દાણા

(6.00-7.00 a.m)

નાશ્તો 1 કપ મૂસલી + ફૂલ-ફેટ મિલ્ક + બ્લૂબેરીઝ + સ્ટ્રોબેરિઝ + અળશી+1 ટી સ્પૂન ઓર્ગેનિક મધ

(6.45-7.45 a.m)

મધ્ય સવાર 1 કપ ગ્રીન ટી + 1 મલ્ટીગ્રેઇન બિસ્કિટ

(10.15-11.15 a.m)

લંચ (મધ્યાહન ભોજન) બ્રોકોલી + સ્વિટ કોર્ન + કુકુંબર+શેકેલા શક્કરીયા અને 1 ટેબલ સ્પૂન ફેટા ચીઝ સાથે મશરૂમ સલાડ

(12.30-1.30 p.m)

બપોરનો નાશ્તો 10 અનસોલ્ટેડ પિસ્તા + 1 કપ ફ્રેશ ઓરેન્જ જ્યૂસ

(3.30-4.30 p.m)

ડીનર બટરનટ સ્ક્વોશ સૂપ + 1 ગાર્લિક મલ્ટિગ્રેઇન બ્રેડ

(7.00-7.30 p.m)

સૂતી વખતે 1 ગ્લાસ ફૂલ-ફેટ હુંફાળુ દૂધ,

(10.00-10.30 p.m)

શા માટે તે કામ કરે છે ?

પલાળેલી મેથી અને તેનું પાણી લેવાથી તે તમારા શરીરનો કચરો દૂર કરે છે અને તમારી ચયાપચયની પ્રક્રિયા તેજ બનાવે છે. મૂસલી, ફળો, અળશી, મધ અને ફૂલ ફેટ મિલ્ક સાથે લેવાથી તમારી ભૂખ સંતોષાય છે અને તમને ઓછામાં ઓછી 2 કલાક સુધી ભુખ નથી લાગતી. મલ્ટિગ્રેઇનમાં પુરતા પ્રમાણમાં ફાયબર હોય છે જે શરીરને ચરબી શોષવા નથી દેતું. ગ્રીન ટીમાં 0 કેલરી હોય છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. પિસ્તા વજન ઘટાડવામાં મદદ કરે છે અને તે શરીરને સ્વસ્થ ચરબી પુરી પાડે છે. બટરનટ સ્ક્વોશ પોટેશિયમ અને વિટામિન્સનો સારો સ્રોત છે અને મલ્ટીગ્રેઇન ગાર્લિક બ્રેડ માં ડાયેટરી ફાયબર હોય છે. ફૂલ-ફેટ મિલ્ક તમારા હાડકાને મજબૂત રાખે છે.

ચોથો દિવસ (બૂધવાર – 1200 કેલરીઝ)

ભોજન શું ખાવું

વહેલી સવાર એક કપ પાણીમાં 1 ટીસ્પૂન એપલ સિડર વેનેગર ભેળવી પીવું

(6.00-7.00 a.m)

નાશ્તો સ્ટ્રોબેરિઝ, કેળા, દૂધ અને અળશીની સ્મૂધી + 1 લો-શુગર કેરટ મફિન

(6.45-7.45 a.m)

મધ્ય સવાર 1 કપ ગ્રીન ટી + 1 સફરજન

(10.15-11.15 a.m)

લંચ (મધ્યાહન ભોજન) ક્વિનોઆ સલાડ + 1 કપ ફૂલ-ફેટ દહીં

(12.30-1.30 p.m)

બપોરનો નાશ્તો 1 કપ ગ્રીન ટી +1/2 કપ પોપકોર્ન (બટર વગરની અને ઓછા મીઠાવાળી)

(3.30-4.30 p.m)

ડીનર 1 કપ રાજમાનું શાક + કાકડી, ગાજર અને બીટ

(7.00-7.30 p.m)

સૂતી વખતે 1કપ ફૂલ-ફેટ હળદરવાળુ હુંફાળુ દૂધ

(10.00-10.30 p.m)

તે કેવી રીતે કામ કરે છે ?

