વાત એક વૃધ્ધની… – ટ્રેનમાં મળેલા એક વૃધ્ધની લાગણીસભર વાર્તા.

વાત એક વૃધ્ધની…

મહુવા-ધોળા-બાંન્દ્રા એકસ્પ્રેસમાં હું ચડ્યો એ પહેલા જવાનું કોઇ પ્રયોજન નહોતું. હું તો એકલો એશો આરામમાં જીવતો હતો. પત્ની સાહિબા તો એક મહિનાથી મુંબઇ સિધાવ્યા હતા. નાના દીકરા કેયુરની પત્ની એટલે કે મારી નાની પુત્રવધૂ સંજનાની ડિલિવરીની તારીખને દોઢ મહીનાની વાર હતી અને એક દિવસ કેયુર-સંજનનો સંયુકત ફોન આવેલો કે મમ્મી ! તમે હવે બોમ્બે આવી જાવ તો સારું. ક્યારેક ઓચિંતાનું કશુંક થયું, તો અમે બન્ને એકલા શું કરી શકીએ ? અમારા અર્ધાગિનીને તો આ ફોનની જ રાહ હતી જાણે ! હું તો તે દિવસે ઓફિસે હતોને ફોન આવ્યો : સંજુ ! સાંભળો છો કે.?


મે જવાબમાં કહ્યું : “હા દેવી ! આ તમને પરણ્યાને એને સત્યાવીસ વર્ષ થયા, ત્યારનું એ કામ જ સ્તો કરી રહ્યો છું તમને સંભાળવાનું અને તમને સાંભળવાનું.” પણ દેવી મૂડમાં નહોતા. મને કહે : “આટલા વર્ષે જરાકતો સીરીયસ બનો.” પછી વાતને યુ ટર્ન આપીને કહે : “કેયુરનો ફોન આવ્યો હતો બન્ને જણાં તેડાવે છે મને ! થોડું ઇમરજન્સી જેવું ય લાગે છે. તમે એક કામ કરો. ‘ગુજરાત મેલ’ માં રીઝર્વેશન કરાવી દો. હું કાલ સવારે જ મુંબઇ નીકળી જવા માગુ છું “પણ કારણ ?” “મે પૂછ્યું તો કહે : ઓર્ડર ઇઝ ઓર્ડર. મેં તમને કહ્યુંને.?”

સાચ્ચુ ભૈ ! એનો ઓર્ડર એટલે ફાઇનલ સમજી જવાનું. તત્કાલમાં ટીકીટ બુક કરાવી દીધીને એમને મોકલી આપ્યા હવે બપોરે એવો ફોન આવ્યો કે તમે ય આવી જાવને… મેં કહ્યું : “તું છો, પછી શારદા ભાભી છે, કેયુર છે વળી કેયુરની બાજુમાં જનુકાકાનો પરિવાર છે અને આપણા ગામનાં જ રશ્મીભાઇ દરજી છે, આટલા બધા છે. પછી શું તકલીફ છે ?


મને અહીં શાંતિ લેવા દે ! આટલા વર્ષે તારી માથા ઝીંક ટળી છે એનો લ્હાવો લેવા દે ને ભૈ ! તો કહે કે ના. “તમે તો આવું જ જુઓ, સંજના ય યાદ કરે છે. લ્યો, એને ફોન આપુ છું વાત કરો.” હવે આ સંજના અને મારી પુત્રવધૂએ, જાણે મારી બન્ને દીકરીઓ જ સમજી લો. પચાસ ટકા તો એમ ઢીલો પડી ગયો. મધનાં રેલા જેવી ભાષા ફોન માંથી રેલાતી હતી :

“પપ્પા… આવી જાવને પ્લીઝ. ત્યાં તમે આટલા દિવસથી એકલા. વળી જમવાનો પ્રોબ્લેમ. બહારનું હોટેલનું કેટલા દિવસ ભાવે ? અને વળી માંદા ય પડાય.. એમનો પણ આગ્રહ છે જ કે પપ્પાને ફોન કરજે. તારું કહ્યું માનશે, અમારૂ તો માને ય નહીં. પાછા..(પછી જાણે પારિજાતનાં ખૂશ્બોદાર ફુલોનો વરસાદ વરસતો હોય એવું ખડખડાટ હાસ્ય) અને છેલ્લે મારી પાસેથી લઇ લીધેલું ગોડપ્રોમીસ. -અત્યારે જ નીકળું બસ? હવે તો મારી દીકરી રાજીને? ‘થેન્ક યુ પપ્પા..’

*******
એલિસ્ટર મેકલીનની એક-બે સરસ નોવેલ લઇને સારો ડબો શોધીને બેઠો. જનરલ હતો પણ આપણને ક્યાં કઇ વાંધો હતો. આપણે ય ગર્દીમાં પીસાતા જનરલ કલાસનાં માણસ જ છીએ. ધોધમાર વરસાદનાં માણસ. માવઠું આપણને નહીં ફાવે ભૈ ! તો બારી પાસે જગ્યા શોધીને બેસી ગયો. આમ તો ઓફ સિઝન અને બપોરનાં સવા ત્રણ ! ભોજીયા ભાઇએ ય કયાંથી આવે ? પણ માન્યતા ખોટી પડી એલિસ્ટરને હજી બે પાનામાં વાંચ્યા, ત્યાં જ એક ડોસા આવી પહોંચ્યા. ચોરણી પહેરેલી. મેલી ધેલી. એની ઉપર કેડિયુ. માથે પાઘડી નહીં પણ ફાળિયું બાંધેલું. !

શરીર માંથી દૂધની અને કપડા માંથી પરસેવાની આછી ગંધ ફરી વળી મે બારી ખોલી જ હતી છતાંય હજી ઊંચી થાયતો ઘણું સારૂ. એમ વિચાર્યું, અને પુન: વિચારતો હતો ત્યાં જ એ આસપાસ જોઇને બોલ્યા : ‘લ્યા, ઓલ્યો ઘૂઘો ચ્યંમ દેખાતો નથી ? પછી હડ ફડ હડ ફડ કરતા ફરી વળ્યા. ઘૂઘો બાથરૂમમાં ગયેલો એ રાડો પાડતા રહ્યા : ઘૂઘા.એ ઘૂઘા ! –ત્યાં વળી એક વીસેક વરસનો છોકરો આવી લાગ્યો. ડોસાને કહે : ‘શું રાડો નાખો છો ! અહીં બાજુમાં બેઠો છું ઘડીક શ્વાસ ખાવ…


હું એ ઘૂધા અને ડોસા સામે તાકી રહ્યો. ઘૂઘો મારી સામે જોતો જોતો બાજુનાં કમ્પાર્ટ મેન્ટમાં જતો રહ્યો ડોસા મને ઉદ્દેશીને કહે. “જોયું તમે આજકાલનાં છોકરાવને કાંઇ કહેવાતું નથી… શું જાણે આપણે ઇમને કહી દીધું ? સીધુ વડકું જ ભરે.” મેં સ્મિત કર્યુ અને એલિસ્ટરમાં ખૂંચવા પ્રયત્ન કર્યો તો ડોસા મારી સામે જ બારી પાસે ગોઠવાયા: “આમ કેની પા ચડાઇ કરી સે !” મારુ ધ્યાન વિચલીત થયું : મને કહે “ તમને પૂછું બા..” “હા.. મારે મુંબઇ જવાનું છે.” “મુંબઇ ! હારૂ હારૂ.. મારે ઠેઠ હૂધીનો હંગાથ મળી જયો !”

હું કશું બોલ્યો નહી. વાંચનમાં ડૂબવાનો પ્રયત્ન કર્યો. કમ્પાર્ટમેન્ટમાં તો એક હું અને એક તેઓ ! “લ્યો, પાણી પીવું છે. ?” તેમણે થેલીમાંથી બોટલ અંબાવી. મે સવિનય ના પાડી ‘ઠીક ત્યારે બીજું શુ.? હું બે ધૂંટડા પી લઉ. ઘૂઘાએ ઘરેથી લીધો ત્યારનું પાણી નથી પીધું. તરસેય લાગી છે.” મે કહ્યું : “હા ભૈ.” “તરસ લાગી હોય તો પીવું પડે વળી ઉનાળાનો દિવસ.” મને કહે : “ મુંબઇ કોને ત્યાં.? “મારા નાના દીકરાને ત્યાં.”

“દીકરા ન્યાં રે છે ? આંયાં તમારી ભેગા નથી રે’ તા કે સું ? એમણે એવો સવાલ કર્યો, એ મને ન ગમ્યું મે કહ્યું : “દાદા, નોકરી-ધંધાર્થે રહેવું પડેને ? વળી, આપણા મલકમાં એવી નોકરીઓ ય કયાં છે ?” “હા. ભઇ.. પણ તમારે આમ ધોડા ધોડી થાય ને ? વારૂ, કેટલા દીકરા ? “બે..” ‘તો તો પછી વારા કરતા હશેને ? મહિનો આંયા, મહિનો તાં ?”


“અરે દાદા, શું વાત કરો છો ? “મને ચીડ ચડી : “હજી એવા દિવસો નથી આવ્યા અને ભગવાને પ્રાથના કરું છું કે આવેય નહી.” મેં વિશેષમાં જણાવ્યું. “મારા માવતરને અમે ચાર ચાર ભાઇઓ હતા, તો ય વારાં નથી કરાવ્યા. એવું ચલણ અમારા ઘરમા નથી.” “એ..હારૂ..હારૂ.. ઉપરવાળાની દયા બીજુ સું !પણ તમી એકલા જ સો ? મારા બૂન નથી?” મને હવે કંટાળાનો ભાવ આવવા લાગ્યો હતો. મેં કહ્યું: “ એ તો મહિના દા’ડાથી ત્યાં જ છે. આજે હું જાઉ છું.”

“ તિ કિમ નોખાં નોખાં ? કાંઇ અણબનાવ ? ધ્યાન રાખજો બાપા ! તમે તો સુધરેલ, ભણેલ ગણેલ. એવું થોડું થોડું તો હાલ્યા કરે ભૈ. કડવા હેઠને મીઠાં ઉપર. એમ માનીને જીવવાંનું” મેં કહ્યું : ‘એવું નથી. એવું નથી’ વાતને જાહેર કરવી હતી પણ અંકે કરી લીધી અને હું પાછો વાંચવામાં ડૂબ્યો તો મારા પેન્ટનું પાંયચુ ખેંચીને કહે : ‘દીકરાને ત્યાં શું છોરૂમાં.?”

‘ઓહ.. આ દાદાએ હવે હદ કરી.. મારો વાંચનપ્રિય જીવ ઘડીએ ઘડીએ અમળાતો હતો પણ સામે ય ઉંમર હતી. બાપ-કાકા સરીખી. મે ઇન્શોર્ટ કર્યુ “મોટાને ત્યાં એક દીકરો અને એક દીકરી ટિવન્સ છે. નાનાને ત્યાં ઇસ્યુ છે, આ મહિનામાં જ..” પણ અંગેજી તો એ કયાંથી સમજે દીકરા દીકરી ટિવન્સમાં સમજી ગયા કહે : “બેલડાના છે એમને ?” ‘મેં કહ્યું હા..’ તો એમના ચેહરા ઉપર ખુશીની લ્હેર આવી. હું પાછો વાંચવામાં ડૂબ્યો. થોડી ક્ષણો પસાર થઇ ગઇ. ગાડી હવે મંઝિલ તરફ આગળ ધપતી હતી. તેઓ લાંબા થયા. હાથનું ઓશીકુ કર્યુ. ડબ્બો ખાલી શો હતો. ટ્રેન ધડ ધડ આગળ જઇ રહી હતી. બે મિનિટ સૂતા પછી ઊભા થઇને મને ઉદ્દેશીને કહે : નિંદર નહીં આવે. બે ત્રણ દિ’ નો ઉજાગરો છે છતાંય. “પણ હું કઇ બોલ્યો નહીં : એ કહે, “ઉંઘ જ ઉંડી ગઇ છે તિયાં કેમની આવે ?


