વાત એક અભાવની – સાવકી મા ના ત્રાસથી ઘર છોડીને ભાગી ગયો, આજે તેની દિકરી આવીને ઉભી છે એ ક પડાવ પર…

આજે સ્નેહા ઓફિસેથી કામથી શહેરથી દુર ઓફિસની બીજી શાખાએ આવી હતી. રસ્તો આખો ધુળીયો અને ઉબડખાબડ હતો. કામ પતાવીને પાછી નીકળતી હતી ત્યાં જોયુ તો તેના એકટિવામાં પંચર પડી ગયુ હતું. “ઓહો… હવે આ પંચર કયાં કરાવું?” મનમાં બબડતી એકટિવા ખેંચીને આગળ ચાલી. અજાણ્યા વિસ્તારમાં આવી હતી, એટલે પંચર કયાં થશે તે અંદાજ ન હતો. પુછતા જાણવા મળ્યું કે થોડે દૂર એક ગેરેજ છે. એકટિવા ખેંચીને તે ગેરેજ સુઘી પહોંચી. એકટિવા મિકેનીકને સોંપીને પરસેવો લુછતી તે સાઇડમાં ઉભી રહી. તેણે જોયું કે ગેરેજમાં બેઠેલો બીજો મિકેનીક તેની સામે જોઇ રહ્યો હતો. થોડા ગુસ્સા અને થોડી ચીડથી તેણે નજર ફેરવી લીઘી… પણ ત્યાં અચાનક એ મિકેનીક બહાર આવ્યો…


“સ્નેહા દીદી” કહેતા આંખમાં ખુશીના ચમકારા સાથે સ્નેહાની સામે ઊભો રહ્યો. સ્નેહાએ હવે ધ્યાનથી જોયું…. “અરે.. મહેશ.. તું ..? કેટલા વર્ષે મળ્યો… એટલે ઓળખાયો નહી…” સ્નેહાના ચહેરા પર ભોંઠપ આવી ગઇ.


“અરે.. દીદી.. અંદર આવો..” એમ કહીને હાથ પકડીને ગેરેજમાં લઇ ગયો. “દીદી.. ગામડેથી ભાગીને હું અહીં મારા માસીના ઘરે આવી ગયો. મારાએ આ કામ શીખવાડયું ભણવાનું તો નસીબમાં ન હતું , એટલે આવું કામ જ કરવું પડે ને.. પણ દીદી ખુશ છું… મહેનતથી કમાઇ લઉ છું… પહેલા માસા સાથે કામ કરતો હતો.. હવે અલગ ગેરેજ કર્યુ છે… ભગવાનની દયા છે …” એમ કહીને અલક મલકની કેટલી વાતો કરી… તેની પત્નીની.. નાનકડી એક વર્ષની દીકરીની… વાતો કરી… અને ફોન નંબર, સરનામાની આપ-લે કરીને સ્નેહા ઘરે આવી.


ઘરે આવીને સ્નેહા મહેશના વિચારે ચડી ગઇ. સ્નેહાનું પિયર ગામડામાં… પિયરના ઘરની બાજુના ઘરમાં રહેતો હતો મહેશ . સ્નેહાના નાના ભાઇનો ભાઇબંધ… મહેશના પિતા મજૂરી કામ કરે, સ્વભાવ તીખા મરચાં જેવો… મહેશને ત્રણ વર્ષનો મુકીને તેની મા ભગવાનના ઘરે ચાલી ગઇ… અને મહેશના નસીબમાં મળી નવી મા….


નવી મા… બિલકુલ હિન્દી ફિલ્મોની નવી મા જેવી જ.. ખબર નહી કેમ પણ.. પરાણે વહાલો લાગે તેવો મહેશ તેને આંખમાં ખૂંચતો. એકાદ વર્ષ તો જેમ તેમ નીકળ્યું, પછી નવી મા એ અસલ રંગ બતાવ્યો. મહેશના પિતા તો આખો દિવસ મજુરીએ… એટલે નવી મા ને છુટોદોર… નાના નાના વાંક હોય તો પણ કેટલીવાર મહેશને ખાવાનું ન આપે… અને મહેશ દોડતો સ્નેહાની મમ્મી પાસે આવીને હકકથી માંગે.. સ્નેહાની મમ્મી તેને પ્રેમથી બોલાવે.. સ્નેહાના ભાઇની સાથે જ તેની થાળી પીરસે… મહેશ કેટલીકવાર ભીની આંખે સ્નેહાની મમ્મીને કાકીના બદલે “મા” કહેતો..


નવી મા ને મહેશને ભુખ્યા રાખવાથી સંતોષ ન મળે તો રાત્રે તેના પિતા આવે એટલે એવી થીતે મહેશની ફરિયાદ કરે કે તેના બાપા તેને મારે જ… મહેશ માર ખાઇને રીઢો થઇ ગયો હતો. કેટલીવાર સ્નેહાના ઘરે જ સુઇ જતો…. અને એકદિવસ નવીમાના ત્રાસથી અને બાપના મારથી ત્રાસેલો મહેશ ઘર છોડીને ભાગી ગયો. તેના બાપાએ તપાસ પણ ન કરી કે કયાં ગયો ..?

સ્નેહાની મમ્મીને દુ:ખ થયું…. પણ ઘીમેઘીમે મહેશ ભુલાઇ ગયો. સ્નેહા પરણીને આ શહેરમાં આવી…. અને આજે કેટલા વર્ષો પછી મહેશ મળ્યો… સ્નેહાને બઘું યાદ આવી ગયું.. મહેશનું બચપન… નવી મા નો ત્રાસ.. ભુખથી ત્રસ્ત મહેશનું ઘરમાં ખાવાનું માંગવું… સ્નેહાની આંખમાં આંસુ આવી ગયા.


થોડા દિવસ પછી મહેશનો ફોન આવ્યો અને સ્નેહાના આગ્રહથી તેની પત્ની અને દીકરીને લઇને સ્નેહાના ઘરે આવ્યો. તેની પત્નીને સ્નેહાની ઓળખાણ કરાવતા કહ્યુ કે “આ એ દેવીની દીકરી છે જેના કારણે હું આજે જીવતો છું. જો કાકીએ મને ખાવાનું આપ્યુ ન હોત તો હું ભુખ્યો જ મરી ગયો હોત..
સ્નેહાએ તેને બઘું ભુલી જવાનું કહ્યુ. મહેશની પત્ની સુંદર , સુશીલ હતી. ત્રણેયની દુનિયામાં ખુશી જ ખુશી હતી. પછી તો મહેશ ઘણીવાર ઘરે આવતો. સ્નેહા પણ એકવાર તેના ઘરે જઇ આવી. મહેશ સ્લમ વિસ્તાર જેવા ગીચ વિસ્તારમાં ભાડે રહેતો હતો.


તેની પાસે થોડી બચત હતી. સ્નેહાએ લોન અપાવવામાં મદદ કરી અને મહેશે શહેરથી દૂર, નવી બનતી સોસાયટીમાં ફલેટ લીઘો. ફલેટ ભલે નાનો હતો પણ મહેશ ખુશ હતો. હજી સોસાયટીનો વિકાસ પૂરતો થયો ન હતો.. એટલે અમુક ફલેટમાં જ રહેવા આવ્યા હતા. મોટાભાગના લોકોએ રોકાણ માટે ફલેટ લીઘો હોય એવું હતું, પણ મહેશ ખુશ હતો, તેની પત્ની અને દીકરી પણ નવા ઘરમાં ખુશ હતાં. સ્નેહા પણ પરિવાર સાથે નવા ઘરમાં જઇ આવી.


પણ કદાચ ઇશ્ર્વરે મહેશના નસીબમાં દુ:ખ જ લખ્યું હશે. તેની પત્નીની છાતીમાં દુ:ખાવાની સામાન્ય ફરિયાદે મોટું સ્વરૂપ લીઘુ, અને અચાનક બીપી વઘી જતાં એટેક આવી ગયો. અને મહેશ તથા ત્રણ વર્ષની દીકરીને મુકીને અનંતની યાત્રાએ ચાલી ગઇ. મહેશ સુનમુન થઇ ગયો, રડી પણ ન શકયો.
તેના માસા માસીએ પાછો તેને સંભાળી લીઘો. તેના માસી તેના ઘરે રહેવા આવી ગયા અને દીકરીને સંભાળી લીઘી. છ-આઠ મહિના થયા પછી તેના માસીએ સ્નેહાને કહ્યુ, “મહેશ અમારી વાત માનતો નથી. મારી પણ ઉંમર થઇ, હું હવે કેટલું જીવવાની…? મહેશને સમજાવો.. બીજા લગ્ન કરી લે..”
સ્નેહામાં મહેશને એવું કહેવાની હિંમત ન હતી… પણ માસીના આગ્રહથી મહેશના ઘરે ગઇ. થોડી આડી-અવળી વાતો કરીને પછી મહેશને સમજાવ્યો… “જો ભાઇ… માસીને તારી ચિંતા છે એટલે જ તને કહે છે… તું બીજા લગ્ન કરી લે તો માસીને પણ શાંતિ થાય. તારા માટે નહી તો દીકરી માટે પણ….”


સ્નેહા વાકય પુરું ન કરી શકી. મહેશની આંખમાં સવાલો જોઇને તેણે વાકય અધૂરૂં છોડી દીઘું. મહેશ તેની સામે જોઇ રહ્યો, પછી હાથ પકડીને ફલેટની બાલ્કનીમાં લઇ ગયો. આજુબાજુ હજી ઘણા મકાન ખાલી હતા.. સ્નેહાને કહે… “દીદી તમે મને બીજા લગ્ન કરવાનું કહો છો ??? તમે દીકરી માટે નવી મા લાવવાનું કહો છો ??? તમને યાદ છે.. નવી મા ખાવાનું આપતી નહી ત્યારે હું તમારા ઘરે આવતો હતો. અહીં જોવો.. આજુબાજુ કયાં કોઇનું ઘર છે ??? મારી દીકરી…???


આટલું બોલીને છૂટા મોઢે રડી પડયો. તેને વાકય પૂરૂં કરવાની જરૂર ન પડી. સ્નેહા સમજી ગઇ, પછી તેણે કયારેય મહેશને બીજા લગ્ન માટે આગ્રહ ન કર્યો..

લેખક : દિપા સોની “સોનુ”

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