એપલ સિડર વિનેગર ફેટને બાળી શરીર ઘટાડવામાં મદદ કરે છે. ફ્રૂટ, અળશીના બીજ, દૂધ અને કેરટ મફીન ખાવાથી પેટ ભરાયેલું લાગે છે. જો તમે વધારે ભુખ્યા ન હોવ તો તમે કેરટ મફીનને દૂર કરી શકો છો. જો તમને 2 કે 3 કલાક બાદ ભૂખ લાગે તો એક કપ ગ્રીન ટી પી લેવી. તે તમારી ભૂખ સંતોષશે. સફરજન એ ખનીજ અને વિટામિન્સનો સારો સ્રોત છે. ક્વીનોઆ સલાડ અને ફૂલ-ફેટ દહીં તમારા શરીરને ડાયેટરી ફાયબર, પ્રોટિન, કેલ્શિયમ, અને બીજા વધારાના પોષકતત્ત્વો પુરા પાડે છે. ગ્રીન ટી અને અરધો કપ પોપકોર્ન તમે લંચના 2-3 કલાક બાદ ખાઈ શકો છો. રાજમામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટિન હોય છે અને ગાજર, કાકડી અને બિટરૂપનું સલાડ તમારા ડીનરને સારું કાર્બ, ખનીજ અને વિટામિન્સ પુરા પાડી સંતુલિત બનાવશે. હળદરવાળુ હુંફાળુ દૂધ તમને સારી ઉંઘ આપશે.

પાંચમો દિવસ (શુક્ર – 1500 કેલરીઝ)

ભોજન શું ખાવું

વહેલી સવાર એક કપ પાણીમાં 1 લીંબુ અને 2 ચમચી ઓર્ગેનિક મધ ભેળવી પીવું

(6.00-7.00 a.m)

નાશ્તો એવોકાડો પેસ્ટો ટોસ્ટ + 1 કપ તરબુચ

(6.45-7.45 a.m)

મધ્ય સવાર 2 અખરોટ + બદામ + ખજૂર + 1 કપ તજની ચા

(10.15-11.15 a.m)

લંચ (મધ્યાહન ભોજન) સ્પિનેચ બ્રાઉન રાઇસ + કોળુ અને ચણાની દાળનું શાક + 1 કપ છાશ

(12.30-1.30 p.m)

બપોરનો નાશ્તો 1 કપ ટેટી

(3.30-4.30 p.m)

ડીનર ધૂમાડો આપેલું ટોફુ અને કેલે સલાડ

(7.00-7.30 p.m)

સૂતી વખતે 1 ગ્લાસ ફૂલ-ફેટ હળદરવાળુ હુંફાળુ દૂધ

(10.00-10.30 p.m)

તે કેમ કામ કરે છે ?

લીંબુ મધનું પાણી તમારો દિવસ ખુબજ સ્ફૂર્તિલો બનાવશે તે તમારા મેટાબોલિઝમને વેગ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એવોકાડોમાં સ્વસ્થ ચરબી હોય છે અને તરબુચ તમારું પેટ ભરેલું રાખે છે. સુકો મેવો અને તજની ચા તમને તાજગી આપશે અને તમારા મગજને વધારે કાર્યક્ષમ બનાવશે. ચાણાની દાળનું શાક તમને પ્રેટિન અને તે સાથેના શાકભાજી અને ચોખા તમને ડાયેટરી ફાઇબર પુરું પાડશે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. છાશ તમારા આંતરડાના સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. ટેટી તમારું પેટ ભરેલું રાખશે. ટોફુમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટિન હોય છે અને કેલે સલાડ તમારી ચરબી બાળવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે. રાત્રે સૂતી વખતે હુંફાળુ ગરમ દૂધ તમારા મગજને શાંત પાડે છે.

છઠ્ઠો દિવસ (શનિવાર (ચીટ ડે) – 2000 કેલરીઝ)

ભોજન શું ખાવું

વહેલી સવાર 1 ટી સ્પૂન એપલ સિડર વેનેગર નાખેલું એક કપ પાણી

(6.00-7.00 a.m)

નાશ્તો 2 વેગન પેનકેક્સ + 1 કપ ફ્રૂટ જ્યૂસ

(6.45-7.45 a.m)

મધ્ય સવાર 1 કપ ગ્રીન ટી + 1 ખારું બિસ્કિટ્સ

(10.15-11.15 a.m)

લંચ (મધ્યાહન ભોજન) વેજ નૂડલ્સ + 1 કપ ફ્લેવર્ડ દહીં

(12.30-1.30 p.m)

બપોરનો નાશ્તો એર ફ્રાઇડ પોટેટો અને સ્પિનેચ કેક્સને યોગર્ટ ડીપ સાથે ખાઈ શકો છો

(3.30-4.30 p.m)

ડીનર મશરૂમ રીસોટો

(7.00-7.30 p.m)

સૂતી વખતે 1 ગ્લાસ ફૂલ-ફેટ ચોકલેટ મૂસ

(10.00-10.30 p.m)

તે કેવી રીતે કામ કરે છે ?

શરીરના મેટાબોલિઝમને અઠવાડિયામાં એક દિવસ વધારે કેલરી આપી શોક આપવો જરૂરી છે. જો તમે તેમ નહીં કરો તો તમારું મેટાબોલિઝમ સ્થિર થઈ જશે, અને તમે વજન નહીં ઘટાડી શકો. માટે આ ટ્રીટને એન્જોય કરો અને તમારા ડાયેટને અઠવાડિયામાં એક દિવસ તો તમે છેતરી જ શકો છો. પણ યાદ રાખો કે તમારે 2000 કેલરીથી વધારે લેવાની નથી.

સાતમો દિવસ (રવિવાર – 1500 કેલરીઝ)

ભોજન શું ખાવું

વહેલી સવાર 1 કપ લીંબુ મધનું પાણી

(6.00-7.00 a.m)

નાશ્તો 1 કપ ગ્રીન ટી + 2 સ્લાઇસ બનાના બ્રેડ + 4 બદામ

(6.45-7.45 a.m)

મધ્ય સવાર ½ કપ દ્રાક્ષ (10.15-11.15 a.m)

લંચ (મધ્યાહન ભોજન) લેટસ રેપ + 1 કપ ફુલ-ફેટ દહીં (12.30-1.30 p.m)

બપોરનો નાશ્તો 1 કપ બેબી કેરટ વિથ હમસ (3.30-4.30 p.m)

ડીનર 1 બ્લેક બિન, સ્પિનેચ, અને કોર્ન એન્ચિલાડા (7.00-7.30 p.m)

સૂતી વખતે 1 ગ્લાસ હૂંફાળુ દૂધ (10.00-10.30 p.m)

તે કેવી રીતે કામ કરે છે ?

હવે તમે લો-કેલેરી ડાયેટ તરફ પાછા ફરશો. પોષકતત્ત્વોથી ભરપૂર ખોરાક લેવો જે લો-કેલરીનો હોય. તેનાથી તમારું મેટાબોલિઝમ ગતિમાં આવશે અને તમે જે વજન ઘટાડ્યું છે તે મેઇન્ટેઇન કરવામાં મદદ મળશે. હેલ્ધી ખોરાક ઉપરાંત, તમારે વજન ઘટાડવા માટે વ્યાયામ પણ કરવો જોઈ. અહીં અમે તમને એક એક્સરસાઇઝ પ્લાન પણ જણાવી રહ્યા છીએ.

એક્સરસાઇઝ રૂટીન

– માથુ ડાબી જમણી બાજુ હલાવવું – 10 રેપ્સનો 1 સેટ

– ડોક ગોળ ગોળ હલાવવી – 10 રેપ્સનો 1 સેટ

– ખભા ગોળગોળ ફેરવવા – 10 રેપ્સનો 1 સેટ

– બાવડા ગોળગોળ ફેરવવા – 10 રેપ્સનો 1 સેટ

– કાંડા ગોળગોળ ફેરવવા – 10 રેપ્સનો 1 સેટ

– કમર ગોળગોળ ફેરવવી – 10 રેપ્સનો 1 સેટ

– એડી ગોળગોળ ફેરવવી – 10 રેપ્સનો 1 સેટ

– જંપીંગ જેક – 20 રેપ્સના 2 સેટ

– સાઇડ લંજીસ – એક પછી એક પગ બાજુ તરફ સ્ટ્રેચ કરવા – 15 રેપ્સનો 1 સેટ

– રશિયન ટ્વિસ્ટ – 20 રેપ્સના 2 સેટ

– બાયસેપ કર્લ્સ (2.265 કીલોગ્રામ) – 10 રેપ્સના 2 સેટ

– ટ્રાઇસેપ ડીપ્સ – 5 રેપ્સના 2 સેટ

– ક્રન્ચીસ – 10 રેપ્સના 3 સેટ

– પુશ-અપ્સ – 10 રેપ્સના 2 સેટ

– લેયિંગ લેગ સર્કલ્સ – આડા પડી પગને ગોળગોળ ફેરવવા

– હોરિઝોન્ટલ કીક્સ- 10 રેપ્સનો 1 સેટ

– ફોર્વડ એલ્બો પ્લેન્ક – 20 સેકન્ડ સુધી

– સાઇડ પ્લેન્ક – 20 સેકન્ડ સુધી

– સ્ટ્રેચ

તમે બીજી એક્સરસાઇઝ પણ કરી શકો છો જેમ કે સ્વિમિંગ, રનિંગ, બ્રિસ્ક વોકિંગ, કોઈ રમત રમવી વિગેરે. જો તમે વ્યાયમ કરશો તો તમને વજન ઘટાડવામાં મદદ મળશે.

