વાત એક દુશ્મનાવટ ની… – મુશ્કેલીના સમયમાં કોણ આપણા અને કોણ પરાયા એ ખબર તો પડી જ જાય…

ગજબ થઇ ગયો…આગ લાગી ગઇ !! પી.કે. ઉર્ફે પૂનમચંદ કરમચંદનાં કપાસના જીનમાં અચાનક આગ લાગી ગઇ. એકતાલીસ લાખનો કપાસ ઘડીકની વારમાં રાખ થઇ ગયો અને, ખાક થઇ ગયા પી.કે. ના સપના પણ !!


કેમ કે છેલ્લા બે વરસની કમાણી ડૂબી ગઇ હતી. હજી પચ્ચીસ લાખ જેટલી રકમ તો નાનાં નાનાં ખેડૂતોને ચૂકવવાની પણ હતી અને આ કપાસ પણ વિમો લીધા વગરનો હતો. હજી આજ સવારે જ મોટા દીકરા મુકેશને કહ્યું હતું કે, “વીમો લઇ લે. રખે ને ક્યાંય…” તેમણે વાક્ય પુરું તો નહોતું કર્યુ પણ અધૂરા રહેલા વાકયમાં કેટલોય ગર્ભિતાર્થ છૂપાયલો હતો. પણ મુકેશે બેફિકરાઇથી કહ્યું હતું કે પિતાજી ! તમે ચિંતા ના કરો. અમથે અમથું અડધો લાખનું પ્રિમીયમ ભરવું ??

હવે આ કપાસ આવતીકાલે તો ભરાઇને જાય પણ છે. ત્યારે વર્ષોનાં અનુભવી પૂનમચંદે કહેલું કે દીકરા ! નિરાંત સો વરસની હોય છે, ગફલત માત્ર એક જ ક્ષણની હોય છે…માત્ર અડધી કલાકની વહીવટી પ્રક્રિયા જિંદગીને સુરક્ષિત કરી શકે છે. પરંતુ મુકેશ લાપરવાહ રહી ગયો અને… પૂનમચંદ આકાશને અંબાય જાય એટલે સુધી લબકારા લેતી આગને આંખમાં આંસુ ભરીને તાકી રહ્યા.


ફાયર બ્રિગેડનાં બંબા ચિચિયારીઓ પાડતા ઘસી આવ્યા હતા. ત્રણેય દીકરા હવે આકુળ વ્યાકુળ થઇ દોડમ દોડી કરી રહ્યા હતા. પણ રાંડ્યા પછીનું ડાહપણ શું કામનું ?નિ:સહાય પી.કે. જીનની અંદર બનાવેલી દેશી ઢબની ઓફિસનાં થાંભલે ટેકો દેતા ફસડાઇ પડ્યા. એકતાલીસ લાખ રૂપિયા ભડકો બની ગયા જાણે.

પિતાની આમ ફસડાઇ પડતા જોઇને નાનો દીકરો દોડી આવ્યો અને પિતાને સ્વસ્થ કરવા મથ્યો : પપ્પા, પ્લીઝ, ચિંતા ના કરો. બધું ઠીક થઇ જશે.. સાહેબો ઓળખીતા જ છે. કંઇક કરશું… પણ આ બધું ઠાલું આશ્વાસન હતું !! તેઓ બેસી પડ્યા. આ શહેરમાં તેમની શાખ હતી. આબરૂ હતી અને એ આબરૂ બરકરાર રાખવાની હતી પણ જે કાંઇ રોકાણ કર્યુ હતું એ કપાસ હતો અને એ કપાસ રાખ થઇ ગયો હતો ! ઘડીભરમાં જ વાત આગની પેઠે ફરી વળી. વેપારીઓ દોડતા આવ્યા. બધા પી.કે. ને આશ્વાસન આપવા મથી રહ્યા ‘ પી.કે… બધું ઠીક થઇ રહેશે. ડોન્ટ વરી’


‘પી.કે… ધંધામાં નુકસાન-ખોટ તો આવ્યા કરે. એનાંથી થોડું મુંઝાવાનું હોય ?’‘પી.કે. રાત હંમેશા રાત રહેતી નથી. દરેક રાત્રી પછી સવાર પડતી જ હોય છે.’ ‘પી.કે. નેળના ગાડા નેળમાં નથી રહેતા. એ કયારેક તો રસ્તે ચડે જ છે.’ ‘પી.કે દિવસનો ભૂલ્યો સાંજે ઘરે પાછો ફરે, તો એ ભૂલ્યો નથી કહેવાતો’ ‘પી.કે. કોઇ કામકાજ હોય તો કહેજો.’

‘હાશ…! પી.કે. ના દિલના દરિયામાં ઉમટેલું તોફાન શાંત થયું. કોઇ કોઇએ કહ્યું : કે કામકાજ હોય તો કહેજો…’ હવે વાંધો નહીં..!! હવે પહોંચી વળીશ..! ! બીજે દિવસે આશ્વાસનનાં શબ્દો કહેવા અને પછી હળવેક રહીને પોતાની લેણી રકમની ઉધરાણી માટે ખેડૂતોએ કહ્યું : ‘શેઠ, બે લાખ દસ હજાર નીકળે છે. લો મુકેશભાઇની સહી કરેલી રિસિપ્ટ…’ ‘મારા ચાર લાખ પાંસઠ હજાર નીકળે છે. જરા એ આપો તો…’ ‘શેઠ, ઉતાવળ નથી, બે દિવસ પછી. પરંતુ મારા તો એક લાખ સડસઠ હજાર રૂપિયા જ છે.’


‘આ તમારી પેઢીની રસીદ.’ પૂનમચંદ ‘પી.કે. એન્ડ સન્સ કોટન જીનીંગ પ્રેસ’ ની રસીદ તાકી રહ્યા. એમણે ખેડૂતોને વચન આપ્યા. અઠવાડિયા પછી પેમેન્ટ કરી આપીશું. અઠવાડિયાની મહોલત આપો.’ ખેડૂતો આશાભરી મીટ માંડીને ગયા. એ સૌ ગયા પછી પૂનમચંદે ત્રણેય દીકરાને બોલાવીને કહ્યું : ‘આપણી પાસે અઠવાડિયાનો સમય છે. તમે વ્યવસ્થા કરો.’

મોટો મુકેશ લબડેલો ચહેરો લઇને પૂનમચંદ પાસે બેસી પડ્યો. પિતાજી…મારી એક ભૂલ. ‘હવે જે થયું તે થયું…’ દીકરો બાપને આશ્વાસન આપે એને બદલે બાપ દીકરાને આશ્વાસન આપી રહ્યો હતો : હવે આવતીકાલનું આપણે જોવાનું છે. પાંત્રીસ લાખનું દેણું ભરવાનું બાકી છે. પરંતુ કાલે હું વેપારી મંડળ માંથી ચીમનલાલને, અનોપચંદને, ભોગીલાલને,પ્રેમજી કલ્યાણજીને ફોન કરી દઇશ. દસ-દસ લાખ તો મળી જ જશે. આપણું દેણું ભરાઇ જશે.’


બીજે દિવસે પી.કે. એ સૌને ફોન કર્યા. જવાબમાં અનોપચંદે કહ્યું : ‘જો પી.કે તને આપવાની મારી ફરજ તો છે. કેમ કે કપરા સમયમાં તે જ તો મને મદદ કરી હતી. પણ ધંધામાં ખૂબ મંદી છે એટલે દસ લાખ તો શું પણ લાખ પણ આપી શકુ તેમ નથી. રમણીક સાથે દસ હજાર મોકલું છું.’ પી.કે ને આધાત લાગ્યો. કેમ કે ત્રણ વર્ષ પહેલા જ અનોપચંદ શેરસટ્ટામાં અઠાવીસ લાખ હારી બેઠા ત્યારે પી.કે. એ વીસ લાખ આપીને જ તો તેણે બેઠો કર્યો હતો.

પી.કે. એ બીજો ફોન ખાસ મિત્ર-પ્રેમજીને કર્યો. પ્રેમજી એ ખોટું ખોટું હસતા કહ્યું : ‘અરે ભાઇબંધ, પૈસા તો હતા પણ ગયા મહિને જ બોમ્બેમાં બે ફલેટ લીધા.’ ‘હું ત્રણ લાખ જ માગુ છું મારે બે ખેડૂત સચવાઇ જાય.’ ‘અરે પણ હું પચાસ હજાર પણ આપી શકુ તેમ નથી’ પી.કે. એ ભોગીલાલને ફોન કર્યો : ભોગીલાલ કહે : ‘પૈસા તો પાંચ લાખ આપુ પણ સામે મને તું શું આપીશ ?’ ‘ખેતર…આપણાં બાપદાદાનું ખેતર.’

