ભૂકંપની ઉથલ પાથલ – એક ભુપંક અને બદલાઈ ગઈ જિંદગી… આવી ખુશીની બહાર તેના જીવનમાં પણ…

ભૂકંપની ઉથલ પાથલ

૨૦૦૧ની સાલમાં ગુજરાતમાં ભૂકંપ આવ્યો. તેની સૌથી વધુ અસર કચ્છ-ભુજ વિસ્તારમાં થઈ. ગામોના ગામો તારાજ થઈ ગયા. હજારો લોકો બેઘર થઈ ગયા. ભૂકંપે માત્ર ધરતી જ નહિ પણ હજારો લોકોની જિંદગી ઉથલ પાથલ કરી નાંખી. કંઈ કેટલીએ જિંદગીઓ ધરતીના પેટાળમાં ધરબાઈ ગઈ, તો વળી કંઇક નવી જિંદગીઓ ધરતીને ખોળેથી ઉગી પણ નીકળી. એવી જ એક જિંદગીની વાત આજે મારે કરવી છે.

આજે આ વાતને સત્તર-અઢાર વરસ થઈ ગઈ. કચ્છના એક વિસ્તારમાં કાટમાળ નીચેથી દટાયેલા માણસો બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ હતો. ઇન્સ્પેક્ટર કિરણ પોતાની ટુકડી સાથે કાટમાળ ખસેડવાની કામગીરીમાં વ્યસ્ત હતાં. કાટમાળ ખસેડવામાં તેમને એક પથ્થરનો મોટો ગાજિયો ઉપાડ્યો. એ ગજીયા નીચે એક વ્યક્તિ દટાયેલી હતી. તેનું આખું શરીર હજી કાટમાળ નીચે જ હતું, પણ ઇન્સ્પેક્ટર કિરણે ઉપાડેલા ગજીયા નીચેથી દટાયેલી વ્યક્તિનો કોની સુધીનો હાથ દેખાયો. ગોરા હાથ ઉપર લીલારંગની બંગડીઓ અડધી ફૂટેલી અને અડધી સાજી વળગી રહી હતી. કિરણે પોતાનો હાથ દટાયેલી મહિલાના હાથની નસ પર મુક્યો. અને તેમનો હાથ જાણે કે સ્ટેથોસ્કોપ બની ગયો. દટાયેલી મહિલાના હાથની નસમાંથી ઉછળતા ધબકારા એમના કાન સુધી પહોંચી ગયા. દટાયેલી મહિલા જીવિત હતી. તેમેણે રાહત ટુકડીને બુમ પાડી:

“કમાન્ડો, જલ્દી આવો. અહીં દટાયેલી મહિલા જીવિત છે.” તેમની બુમ સાંભળીને આખી ટુકડી ત્યાં આવી પહોંચી. અને કાટમાળ ખસેડી મહિલાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગી. જયારે આખો કાટમાળ ખસી ગયો, ત્યારે ઇન્સ્પેક્ટર કિરણ તે મહિલાને જોતા જ રહી ગયા. પીળા રંગની સાડી તે મહિલાએ પહેરી હતી, જે હવે લોહીથી ખરડાઈને લાલપીળી થઈ ગઈ હતી. શ્વેતરંગ, કાળી ભમ્મરો, સાડા પાંચ ફૂટની કાયા, અને નાગરવેલ જેવા લાંબા નાજુક હાથવળી તે ચોવીસ વરસની કોઈ અપ્સરા જેવી લગતી હતી, . તેના ચહેરા પર બાજેલા લોહીના ડાઘ ચંદ્રમાં રહેલા ડાઘની જેમ શોભી રહ્યાં હતાં. જાણે કે સ્વર્ગલોકની કોઈ અપ્સરા ધરતી પર કચ્છના ડોલરિયા પ્રદેશમાં ભારતમાંના તિરંગાને સલામ કરવા આવી હોય અને ભૂકંપનો ભોગ બની હોય તેવું લાગી રહ્યું હતું. કિરણે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તે મહિલાને કચ્છની સિવિલ હોસ્પીટલમાં એડમીટ કરી.

હોસ્પિટલમાં ફરજ પર હાજર ડૉ.પટેલે મહિલાને સરવારમાં લીધી. તેણે માથાને ભાગે વધુ ઈજા થઈ હતી. લોહી પણ ખુબ વહી ગયેલું હતું. ડોક્ટરે પોતાની સારવાર પૂરી કરીઅને કિરણને કહ્યું; ‘ચિંતા જેવું કોઈ કરણ નથી. તે હવે ખતરાથી બહાર છે. બે-ત્રણ કલાકમાં ભાન આવી જશે.’ જેમ એક માળી પોતાના બગીચામાં વાવેલા ગુલાબ પર ફૂલ કયારે બેશે તેની રાહ જુવે, તેમ કિરણ પણ આ યુવતીના ભાનમાં આવવાની રાહ જોવા લાગ્યો.

અઢી કલાક જેટલો સમય પસર થયો. જેમ સુતેલું બાળક આળસ મરડીને ઉભું થાય તેમ તે મહિલાએ સળવળાટ શરુ કર્યો. કિરણ તેની પાસે દોડી ગયો. યુવતી ભાનમાં આવી. પોતાની આંખો ખોલી આજુબાજુ જોવા લાગી. જેમ ફૂલ ખીલતાં તેની ખુશ્બુ મહેંકી ઊઠે તેમ તેયુંવતીના મુખમાંથી શબ્દો મહેંકી ઉઠ્યા; ‘હું ક્યાં છું ?’ કિરણ તેની પાસે દોડી ગયો. તેણે ધીરેથી પાછો સુવડાવતો કહેવા લાગ્યો;  ‘જરાક આરામથી… તમે ભુજની હોસ્પિટલમાં છો. ભૂકંપનો ભોગ બન્યા છો. નસીબદાર છો કે બચી ગયા ! હવે તમે જણાવો કે તમે કોણ છો ?’ યુવતીએ પોતાનો પરિચય આપવાનો પ્રયત્ન કરતાં બોલી; ‘મારું નામ …’ એટલું બોલીને તે યુવતી અટકી ગઈ. ‘મારું નામ શું છે ? મને મારું નામ કેમ યાદ નથી આવતું? કિરણને ફાળ પડી. તે દોડતો જઈને ડોક્ટરને બોલાવી લાવ્યો. ડોક્ટરે તે યુવતીની તપાસ કરી. પછી કિરણને એક બાજુ બોલાવીને કહ્યું; ‘આ યુવતી પોતાની યાદદાસ્ત ગુમાવી ચુકી છે. તેના મગજના ભાગ પર એ રીતે ઈજા થઈ છે, કે જે ભાગમાં ઈજા થવાથી વ્યક્તિને પોતાનો વર્તમાન તો યાદ રહે છે પણ પોતાનો ભૂતકાળ ભૂલી જાય છે.’ કિરણ ઉદાસ થઈ ગયો. તેણે ઉગાડેલું ગુલાબ ફક્ત કળી બનીને જ રહી ગયો. તે સંપૂર્ણ ખીલી શક્યું નહિ. કિરણ તે યુવતી પાસે આવ્યો અને કહ્યું: ‘તમે ચિંતા ના કરો, હું તપાસ કરીને તમારું નામ સરનામું ચોક્કસ ગોતી કાઢીશ.’ અને કિરણે તે માટેના પ્રયત્નો શરુ કર્યા.

સૌ પ્રથમ તો એ યુવતી જે ગામમાંથી મળી આવી આવી હતી તે ગામના દસેક વડીલોને બોલાવી એ યુવતીની સાથે મુલાકાત કરાવી. પણ એમાંથી કોઈ એ યુવતીની ઓળખ કરી શક્યું નહિ. તેમણે કહ્યું, “આ યુવતીને અમે ક્યારેય અમારા ગામમાં જોઈ નથી, કદાચ એ અમારા ગામની છે જ નહિ.” કિરણને લાગ્યું કે કદાચ આજુબાજુના કોઈ ગામથી આ યુવતી અહીં આવી હશે અને ભૂકંપનો ભોગ બની હશે. તેણે એ યુવતીના ફોટા પાડ્યા, તેના શરીર પરની કેટલીક નિશાનીઓ નોંધી અને તેણે પહેરેલા કપડા અને દાગીનાનું  વર્ણન પણ નોંધ્યું. એ તમામ માહિતી ભેગી કર્યા બાદ તેણે કચ્છના તમામ સમાચારપત્રોમાં એ યુવતી વિશેની વિગતો છપાવી. પણ અફસોસ કોઈ જગ્યાએથી યુવતીના કોઈ સગા-વ્હાલનો કોઈ પ્રતિભાવ આવ્યો જ નહિ. “તો શું તેનો આખો પરિવાર ભૂકંપનો ભોગ બન્યો હશે ?” એવી કલ્પનાથી કિરણ ડઘાઈ જતો હતો. ધીમેધીમે યુવતીની તબિયત સુધારવા લાગી. તેને માત્ર હવે પોતાનો ભૂતકાળ જ યાદ ન હતો, તે શીવાય હવે તેણે બીજી કોઈ શારીરિક તકલીફ ના હતી.

કિરણ અવાર-નવાર તે યુવતીની ખબર કાઢવા હોસ્પિટલ આવતો હતો. એકવાર હોસ્પિટલના ડોક્ટર પટેલે તેને પોતાની કેબીનમાં બોલાવ્યો અને કહ્યું, “જુઓ ઇન્સ્પેકટર સાહેબ, આ યુવતીની તબિયત હવે એકદમ સારી છે. હવે તેને હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી. અને તમે તો જાણો છો કે અત્યારે હોસ્પિટલ ભૂકંપ પીડીતોથી ઉભરાય છે. પલંગના અભાવે અમારે ઘણાં દર્દીઓને ભોય પથારી પર સારવાર આપવી પડે છે. જો આ યુવતીને હવે તમે લઇ જશો તો એમના સ્થાન પર આપણે કોઈ જરૂરિયાતમંદ દર્દીને તે પલંગ પર સારવાર આપી શકીશું.” ડોક્ટરની વાત પણ સાચી હતી. પણ તે યુવતીને લઇ ક્યાં જવી ? તે કિરણને સુઝતું ના હતું. તેણે ડોક્ટરને કહ્યું, ‘ડોક્ટર સાહેબ તમે મને આજ સાંજ સુધીનો સમય આપો, હું તેમની ગમે ત્યાં  વ્યવસ્થા કરાવું છું.

આટલા દિવસોના એ યુવતી સાથેના સંપર્કથી કિરણને તે યુવતી પ્રત્યે સહજ લાગણી અને આકર્ષણ જાગ્યું હતું. તે કિરણને પોતાના કોઈ સ્વજન જેવી લગતી હતી. સામે પક્ષે તે યુવતીને પણ કિરણ પ્રત્યે સહજ લાગણી જાગી હતી કેમકે, તે જયારે ભાનમાં આવી હતી ત્યારે સૌપ્રથમ કિરણ ને જ પોતાની નજર સામે જોયો હતો. વળી હોસ્પિટલના લોકો ધ્વારા તેને કિરણે પોતાના માટે કરેલી દોડધામની વાતોએ પણ તેણે કિરણ પ્રત્યે આકર્ષિત કરી હતી. પોતાના ભૂતકાળના સ્વજનોને ભૂલી બેઠેલી એ યુવતી માટે અત્યારે કિરણ જ તેનો સ્નેહી કે સ્વજન જે ગણો તે બધું જ હતો. આ બાજુ ઘરે ગયા પછી કિરણ એ યુવતીની ક્યાં વ્યવસ્થા કરાવી તે વિચારતો બેઠો હતો. કિરણ એ ગુલાબના ફૂલ જેવી કોમળ યુવતીને મહિલા અનાથાશ્રમમા મુકવા માંગતો નહતો. કિરણના પરિવારમાં કિરણ અને તેનેં માતા-પિતા એમ ત્રણ જ વ્યક્તિઓ હતી. કિરણને આમ ચિંતાગ્રસ્ત જોઈને તેની માતાએ તેણે ચિંતાનું કારણ પૂછ્યું. કિરણે અથી લઈને ઇતિ સુધીની એ યુવતીની સઘળી હકીઅકત તેણે માતા-પિતાને જણાવી દીધી. એક સ્ત્રીની પીડા એક સ્ત્રી જ સમજી શકે. એ નિરાધાર સ્ત્રીની પીડા નો એહસાસ કિરણની માતા કરી શકતી હતી. કિરણની માતાએ તેની ચિંતાઓનો એક ઉપાય બતાવ્યો. ‘જો એ યુવતીને વાંધો નહોય તો, તેણે કોઈ સગા-વ્હાલાની ભાળ મળે ત્યાં સુધી એ આપણા ઘરે રહી શકે છે. આમ પણ આપણા ઘરમાં ક્યાં ઝાઝી ભીડ છે !” કિરણ આશ્ચર્યથી પોતાની માતા તરફ જોઈ રહ્યો. તેની મતે આંખોના ઈશારાથી તેણે પોતાની સલાહ સ્વીકારવા આગ્રહ કર્યો. કિરણની ખુશીનો પાર ન રહ્યો. કાટમાળ નીચેથી મળેલું ગુલાબનું બીજ જેને તેણે હોસ્પિટલમાં સીંચ્યું હતું, તે હવે મહેકતો છોડ બનીને તે ઘરને મહેકાવાનો હતો.

કિરણ તરતજ હોસ્પિટલ ગયો, અને ડોક્ટર પટેલને પોતાનો વિચાર જણાવ્યો. ડોક્ટરે કિરણને શાબાશી આપતા તેનો વિચાર વધાવી લીધો. થોડીવાર પછી ડોક્ટર તે યુવતી પાસે ગયા અને તેણે આખી હકીકત કહી સંભળાવી. પહેલાતો યુવતીને નવાઈ લાગી. પછી તેણે દુનિયામાં નજર દોડાવી. આખી દુનિયામાં તેણે કિરણ સિવાય કોઈ સગું કે સબંધી દેખાયું જ નહિ. વળી તેનું મન પણ આ વાત સ્વીકારવા આતુર બન્યું. તેણે કિરણ સાથે તેના ઘરે જવાની હા પાડી. કિરણ બધી પ્રક્રિયા પૂરી કરી તે યુવતીને પોતાના ઘરે લઇ ગયો. કિરણના માતા-પિતાને તો જાણે દીકરીની ખોટ હતી તે પૂરી ગઈ. તેમણે કિરણનો બાળપણના રૂમમાં તે યુવતીની રોકવાની વ્યવસ્થા કરી લીધી. થોડાક જ દિવસોમાં તો તે યુવતી કિરણના પરિવારનું અભિન્ન અંગ બની ગઈ. તેણે કિરણ, તેણે માતા-પિતા અને આખા ઘરની જવાબદારી ઉપાડી લીધી. આમને આમ દિવસો પસાર થવા લાગ્યા.

એકવાર તે યુવતી પલંગમાં જાગતી જ સુતી હતી. બાજુના ખંડમાં કિરણના માતા-પિતા સુતા-સુતા વાતો કરી રહ્યાં હતાં. કિરણના માતા તેના પિતાને કહી રહ્યાં હતાં, “મે તો કિરણને કેટલીય વાર કહ્યું કે ઘરે આવેલી લક્ષ્મી જવા નથી દેવી. તું એને વાત કેમ નથી કરતો.” કિરણના પિતાએ જવાબ આપ્યો, “કિરણને એમ લાગતું હશે કે કદાચ એ યુવતીને ખોટું લાગી જાય અને નારાજ થાય તો !” એ બંનેની વાતો સંભાળતી પેલી યુવતી આખી વાત સમજી ગઈ. કિરણના માતા-પિતા તેણે પોતાના ઘરની વહું બનવા માંગતાં હતા. પણ તેણે કહી શકતા ન હતા. તેનું મન પણ એક પ્રકારની ખુશીથી ઝૂમી ઉઠ્યું. કેમેકે આ બધી વાતો તો છેવટે તેન મનની જ વાતો હતી. પણ પોતે પણ કહી શકતી ન હતી.

બીજા દિવસે સવાર પડી. કિરણના માતા-પિતા મંદિર ગયા હતાં. ઘરમાં કિરણ અને પેલી યુવતી બે એકલા જ હતાં. તે યુવતી કિરણ પાસે આવી. તેની નજર સામે બેઠી અને કહ્યું, “મનની વાતો મનમાં રાખવાથી મન ભારે થઈ જાય છે, અને મનભરીને જીવી શકતું નથી.” કિરણ તો આશ્ચર્યથી તે યુવતીની આંખોમાં તાકી જ રહ્યો. યુવતીએ આગળ ચલાવ્યું, “આટલી નાની વાત કરવામાં આટલો સમય લગાવી દીધો !” કિરણ આખી વાત સમજી ગયો. તેણે કહ્યું, “શું કરું ? હું રહ્યો પોલીસ જવાન. મને આ દિલની વાતો કરતાં ન આવડે.” યુવતી બોલી, “તો લો હું કહું છું, મને તમારી જીવનસાથી બનાવશો ?” આ સંભાળીને કિરણનું મન આનંદથી ઝૂમી જ ઉઠ્યું. તેણે પોતાના બે હાથ લંબાવ્યા અને યુવતી દોડતી જઈ તેની બાહોમાં સમાઈ ગઈ. બંનેની આંખો પ્રેમના આંસુથી છલકાઈ ગઈ. મંદિરથી પાછા આવેલા કિરણના માતા-પિતાએ પણ આ દૃશ્ય જોયું. તેમના આનંદનો પણ પાર ના રહ્યો.

સારો દિવસ જોઈને કિરણ અને તે યુવતીના વિધિસર લગ્ન કરવામાં આવ્યા. તે દિવસે કદાચ દુનિયાનો પહેલો એવો પ્રસંગ બન્યો કે એક યુવતીની લગ્નવિધિ અને નામકરણવિધિ એક સાથે કરવામાં આવી હોય. કિરણ માટે આ યુવતી ધરતીને ખોળેથી મળેલી લક્ષ્મી હતી. એટલે તેણે તે યુવતીને ‘શ્રી’ એવું સુંદર નામ આપ્યું. તેમનું લગ્નજીવન સુખેથી ચાલવા લાગ્યું. ભગવાને પણ તેમના લગ્નજીવનમાં આશીર્વાદ વરસાવ્યા. થોડા મહિનાનો સમય પસાર થયો. કિરણ ફરજ ઉપર ગયો હતો. શ્રી ઘરે હતી. પણ આજે તેણે મનમાં હરખ માતો નહતો. તે વારંવાર ઘરના દરવાજા તરફ નજર કરી કિરણના આવાની રાહ જોતી હતી. સાંજે કિરણ જેવો ઘરે આવ્યો. શ્રી તેણે રીતસરની વળગી જ પડી. કિરણને પણ  નવાઈ લાગી, “શું વાત છે, આજે બહુ ખુશ છેને કંઈ !” શ્રીએ શરમથી પોતાની આંખો ઢાળી દીધી અને કિરણની નજીક જઈ તેના કાનમાં કહ્યું, “તમે પપ્પા બનવાના છો અને હું મમ્મી.” આ ખુશીના સમાચાર સંભાળતા જ કિરણ આનંદથી ઝૂમી ઉઠ્યો. તેણે શ્રીને પોતાની ગોદમાં ઉચકી લીધી અને તેના ચહેરા પર ચુંબનોનો વરસાદ વરસાવી દીધો.

પણ દુનિયાના સુખી લોકોની ઉપરવાળાને પણ ઈર્ષા આવતી હશે. એટલે જ તો જેમ ભૂકંપ પછી તેના આંચકા આવે છે. તેમ માનવીના જીવનમાં પણ સુખ પછી દુખના આંચકા આવે જ છે. શ્રીની પ્રેગ્નેન્સીમાં કિરણ તેની વધારે કાળજી રાખવા લાગ્યો. ‘શ્રી તારે આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ.” એમ મીઠા ઠપકા આપવા લાગ્યો. ચાર મહિનાની પ્રેગનેન્સી થતાં કિરણ શ્રીને ગાયનેક ડોક્ટર વનીતા દેસાઈ પાસે લઇ ગયો. ડોક્ટર દેસાઈએ શ્રીનું ચેકપ કર્યું અને કિરણને કહ્યું, “તમારી પત્નીની તબિયત જરાક નાજુક છે. તમારે તેની વિશિષ્ટ કાળજી રાખવી પડશે. દર પંદર દિવસે આવીને ચેકપ કરાવતા રહેજો.” ડોક્ટર દેસાઈની આટલી બધી ભલામણોએ કિરણના મનમાં ચિંતા ઉભી કરી. શું કારણ હશે ? ડોક્ટર કેમ આટલી ભલામણ કરે છે ? વગેરે પ્રશ્નો તેના મનમાં ઊઠવા લાગ્યા. પછી “હશે ડોક્ટર છે, સાવચેતીની ભલામણ તો કરે જ ને !” એમ કહી મન મનાવી લેતો. એમ કરતાં દિવસો પસાર થવા લાગ્યા. અને શ્રીની પ્રસુતિનો દિવસ નજીક આવ્યો.

એક દિવસ શ્રીને પ્રસુતિનો દુખાવો ઉપાડ્યો. કિરણ તેણે ડોક્ટર દેસાઈને દવાખાને લઇ ગયો. ડોક્ટરે શ્રીને તપાસમાં લીધી અને કિરણને રૂમની બહાર જ ઉભા રહેવા કહ્યું. થોડીવાર બાદ ડોક્ટર દેસાઈ બહાર આવ્યાને કિરણને કહ્યું, “મિ.કિરણ તમારી પત્નિની તબિયત ખુબ જ નાજુક છે. બાળક છુટું પડી ગયું છે. એમની નોર્મલ ડીલીવરી શક્ય નથી. સીઝર કરવું જ પડશે.” કિરણે કહ્યું, “ડોક્ટર સાહેબ આપને  જેમ ઠીક લાગે તેમ કરો. બસ મારી શ્રી અને મારા બાળકને બચાવી લો” જરૂરી કાગળિયા કરી ડોક્ટરે શ્રીને ઓપરેશનમાં લીધી. પણ ચાલી ઓપરેશને જ ડોક્ટર દેસાઈ બહાર આવ્યા અને કિરણને કહ્યું, “જુઓ મિ.કિરણ તમારી પત્ની અને બાળક બંનેના જીવનું જોખમ છે. બંનેનો જીવ બચાવો શક્ય નથી. કોઈ એકનો જ જીવ બચાવી શકાય તેમ છે.” આ બધું સંભાળીને કિરણને આઘાત લાગ્યો. તેણે કહ્યું પણ આવું કેમ ડોક્ટર ?” ડોક્ટર દેસાઈએ કિરણના ખભે હાથ મુક્યો અને શાંત કરતાં કહ્યું, “જુઓ મિ.કિરણ તમે પહેલાં પણ એકવાર ઓપરેશન કરીને બાળક લઇ ચુક્યા છો, એટલે બીજીવારના ઓપ્રેશના આ જોખમ રહે છે. તેમ છતાં આપ ચિંતા ના કરો અમે બંને જીવને બચાવાનો પ્રયત્ન કરીશું.” એમ કહી ડોક્ટર ઓપરશન થિયેટરમાં ચાલ્યા ગયા.

પણ આ બાજુ ડોક્ટરની વાત સાંભળીને કિરણને ફરીવાર ભૂકંપનો આંચકો લાગ્યો. ‘શ્રી આ પહેલાં પણ એક સંતાનની માતા બની ચુકી છે, મતલબ કે એ કોઈની પત્ની છે, કોઈના સંતાનની માતા છે.” આ બધા વિચારોથી કિરણનું મન વ્યાકુળ બની ગયું. તેના પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ. તેના હૃદયના ધબકારા વધી ગયા. થોડીવારે ડોક્ટર દેસાઈએ આવીને કિરણને ખભે હાથ મુક્યો ત્યારે તેની વિચારમાળા તૂટી. તે સાનમાં આવ્યો. ડોક્ટર દેસાઈના ચહેરા પર ઉદાસીનતા છવાયેલી હતી. તેમેન આમ ગંભીર જોઈ કિરણને ફાલ પડી. “શું વાત છે ડોક્ટર સાહેબ ? તમે આમ ગંભીર કેમ છે ? મારી શ્રી તો સલામત છે ને ?” ડોક્ટરે કિરણને આશ્વાસન આપતા કહ્યું, “મિ.કિરણ તમારી પત્ની તો બિલકુલ સલામત છે, પણ અમે તમારા બાળકને ન બચાવી શક્યા.” આ સાંભળી કિરણ ભાંગી પડ્યો અને ત્યાંજ પાટલી પર ફસડાઈ પડ્યો. તે ત્યાં બેઠો બેઠો રોતો રહ્યો.

થોડીવારે એક નર્સે આવીને કિરણને કહ્યું, “તમારી પત્નીને ભાન આવી ગયું છે, તે તમને બોલાવે છે.” કિરણ ઉભો થયો. તેણે પોતાની જાતને બંને તેટલી સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો. પણ પોતે શ્રી પાસે જશે, અને શ્રી પોતાના બાળક વિષે પૂછશે તો પોતે શું જવાબ આપશે ! એ વિચાર તેને વ્યાકુળ બનાવી રહ્યો હતો. તે કાઠુ કાળજું કરીને શ્રી પાસે ગયો. શ્રી ભાનમાં આવી હતી. કિરણે પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. ભાનમાં આવેલી શ્રીએ ઈશારાથી કિરણને પોતાના સંતાન વિષે પૂછ્યું. જવાબમાં કિરણ કંઈ ન બોલી શક્યો. બસ આકાશ સામે નજર કરી રડી પડ્યો. શ્રી પણ આખી વાત સમજી ગઈ. તે પણ કિરણને વળગીને ડૂસકે ડૂસકે રડી પડી, “ભગવાનને લઇ જ લેવો હતો તો આપ્યો શું કામ ?” એમ કહી જોર જોરથી રડવા લાગી. કિરણ અને શ્રીના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ ગંભીર બની ગયું. કિરણની માતાએ બંનેને શાંત કર્યા. બે દિવસ પછી સારું લગતા ડોક્ટર દેસાઈએ શ્રીને દવાખાનેથી રાજા આપી. રજા આપતી વખતે ડોક્ટર દેસાઈએ કિરણે એકબાજુ બોલાવીને કહ્યું, “જુઓ મિ.કિરણ મને આ કહેતા ઘણું દુખ થાય છે, પણ તમને જાણ કરાવી મારી ફરજ છે, કે તમારી પત્ની હવે પછી ક્યારેય માતા નહિ બની શકે. અને તેમજ એની જિંદગી છે. તો બી કેર ફૂલ ઇન ફ્યુચર” કિરણ માટે આ વધુ એક આંચકો હતો.

કિરણ શ્રીને દવાખાનેથી લઈને ઘરે ગયો. તેણે શ્રીને તેણે ભૂતકાળ વિશેની પોતે જાણેલી કોઈ વાત કહી નહિ. સમય વીતતો ગયો. શ્રી અને કિરણણી જિંદગી ધીમે ધીમે ફરી પતે ચડતી ગઈ. કિરણે પોતાના વ્હાલથી શ્રીનું દુખ તો હળવું કરી નાખ્યું. પણ શ્રી કોઈની પત્ની છે અને કોઈના બાળકની માતા છે એ વાતની જાણકારી કિરણ માટે મહાભારતના સહ્દેવનું દુખ બની ગયું. પણ શ્રીની તંદુરસ્તી માટે થઈને તેણે શ્રીને કંઈ વાત ના કરી. પણ હવે તે શ્રી સાથે આંતર રાખવા લાગ્યો. તે શ્રી સાથે શારીરક સબંધોથી દૂર રહેવા લાગ્યો. શ્રીને પણ થોડુંક અજુગતું લાગ્યું. પણ તેણે ‘પોતાની તબિયત હજી નાજુક છે માટે કિરણ તેનાથી અંતર રાખે છે, એમ કહી તેણે મન માનવી લીધું.’ અને કિરણ તરફથી પણ એક શારીરિક સબંધને બાદ કરતાં શ્રી પ્રત્યેના પ્રેમભર્યા વર્તનમાં કોઈ ફરક પડ્યો નહતો.

