શું તમે પણ સોશિયલ મીડિયા વગર રહી નથી શકતા? તો તમે થઇ ગયા છો એના ગુલામ…

આજનો દિવસ : ૩૦ જુન

સોશિયલ મીડિયા ડે

સોશિયલ મીડિયા તરવું કે તણાવવું?

નારદ મુની : નારાયણ નારાયણ… હે, ઇશ્વર આપે મને યાદ કર્યો, આપની સેવામાં હાજર છું.’

ઈશ્વર : મૃત્યુલોકના શું ખબર છે ? આમ તો કાળા માથાના માનવી પર મારી દ્રષ્ટ્રિ હોય જ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની સમસ્યા મને સમજાઇ રહી નથી.

નારદમુની : પરમકૃપાળુ, આપ તો ભુત-ભવિષ્ય-વર્તમાન દરેકથી પરિચિત છો તો એવી તે કઇ સમસ્યા છે જે આપની સમજમાં આવતી નથી.

ઇશ્વર : હું જાણું છું કે પૃથ્વીલોકમાં જુઠું બોલવું, વડીલોની આમાન્યા નહીં જાળવવી, એકબીજાના ધર્મ -જાતિને લઇને સતત ઘર્ષણમાં ઉતરવું, નેતાઓમાં પ્રજાના નાણા પચાવી લેવાની સમસ્યા છે. આવી અક્ષ્મય ભૂલો છતાં માનવીના પેટનું પાણી પણ હલતું નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જ્યારે પણ પૃથ્વી પર નજર કરું તો માનવીઓ મોઢું નીચું રાખીને જ ચાલતા જોવા મળી રહ્યા છે. શું માનવીને તેની ભૂલોનો પસ્તાવો થઇ રહ્યો છે એટલે તેઓ શરમને કારણે મોઢું નીચું રાખીને ફરે છે ?’

નારદમુની : પ્રભુ, કળીયુગમાં પાપ વધી ગયા હોવા છતાં કોઇનામાં શરમનો છાંટો માત્ર નથી. વાત એમ છે કે આજકાલ પૃથ્વીમાં અનેક લોકો મોબાઇલ અને સોશિયલમી ડિયામાં એવા રચ્યાંપચ્યાં રહે છે કે તેનાં લીધે દિવસ હોય કે રાત તેઓ મોઢું નીચું રાખીને જ જોવા મળે છે.

-×-×-

ઇશ્વર અને નારદમુનિ વચ્ચેનો આ સંવાદ ભલે કાલ્પનિક હોય પરંતુ તેમાં દર્શાવવામાં આવેલી હકીકત સંપુર્ણ વાસ્તવિક છે. છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગની દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાના ‘સાગર’માં હિલોળે ચઢી છે. આ સ્થિતિમાં કોઇ વ્યક્તિ એમ કહે કે તે સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી તો તેની સામે એવી રીતે જોવામાં આવે છે જાણે તે ‘એન્ટિ સોશિયલ’ હોય. એક સમય હતો કે જ્યારે અનેક લોકો સવારે આંખ ઉઘાડતાની સાથે બંને હથેળી સામે જોઇ ‘કરાગ્રેવસતે લક્ષ્મી…’ના શ્ર્લોક સાથે દિવસનો પ્રારંભ કરતા. જેની સામે આજે અનેક લોકો આંખ ઉઘાડતા મોબાઇલમાં વોટ્સએપ પર આવેલા મેસેજ અને ફેસબુકમાં પોતાની કેટલી લાઇક્સ વધી તેના પર નજર કરી દિવસની શરુઆત કરે છે. બહાર નીકળતી વખતે બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડનો, પતિ તેની પત્નીનો કે માતા-પિતા સંતાનનો હાથ પકડે એ તેના હાથમાં એક પળ માટે પણ મોબાઇલ અળગો કરતો નથી. અત્યારે સોશિયલ મીડિયામાં ફેસબુક, ટિવટર, લિન્કેડિન, માયસ્પેસ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ સહિતના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ સોશિયલ મીડિયા અંગેની સૌ પ્રથમ વેબસાઇઅટ ‘સિક્સડિગ્રીસ’ છે, જે  ઇ.સ. ૧૯૯૭માં લોન્ચ કરવામાં આવી હતી.

આજે ફેસબુક જેવા સોશિયલ મીડિયા અને વોટસએપ જેવી મેસેન્જર સર્વિસનો મુખ્ય ફાયદો એ થયો છે કે દુર-દુરના સ્વજનો કે પુરાણા મિત્રો કે જેની સાથે વર્ષોથી વાત પણ થઇ નહોતી તેના ઘરે આજે રસોઇમાં શું બન્યું છે તેની પણ જાણ થવા લાગી છે. એક સમયે દેશમાં ખૂબ જ દુર રહેતા પૌત્ર કે દોહિત્રીની એક ઝલક જોવા માટે દાદા-દાદી, નાના-નાનીને મહિનાઓ – વર્ષો સુધી રાહ જોવી પડતી. પરંતુ હવે વિડીયો કોલિઁગ દ્રારા ઇચ્છા થાય ત્યારે ના કેવળ તેમની ઝલક જોઇ શકાય છે બલ્કે તેઓ ઘરમાં જ મોજુદ હોય તેવું મહેસુસ કરી શકાય છે. રેલવે સામે કોઇ ફરિયાદ હોય કે પછી બનાવટી – ખામી ચીજવસ્તુ પધરાવી દેનારી કંપનીને ઉઘાડી પાડવી હોય અથવા તો સામાન્ય વરસાદ બાદ આખેઆખું ગામ સમાઇ જાય તેવા મોટા ભુવા અંગે કોર્પોરેશનના કાને વાત નાખવાની હોય સોશિયલ મીડિયા તેના માટે શ્રેષ્ઠ માધ્યમ પુરવાર થઇ રહ્યું છે. આ ઉપરાઁત પોતાના વિચારો વ્યક્ત કરવા માટે અગાઉ દરેકને અખબાર કે સામયિકમાં લેખક બનવું પડતું. હવે મોબાઇલ ઉપાડો – સોશિયલ મીડિયામાં રાજકારણ – ક્રિકેટથી લઇને ફિલ્મ સુધી દરેક બાબતો અંગે પોતાનો વિચારો વ્યક્ત કરી લેખક બનીને પોતાના વિચારો વ્યક્ત કરી શકાય છે. ઇજીપ્તના તાનાશાહ પ્રમુખ હોશ્રીમુબારકને સત્તા પરથી ઉથલાવવામાં તેમજ લિબિયા, બહેરિન મસિરીયામાં થોડા વર્ષો અગાઉ સત્તા સામે પેદા થયેલા લોક જુવાળમાં સોશિયલ મીડિયાએ મહત્વની ભુમિકા અદા કરી હતી. હવે તો રાજકીય પક્ષો પણ તેમના નેતા – કાર્યકરોને સોશિયલ મીડિયામાં સક્રિય રહેવા માટે સુચના આપે છે. સૌથી મોટો ફાયદો એ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી દરરોજ અનેક લોકોના કટોકટીના સમયે જીવ બચતા હોય છે. લેકિન… કિંતુ… પરંતુ… એ પણ ભુલવું જોઇએ નહીં કે સોશિયલ મીડિયા એક એવું શસ્ત્ર છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે બ્રહ્માસ્ત્ર છે નહીં તો બૂમરેંગ બની તમને જ નુકસાન પહોંચાડી શકે છે.

મોર્નિંગવોકમાં જતી વખતે અનેક વખતે સોશિયલ મીડિયામાં એટલી ડુબેલી હોય છે કે કોયલનો ટહુકો, પક્ષીનો કલરવ સાંભળવાનો લુત્ફ પણ ઉઠાવતા નથી. સોશિયલ મીડિયામાં ગળાંડૂબ રહેવાથી અવલોકન – નિરીક્ષણ શક્તિ પણ ઓછી થઇ રહી છે. મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં જ એટલા વ્યસ્ત થઇ જાય છે કે તે બાજુમાં જે બેઠું છે તેની દરકાર પણ કરતા નથી. બાળક વોટસએપ – ફેસબુકને ઓપરેટ કરતા જોઇને માતા-પિતા ચિઁતા કરવાને બદલે ગર્વ અનુભવતા હોય છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે ગત વર્ષે તેની નવજાત પુત્રીને સંબોધીને લખેલા પત્રમાં લખ્યું છે કે, ‘બેટા, તારું બાળપણ ક્યારેય પાછું નથી આવવાનું એટલો લુત્ફ ઉઠાવ. તું મોટી થઇ જઇશ પછી તને ફુલને સુંઘવાનો સમય પણ નહીં મળે. અત્યારે ખૂબ જ બધી ઊંઘ લઇ લે. સ્વપ્નમાં તું અનુભવી શકે કે અમે તને કેટલા પ્રેમ કરીએ છીએ.’

ફેસબુક એમ તો પુછે છે કે ‘વોટસ ઈન યોર માઇન્ડ?’ પરંતુ ‘વોટસ ઇન યોર હાર્ટ’ એટલે કે હ્રદયમાં જે ચાલી રહ્યું છે તેના માટે અંગતસ્વજન સાચા મિત્રની જ જરૂર પડશે. સોશિયલ મીડિયામાં બેશક તરો પણ તણાઇ જાવ નહીં ત્યાં સુધી જ.

…અને છેલ્લે જો તમને ૩૦-૩૦ મિનિટે સોશિયલ મિડીયાની સાઇટ ચકાસતાં બેચેની અનુભવતા હોવ, આસપાસ મોજુદ પરિવારના સદસ્યો કે મિત્રો સાથે વાત કરવાને બદલે મોબાઇલમાં જ રચ્યા-પચ્યા રહેતા હોવ, સ્ટેટસ બાદ ઓછી લાઇક્સ મળવાથી લઘુતાગ્રંથિ અનુભવતા હોવ, વરસતા વરસાદના આનંદ માણવાને સ્થાને તેનું સ્ટેટસ મારવાનું જ યાદ આવતું હોય, કોઇ સ્થળે મારવાનું જ યાદ આવતું હોય, કોઇ સરસ સ્થળે ગયા બાદ તેને પૂરો માણવાને સ્થાને સેલ્ફી લેવાનું જ યાદ આવતું હોય તો તમે સોશિયલ મીડિયાના ગુલામ બની ગયા છો.

લેખક :  ચિંતન બુચ 

સૌજન્ય : વસીમ લાંડા

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણાં પેજ પર.

 

ટીપ્પણી