7-ડેના ડાયેટના અંતે તમને કેવું લાગશે ? – 7-ડેના ડાયેટના અંતે તમને હળવાપણું લાગશે કારણ કે તમે તમારા શરીરનું વોટર વેઇટ લૂઝ કર્યું હશે. જો તમે નિયમિત રીતે વ્યાયામ કરશો, તો ધીમે ધીમે તમારી ચરબી પણ ઘટવા લાગશે. તમારો મેટાબોલિઝમ રેટ વધશે તો તમને ભૂખ પણ લાગ્યા કરશે. માટે ધ્યાન રાખો કે તમે સ્વસ્થ ખોરાક આરોગો. તમારું મગજ સારી રીતે કામ કરશે અને તમે વધારે પ્રોડક્ટિવ બનશો. વેજિટેરિયન ડાયેટ્સમાં વિવિધ પ્રકારો હોય છે. અહીં તમને જણાવીએ છીએ કે તમારે શું જાણવું જ જોઈએ.

વેજિટેરિયન ડાયેટના પ્રકારો

વેજિટેરિયન ડાયેટને ચાર પ્રકારમાં વહેંચી શકાય છેઃ

1. લેક્ટો – વેજિટેરિયન – લેક્ટો-વેજિટેરિયન ડેરી પ્રોડોક્ટનો ઉપભોગ કરે છે પણ ઇંડા નથી ખાતા. તેઓ મધ પણ ખાય છે.

2. ઓવો-વેજિટેરિયન – ઓવો-વેજિટેરિયન એવા લોકો છે જે ઇંડા ખાય છે પણ કોઈ ડેરી પ્રોડક્ટ નથી લેતા. તેઓ પણ મધ ખાય છે.

3. લેક્ટો-ઓવો વેજિટેરિયન – લેક્ટો-ઓવો વેજિટેરિયન લોકો ઇઁડાં, ડેરી અને મધ ત્રણે વસ્તુ ખાય છે.

4. વેગન – વેગન લોકો ઇંડા, મધ અને પ્રાણીઓ દ્વારા ઉત્પાદિત ડેરી પ્રોડક્ટ્સ નથી લેતા. તેઓ માત્ર છોડ આધારિત ખોરાક જ લે છે.

વિવિધ ડાયેટ – વેજિટેરિયન ડાયેટ અલગ અલગ હોઈ શકે છે. તમે તેને તમારી કેલરીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રસપ્રદ બનાવી શકો છો. વિવિધ જાતના કોમ્બિનેશન અને મસાલાઓ દ્વારા તમે તમારા ખોરાકને રુચિલાયક બનાવી શકો છો. વેજિટેરિયન ભોજન સંતોષકારક પણ હોય છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે તમારો ડાયેટ પ્લાન પસંદ કરી શકો છો. વજન ઘટાડવા એક લો-કેલરી ડાયેટ પ્લાન, કોઈ રોગમાંથી ઉભા થવા માટેનો ડાયેટ પ્લાન, અથવા એક સંતુલિત ડાયેટ પ્લાન જે તમારા જીવન તેમજ તમારા શરીરને ફીટ અને હેલ્ધી રાખે – તમારી જરૂરિયાત પ્રમાણે તેની પસંદગી કરો.

વ્યવસ્થિત ભોજનનું આયોજન – જ્યારે તમે વેજિટેરિયન ડાયેટ પર હોવ ત્યારે એ મહત્તવનું છે કે તમે વ્યવસ્થિત ભોજનનું આયોજન કરો. તેમ કરવાથી જ તમને પોષણયુક્ત સંતુલિત ખોરાક પ્રાપ્ત થઈ શકશે. ઘણા બધા લોકોનું એવું માનવું છે કે વેજિટેરિયન લોકોને વિટામિન બી12 નથી મળતું જે મિટ બેઝ્ડ ડાયેટમાં મળે છે. પણ તેમાં પણ કેટલાક પુરક ખોરાકો ઉપલબ્ધ છે જે તમને તમારી બી12ની જરૂરિયાત પૂરી કરવા માટે મદદ કરે છે. તેની સાથે સાથે તમને એ ખબર હોવી જોઈએ કે તમારે કયું ફળ ખાવું જોઈએ અને કયું ન ખાવું જોઈએ. અહીં અમે તમને એક યાદી આપી છે જે તમને મદદરૂપ થશે.

