વતન તરફ – કેમ આજે પણ તેમને આટલું સહન કરવું પડતું હતું, ફક્ત પોતાના દીકરા માટે જ ને? એક માતાની લાગણીસભર વાર્તા.

*”જીવનની સમી સાંજે, જખ્મોની યાદી જોવી હતો,*

*બહુ ઓછા પાના જોઇ શકયો, બહુ અંગત નામ હતા*

“હાશ.. હવે કામ પતી ગયું, બસ હવે કામવાળી આવીને વાસણ સાફ કરી જાય એટલે થોડીવાર સુઇ જાઉં” બોલતા બોલતા બપોરના ત્રણ વાગ્યે 65 વર્ષના અરુણાબેન તેમના રૂમમાંપલંગ પર બેઠા. હજી તો હાશનો શ્ર્વાસ પૂરે તે પહેલા બાજુના રૂમમાંથી પુત્રવધુ નિલીમાએ બૂમ પાડીને કહ્યું,” મમ્મી.. હમણાં ફોન આવ્યો હતો કે આજે કામવાળી નથી આવવાની”

“અરે.. રામ.. ” બોલતા અરૂણાબેન ઊઠયા અને રસોડામાં જઇને વાસણ સાફ કરવા લાગ્યે. કામ પતાવીને પાછા આવીને સુઇ ગયા. સાડાચારે ઊઠીને પાછુ યાદ આવ્યુ કે કામવાળી નથી એટલે દોરીપર સુકાતા કપડાં ભેગા કર્યા. તેને વ્યવસ્થિત સંકેલીને તેની જગ્યાએ મુકયા, વાસણ ચડાવ્યા, પોતાની અને નિલીમાની ચાહ મૂકી, પૌત્રી જુહી માટે દૂધ કર્યુ, ત્યાં તો નિલીમા આવી અને અરૂણાબેનને કહ્યું, “મમ્મી હું જુહીને લઇને મારી ફ્રેન્ડના ઘરે જાઉ છું, બે-ત્રણ કલાક થશે,તમારા દીકરા પૂર્વેશનો ફોન આવ્યો હતો કે તેના ત્રણ ફ્રેન્ડ ઘરે જમવા આવવાના છે, તો પનીર ટીકકા, કઢી-પુલાવ બનાવી લેજો, ફ્રિઝમાં જોઇ લેજો, ગાજર કે દૂધી હોય તો થોડો હલવો બનાવી લેજો. સવાર માટે થોડા મેથીના થેપલા બનાવજો, બધા જમવા બેસે ત્યારે પરોઠા તો હું બનાવો લઇશ… બસ. મમ્મી… તો હું જાઉં..??”

અરૂણાબેનના જવાબની રાહ જોયા વગર નિલીમા જુહીને લઇને સેન્ડલ ટપટપાટી ચાલી ગઇ. અરૂણાબેન બે મિનિટ બેસી પડયા. આટલી બધી રસોઇ .. અને તે પણ એકલા હાથે..? બે મિનિટ તેમની આંખમાં આંસુ આવી ગયા. પોતાના વતનની જિંદગી અને પોતાના સ્વર્ગવાસી પતિ જયેશભાઇને યાદ કરીને રડી પડયા.

બે મિનિટ મન હળવું કરીને રસોડામાં ગયા. વહુની સૂચના મુજબ બધી રસોઇ કરી. રસોઇ પતાવી ત્યાં સાડા સાત વાગી ગયા, ત્યાં નિલીમા આવી. બધુ તૈયાર જોઇને સાસુને મસ્કો મારતા બોલી.., “ઓહોહો.. મમ્મી.. તભે બધુ તૈયાર કરી દીધુ… તમે છો એટલે મને ચિંતા નથી.. તમે છો એટલે જ હું મારો બીઝનેસ કરી શકું છું.” અરૂણાબેન કંઇ જ ન બોલ્યા… કામ કરાવ્યા પછી મસ્કા મારવાની નિલીમાની આદત તે જાણતા હતા.

થોડીવાર પછી પૂર્વેશ તેના મિત્રોને લઇને આવ્યો. બધા જમવા બેઠા ત્યારે નિલીમાએ પરોઠા બનાવી આપ્યા. બધા જમતા જમતા નિલીમાના વખાણ કરતા હતા. પૂર્વેશૉઆ મિત્રએ કહ્યું કે, “ભાભી તમે બિઝનેસ કરતા કરતા પણ ઘરને કેટલું સરસ સંભાળ્યુ છે, અમારા માટે કેટલી મહેનત કરી છે.. થેન્કયુ ભાભી” નિલીમા કંઇ ન બોલી.. બસ હસીને અરૂણાબેનની બઘી મહેનતનો જશ પોતે લઇ લીઘો..

જમીને કલાક વાતો કરીને બધા ગયા. નિલીમાએ પૂર્વેશને કહ્યું, “હું બહુ થાકી ગઇ છું.. ચલને થોડીવાર બહાર ફરી આવીએ.” આટલું કહીને બન્ને બહાર ચાલ્યા ગયા. અરૂણાબેન પાછા રસોડું સાફ કરવા લાગ્યા. બઘુ પતાવીને અગિયાર વાગ્યે સુતા. આટલા થાકી ગયા હતિ છતાં આજે તેમની આંખમાં નિંદર ન હતી. તેમનું મન આખક જિંદગીનું સરવૈયું કાઢતુ રહ્યુ.

અરૂણાબેન બાવીસ વર્ષના હતા ત્યારે જયેશભાઈ સાથે તેમના લગ્ન કરીને ગુજરાતના નાનકડા ગામ ખંભાળિયામાં આવ્યા હતા. જયેશભાઇના પિતા તો ધણા સમય પહેલાં જ ગુજરી ગયા હતા. ઘરમાં તે અને તેમના બા બે જ વ્યકિત હતાં. લગ્નના શરૂઆતના વર્ષો તો સાસુને અનુરૂપ થવામાં ગયા. પૂર્વેશ અને બે દીકરીના જન્મ પછી લગ્નના દસ વર્ષ પછી સાસુનો સ્વભાવ થોડો શાંત થયો. જયેશભાઇ તો આખો દિવસ નોકરીમાં જતા રહે. જેમ જેમ સંતાનો મોટા થતા ગયા તેમ તેમ જયેશભાઇ કામ વધારતા ગયા. નોકરીના સમય પછી નાનો મોટો ધંધો કરતા. તેમનો સ્વભાવ બહુ સરસ હતો. તે ગામમાં બધાની મદદ કરતા. તે હમેંશા કામમાં જ રહેતા.. અરૂણાબેન માટે તો તેમની પાસે સમય જ ન હતો.

આમને આમ જિંદગી સાથે સંધર્ષ કરતા કરતા ત્રણેય બાળકો મોટા થયા. ત્રણેયને સારુ ભણતર આપ્યું. બન્ને દીકરીઓના લગ્ન કર્યા. પૂર્વેશ ભણીને ઇન્દોર નોકરીમાં લાગી ગયો. પાછા અરૂણાબેન, જયેશભાઇ અને તેમના બા ઘરમાં ત્રણ જણા થઇ ગયાં. અરૂણાબેનના સાસુ હવે ઉંમરલાયક થઇ ગયા હોવાથી બિમાર રહેતા. જયેશભાઇ તેમની ખૂબ સેવા કરતાં. જયેશભાઇ હજી લોકોને મદદરૂપ થતાં. ઘરની બાજુમાં જ હવેલી હોવાથી ત્યાં આવતા ગામના લોકો તેમને મળવા આવતા. ગામ આખા માટે તે કાકા – કાકી હતા. હવે જયેશભાઇ રીટાયર્ડ થઇ ગયા હતા. અરૂણાબેનને થયુ કે હવે ઘરમાં રહેશે એટલે તેમનો સાથ મળશે.

