હું માનવી માનવ થાઉં તો ઘણું – આ જેના શબ્દો છે એવા મહાન કવિ શ્રી સુન્દરમનું જીવન ચરિત્ર વાંચો અને શેર કરો….

આજ નો દિવસ :- ત્રિભોવનદાસ પુરષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’

સુન્દરમ એટલે સુન્દરમ્

જન્મ :-
૨૨ માર્ચ, ૧૯૦૮
ભરૂચ, ગુજરાત, ભારત

–> અવસાન :-
૧૩ જાન્યુઆરી, ૧૯૯૧
શ્રી અરવિંદ આશ્રમ, પોંડીચેરી, ભારત

? જીવનપથ

ભરૂચ જીલ્લાના પનોતા પુત્ર અને ગાંધીયુગના પ્રમુખ કવિ તરીકે સુંદરમનું નામ ભારતભરમાં ગુંજતું રહ્યું છે. સુંદરમનું મૂળ નામ ત્રિભોવનદાસ પુરષોત્તમદાસ લુહાર.તેમનો જન્મ ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના મિંયામાતર ગામમાં તા.૨૨-૩-૧૯૦૮ના રોજ થયો હતો.

સાત ધોરણ સુધીનો અભ્યાસ મિંયામાતરની પ્રાથમિક શાળામાં કર્યો.આ પછી આમોદની શાહ,એન,એન,એમ.ચામડીયા હાઇસ્કુલમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.આમોદના છાત્રાલયના પુસ્તકાલયનો તેમને રસપૂર્વક વાંચન કરી ઉપયોગ કરેલો.સુંદરમને આમોદમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને ગીદવાણીજીની વાણીનો લાભ પણ મળેલો.સુન્દરમ આમોદની ચામડીયા હાઇસ્કુલમાં ભણતા હતા ત્યારે શાળામાં આવેલી બોગનવેલની પ્રેરણાથી તેમણે શાળાના હસ્તલિખિતમાં તેમની પ્રથમ કાવ્યકૃતિ ”વડલાની ડાળ ઉપરના હિંચકા” સ્ફૂરેલી.

સુન્દરમ ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યુ ઈંગ્લીશ સ્કુલમાં એક વરસ ગાળી અમદાવાદમાં ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા.વિષયો સાથે ”ભાષા વિશારદ”ની ઉપાધી પ્રાપ્ત કરી.સુંદરમનું ઈ.સ.૧૯૨૬માં ”મરીચિ” ઉપનામથી સાબરમતીમાં પ્રથમ કાવ્ય ”એકાંશ દે” પ્રગટ થયું હતું. ઈ.સ.૧૯૨૮માં ”સાબરમતી” ના તંત્રી બન્યા ત્યારે ”સુન્દરમ” ઉપનામથી ”બારડોલીને” નામનું કાવ્ય પ્રસિદ્ધ થયેલું. ગૂજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીનો એમને વિશેષ લાભ મેળવેલો અને ભારતીય તથા વિશ્વસાહિત્ય વગેરેનું વાંચન કરેલું. મહર્ષિ શ્રી અરવિંદના દર્શનથી તેમણે ઇ.સ. ૧૯૪૫માં સહકુટુંબ સાથે પોંડીચેરીમાં સ્થાયી નિવાસ કર્યો.

સુંદરમને તેમના સાહિત્ય સર્જન માટે સુવર્ણચંદ્રક પદ્મભૂષણ જેવા પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે.ઈ.સ.૧૯૩૪માં નાની વયે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ઇ.સ. ૧૯૬૮માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર, ઇ.સ. ૧૯૮૫માં ભારતના રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંગના હસ્તે ”પધ્મભૂસન” થી નાવાઝ્વામાં આવ્યા. ઇ.સ. ૧૯૯૦માં ગુજરાત સરકાર ધ્વારા ”નરસિંહ મહેતા” પુરસ્કાર પ્રાપ્ત થયો.

