ખૂબ જ ઓછા ટાઈમમાં બની જતાં ને સ્વાદિષ્ટ ‘વેજિટેબલ પરાઠા’ આજે જ બનાવો

આલુ પરાઠા, મિક્સ વેજીટેબલ પરાઠા જેવા સ્ટફિંગ વાળા પરાઠા બધા બનાવતા જ હોય છે. પરંતુ એના માટે તમારે થોડો ટાઈમ વધુ જોઈએ છે. આજે હું એવી રેસિપી લઇ ને આવી છું કે જે ખૂબ જ ઓછા ટાઈમ માં બની જાય છે જે સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને તમારા માટે આટલાં જ પૌષ્ટિક હોય છે.

આજકાલ બાળકો ને જંકફુડ વધુ ભાવતું હોય છે અને શાકભાજી ઓછા. ત્યારે શાક ના ખાતા હોય એવા બાળકો ને ચોક્કસ થી બનાવી આપો .. એમને ખબર જ નહીં પડે કે આ પરાઠા માં શાક છે. મારી આ રેસિપી તમે ટીફીન પણ આપી શકો છો.

ઘઉં ના લોટ કરતા બમણા શાક નો ઉપયોગ કર્યો હોવાથી આ પરાઠા ખૂબ જ પૌષ્ટિક બની જાય છે.

મારા ઘરે અવાર નવાર બનતા ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવા ઝટપટ વેજિટેબલ પરાઠા માટે ની રીત નીચે મુજબ છે.

સામગ્રી:-

2 કપ ઘઉં નો લોટ ( મેં મલ્ટીગ્રેન ઘઉં નો લોટ લીધો છે),
1 કપ બાફી ને ક્રશ કરેલા બટેટા,
1/2 કપ કોબી ઝીણી કરેલી,
1/2 કપ ફ્લાવર ઝીણું કરેલું,
1/2 કપ ગાજર ઝીણું કરેલું,
1/2 કપ ડુંગળી ઝીણી કરેલી,
2 લીલાં મરચાં ઝીણા કરેલા,
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર.

મસાલા
1 ચમચી આદુમરચાંની પેસ્ટ,
1 ચમચી મરચું,
1/2 ચમચી ધાણા જીરુ,
1/2 ચમચી મરી નો ભૂકો,
1/4ચમચી ગરમ મસાલો,
ચપટી હિંગ,
મીઠું સ્વાદ અનુસાર,
1/2 લીંબુનો રસ,
2 ચમચા તેલ.

રીત : 

બાફેલા બટેટા સિવાયના બધા જ શાકને તમે ચીલી કટરમાં ઝીણા કાપી લો કે ઇલેકટ્રીક ચોપરમાં કટ કરી લો.


હવે એક બાઉલમાં બાફીને ક્રશ કરેલા બટેટા અને બધા જ શાક ભાજી લો. હવે તેમાં આદું- મરચાંની પેસ્ટ, મીઠું, મરચું, ધાણાજીરુ, હિંગ,મરીનો ભૂકો, ગરમ મસાલો ,હિંગ , તેલ,લીંબુનો રસ બધું નાખી દો.

ત્યારબાદ 1 કપ ઘઉં નો લોટ ઉમેરી બધું મિક્સ કરો. અને હવે ધીરે ધીરે બાકી નો એક કપ લોટ ઉમેરાતા જાવ. અને કણક તૈયાર કરો.


આ કણકમાં પાણી નહીં જોવે કેમકે શાક બહુ જ વધુ પ્રમાણમાં છે.
હવે કણકમાંથી લુઆ બનાવીને પાટલી વેલણની મદદથી નાના ગોળ પરાઠા વણી લો.

એક ગરમ તવા પર ઘી નાખી ને બંને બાજુ આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર શેકી લો.


આ પરાઠા ને મસાલા દહીં, ચટણી, મરચાં, કે કોઈ પણ રાયતા જોડે સર્વ કરો.

નોંધ:-

-તમે આ પરાઠામાં તમારા ગમતા બીજા શાક પણ ઉમેરી શકો. જેમ કે બીટ, ફણસી, મેથી વગેરે..

-આ પરાઠાની કણક બાંધી તુરંત જ પરાઠા બનાવી લો. કેમકે કણક ને રેસ્ટ આપશો તો બહુ જ ઢીલી કણક થઇ જશે.. શાક વધુ હોવાને લીધે પાણી વધુ છૂટે. જો એવું લાગે તો તમે થોડો ઘઉં નો લોટ ઉમેરી ને મીક્સ કરી દો.

-આ પરાઠા માં લોટ કરતા શાક ડબલ છે એટલે વણવામાં થોડા જાડા જ રાખો. એ ખાવામાં વધુ પોચા અને સરસ લાગશે.

-આ પરાઠા ઘી શેકવાથી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. જો તમને લોટ વધુ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો.
આ પરાઠા ની કણક તમારા રોજ ની કણક કરતા બમણી દેખાશે કેમકે શાક વધુ છે.

-તમે મસાલા માં પણ તમને ગમતાં વધુ કે ઓછા કરી શકો.

-બાળકો ને ચીઝ સ્પ્રેડ લગાવી આપો તો પણ ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી