વાત એક લાગણી ભીના માણસની… – આજે પણ આપણા ગામડાઓમાં અનેક મહિલા શિક્ષકોની માટે આ બહુ મોટી સમસ્યા છે…

કેળવણી નિરીક્ષક ત્રિવેદી નિશાળ પાસે આવીને ઊભા રહ્યા કે આચાર્ય પરમાર દોડતો આવીને જાણે પગમાં પડી ગયો : ‘આવો આવો સાહેબ…’ ‘હા… ‘ત્રિવેદીએ સ્મિત કર્યુ:’ ‘મોડું થઇ ગયુ કે બસ ચૂકી ગયા ?’ ‘અમે ક્યારનીય રાહ જોતા હતા’ પરમાર બોલી ઉઠયો.

‘મારે ઘણાય વહીવટી કામો આવીને પડ્યા હોય પરમાર… તમારી જેમ થોડું મારે ફકત ભણાવવાનું જ છે..!’ પરમાર થોડો ખસિયાણો પડી જતા બોલ્યો: ‘ના…ના આતો એમ કે…’ ત્રિવેદીએ સૂચક સ્મિત કર્યુ. ને અંદર આવ્યા. પરમારે પોતાની ખુરશી ઝાપટી ઝૂટવીને સાફ કરીને પછી જીભ ઉપર સાકર ભભરાવીને બોલ્યા: ‘લ્યો જી સાહેબ… બેસો બેસો…

ત્રિવેદી ખુરશી ઉપર બેઠા એટલામાં જ શાળાનાં મદદનિશો લાભભાઇ, મોહનભાઇ પટેલ, કપાલી, ખલ્યાણી, નૂરભાઇ વગેરે શિક્ષકો મોટા રૂમમાં ઘસી આવ્યા. ત્રિવેદીએ સરસરી નજર નાખી અને પછી સ્મિત કરતા કહ્યું : ‘ફુલ કૌરમ છે એમને?’ ‘હા…લગભગ બધા જ ભાઇઓ હાજર હોય છે.’ ‘કેટલા શિક્ષકો છો?’

‘કુલ સાત શિક્ષકો છીએ. એમાં હું પણ આવી ગયો…’ ત્રિવેદીએ ફરી વખત સરસરી નાખી જાણે ગણતરી કરતા હોય. પણ આ તો પાંચ જ હતા. પરમાર થઇને છ તો સાતમુ કોણ?’ તેણે મનોમન વિચાર કરી જોયા અને પછી મનમાં ઉદ્દભવતા પ્રશ્નને હોઠો ઉપર લાવી દીધો : ‘કોઇ એક શિક્ષક ગેરહાજર છે…’ પરમાર જાણે એ પ્રશ્નની રાહ જોઇને જ બેઠો હતો. એ તરત જ ઉદ્દેશીને બોલ્યો: ‘અમારે એક બહેન છે. કિષ્નાબહેન એ પોતાના કલાસરૂમમાં હશે…બોલાવવા છે?’

‘ના. જરૂર નથી.’ ત્રિવેદી હસીને બોલ્યા: ‘આપણે કોઇની જરૂર નથી. કોઇપણ અધિકારી બહારથી આવે અને શિક્ષકે તરત જ વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા એ અધિકારી પાસે દોડી જવું એ યોગ્ય નથી. એક તો સમય બગડે અને બીજુ શિક્ષણ કથળે…! એના કરતા એટલો સમય વિદ્યાર્થીઓને ભણાવ્યું હોય તો એક મુદ્દો વિદ્યાર્થીઓને વધુ સમજાવી શકાય… પરમાર! મને, એ બહેન પ્રત્યે માન ઉપજ્યું છે…’

પરમાર છોભીલો પડી ગયો. એણે બધા શિક્ષકો ઉપર સરાસરી નજર ફેરવી. ખલ્યાણીએ નજરને પામી ગયોને પાણીની રૂમ માંથી પાણીનો ગ્લાસ ભરીને લાવ્યો. ત્રિવેદીએ પાણી પીધું અને તેમનાં ચેહરા પર શાતા વળી. ત્રિવેદીએ બધા સામે સરસરી નજર ફેંકી. શિક્ષકો નીચે માથુ કરીને ઊભા રહ્યા

ત્રિવેદીએ હસતા હસતા કહ્યું : ‘મારી સાથે પાળીયાદગઢ કેન્દ્રવર્તી શાળાનાં આચાર્ય આવ્યા છે તેમના સંબંધીને ત્યાં ગયા છે. દસેક મિનિટમાં આવશે. અમે એ પછી બધા વર્ગો તપાસીશું… તમતમારે જવું હોય તો છૂટ છે’ શિક્ષકો એક પછી એક પોતાના કલાસ રૂમમાં જતા રહ્યા. પરમાર એકલો જ ત્રિવેદી પાસે રહ્યો.. ‘તમે ક્યુ ધોરણ ભણાવો છો?’ ‘સાતમું…’ ‘કેટલી સંખ્યા છે?’ ‘છ વિદ્યાર્થીઓ છે…’ ‘નિયમીત હાજરી આપે છે!’ ‘હા …’ ‘બોલાવો ને…’

પરમારે બુમ પાડી વિદ્યાર્થીઓ બોલાવ્યા. વિદ્યાર્થીઓ આવ્યા. પણ સાવ લઘરવઘર… અસ્ત વ્યસ્ત…ગંદા, મેલાં, ગોબર…, ત્રિવેદી તેઓની સામે જોઇ રહ્યા. અને પછી બોલ્યા : ‘પરમાર, એક વાત પૂછુ?’ ‘હા સાહેબ…’ ‘તમે કેટલા વરસથી નોકરી કરો છો?’ ‘સતર વર્ષ થયા…’ ‘સતર વર્ષ થયા પણ કેળવણીની વ્યાખ્યા કરતા ન આવડી…’ ‘એટલે?’

‘કેળવણી એટલે માત્ર શિક્ષણ આપવું એજ નથી પણ વિદ્યાર્થીઓનું ઘડતર કરવું એમ પણ થાય છે. વિદ્યાર્થી સાચા જ્ઞાનનો પિપાસુ બને, એનામાં શિસ્ત, સજ્જતા અને સૌજન્ય આવે. એમ ઇચ્છું છું. હું એમ પણ ઇચ્છું કે એ કંઇક વ્યવસ્થિત બને કંઇક ઉભા રહેતા શીખે. એનામાં સારી ટેવોનું સિંચન કરવું એ તમારી ફરજ છે…’ ‘હા…જી સાહેબ…’

‘તો પછી આ તમારા વિદ્યાર્થીઓને જુઓ. કેવા કપડા પહેર્યા છે, કેવું માથું ઓળ્યુ છે… કેમ ઊભા રહ્યા છે…’ ત્રિવેદી શ્વાસ ખાતા બોલ્યા: ‘હું એમ નથી કહેતો કે તેણે રોજબરોજ નવા નક્કોર કપડા પહેરવા જોઇએ. માત્ર એક જોડ કપડા હોય તોય ભણી શકાય છે પણ સહેજ સ્વચ્છતા તો હોવી જોઇએ ને…’ ‘મને ખ્યાલ ન હોતો કે આપ આવી રીતે ઓચિંતા આવશો… ‘મૈં કાલે સમાચાર મોકલ્યા હતા….કે અમે આવીએ છીએ…’ પરમાર છોભીલો પડી ગયો.

દસેક મિનિટમાં પાળીયાદગઢ કેન્દ્રવર્તી શાળાનાં આચાર્ય આવ્યા. કલાક દોઢ કલાકમાં તો પાંચે પાંચ કલાસનો સર્વે કરી જોયો. બાળકો બહુ નબળા હતા. કેળવણી નિરીક્ષક ત્રિવેદી, પોતે જાતે એકલા જઇને દરેક શિક્ષકને મળતા. તેનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરતા અને પછી વિદ્યાર્થીઓને પોતે જાતે જઇને પ્રશ્નો પૂછતા હતા. પણ બાળકો સુધી પૂરતુ શિક્ષણ પહોંચ્યુ જ નહોતું એ અભિભૂત થયું. છેલ્લે, ચોથા ધોરણનો વારો હતો. એના કલાસરૂમમાં કિશ્ના હતી. કિશ્ના ત્યાં બાળકોને ભણાવવામાં મશગૂલ હતી. ત્રિવેદી અંદર જઇને ઊભા રહ્યા. પણ કિશ્ના બાળકોને ભણાવવામાં મશગૂલ હતી. ત્રિવેદી અંદર આવ્યા કે તેનું ધ્યાન તૂટયું. ‘આઇ એમ સોરી સર…મને ખબર ન રહી…’

‘ડોન્ટ માઇન્ડ… હું ઊભો છું…’ કહી તે ત્યાં ઊભા રહ્યા. અને બાળકોનું નિરિક્ષણ કરતા રહ્યા. બધા જ બાળકો અપ-ટુડેટ તૈયાર થઇને આવ્યા હતા. ઊગતા સૂરજનાં કેસરિયાળા તેજ જેવું તેજ દરેક બાળકોમાં હતું. ત્રિવેદીને તાજજુબી થઇ સાથે સાથે આનંદપણ થયો. એક વિદ્યાસહાયક કે જેની નોકરીને અગિયાર મહિનાપણ પુરા નથી છતા પણ તેણે શિક્ષણ પચાવ્યુ છે અને એજ શિક્ષણ તે બાળકોને ખુશીથી અને પ્રામાણિકતાથી વહેંચી રહી છે…. ત્રિવેદી દરેક બાળકનાં ગુલાબ જેવા ચેહરાને પ્રસન્ન ભાવે નિરખી રહ્યા હતા કે બાળકો ઊભા થયા અને ત્રિવેદીનું અભિવાદન કર્યુ.બાળકોને આવકારવાની રીત જોઇ ત્રિવેદી ઔર ખુશ થયા.

ક્રિષ્નાએ ત્રિવેદી પાસે ખુરશી મૂકતા બોલી ‘બેસો સાહેબ…બાળકો તૈયાર જ છે. આપને તેમની ટેસ્ટ લેવી હોય તો પણ પૂરતી તૈયારી જ છે. ‘ના. જરૂર નથી…’ ત્રિવેદી તેની સામે જોઇ રહ્યા બોલ્યા. ‘આપનુ નામ શું ?’ ‘ક્રિષ્ના પ્રાણલાલ વ્યાસ…’ ‘અહીંના જ છો?’

‘ના. હું ઉમરગઢની હું. અપડાઉન કરૂ છું.’ ‘સવારે ક્યારે આવો છો!’ ‘સાત વાગ્યે પહોંચી જાઉં છું. સ્કુલ આઠ વાગ્યે શરૂ થાય છે.’ ‘કયારેય ન આવી શકો એવું બને?’ ‘એકવાર એવું બન્યું છે. બાકી, હું ગમે તે ભોગે આવી જ જાઉ છું.’ ‘સરસ..’ કહી ત્રિવેદી પાછા વળી ગયા. ક્રિષ્ના બાળકોને ભણાવવા મંડી…’

*** *** ****

સાડા અગીયાર જેવું થયુ હતું. બધા જ વર્ગ તપાસી લીધા હતા. ત્રિવેદીએ જવાની તૈયારી કરી, પરમારે ચા-પાણીનું પૂછયું જમવાનો આગ્રહ કર્યો. પણ ત્રિવેદીએ ના પાડી. ‘અમે નીકળીએ છીએ, કોઇ પ્રોબ્લેમ નથી ને?’

‘હા. પ્રોબ્લેમ્બ નથી પણ તમે થોડીક સુચના સલાહો આપતા જાવ…’ પરમારે આસપાસ શિક્ષકો પર નજર ફેંકતા કહ્યું. ‘કેમ કોઇ માનતું નથી…’ ‘એક ક્રિષ્ના બહેન સિવાય બધા મારૂં માને છે. એક ક્રિષ્નાબહેન નથી માનતા…’ ‘કેમ નથી માનતા?’ ‘એ તો એમને જ પૂછોને…’ કહી તેણે બૂમપાડી ક્રિષ્નાને બોલાવ.

‘ક્રિષ્ના આવીને પરમાર બોલવા મંડ્યો:’ એમની નોકરીને અગીયાર મહીના થાય. પણ કોઇ દિવસ નિયમીત નોકરી નથી કરી…દરરોજ આઠ વાગ્યે આવીને સાડા અગીયારે જતા રહે છે શું આ તેમની રીત છે? તમે જ કહો, આનાંથી તો બાળકોનાં શિક્ષણ અને તેમનાં ભવિષ્ય ઉપર પણ ખરાબ અસર પડે છે. એ તેમને નથી સમજાતું…’ પરમાર જાણે દાંત ભીસીને બોલતો હતો…

ક્રિષ્ના પરમાર સામે જોઇ રહી હતી અને ત્રિવેદી ક્રિષ્ના સામે જોઇ રહ્યા હતા. એણે ક્રિષ્નાને પૂછ્યું : ‘શું આ વાત સાચી છે?’ ‘હા…આ વાત સાચી છે પણ હું સાડા અગિયારે નહી પણ પોણા બારે નીકળું છું અને એમા મારી મજબૂરી પણ છે?’ ‘કઇ મજબુરી એ જરા કહેશો?’

‘મને છેલ્લી બસ પોણાબારે મળે છે. એ પછી સીધી સાડા ચારે મળે છે. એ સિવાય નથી મળતો ટેમ્પો, છકડો, બસ કે ટ્રેન…’ અને અહીં સાડાચાર કલાક નિશાળની લોબીમાં એકલા બેઠા બેઠા કાઢવા પડે છે. હું બસ સ્ટેન્ડમાં બેસુ તો લફંગાઓનો ત્રાસ હોય છે. રોજ ને રોજ કોઇ શિક્ષકોનાં ઘરે જઇને બેસવું એ યોગ્ય નથી…’

ત્રિવેદી સાંભળતા હતા. ક્રિષ્ના આગળ બોલતી હતી: ‘છતાપણ હું રોકાઇ જાઉ. પણ ઘરે મારા બે નાનાભાઇઓને કોણ જમવાનું બનાવી આપે?’ એકભાઇ નવમાં ધોરણમાં ભણે છે એક ભાઇ સાતમાં ધોરણમાં ભણે છે. મમ્મી પપ્પા સૂરતમાં પ્લેગને હિસાબે અવસાન પામ્યા છે. હું મારા બન્ને નાના ભાઇઓની મા કે બાપ બની. એમને વીંટળાઇને બેઠી છું કે કાલ સવારે ભાઇઓ મોટા થઇ જશે. માત્ર પંદર મિનિટ હું વહેલી નીકળી જાઉ છું પણ એમાં મારી કંઇક તો મજબુરી કે લાચારી હશે ને? એ લાચારીને સમજવાની કોશિષ કોઇ દિવસ પરમાર સાહેબે નથી કરી…’

ક્રિષ્નાનો કંઠ ભીનો થઇ ગયો હતો અને આંખોમાં ભીનાશ તે આગળ બોલી: ‘હવે તમે કહો તેમ કરૂં. આ ગામમાં પણ કોઇ ઓળખાણ પાળખાણ નથી. નહીંતર તો અહીં આવીને ત્રણેયભાઇ બહેન રહીએ. ત્યાં પાડોશીની હુફે પડ્યા છીએ અને એક છે મારા સગા કાકા…જે અમારૂં ધ્યાન રાખે છે… હવે તમે જો કહો તો હું એકલી અહી રહું…’

ત્રિવેદીને લાગ્યું કે આ ક્રિષ્ના નથી બોલતી પણ જાણે પોતાની મોટી બહેન બોલી રહી છે. તેમના આવા હૈયાની આરપાર એ વેદના સોસરી ઉતરી ગઇ તેણે શબ્દોમાં ખુમારી ભરીને કહી દીધું : ‘તમારે કંઇ કરવાનું નથી. જેમ આવો છો એમ જ આવજો અને હવે તો તમારા આચાર્યને કીધા વગર પણ નીકળી જવાની હું છૂટ આપુ છું. ટી.ડી.ઓ આવે તો પણ મારૂં નામ દઇ દેજો. એ હું તમને કહું છું. અને પરમાર..’

‘પરમારને ઉદ્દેશીને એ જાણે ચિલ્લાઇ ઉઠયા:’ તમે બધા ભેગા મળી, પાનમાવા ચાવતા ચાવતા અડધી કલાક હોહા, ખીખીયાટ, ટોળટપ્પામાં બગાડી નાખો છો ત્યાં શિક્ષણ નથી બગડતું પણ એક મજબૂરીથી જીવતી સ્ત્રીને લીધે શિક્ષણ કથળી જાય છે. આ તમારો ન્યાય નથી પણ ત્રાસ છે. માનસિક ત્રાસ… હવેથી એ સાડા અગીયારે નીકળી જશે…એની હું રજા આપુ છું. જાવ…’ કહીને નિશાળનાં પગથિયા ઉતરી ગયા. પરમાર તેને તાતી નજરે જોઇ રહ્યો હતો. તો ક્રિષ્નાની આંખોમાં આનંદ ઉભરાતો હતો.!!!

લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