પી.કે. એ ગુસ્સે થઇને કહ્યું : સામે તને એ અઠ્યોતેર વિઘાનું ખેતર આપીશ જે રાજભાએ પચાવી પાડ્યું હતું એને છોડાવ્યા તે દિ’ તારી પાસે બે લાખનાં નૈવૈધ નહોતા એ રકમમાં લાખ રૂપિયા ઓછા કરાવીને પછી લાખ રૂપિયા તને ગુડ્યા હતા અને આખરે એ ખેતર તારા નામે કરાવ્યું એ ભૂલી તો નથી ગયો ને ? એ ખેતર તને આ રકમની સામે આપુ છું…

અરે, મૂરખા… ગદ્દાર… એ દિવસો તું ભૂલી ગયો ? ખબર છે ને?? તે દિવસે તને રોતાંય નહોતું આવડતું… અને ગુરૂ થઇ ગયો’ તો હું…યાદ છે ને, કે ભૂલી ગયો??? અને સામેથી ભોગીલાલે ફોન મૂકી દીધો !!! હવે પી.કે. અસ્વસ્થ થઇ ગયા. આ એ લોકો હતા જયારે આ બધાની ભીડમાં પર દુ:ખ ભજન કરીને પી.કે ઉભા રહ્યા હતા. મુશ્કેલીનાં સમયમાં મદદ કરી હતી અને કપરી વેળાએ સહારો આપ્યો હતો.

પી.કે. એ છેલ્લે ચીમનલાલને ફોન કર્યો ત્યારે ચીમનલાલે કહ્યું : ‘પી.કે. તારા પ્રત્યે મને સહાનુભૂતિ છે પણ છોકરાઓ સામે મારું કશું ચાલે તેમ નથી.
હવે મારે પણ દર મહિને છોકરાવ પાસે હાથ લાંબો કરવો પડે છે. એક કામ કર, મારા મોટા દીકરા જયસુખને તું ફોન કર. એ આપણા સંબંધો વિશે ક્યાં અજાણ છે ?’


‘સારું… હું ફોન કરું…’ કહી, પી.કે. એ જયસુખને ફોન કર્યો, ત્યારે જયસુખે શરત મૂકી: ‘અંકલ, એક કડીનાં ચાલીસ લાખ આપી દઉ પણ પાછાં કયારે આપો ?’ પી.કે. ને દિલમાં ઝટકો તો લાગ્યો પણ છતાંયે સંયમ જાળવી કહ્યું : ‘એ વિશે તો કહી ન શકુ પણ’ ‘વાંધો નહી’ સામેથી જયસુખે કહ્યું : ‘તમારા બંગલાનું પાવર ઓફ એટર્ની મારા નામે બનાવીને મને આપી દો. પૈસા તો તમે ગમે ત્યારે..’

પણ… શબ્દો ફોનમાં બોલાતા હતા અને પી.કે. ના આંખ માંથી નીકળી ગયેલા બે આંસુ પાંપણ વાટે નીતરીને ગાલ ઉપર રેલાઇ ચૂકી હતા!! આ એ જયસુખ હતો જે નાનો હતો અને ઘરની અગાસી ઉપરથી પડી જવાથી તાબડતોબ મુંબઇ બ્રીચકેન્ડી હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતો. ત્યારે ચમનલાલનાં પરિવારને ટેક્ષી વાટે તાબડતોબ લઇને અમદાવાદથી વિમાનમાં મુંબઇ સુધી લઇ આવેલા અને દવાખાનાનો એ જમાનાનો દોઢ લાખ માટે પોતાનું દોઢ વિઘાનું એક ખેતરનું કટકું તેણે વેચી નાખ્યું હતું… એ આ જયસુખ ? ‘દુ:ખ એટલે લાગ્યું..’


અઠવાડિયું વીતી ગયું. ખેડૂતો પાછા આવવા લાગ્યા. પણ પી.કે. કોઇને પૈસા ન ચૂકવી શક્યા. મુકેશ પિતાની અસહાય સ્થિતિ જોઇ નહોતા શકતો… પોતાની એક ગફલત કે આળસ કેટલું મોટું સંકટ બની ને તેની સામે વિકરાળ મોઢું ચડીને ઊભુ હતું… તેની જાત પ્રત્યે નફરત થઇ આવી. પોતાના બાપદાદાની શાખ અને આબરૂ ઉપર હવે પાણી ફરી વળ્યા હતા.