વિવિધ જાતના વેજિટેરિયન ડાયેટ

એક લાક્ષણિક સંતુલિત વેજિટેરિયન ડાયેટમાં પ્રચૂર પ્રમાણમાં ફાયબર અને કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ્સ અને નીચી સેચ્યુરેટેડ ફેટ હોય છે. જેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

1. ફળ અને શાકભાજી – તમે તમારા ડાયેટમાં દરેક પ્રકારના ફળો તેમજ શાકભાજીઓનો સમાવેશ કરી શકો છો. એવી સલાહ આપવામાં આવે છે કે તમારે દિવસ દરમિયાન પાંચ વાર ફળ તેમજ શાકભાજી ખાવા જોઈએ. આ શાકભાજી તેમજ ફળમાં બધા જ પ્રકારના ખનીજ અને પોષકતત્ત્વો સમાયેલા હોય છે જે શરીર માટે જરૂરી હોય છે.

તમે તેને કાચા, રાંધેલા અથવા તેમાંથી જ્યૂસ કાઢીને પણ તેનું સેવન કરી શકો છો. તે ફાયબર અને એન્ટિઓક્સિડન્ટનો સારો સ્રોત છે. જે વજન ઘટાડવા માટે અસરકારક છે કારણ કે તેમાં કેલરીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. ઝડપથી વજન ઘટાડવું હોય તો પાણીથી ભરપુર શાકભાજી તેમજ ફળોનો ઉપભોગ કરવો જોઈએ.

શરીર માટે જરૂરી ખનીજ તેમજ પોષકત્ત્વો મેળવવા માટે તમારે વિવિધ પ્રકારના ફળ તેમજ શાકભાજીનું સેવન કરવું પડશે. એક ડાયેટિશિયન તમને વિવિધ જાતનું ભોજન લેવાની સલાહ આપશે જેથી કરીને તમને છોડ આધારિત ખોરાકમાંથી પુરતા પ્રમાણમાં પોષકતત્ત્વો મળી શકશે. તમે પપૈયુ, સફરજન, દ્રાક્ષ, ગ્રેપ ફ્રૂટ, લીંબુ, મોસંબી, સંતરા, પ્લમ, નાશપતિ, અંજીર, પિચ, બ્લુબેરી, સ્ટ્રોબેરી,સ્ટારફ્રૂટ્સ, ગ્રીનએપલ, તરબુચ, ટેટી આમ વિવિધ જાતના ફળો તમે લઈ શકો છો. સીઝન હોય ત્યારે કેરી પણ લઈ શકો છો.

2. અનાજ અને સિરિયલ્સ – તમે તમારા ખોરાકમાં આખુ અનાજ એટલે કે કઠોળ, સિરિયલ્સ, બ્રાઉન રાઇસ, મૂસલી, ઓટ્સ, જવ વિગેરેનો સમાવેશ કરી શકો છો. તમે બ્રેડ, પાસ્તા, રોટલી અને અનાજમાંથી બનેલી વિવિધ વાનગીઓનો પણ તમારા ડાયેટમાં સમાવેશ કરી શકો છો. તે પોષકતત્ત્વોથી ભરેલા હોય છે અને તેમાં ઝીન્ક અને આયર્નનું પ્રમાણ પણ સારું હોય છે.

3. કઠોળ, નટ્સ અને બીજ – તમારા ડાયેટમાં સમાવી શકાય તેવા વિવિધ જાતના કઠોળ, નટ્સ અને બીજ ઉપલબ્ધ છે. રાજમા, સોયાબિન, મસૂર, દેશીચણા, વટાણાની દાળ, બદામ, અખરોટ, અળશી, તલ, મગફળી વિગેરેમાં આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, ફેટી એસિડ અને હેલ્ધી ફેટ ભરપુર હોય છે. તે કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે અને તમારા હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં ઓમેગા-3 ફેટિ એસિડનું પ્રમાણ પણ વધારે હોય છે.

4. ડેરી અને સોયા પ્રોડક્ટ્સ – દૂધ, ચીઝ, પનીર, દહીં આ બધા જ ખનીજ અને વિટામિનના સ્રોતો છે જે તમારે તમારા ડાયેટમાં સમાવવા જોઈએ. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટિન અને કેલ્શિયમ હોય છે જે તમારા શરીર માટે ખુબ જરૂરી હોય છે. વિવિધ ફેટ-ફ્રી અને ઓછી કેલેરિ વાળા વિકલ્પો પણ બજારમાં ઉપલબ્ધ છે.

5. હેલ્ધી ફેટ્સ (સ્વસ્થ ચરબી) – શરીર માટે જરૂરી ઘટકોમાં હેલ્ધી ફેટ પણ મહત્ત્વની છે. આ ફેટ હાડકાના સાંધાઓને ઉંજણ પુરુ પાડે છે અને શારીરીક હલનચલનને સરળ બનાવે છે. તે કોષોની અખંડિતતા જાળવી રાખે છે અને શરીરમાંના દાહને અટકાવે છે. તમારે અનસેચ્યુરેટેડ ફેટની જરૂર પડે છે, જે તમને નટ્સ, એવોકાડ઼ો અને કેટલાક ચોક્કસ ખોરાકમાંથી જ પ્રાપ્ય હોય છે. પ્રાણીઓના માસમાંથી મળતી સેચ્યુરેટેડ ફેટ તમારા શરીર માટે નુકસાન કારક છે તેનાથી તમારે દૂર રહેવું જોઈએ.

વેજિટેરિયન ભોજનના લાભો

1. કેલરીમાં નીચો ખોરાક – છોડ આધારિત ખોરાક કેલરીમાં નીચો હોય છે ખાસ કરીને માસની સરખામણીએ. આમ કરવાથી ઓછા ખોરાકનો ઉપભોગ થશે, એટલે કે શરીરમાં કેલરીની ઓછી આયાત.

2. રોગોમાં ઘટાડો – જે લોકો વેજિટેરિયન ડાયેટ અનુસરતા હોય તેમને પ્રમાણમાં ઓછા રોગો થાય છે. વેજિટેરિયન ડાયેટ અનુસરી તમે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયને લગતા રોગો, કેન્સર અને સ્ટ્રોક્સથી સરળતાથી દૂર રહી શકો છો.

3. એલડીએલ (લો ડેન્સિટિ લિપોપ્રોટિન)કોલેસ્ટેરોલ લેવલ નીચું રહે છે – એલડીએલ શરીરની રક્તવાહિનીઓમાં બ્લોકેજ થઈ જવા માટે સૌથી વધારે જવાબદાર હોય છે. એવું નોંધવામાં આવ્યું છે કે વેજિટેરિયન ડાયેટ પર રહેનાર વ્યક્તિમાં એલડીએલ કોલેસ્ટેરોલ લેવલ નીચું હોય છે. જે લોકો હૃદય રોગોથી પીડાતા હોય છે તેઓ જો વેજિટેરિયન ડાયેટ પર આવી જાય તો તેમને એલડીએલનું જોખમ ઘટી જાય છે.

4. કેન્સરનું જોખમ ઘટે છે – અભ્યાસ એવું દર્શાવે છે કે જે લોકો વેજિટેરિયન ડાયેટ પર હોય છે તેમનામાં માસ ખાતા લોકોની સરખામણીએ કેન્સર વિકસવાનું જોખમ ઓછું હોય છે.

5. લાંબુ જીવન – જે લોકો વેજિટેરિયન ડાયેટ પર હોય છે તેઓ નોન-વેજિટેરિયન ડાયેટ ધાવતા લોકો કરતાં વધારે લાંબુ જીવન જીવે છે. તે લોકો લાંબા ગાળાની માંદગી અને મેદસ્વિતાનો શિકાર ઓછા બને છે.

6. ચયાપચયની ક્રિયા વેગિલી બને છે – ફાયબર, કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ, ખનીજ, પ્રોટિન અને હેલ્ધી ફેટ્સથી ભરપુર વેજિટેરિયન ડાયેટ તમારી ચયાપચયની ક્રિયાને વેગિલી બનાવે છે. આમ થવાથી તમે વધારે કેલરી બાળો છો જે તમારું સ્વસ્થ વજન જાળવી રાખવામાં મદદ કરે છે.

7. ઉચ્ચ ઊર્જા – માસવાળું ડાયેટ ધરાવતા લોકો કરતાં વેજિટેરિયન ડાયેટ ધરાવતી વ્યક્તિમાં ઊર્જાનું પ્રમાણ વધારે હોય છે. તે અન્યો કરતા વધારે એક્ટિવ પણ હોય છે.

8. હેલ્ધી સ્કિન – શાકભાજી અને ફળોમાંથી મળતા વિટામિન્સ અને અન્ય પોષકતત્ત્વો વ્યક્તિને સ્વસ્થ ચામડી આપે છે. તમે કદાચ જોયું હશે કે વેજિટેરિયન ડાયેટ ધરાવતી વ્યક્તિની ચામડી સ્વસ્થ અને ચમકતી હશે.

9. શરીરની દુર્ગંધ ઘટાડે છે – સામાન્ય રીતે જે લોકો માસ ખાતા હોય છે તેમના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. બીજી બાજુ વેજિટેરિયન ડાયેટ પર રહેતી વ્યક્તિના શરીરમાંથી ઓછી દુર્ગંધ આવે છે.

10. સ્વસ્થ નખ – જે લેકો વેજિટેરિયન ડાયેટ ધરાવે છે તેમના નખ સ્વસ્થ અને મજબૂત હોય છે. તે દર્શાવે છે કે તે વ્યક્તિ સ્વસ્થ છે.

11. મોઢાની દુર્ગંધ નહીંવત – વેજિટેરિયન ડાયેટર્સમાં મોઢાની દુર્ગંધનું પ્રમાણ ઓછું હોય છે.

12. સ્વસ્થ વાળ – જો તમે લાંબા, ઘેરા અને સ્વસ્થ વાળ ઇચ્છતા હોવ તો વેજિટેરિયન ડાયેટ તરફ વળો. કેટલાએ અભ્યાસો દર્શાવે છે કે વેજિટેરિયન ડાયેટ તમને સ્વસ્થ વાળ આપે છે.

13. એલર્જીનું જોખમ ઓછું – જે લોકો મીટ નથી ખાતા કે પછી અન્ય પ્રાણીજન્ય ઉત્પાદનોનુ સેવન નથી કરતા તેમને એલર્જીનું જોખમ ઓછું રહે છે. તેમને નસકોરી ફૂટવા અને નાક વહેવા જેવી સમસ્યા ઘણી ઓછી થાય છે.

14. મોતિયાની શક્યતા ઓછી રહે છે – મોતિયાની સમશ્યાને તમે ઘણા અંશે વેજિટેરિયન ડાયેટ દ્વારા દૂર કરી શકો છો. મોતિયાને તમે શાકભાજી અને ફળોના સેવન દ્વારા રોકી શકો છો. ઉચ્ચ એન્ટિઓક્સિડન્ટ્સથી પણ તમે મોતિયાને રોકી શકો છો. આ ફળો તેમજ શાકભાજીઓ પોષણ અને ખનીજથી ભરપુર હોય છે જે આંખ માટે સારા હોય છે.

15. ઓસ્ટિયોપોરોસિસ (હાડકાંના રોગો)ને રોકે છે – તમારા શરીરને કેલ્શિયમ, પ્રોટિન, હાય પોટેશિયમ અને લો સોડિયમની જરૂર હોય છે. એક સ્વસ્થ સંતુલિત શાકાહારી ભોજન આ જરૂરિયાતને પૂર્ણ કરી શકે છે. તેનાથી હાડકાને લગતા રોગો થતાં નથી અને તે હાડકાને મજબૂત બનાવે છે.

16. સંધિવાથી બચાવે છે – ડેરી ઉત્પાદનોનું સેવન ઘટાડવાથી તમને સંધિવાના લક્ષણોમાં લાભ થાય છે. એક નવા અભ્યાસ પ્રમાણે ગ્લૂટન-ફ્રી અને વેગન ડાયેટ સંધિવાના લક્ષણોવાળા દર્દીઓની શારીરિક સ્થિતિમાં સુધારો લાવે છે.

17. પીએમએસ (પ્રીમેન્સ્ટ્ર્યુઅલ સિન્ડ્રોમ)/માસિક પહેલાની તકલીફોમાં રાહત – જે સ્ત્રીઓ વેજિટેરિયન ડાયેટ તરફ વળી હોય તેમને માસિક પહેલાની તેમની તકલીફોમાં ઘટાડો થતો દેખાશે અથવા તો તે સદંતર દૂર થઈ ગઈ હશે. ડેરી ઉત્પાદનો ઘટાડવાથી પીએમએસથી પિડિત સ્ત્રીઓને રાહત મળે છે. તેમને દુખાવા તેમજ પેટ ફુલી જવાની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

18. ડાયાબિટીસ – જે લોકો વેજિટેરિયન ડાયેટ અનુસરતા હોય છે તેમનામાં ડાયાબિટીસની શક્યતાઓમાં ઘટાડો જોવા મળ્યો છે.

19. રોગપ્રતિકારક શક્તિ – શાકાહારી ભોજન તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તેઓ અવારનવાર બિમાર નથી પડતા તેમજ તેમને જીવાણું સંબંધીત સંક્રમણ ઓછું થાય છે.

જો તમે અત્યંત માસ ખાતા હોવ તો તમારે વેજિટેરિયન ડાયેટ તરફ વળતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તે તમને તે માટે માર્ગદર્શન પુરુ પાડી શકે છે કે જેથી કરીને તમે સરળતાથી વેજિટેરિયન ડાયેટ તરફ વળી શકો. બની શકે કે તમે અચાનક તમારું ડાયેટ ચેન્જ કરો તો તેની કેટલીક અવળી અસર થાય જે થોડા સમય પુરતી જ હોય છે તેમાં કબજિયાત, અપચો વિગેરેની સમસ્યાનો સમાવેશ થઈ શકે છે. પણ તેમ છતાં તમારે વળગી રહેવું જોઈએ.

અહીં આ ડાયેટ પ્લાનને અનુસરવા તેમજ વજન ઘટાડવા માટે કેટલીક ટીપ્સ આપવામાં આવી છેઃ

વેજિટેરિયન વેઇટ લોસ ડાયેટ પ્લાન્સ માટેની કેટલીક ટીપ્સઃ

વજન ઘટાડવા માટે એક સંતુલિત શાકાહારી ડાયેટ અનુસરવું જરૂરી છે. આ પ્લાનમાં તમને મીટ, ફીશ કે અન્ય માસાહારી ખોરાક વગર પુરતું પોષણ પુરતા પ્રમાણમાં મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમારે રોજ ફળો, શાકભાજીઓ અને ફાયબરથી ભરપુર ખોરાક જેમ કે બટાટા, આખું અનાજ, સિરિયલ પાસ્તા, બ્રેડ અને ચોખાના પાંચ પોર્શન લેવા જોઈએ. તમારે તમારા શાકાહારી ભોજનમાં ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, દહીં, પનીર અને ચિઝનો પણ સમાવેશ કરવો જોઈએ.

– જો તમારે વજન ઘટાડવું હોય તો કેલરીમાં ઘટાડો કરવો પડશે. દીવસમાં 20થી 30 મીનીટનો વ્યાયામ કરવો જોઈશે જેથી કરીને તમારું મેટાબોલિઝમ વેગ પકડશે અને ચરબી બળશે. તમે વજન ઘટાડવા માટે તીવ્ર વ્યાયામ જેમ કે એરોબિક્સ, સ્વિમિંગ અને કાર્ડિયોવાસ્ક્યુલર એક્સરસાઇઝ પણ કેલરી બાળવા માટે કરી શકો છો.

– સવારનો નાશ્તો એ દીવસનું સૌથી મહત્ત્વનું ભોજન છે. લાંબા સમય માટે પેટ ભરેલું રહે તે માટે પ્રોટિન અને ફાયબરથી પ્રચૂર નાશ્તો લેવો.

– રોજ 2 લિટર જેટલું પાણી પીવું. પાણી તમને પાચનમાં તેમજ નુકશાનકારક ઝેરી તત્ત્વો તેમજ ધાતુઓ શરીરમાંથી કાઢવા માટે મદદ કરે છે. તમારા ઠંડા પીણા અને આલ્કોહોલની જગ્યાએ તમે ફળના તાજા જ્યૂસ, પાણી, છાશ અને નારિયેળનું પાણી લઈ શકો છો.

– તેલ, ખાંડ અને મીઠાનું પ્રમાણ ઓછું કરો. વર્જિન ઓલિવ ઓઈલની માત્ર બે ચમચી આખા દિવસ માટે પૂરતી છે. માખણ અને માર્ગરીનનું પ્રમાણ સાવજ નહીંવત કરી દેવું જોઈએ.

– પ્રોસેસ્ડ અને જંક ફૂડ જેમ કે ચીપ્સ, વેફર્સ, કૂકીઝ, બિસ્કિટ્સ અને ઇન્સ્ટન્ટ નૂડલ્સ ને સદંતર અવગણવી જોઈએ. પ્રોસેસ્ડ ફૂડમાં ઓછા પોષકતત્ત્વો હોય છે જે ઓવરઇટીંગ તરફ દોરી જાય છે.

– ફાયબરથી ભરપૂર ખોરાક વજન ઘટાડવા માટે ઉત્તમ છે. ફાયબરથી ભરપુર ખોરાક જેવા કે સીરીયલ્સ, આખું અનાજ, ઓટ્સ, શાકભાજી અને ફળોનો તમારા ડાયેટમાં સમાવેશ કરો. ફાયબર તમારી મળ ત્યાગની હલચલોને નિયમિત બનાવે છે અને તમને કબજિયાતથી છૂટકારો અપાવે છે. તે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતો.

– તમારા ડાયેટમાં એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. બ્રાઇટ કલરવાળા શાકભાજી અને ફળો જેમ કે ગાજર, બીટ. તેમાં ખુબજ અસરકારક એવું બાયોટિન એન્ટિઓક્સિડન્ટ હોય છે. શરીરમાં જો ઉચ્ચ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે અને તમને વિવિધ જાતના રોગોથી બચાવે છે.

આ 7 ડે હેલ્ધી વેજિટેરિયન વેઇટ લોસ ડાયેટ પ્લાન માત્ર તમને ઉર્જામય દિવસ જ નહીં આપે પણ તે તમને અનેક પ્રકારના રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ એક સામાન્ય પ્લાન છે. પણ એક કસ્ટમાઇઝ્ડ પ્લાન માટે તમે તમારા ડાયેટિશિયન કે ન્યૂટ્રીશનિસ્ટની સલાહ લઈ શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