બે વરસ પછી . . .  વર્ષ : ૨૦૦૩

બપોરનો સમય હતો. કિરણ પોલીસ સ્ટેશન ગયો હતો. તેના માતા-પિતા બીજા રૂમમાં આરામ કરતાં હતાં. શ્રી સોફા પર બેઠી બેઠી ટી.વી જોઈ રહી હતી. ટી.વી.મા ન્યુઝ ચેનલ ચાલતી હતી અને સુનામીએ વેરેલા વિનાશના દ્રશ્યો આવી રહ્યાં હતાં. ‘દરિયામાં એક જોરદાર ઊંચું મોજું ઉઠ્યું. એ મોજાની ટોચ પર ચાળો તો હિમાલય દેખાય તેતેલી તેની ઊંચાઈ હતી. ધસમસતું એ મોજું કિનારા તરફ વેગથી આવી રહ્યું હતું. શ્રીની નજર પણ ટી.વી,ના પડદા પર ચોટેલી હતી. તેની આંખો આ દ્રસ્ય જોઈ પહોળી થઈ ગઈ. મોજું કિનારા પર આવ્યું અને એક બહુમાળી બિલ્ડીંગ સાથે અથડાયું. અને ક..ડ..ડ..ડ. કરતી આખી બિલ્ડીંગ જમીન પર તૂટી પડી. પણ એ તૂટેલી બિલ્ડીંગ જમીન પર પડે તે પહેલાં તો જાણે શ્રીના માનસપટ પર પડી. પોતે જાણે એ બિલ્ડીંગના કાટમાળ નીચે દટાઈ જશે એવા દરથી તે બુમ પડી ઊઠી. તેની બુમ સંભાળીને બાજુના રૂમમાંથી કિરણના માતા-પિતા દોડી આવ્યા. તેની ચીખ એટલી જોરદાર હતી કે આડોશી-પડોશી પણ દોડી આવ્યા. તેમણે જોયું તો શ્રી નીચે જમીન પર બેભાન પડી હતી. બાજુમાં પડેલા લોખંડના ટેબલ સાથે એનું માથું અથડાયું હતું. માથાના ભાગે ઈજા થઈ હતી અને લોહી વહી રહ્યું હતું. કિરણના મતા-પિતાએ શ્રીને ઉચકીને પલંગ પર લીધી. ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટરે આવીને જરૂરી પાટાપીંડી કરીને કહ્યું, “ચિંતા જેવું નથી, કોઈ આઘાતથી તે બે ભાન થયા છે. થોડીવારમાં ભાન આવી જશે.” એમ કહી ડોક્ટર ચાલ્યા ગયા. થોડીવાર પછી શ્રી ભાનમાં આવી. તે બેઠી થઈ ચારે બાજુ વ્યાકુળ નજરે જોવા લાગી. કિરણના માતા-પિતાએ તેણે બોલાવી પણ તે બોલી નહિ. તેમણે નવાઈ લાગી આજ પહેલાં શ્રી ક્યારેય આવું વર્તન કર્યું નહતું. કિરણના માતાએ કિરણને ફોન કર્યો.

સાંજે કિરણ ઘરે આવ્યો. અંધારું થઈ ગયું હતું. છતાં ઘરમાં લાઈટો ચાલુ થઈ ન હતી. રોજ તે આવતો ત્યારે તેણે આવકારવા દરવાજે ઉભી રહી વાત જોતી તેની શ્રી પણ આજે દેખાતી ન હતી. તેણે ધ્રાસકો પડ્યો. તે ઘરમાં આવ્યો. કિરણના માતા-પિતાએ તેણે બધી વાત કરી. કિરણ શ્રીના રૂમમાં ગયો. રોજ કિરણ આવતો ત્યારે તેની સામે દોડી જાતિ શ્રી આજે શાંત થઈને પલંગ પર બેસી જ રહી. કિરણ તેની નજીક જઈને બેઠો. શ્રીએ કિરણ તરફ નજર કરી. કિરણે ધીમે રહીને શ્રીને ખભે હાથ મુક્યો અને પૂછ્યું, “શું થયું ?” શ્રીએ કિરણના ચહેરા પરથી નજર હટાવી બારી બહાર નજર રાખી એક એક શબ્દ છુટો પાડીને કહ્યું, “ મને.. મારો…ભૂતકાળ…યાદ..આવી…ગયો…છે…” આ સંભાળતા જ કિરણને જોરદાર આંચકો લાગ્યો. તેનું માથું ભમવા લાગ્યું. હમણાં પડી જવાશે તેમ લાગતાં તેણે દરવાજાનો આધાર લીધો. થોડી વર રૂમમાં શાંતિ છવાયેલી રહી.

થોડીવાર પછી કિરણ શ્રીની પાસે બેસવા ગયો. પણ ત્યાં બેસતા તેનો જીવ ના ચાલ્યો. તે શ્રીની સામેની ખુરશી પર બેઠો અને પૂછ્યું,  “તો હવે તમે જણાવો કે તમે કોણ છો ? શ્રીએ કિરણ સાથે નજર મિલાવ્યા વગર જ નીચી નજર રાખી વાત શરુ કરી. કિરણના માતા-પિતા પણ તે રૂમમાં આવી ગયા હતાં. તેઓ પણ વાત સંભાળવા લાગ્યા. શ્રીએ શરુ કર્યું…

“મારું નામ જ્યોતિ છે. જ્યોતિ પ્રકાશકુમાર ત્રિવેદી. મારો પરિવાર અમદાવાદમાં રહે છે. મારા પતિ એક ઉદ્યોગપતિ છે. એમણે પેપરમિલ પોતાની ફેક્ટરી છે. મારે બે વર્ષનું એક બાળક છે. તેનું નામ રાહુલ છે. અમારા પરિવારમાં હું, મારા પતિ, મારા સાસુ અને મારું બાળક એમ ચાર જન છીએ. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અમારો એક બંગલો છે. ઘરમાં ગાડીઓ અને નોકર ચાકર છે. અમે ખુબ સુખી છીએ. મારા પતિ મને ખુબ પ્રેમ કરે છે.”

શ્રીના મોઢેથી ‘મારા પતિ’, ‘મારું સંતાન’, ‘મારો બંગલો’ એવું સંભાળીને કિરણનું મન વ્યાકુળ થઈ ગયું. તે રડવા જેવો થઈ ગયો. તેણે મહા મહેનતે મન મજબુત કરી શ્રીને પૂછ્યું, “તો પછી તમે કચ્છમાં કેવી રીતે આવ્યા અને તમારા અકસ્માત બાદ તમારા પરિવારવાળાએ તમારી શોધ કેમ ના કરી ? આપણે તો મહિનાઓ સુધી તમારા મળી આવ્યાની ખબર તમારા ફોટા સાથે સમાચારપત્રોમાં છપાવી હતી.” શ્રીએ જવાબ આપ્યો, “કચ્છના જે ગામમાં મને ભૂકંપનો અકસ્માત નડ્યો હતો તે ગામની પ્રાથમિકશાળાનું મકાન મારા પતિએ બંધાવ્યું હતું. ગામલોકોએ   જાન્યુઆરીના પ્રજાસત્તાકદિન નિમિતે મારા પતિને આ મકાનનું ઉદઘાટન કરવા માટે બોલાવ્યા હતાં. પણ મારા પતિને જરૂરી મિટીંગમાં બેંગલોર જવાનું થવાથી હું ડ્રાઈવર સાથે ગાડી લઈને એ મકાનનું ઉદઘાટન કરવા એ ગામમાં આવી હતી. પણ શાળા સુધી પહોચવાનો રસ્તો દુર્ગમ હતો. એટલે હું મારી ગાડી દૂર રોડ પર મુકીને ચાલતી જ ગામમાં આવી રહી હતી. હું ગામના એક ઉંચા મકાન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે જ ભૂકંપ આવ્યો અને હું એ મકાનના કાટમાળ નીચે દટાઈ ગઈ. અને રહી વાત મારી શોધ કરવાની તો એ સમયે ભૂકંપનો ભોગ બનેલા એટલા બધા લોકોના ફોટા પેપેરમાં છપાતા હતાં કે મારા ફોટા પર કોઈનું ધ્યાન જ ના ગયું હોય.” એમ કહી શ્રીએ પોતાની વાત પૂરી કરી.

કિરણે શ્રી (હવેની જ્યોતિ) પાસેથી અમદાવાદનું સરનામું લીધું અને પ્રકાશને મળવા અમદાવાદ જાવા તૈયારી કરવા લાગ્યો. જ્યોતિની યાદદાસ્ત પાછી આવ્યા પછી કિરણ તેની સાથે મર્યાદાથી વર્તન કરતો હતો. તેણે જ્યોતિને પોતાની પાસે બોલાવી અને સમજવા લાગ્યો, “જુઓ જ્યોતિ આપણી અવ્ચ્ચે જે કંઈ બન્યું તે અજાણતામાં બન્યું છે. તમે એ બધું ભૂલી જાઓ. તમારી અને તમારા પરિવારની ખુશી એમાં જ છે કે તમે તમારા ઘરે પાછા જાઓ. તમારા પરિવારને આપણા લગ્નની કોઈ વાત કરશો નહિ. નહીતર તમારા પર વધુ મુસીબતો આવી પડશે. તમારું સંતાન અને તમારા પતિ તમારા વગર અધૂરા છે. એમણે તમારી જરૂર છે. મારી સાથે વિતાવેલો સમય એક સપનું માનીને ભૂલી જાઓ. એમાં જ બધાની ખુશી છે.” જ્યોતિ ચુપચાપ બધું સાંભળી રહી.

કિરણ અમદાવાદ પહોચ્યો ત્યારે જ્યોતિના કહ્યા મુજબના સરનામે તેના જણાવ્યા મુજબનો જ બંગલો હતો. તેણે ઘરનો દરવાજો ખખડાવ્યો. એક આધેડ ઉમરની સ્ત્રીએ દરવાજો ખોલ્યો. સામે કિરણને ઉભો રહેલો જોઈ તેણે પૂછ્યું, “તમે કોણ છો ? કોનું કામ છે ?” કિરણે જવાબ આપ્યો, “હું ઇન્સ્પેક્ટર કિરણ છું, ભુજથી આવું છું. પ્રકાશકુમારને મળવું છે.” એ સ્ત્રીએ કિરણને અંદર બોલાવ્યા. સોફા પર બેસાડ્યા, પાણી આપ્યું અને કહ્યું, હું પ્રકાશની મા છું રેખાબેન. પ્રકાશ હાલ ઘરે નથી. ધંધાના કામથી બહાર ગયો છે. પણ તમારે પ્રક્ષનું શું કામ હતું ?” કિરણે જ્યોતિનો ફોટો રેખાબેનના હાથમાં મુક્યો અને પૂછ્યું, “આપ આ વ્યક્તિને ઓળખો છો ?” ફોટાને જોતા જ રેખાબેન ભાવવિભોર બની ગયા. તેમની અંખોમાંથી આંસુઓની ધરા વરસવા લાગી. “હાં, હાં, આ તો જ્યોતિની તસ્વીર છે. આ મારી પુત્રવધુ છે, એ ક્યાં છે ? કેમ છે ? આપ એના વિષે કેવી રીતે જાણો છો ? આમ બોલતા તેમનો શ્વાસ ચડી ગયો. કિરણે ઉભા થઈને તેમાં ખભા પર હાથ મુક્યો અને કહ્યું, “આપ બિલકુલ ચિંતા નાકરો. આપણી પુત્રવધુ જીવિત છે અને  બિલકુલ સુરક્ષિત છે. તમારી પુત્રવધુ કચ્છમાં ભૂકંપનો ભોગ બન્યા હતાં. એમની યાદદાસ્ત ચાલી ગઈ હતી. અમે તેમને ભુજના મહિલા આશ્રમમાં રાખ્યા છે. આજે બે વરસ પછી એમની યાદદાસ્ત પાછી આવતાં અમે તમારી ભાળ મેળવી શક્ય છીએ. તો આપ ભુજ આવીને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂરી કરી તેમણે લઇ જઈ શકો છો. આ બધું સંભાળીને રેખાબેન ખુશખુશાલ તહી ગયા. તેમેણે ભુજનું સરનામું નોંધી લીધું. પછી કિરણે પણ ત્યાંથી વિદાય લીધી.

અમદાવાદથી પાછા આવીને કિરણે જ્યોતિને ભુજ મહિલા આશ્રમમાં શિફ્ટ કર્યા. એ નોતો ઇચ્છતો કે જ્યોતિનો પરિવાર બનેલી બધીની ઘટનાઓ વિષે જાણે, અને જ્યોતિ મુસીબતમાં મુકાય. બીજી બાજુ પ્રકાશ ઘરે આવતાં રેખાબેને જ્યોતિની ભાળ મળ્યાની સઘળી હકીકત જણાવી. પ્રકાશ પણ જ્યોતિની ભાળ મળ્યાથી ખુશ-ખુશાલ થઈ ગયો. તે તરતજ ગાડી લઈને ચાર વરસના રાહુલ અને રેખાબેનને લઈને ભુજ જવા નીકળ્યો. આ બાજુ ભુજમાં મહિલા આશ્રમના ટ્રસ્ટીઓ અને કિરણ જ્યોતિના પરિવારની રાહ જોઈ રહ્યાં હતાં. થોડીવાર પછી એક કાર આવીને મહિલા આશ્રમમાં ઉભી રહી. કારમાંથી ૨૯ વરસનો એક યુવાન પોતાની માતા અને ચાર વરસના દીકરાને લઇને નીચે ઉતર્યો. જ્યોતિને જોતા જ તે દોડતો જઈને જ્યોતિને ભેટી પડ્યો. જ્યોતિએ પણ રાહુલને તેડી લીધો. તેના પર વ્હાલના ચુંબનોનો વરસાદ વરસાવી દીધો. પોતાની સૌને પગે પડી આશીર્વાદ લીધા. તેના સાસુ તેને ગળે વળગી રડી પાડ્યા. પ્રકાશે જ્યોતિનો કબજો લેવાની જરૂરી કાનૂની કાર્યવાહી પૂરી કરી. ત્યારબાદ પ્રકાશ જ્યોતિ સાથે કિરણને મળ્યો. તેનો ખુબ ખુબ અઆભર માન્યો. કિરણે જ્યોતિ તરફ નજર નાંખી તે આભાર ભરી નજરે કિરણે તાકી રહી હતી. તેની આંખો આંસુથી ભરેલી હતી.

થોડીવાર પછી જ્યોતિનો પરિવાર ગાડીમાં બેસી જાવા માટે તૈયાર થયો. ગાડીમાં બેસી જ્યોતિએ બહાર નજર કરી. બધા લોક હસતાં ચહેરે જ્યોતિને વિદાય આપી રહ્યાં હતાં. એકમાત્ર કિરણ દૂર એકલો અવળો ફરીને ઉભો હતો. જ્યોતિએ કિરણની પીઠ પર જ તેના મનના ભાવ વાંચી લીધા. કિરણની આંખો વિરહના આંસુથી ઉભરાઇ રહી હતી. ગાડી સ્ટાર્ટ થઈ અને જોત-જોતામાં ધૂળની ડમરીઓ ઉડાડતી અદૃશ્ય થઈ ગઈ. બધી હકીકત જાણનાર ડોક્ટર પટેલ કિરણની પાસે આવ્યા. તેના ખભા પર હાથ મુક્યો. કિરણ તેમણે ગળે વળગીને રડી પડ્યો. ડોક્ટર પટેલ તેને સમજાવી રહ્યાં, “શાબાશ કિરણ, પ્રેમની પરાકાષ્ઠા તેને પ્રાપ્ત કરવામાં નહિ, પરંતુ ત્યાગ કરવામાં છે. અને આજે તે એ કરી બતાવ્યું.” આશ્રમના લોકોની આંખો પણ પાણીથી ભરાઈ ગઈ.

લેખક : વિષ્ણુ દેસાઈ “શ્રીપતિ”

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં આપો, દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી