વેજિટેબલ મસાલા ઓટ્સ – સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે,

તહેવારો માં મીઠાઈ અને ફરસાણ બનાવ્યાં બાદ હવે બનાવો હેલ્થ માટે બેસ્ટ એવા ખૂબ જ સ્વાદિષ્ટ વેજિટેબલ મસાલા ઓટ્સ… માર્કેટ માં મળતા તૈયાર પેકેટ કરતા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ વેજિટેબલ મસાલા ઓટ્સ….

બાળકો અને મોટા બધા જ માટે ઉત્તમ કહી શકાય અને કોઈ પણ ટાઈમ પર બનાવી ને ખાઈ શકાય એવી આ રેસિપી છે. આ ડિશ ને ઓટ્સ ની ઉપમા પણ કહી શકો. ઓટ્સ માં ભરપૂર માત્રા માં ફાયબર, વિટામીન, મિનરલ , એન્ટિઓક્સિડન્ટ આવેલા હોય છે . જે આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે.

સામગ્રી:-

2 કપ ઓટ્સ

1 મોટો કપ બાફેલા શાક (મેં બટેટા, વટાણા, ગાજર, ફણસી લીધા છે)

1 ઝીણું સમરેલું ટામેટું

2 ઝીણી સમારેલી ડુંગળી

1/2 નંગ કેપ્સિકમ

5-7 મીઠાં લીમડાના પાન ઝીણા સમારેલા

2-3 નંગ બેબી કોર્ન ( તમે બાફેલી મકાઈ ના દાણાં લઇ શકો)

1/2 નંગ લીંબુ નો રસ

2 ચમચા કોથમીર ઝીણી સમારેલી

1 ચમચો તેલ

ચપટી રાઈ અને હિંગ

1/2 ચમચી જીરું

1/2 ચમચી હળદર

1 ચમચી લાલ મરચું

મીઠું સ્વાદાનુસાર

4-5 ગ્લાસ ગરમ પાણી

રીત:-


સૌ પ્રથમ કડાઈ માં ઓટસ ને 5-7 મિનિટ માટે ધીમા તાપે શેકી લો. હવે ઓટ્સ ને બીજા બાઉલમાં નીકાળી લો અને કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઈ , જીરું ,હિંગ અને હળદર ઉમેરી ને ડુંગળી અને મીઠાં લીમડા ના પાન ઉમેરો. બધું મધ્યમ આંચ પર સાંતળો. ત્યારબાદ ટામેટાં , કેપ્સિકમ ઉમેરી ને સાંતળો અને ધાણાજીરૂં અને મરચું ઉમેરી ને 1 મિનિટ માટે સાંતળો. હવે બાફેલા શાક ઉમેરી બધું મિક્સ કરો. શેકેલા ઓટ્સ ઉમેરો. 1 મિનિટ માટે ધીમી આંચ પાર બધું બરાબર મિક્સ કરો, હવે ગરમ પાણી અને મીઠું ઉમેરી ને ધીમી આંચ પર થવા દો. ઓટ્સ બધું પાણી શોષી લે અને ખીચડી થી થોડી સોફ્ટ રહે એવી થાય એટલે ગેસ બંધ કરી ને લીંબુ રસ અને કોથમીર ઉમેરી ને મિક્સ કરો અને ગરમાગરમ સર્વ કરો…


નોંધ:-

ઓટ્સ ને શેકી લેવાથી સ્વાદ વધુ સારો આવે છે.

પાણી નું પ્રમાણ તમને જોઈતી ઘટત્તા મુજબ ઉમેરો.

શાક પણ તમે તમારી પસંદ ના ઉમેરી શકો.

ઓટ્સ થોડા ઠંડા થાય એટલે વધુ ઘટ્ટ થાય છે .

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)