પણ તોય હું વાંચવામાં રહ્યો એમનાં બોલાશથી અને મને તેમની વાતોમાં સંડોવવાનાં પ્રયત્નથી રસ ક્ષતિ તો થતી હતી પણ છતાં મેં વાંચવાનો ડોળ ચાલુ રાખ્યો પણ હવે તઓ મરણિયા બની ચૂક્યા હતા : મને કહે : ‘તમે કાંઇ નોકરી ધંધો કરો છો હજી ? હવે મારે ના છૂટકે જવાબ આપવાનો જ રહ્યો. કહ્યું : “મારે ટીવી-ફ્રીઝની દુકાન છે.” “હે ?” તેઓ ખુશ થઇ ગયા : કયાં છે.? મેં કહ્યું : “અહીંયા ધોળામાં જ. હીરાવાળા ચોકમાં…

‘લે તંઇ તો ખૂબ હારૂ..આ મારો દીકરો ટીવી ટીવી કરતો હતો. તેં કહી દઉ કે આ શાયબને ત્યાં જજે. “લ્યો ફોન કરું..” એમ કહીને તેમણે જ ફોન કાઢ્યો અને ફોન મને અંબાવી દીધો : “જોવો તો આમાં વસરામ એવું લખેલું હશે ફોન લગાડો તો.” મેં કહ્યું “દાદા, હજીતો મારે બોમ્બે કેટલું રોકાવાનું થશે એનું કાંઇ નક્કી નથી એટલે મહિના પછી ફોન કરજો. હું સારૂ ટીવી આપી દઇશ એમને.”

“ના..ના..સાયબ. ઓળખાણ નીકળી સે તો પાંચ રૂપિયા ભાવે ય ઓછો થાયને ? તમે કરો તો ખરા.”

મેં મને-કમને ફોન કર્યો : તો સામેથી કદાચ દીકરાએ જ ઉપાડ્યો. પણ હજી તો હું કશું બોલુ એ પહેલા તેનો બરાડો સંભળાયો ‘સખ નથી લેવા દેતા..સખ ! હવે તમારે અટાણે સુરતનો વારો સે. ઇ પછી અમદાવાદ અને ગામડે કરશનીયાને ત્યાં મહીનો મહીનો પૂરો કરો પછી જ આવજો. સુરતથી સીધા નહી હાલ્યા આવતા.! કેડ દુ:ખે છે, માથુ દુ:ખે છે.. કળતર થાય છે, પેટમાં ચૂંક આવે સે કરતા કરતા ! મેં કાંઇ એકલાએ ટેકો નથી લીધો સંધાયને પાલવવા પડે સમજ્યા ? અને સુરત જાવને ત્યાં ય શાંતિથી રેજો અને બધાયને સખ લેવા દેજો. કંટાળી ગ્યા તમારાથી તો ! મહિનામાં તો મોઢે ફીણ લાવી દો છો ફીણ… હારૂ હવે, મૂકો. ઓલ્યો ધૂધો કયાં સે ?


જવાબમાં મેં કહ્યું : ધૂધો ય નથી અને તમારા દાદા ય નથી હું સંજયભાઇ બોલુ છું” જવાબમાં સામે છેડેથી મૌન. મેં કહ્યું “તમને સંભળાઇ છે ?” તો જવાબમાં ઢીલો અવાજ આવ્યો : હા’ મેં વાતને આગળ ધપાવી : મારી ટીવી, ફ્રીઝની દુકાન છે, હીરાવાળા ચોકમાં, ત્યાં હમણાં તો એકાદ મહિનો હું નથી પણ સવારે કલાક અને સાંજે કલાક મારો ભત્રીજો બેસશે. તમારા બાપુ મારી સાથે ટ્રેનમાં છે, એમણે મને કહ્યું કે, તમારે ટીવી લેવાનું છે, એટલે ફોન કર્યો. જો, ઇચ્છા હોય તો દુકાને જજો. મારો ફોન નંબર મારા ભત્રીજા પાસે છે જ. ફોન કરાવજો. હું વ્યાજબી થતું કરાવી દઇશ.” ફોનમે પાછો આપ્યો, ત્યારે ડોસા બોલ્યા: “સાત હજાર રૂપિયા લઇ ગ્યો છે મારી પાસેથી.” “સાત હજાર?” આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મેં કહ્યું : “તમારી પાસે પૈસા છે.?”


“હા…” તેઓ ઊંડેથી બોલ્યા : પૈસા તો પડ્યા છે એટલે જ સ્તો આ બધા સાચવે છે ને.? પણ આની પાથી પૈસા હું આપું છું એમ ભાવ એની પા નથી મળતો શાયબ.” એમણે સ્વગત બબડ્યા જેવું કર્યુ. એના દીકરાના એક જ કોલ ઉપર મળેલા કડવા વખ જેવાં પ્રતિભાવથી ડોસાની દશા અને દિશા વિષેનો મને ખ્યાલ આવી ગયો હતો. મેં પૂછયું : “સુરત કયાં જવું ? દીકરાને ત્યાં.?” “હા..” એમણે આંખો ઝુકાવી દીધી. મને થયું કે હમણાં જ અંદરથી લાગણીનો બોમ્બ ફાટશે પણ ડોસા એક શબ્દ બોલ્યા નહીં. એને બદલે મને પૂછતા કહે : “સાયબ, બેય દીકરા ભેગા કે નોખાં ?”

‘નોખા.. મે હસીને કહ્યું : “નાનો મુંબઇ રહે, મોટો વડોદરા છે બન્નેને સારી નોકરીઓ છે એટલે નોખું રહેવું પડે.” “મારે એક ધોળા રહે સે. એકને સૂરત ગાયનો તબેલો છે એક અમદાવાદ ઇંટોનાં ભઠ્ઠામાં છે અને એક મારે ગામડે.’ “પણ સાયબ…આમ નોખું..” “એ તો હું સમજી જ ગયો છું.” મનમાં હું બોલ્યા પછી કહ્યું : ‘સારૂ ને ? તમારે જયાં રહેવું હોય ત્યાં રહેવાય.’ ‘ખાલી ખોળિયું…’ ‘એણે પગથી માથા સુધી હાથ ફેરવ્યો બબડયા.’ ‘બાકી આતમો તો…’ એ આગળનું વાક્ય પૂરું ન કરી શક્યા.

‘જમીન વેચી એના પંદર લાખ આવ્યાં. ત્રણ ત્રણ ચારેયને વેચી દીધા. ત્રણ મારી પાંહે રાખ્યા છે. જેનાં ઘરે રહુ એને આપવાનાં મહીને સાત હજાર રૂપિયા…હવે ત્રણ લાખ માંથી દોઢ લાખ વધ્યાં છે મહીને સાત હજાર લેખે ગણો, હિસાબ કરો.” એકવીસ મહીના મારી હથેલીમાં જમા રહ્યા સે ત્યાં લગણમાં જો હું ઉપર વહ્યો જાવ તો સારૂ… બાકી તો…


એમની આંખમાં ઝળઝળિયા આવી ગયા. ગળતે કંઠે બોલ્યા : “સાયબ, જયાં સુધી ઘરનું માણહ હારોહાર હોય ત્યાં સુધી જ સારૂ સે. બાકી તો પછી, મારી જેમ હડકાયા કૂતરાની દશા હોય એમ…જે. ! અહીંયાથી ડાંગ મારે તોં ત્યાં, ત્યાંથી ડાંગ મારે તો આંયા.. મને ખબર સે શાયબ, કે મેં ફોન કર્યો ત્યારે…’ ઇ કાફ્ફરે તમારી હાર્યે કેવી રીતે વાત કરી હશે પણ બસ આજ મારી જીંદગીસે શાયબ.. એનું કરચલી વાળું મ્હો રડતું હતું તો મારી આંખોય ક્યાં કોરી હતી.?

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ આવી લાગણીસભર વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