જલ્સા કરોને જેંતીલાલ

વેજીટેબલ મુઠીયા – આ નવીન પ્રકારના મુઠીયા તમે ક્યારેય નહિ ખાધા હોય…

મિત્રો, મુઠીયા એ આપણી ટ્રેડિશનલ ડિશ છે. કાઠિયાવાડી દરેક ઘરોમાં બનતી જ હોય છે. તે નાના -મોટા સૌને ખુબ જ પસંદ પડે એવી હેલ્ધી અને સ્વાદિષ્ટ ડિશ છે. આજે હું કંઈક અલગ રીતથી મુઠીયા બનાવવાની રેસિપી શેર કરું છું જે બધાને ખુબ જ પસંદ આવશે તો ચાલો બનાવીએ મસ્ત મસ્ત મુઠીયા.

સામગ્રી :

Ø 1 કપ બાજરીનો લોટ

Ø 1/2 કપ ચણાનો લોટ

Ø 1/2 કપ ધઉંનો જાડો લોટ

Ø 1 કપ દહીં

Ø 1/2 કપ મેથી

Ø 1/2 કપ દૂધી

Ø 1/2 કપ પાલક

Ø 1/4 કપ કોથમીર

Ø 50 ગ્રામ બીટ

Ø 150 ગ્રામ ગાજર

Ø 1 ટે -સ્પૂન મગદાળ

Ø 1 ટે -સ્પૂન તલ

Ø 1/2 ટે -સ્પૂન નમક

Ø ચપટી હળદર

Ø ચપટી હિંગ

Ø ચપટી રાયજીરુ

Ø 2 ટે -સ્પૂન આદું-મરચાની પેસ્ટ

Ø 2 ટે -સ્પૂન લીંબુનો રસ

Ø ચપટી કુકિંગ સોડા

Ø વઘાર માટે:- તજપત્તા, સુકા મરચા, 5 ટે -સ્પૂન તેલ , લીમડો

તૈયારી :

v મેથી, પાલક અને કોથમીરને ધોઈને સાફ કરી સમારી લો.

v દૂધી ખમણી લો.

v આદું-મરચાની લસણની પેસ્ટ બનાવી લો.

v ગાજર અને બીટની બે ઈંચ જેટલી લાંબી ચીરીઓ કરી લો.

v મગદાળને 30 મિનિટ્સ સુધી પાણીમા પલાળી લો.

રીત :


1) મુઠીયા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં ત્રણેય લોટ લો. લોટ ને ચાળી લેવો જરૂરી છે. તેમાં પાલક મેથી, કોથમીર, ખમણેલ દૂધી, આદું-મરચાની પેસ્ટ , પલાળેલ મગની દાળ, નમક, હળદર, કુકિંગ સોડા, લીંબુનો રસ ઉમરીને બધું સરસ રીતે મિક્સ કરી લો.


2) તેમાં એક ટેબલ સ્પૂન તેલનું મોણ આપો. હવે તેમાં થોડું- થોડું દહીં નાંખીને સોફ્ટ લોટ તૈયાર કરો.


3) આપણો મુઠીયા બનાવવા માટેનો લોટ તૈયાર છે. આટલો લોટ તૈયાર કરવામાં મેં 4 ટેબલ સ્પૂન જેટલું દહીં યુસ કર્યું છે.


4) હવે તેના મુઠીયા બનાવી લઈએ આપણે મુઠીયા થોડી અલગ રીતે બનાવીશુ. મુઠીયાની અંદર લાંબી કાપેલી બીટ અને ગાજરની ચીર મૂકીને મુઠીયા બનાવીશુ. કાચા કેળાનો સ્વાદ પસંદ હોય તો આ રીતે કાચું કેળું નાનકડું અથવા કાચા કેળાની ચીર મુકીને પણ મુઠીયા વાળી શકાય.


5) હવે આ મુઠીયાને વરાળથી બાફી લઈએ. 25 થી 30 મિનિટ્સમાં તો આ મુઠીયા આરામથી ચડી જાય છે. સ્ટવની ફ્લેમ મીડિયમ થી થોડી વધારે રાખો. 25 મિનિટ્સ પછી મુઠીયા અંદર છરીનો કાપો મૂકીએ અને છરી ઉપર મુઠીયાનો લોટ ના ચોંટે એટલે મુઠીયા ચડી ગયા કહેવાય.


6) હવે આ મુઠીયાને એક સ્ટીલની પ્લેટમાં કાઢી લો. અને થોડા ઠંડા પડવા દો. ઠંડા પડી ગયા બાદ ગોળ -ગોળ મુઠીયા બને એ રીતે કાપી લો. આપણે મુઠીયાની અંદર મુકેલ ગાજર, બીટરૂટ ,અને કેળા એકદમ યુનિક લુક અને સ્વાદ આપે છે. હવે આપણે સીઝનીગ કરી લઈએ.


7) એક પેનમાં ત્રણ થી ચાર ટેબલ સ્પુન તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું નાંખો. રાઈદાણા ને બરાબર તતડી જવા દો. ત્યારબાદ તેમાં તલ , હિંગ તેમજ તમાલપત્ર , સૂકા લાલ મરચા, મીઠો લીમડો નાંખો.


8) તુરંત તેને કાપેલા મુઠીયા પર સ્પ્રેડ કરીને નાંખો. તેના પર રાઉન્ડ કાપેલા તાજા લીલા મરચા અને કોથમીરથી ગાર્નિશ કરો.


9) મિત્રો તૈયાર છે કાઠિયાવાડી ટ્રેડિશનલ ડિશ મુઠીયા. જેને મનપસંદ ચટણી અથવા ગરમા -ગરમ ચા સાથે ઈન્જોય કરો.


મુઠીયાને નાસ્તા તરીકે તેમજ ડિનરમાં પણ સર્વ કરી શકાય. ટિફિન બોક્સમાં પણ પેક કરીને આપી શકાય. આપેલ વેજિટેબલ્સ સિવાયના મનપસંદ વેજિટેબલ્સ ખમણીને અથવા બારીક સમારીને ઉમેરી શકાય. તેમજ વચ્ચે સ્ટીક કાપીને મૂકી શકાય.વચ્ચે વેજિટેબલ્સની સ્ટીક મુકવાથી દેખવામાં ટેમ્પટિંગ તો લાગે છે, સાથે સ્વાદિષ્ટ અને પોલા પણ બને છે. તો આપ ક્યારે ટ્રાય કરો છો? મારા આ મસ્ત મસ્ત મુઠીયા.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Exit mobile version