થોડા સમય પછી તેમના સાસુ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ઉંમર વધારે હોવાથી અને લાંબા સમયની બિમારી હોવાથી અરૂણાબેનને બહુ આઘાત ન લાગ્યો, પણ જયેશભાઈને બહુ દુ:ખ થયું. તેમના બા જે જગ્યાએ સુતા રહેતા હતા ત્યાં જોઇને આખો દિવસ અફસોસ કરતા, આખો દિવસ ગુમસુમ રહેતા અને ત્રણ મહિનામાં જ તેમને એટેક આવ્યો અને તે પણ તેમની બા પાસે સેવા કરવા પહોંચી ગયા અરૂણાબેન આઘાતથી સ્તબ્ઘ થઇ ગયા. તે કહેતા કે, “પહેલા છોકરાઓના ભવિષ્ય માટે કામમાં રહેતા એટલે મારા માટે સમય ન મળ્યો, પછી બાની સેવામાં રહેતા એટલે મારા માટે સમય ન હતો… બા ના મૃત્યુ પછી એમ હતું કે હવે પાછલી ઉંમરે એકબીજાના સાથમાં રહીશું, તો તે જ ચાલ્યા ગયા. લગ્નના પાંત્રીસ વર્ષમાં તેઓ મારા માટે જીવ્યા જ નહી.

ગામ નાનું હોવાથી સવાર સાંજ કોઇને કોઇ તેમને મળવા આવતું. થોડા દિવસ પછક તેમનો દીકરો અને વહુ ખુબ જ આગ્રહ કરીને પોતાની સાથે ઇંદોર લઇ ગયા. અરુણાબેનનું જરાય મન ન હતું પણ દીકરાની ખુશી માટે તે ગયા. ઇંદોરમાં પૂર્વેશની નોકરી સારી હતી પોશ એરિયામાં બંગલો હતો પણ અરૂણાબેન નાના ગામમાં અને હમેંશા પાડોશીઓની વચ્ચે રહેલા હોવાથી આવા અજાણ્યા શહેરમાં, અજાણી બોલીમાં અને જયાં બંગલા અને ગાડી જ દેખાય, માણસો તો જોવા જ નમળે તેવા એરિયામાં તેમનું મન મુંજાતુ હતું. તેમને રોજ મંદિર જવાની આદત હતી, પણ ઇંદોર આવ્યા પછી મંદિર જવાનું પણ છુટી ગયું. બસ ઘરમાં જ રહેવુ પડતું. દીકરો આખો દિવસ નોકરીએ જતો, વહુ ઓનલાઇન બિઝનેસ કરતી હતી. એ ઓનલાઇન ઓર્ડર લઇને ગુજરાતની વસ્તુઓનું વેચાણ કરતી હતી. કયારેક કયાંય એકઝીબીશન હોય તો તે ગુજરાતનો સ્ટોલ નાખતી. આમ તો તે આખો દિવસ ઘરમાં જ રહેતી, પણ લગભગ કોમ્પ્યુટર સામે બેઠી રહેતી પૌત્રી જુહી સવારથી સ્કૂલે જતી અને નિલીમા સાંજે તેને જુદાજુદા કલાસમાં લઇ જતી આખો દિવસ અરૂણાબેન માણસ માટે તરસતા રહેતા.

શરૂઆતમાં તો નિલીમા સાસુને બહુ સારી રીતે રાખતી પણ પછી ઘીમેઘીમે પોતાના બિઝનેસનું બહાનું કરીધે બધુ કામ અરુણાબેન પર નાખી દીધું. અરૂણાબેન દીકરા સામે જોઇને કંઇ ન બોલતા. તેઓ વરસે બે મહિના ખંભાળીયા આવતા ત્યારે ખૂબ જ ખુશ રહેતા. ખંભાળીયા આવતા ત્યારે આખો દિવસ મંદિર – ભછન વગેરે ચાલતું. પણ ઇંદોર જઇને પાછા ઘરમાં પૂરાઇ જતાં.

આજે આ બધી વાતનું સરવૈયું કાઢતા, અરૂણાબેન રડતા રહ્યાં. આખી રાત તેમને નિંદર ન આવી સવારે ઊઠયા ત્યારે એક નિર્ણય લઇ લીઘો હતો. સવારે પૂર્વેશને કહી દીધું કે, હવે મારે ખંભાળીયા જવું છે.. અને હવેથી હું ત્યાંજ રહીશ . પૂર્વેશે ઘણું પુછયું, પણ તેમણે એમ જ કહ્યુ કે, બસ મારે ત્યાં જવું છે.. હું થોડા દિવસે આવતી રહીશ.. મારી ટિકિટ કરાવી દેજે…. અને બે મહિના પછી તેઓ ખંભાળીયા જતી ટ્રેનમાં બેસી ગયા.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