એક અંધારી રાત્રેએ ઉઠ્યો. શહેરની દોઢ કિ.મી. દૂર રેલ્વેનાં પાટા હતા. ત્યાંથી હમણાં ‘બોમ્બે એક્સપ્રેસ’ પસાર થવાની હતી. એ સ્ટેશનથી સામે પાટે પાટે ચાલતો થયો. થોડે દૂર આવીને અટકી ગયો. બસ… હવે અહીં કોઇ નથી… એક જ છલાંગ… અને પીડા, વેદના, તકલીફ.. બધું જ સમાપ્ત ! થોડી જ વારમાં બોમ્બે એકસપ્રેસની હેડલાઇટ ઝબુકી ઉઠી એ લાઇટનો શેરડો નજીકને નજીક આવતો ગયો. બસ… એક બે ને ત્રણ જ ક્ષણ… -અને મુકેશે છલાંગ લગાવી. પણ આ શું ? અચાનક કોઇએ તેને બળપૂર્વક ઝકડી લીધો…


સવાર પડીને ઘરમાં દેકારો થઇ ગયો. પી.કે. ને ફાળ પડી નક્કી…નક્કી… એ ગાડી નીચે જ…‘મેહુલ… બ્રિજેશ… એ ચીસ પાડી ઉઠયા…અને સૌ કોઇ દોડી આવ્યા… શું થયું બાપુજી ?? -મુકેશ નથી… ક્યાં ગયો એ.. જાવ તપાસ કરો… જલ્દી..કયાંક આઘાત મા ને આઘાતમાં એણે. ક્યાંક.. -ઓહ… હવે..?? બધાનાં પેટમાં ફાળ પડી.. મોટાભાઇ ક્યાં જતા રહ્યા…

અરે, તમે બધા જલ્દી જાવ.. કયાંક એણે..બધા હાંફળા ફાંફળા થઇ ગયા. આ ગંભીર અનુમાન પ્રત્યે ઘરનાં સહુ કોઇ સભ્યો પોત પોતાના મગજ કેન્દ્રિત કરે, ત્યાં જ તેનો એક હાથ, પોતાના હાથમાં લઇને પી.કે. નાં આંગણે વનમાળીદાસ આવી પહોંચ્યા. વનમાળી ? પી.કે આંચકો ખાઇ ગયા. હ્ર્દય ધબકારા ચૂકી ગયું. જેની સામે દુશ્મનાવટ હતી. જેના નાનાભાઇ સાથે પોતાની બહેને લગ્ન કરી લીધા હતા.ત્યાર પછી એ કુટુંબ પ્રત્યે બોલવાનાં વહેવાર પણ ન હોતો રહ્યો..


પી.કે. ‘આવો…’ પણ ન કહી શક્યા. વનમાળીદાસે મુકેશને, પી.કે. નાં હાથમાં સોંપતા કહ્યું : ‘એકતાલીસ લાખ હારી બેઠા છો ચારેય બાપ દીકરાવ., કાંઇ આખો ભવ નથી હારી બેઠા !!! અરે, રૂપિયા તો કાલે રળતા મળી રહેશે પણ જિંદગી ફરીવાર નહીં મળે..’ સમજ્યા ??? અને પછી મુકેશને ઉદ્દેશીને કહ્યું : ‘તમે લોકો આજની જુવાન પેઢી, એક આવડું અમથું સંકટ આવે ત્યાં હારી જાવ છો ?


તારા બાપાને પૂછ, કે મારી બે સ્ટીમ્બર સોમાલિયાનાં ચાંચિયાએ લૂંટી લીધી હતી છતાંય તે દી’ રૂવાડું ફરક્યું ન હતું !! હવે તમે બધા સોગીયુ મોઢું લઇને ફરોમા !!. લો, આ એકતાલીસ પુરા… જયારે વેંત થાય ત્યારે આપજો. ઉતાવળ નથી.’ કહી એકતાલીસ લાખ રૂપિયાનાં બંડલનો ઘા કરી સેટી ઉપરથી ઊભા થયા કે પી.કે. સાક્ષાત તેના પગમાં પડી ગયો : ‘વનમાળી…વનમાળી.. ‘તારા ઉપકારનો બદલો કઇ રીતે વાળી શકીશ ?’ ત્યારે વનમાળીએ તેને ઊભો કરી પીઠ થપથપાવતા કહ્યું : ; ‘આ પૈસા પાછાં વાળીને…’ અને પછી તેનો ગાલ ખેંચતા કહે, ‘બાકી, આપણી દુશ્મની તો ચાલુ જ રહેશે… સમજ્યો ને…???

લેખક : યોગેશ પંડ્યા