વેજીટેબલ કટલેટ – ગરમ ગરમ કટલેટ સોસ કે લીલી ચટણી સાથે મળી જાય તો આનંદ આવી જાય…

વેજીટેબલ કટલેટ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા શાક અને મસાલા નું પરફેક્ટ મિશ્રણ એટલે કટલેટ. ઘણા લોકો બધા શાક બાફી ને પણ કટલેટ બનાવે છે. મેં અહીં શાક ને સીધા વઘારી ને બાફયા છે.. જે એક ખૂબ જ સરસ વિકલ્પ છે.

ગરમ ગરમ કટલેટ ને ચટણી અને સોસ સાથે પીરસો . મેં અહીં કટલેટ ને તળી છે , આપ ચાહો તો શેલો ફ્રાય કરી શકો.

સામગ્રી ::


• 1 વાડકો સમારેલા બટેટા

• 1/2 વાડકો સમારેલી ફણસી

• 1/2 વાડકો ખમણેલા ગાજર

• 1/2 વાડકો લીલા વટાણા

• 1/4 વાડકો સમારેલી કોથમીર

• 2 મોટી ચમચી તેલ

• 1/2 વાડકો બારીક સમારેલી ડુંગળી

• 1 મોટી ચમચી આદુ મરચાં ની પેસ્ટ

• મીઠું

• 1/2 ચમચી લાલ મરચું

• 1/4 ચમચી હળદર

• 1/4 ચમચી આમચૂર પાવડર

• 1 ચમચી પાવભાજી મસાલો

• 2 મોટી ચમચી મેંદો

• 1/2 વાડકો મેંદો , પોણો વાડકો પાણી માં ભેળવી દો

• થોડો રવો અને ટોસ્ટ નો ભૂકો

• તળવા માટે તેલ

રીત ::


સૌ પ્રથમ કડાય માં તેલ ગરમ કરો. ગરમ તેલમાં સહેજ હિંગ ઉમેરી ડુંગળી વઘારો. મધ્યમ આંચ પર સાંતળો. ડુંગળી ને 1 થી 1.5 મિનિટ માટે સાંતળો.


ત્યારબાદ એમાં બટેટા , ફણસી , આદુ મરચા ની પેસ્ટ , ગાજર અને વટાણા ઉમેરો. સરસ રીતે મિક્સ કરો. થોડું પાણી (2 મોટી ચમચી જેટલું) છાંટો અને ઢાંકી ને રાખો બધા શાક સરસ બફાય ન જાય ત્યાં સુધી . વચ્ચે વચ્ચે હલાવતા રહો.


જ્યારે લાગે કે બધા શાક બરાબર બફાય ગયા છે , આ મિશ્રણ માં કોથમીર, મીઠું , મરચું, હળદર, આમચૂર , પાવભાજી મસાલો ઉમેરો..


આ મસાલા માં મેંદો ઉમેરો અને અને સરસ મિક્સ કરી એકાદ મિનિટ શેકો. બધા શાક નો છૂંદો કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી આ મિશ્રણ ને ઠંડુ પડવા દો.


મિશ્રણ એકદમ ઠરે એટલે મનગમતા શેપ માં વાળી લો. મેં અહીં શેપ આપવા કુકીઝ કટર નો ઉપયોગ કર્યો છે. આપ ચાહો તો સાદો ગોળ શેપ પણ આપી શકો છો.

ત્યારબાદ મેંદા ને પાણી માં પલાળી જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં આ વાળેલી કટલેટ ને ડૂબાડો અને ત્યારબાદ રવો અને ટોસ્ટ ના ભૂકા ના મિશ્રણ માં રગદોળો..


હવે આ કટલેટ ને ગરમ તેલ માં તળો. આપ ચાહો તો શેલો ફ્રાય પણ કરી શકો. તવા પર શેકેલી કટલેટ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.


ગરમ ગરમ પીરસો. આ કટલેટ ની સાથે કોથમીર ની ચટણી અને ટામેટા નો સોસ પીરસો.

આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