ગાંધીદર્શનથી પ્રભાવિત કવિએ સમાજના ઉત્થાન માટે તેમની કાવ્યકૃતિઓમાં સુધારાનો આક્રોશ અભિવ્યક્ત કર્યો. ”ભંગડી”, ”ત્રણ પાડોશી” જેવી કૃતિઓ ધ્વારા કવીએ દલિત, પીડિત અને શોષિત શ્રમજીવીઓની વેદનાને વાચા આપી છે.

સુંદરમનું કાવ્ય સર્જન વિપુલ અને વૈવિધ્ય છે તેમની કવિતાને બે ભાગમાં વહેચવામાં આવી છે.પૂર્વાધની કવિતા ગાંધી વિચારથી પ્રભાવિત છે તો ઉત્તરાર્ધની કવિતા શ્રી અરવિંદથી પ્રભાવિત છે.સુન્દરમ વિદ્યાપીઠના વિદ્યાર્થી હોવાને કારણે તેમની કવિતામાં ગાંધીપ્રભાવ ઉડીને આંખે વળગે છે.કવિ સુન્દરમ દલિત પીડિતના ગૌરવની અને સંપન વર્ગની નિંદાની કવિતા પણ કરે છે.કવિ સુંદરમનું ”ભંગડી” કાવ્ય ગરીબ અને અમીરો વચ્ચેની અસમાનતાને તાદ્રશ કરાવે છે સમાજની વિષમતાનું ઉદાહરણ આપણને સુંદરમના ”ભંગડી”કાવ્ય ધ્વારા મળે છે.

” શેઠાણી પહેરે રંગ ચૂંદડી રે
રંગ ચૂંદડી રે,જયારે નીકળે એના પ્રાણ,
ભંગડી પહેરે ચૂંદડી રે
રંગ ચૂંદડી રે,જયારે નીકળે હૈયાની જાન”.
કવિ ગાંધી મુખે પ્રેમ અને કરુણાનો ભાવ પણ વ્યક્ત કરે છે.

”હણો ના પાપીને,દ્રીગુણ બનશે પાપ જગના,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી ”.
ગાંધીયુગના બીજા પ્રમુખ કવિ ઉમાશંકર ”વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી”એવી અભિલાષા વ્યક્ત કરે છે ત્યારે પૃથ્વી પર જ પગ રાખનાર સુન્દરમ ”હું માનવી માનવ થાઉં તો ઘણું” ની ભાવના વ્યક્ત કરે છે.

સુન્દરમે સાહિત્ય જગતમાંપદ્ય ક્ષેત્રે વિપુલ ખેડાણ કર્યું છે તો ગદ્યમાં તેમણેનવલિકા,નાટકોનું ભાષાંતર,પ્રવાસન પુસ્તક(દક્ષિણાયન),વિવેચન વગેરે ક્ષેત્રોમા તેમની કલમને ચાલતી રાખી હતી.સુન્દરમ ૮૩ વર્ષની વયે પોંડીચેરીમાં સાહિત્યની સેવા કરતા-કરતા દેવલોક પામ્યા.સુંદરમની ૧૧૦મી જન્મ જયંતી પ્રસંગે તેમને કોટી કોટી વંદન.

આભારી :-
– વિનોદ પરમાર (આમોદ)
પત્રકારત્વ વર્ષ-૧
ગૂજરાત વિદ્યાપીઠ
અમદાવાદ-૩૮૦૦૧૪

(નોંધ :- બી. કે. ન્યુઝમાં છપાયા તા:- ૨૨-૩-૨૦૦૯ રવિવાર) ( કેટલાક જરુરી ફેરફાર સાથે )

? થોડુ વધારે

–> મુખ્ય રચનાઓ

કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા

બાલ કાવ્યો – રંગ રંગ વાદળિયાં

નવલકથા – પાવકના પંથે

વાર્તાસંગ્રહો – હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી

ચરિત્ર – શ્રી અરવિંદ મહાયોગી

નિબંધ – ચિદંબરા, સા વિદ્યા

પ્રવાસ – દક્ષિણાયન

નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા

વિવેચન – અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્યચિંતન

અનુવાદ–
આશ્રમ જીવન પહેલાં – ભગવદજ્જુકીયમ્ , મૃચ્છકટિક, કાયાપલટ, પરબ્રહ્મ

શ્રી. અરવિંદ ઘોષ – મહાકાવ્ય ‘સાવિત્રી’, ઉત્તરપાડા વ્યાખ્યાન, યોગ અને તેનું લક્ષ્ય, પૂર્ણ યોગનું તત્વ જ્ઞાન, સ્વપ્ન અને છાયા ઘડી, વિદેહીઓના વાર્તાલાપો

માતાજી – ભાવિ તરફ, ચાર તપસ્યાઓ અને ચાર મુક્તિ, સુંદર કથાઓ, અતિમાનસ, આદર્શ બાળક

અમૂલ્ય રચનાઓ

? તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહારાની તરસથી

હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની
ને સૃષ્ટિમાં જે કંઈ હો અસુન્દર,
મૂકું કરી સુંદર ચાહી ચાહી !

હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી

આજ મને બા, આજ એમ મને થાય,
મીંદડીનું નાનું હું બચ્ચું બની જાઉં,
છાનું માનું આવી તારું દૂધ પી જાઉં.

હું તો પૂછું કે મોરલાની પીંછીમાં
રંગરંગવાળી આ ટીલડી કોણે જડી ?

? મારી બંસીમાં

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા.
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા.
પોઢેલી પાંપણના પડદા ઉઘાડી જરા,
સોનેરી સોણલું બતાવી તું જા … મારી બંસીમાં

સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી
દિલનો દડુલો રમાડી તું જા.
ભૂખી શબરીના બોર બે એક આરોગી
જનમ ભૂખીને જમાડી તું જા … મારી બંસીમાં

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરને સેઢે હંકારી તું જા.
મનના માલિક તારી મોજના હલ્લેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા … મારી બંસીમાં

પ્રેમ ( એક પ્રસ્તાવના ) – સુન્દરમ્

આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
નથી આંખો,
નથી પગ, નથી હાથ

તોયે કેવું પકડે છે એ ?
કેવો પકડે છે એ ?
કેવો પાડે છે એ ?
કેવો ઉપાડે છે એ ?

આંખો મીંચો ને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.

તમે કહો ગા,
તો વગર કંઠે ગાય છે.

સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
ઉષાઓ ઉગાડી દે છે.

એને આંધળો કોણે કહ્યો ?
આંખ તો એની જ છે
કોઈએ તમારી આંખમાં
શું આંખ માંડી નથી ?

– સુન્દરમ્

” પૃથ્વીઉછંગે ઊછરેલ માનવી
હું માનવી માનવ થાઉં તો ઘણું.”

ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,
રો રો કર મોરી થક ગઈ મતિયાં.
. ઢૂંઢ ઢૂંઢ તોહે…

બનબન ઢૂંઢત બની બાવરી,
તુમરી સૂરત પિયા કિતની સાંવરી,
કલ ન પડત કહીં ઔર ઔર મોહે,
. ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.

દરસ દિયો પિયા! તરસત નૈના,
તુમ બિન ઔર કહીં નહીં ચૈના,
દિન ભયે રૈન, રૈન ભઈ દિના,
. ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.

મેરે પિયા ! -સુન્દરમ

મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,
મૈં તો ચુપચુપ ચાહ રહી.

મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન,
મૈં તો ચુપચુપ નાહ રહી.

મેરે પિયા તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલ પલ બ્યાહ રહી.

– સુન્દરમ

રંગ રંગ વાદળિયા

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
વતનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મંન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વંન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવંન લોલ.
મેં તો સુખડાંની સેજ તજી જોયું,
કે લાલ મોરા, કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા,સોનલ ઉજાલ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું,
કે લાલ મોરા, કેસૂડો કામણગારો જી લોલ.

– સુન્દરમ્

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !

અનંત થર માનવી હ્રદય–ચિત્ત–કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં

ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો

ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !

અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ

ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર ફુત્કારથી

તોડી ફોડી પુરાણું, તાવી તાવી તૂટેલું

ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને

– સુન્દરમ્

–> પગલાં – સુંદરમ્

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.

સંકલન : વસીમ લાંડા

દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી