નર્તકી – ઈશ્વરની આડમાં છુપાઈને પોતાની ઈચ્છાઓ પૂરી કરતા એક ઢોંગીની વાત…

નર્તકી.

છન, છન, છનાછન,છન,છન, તા, ધિક, તા, ધિક, ધીન, ધીન, ધિક, તા .ઘૂંઘરૂં ની છમછમ, ને ઢોલક ના તાલ નો અવાજ એકસાથે એક મધુર રવ ઉપજાવી રહ્યો હતો, બે હાથે પુરા મન થી ને જોશ થી ઢોલક પર થાપ દેતો ને બોલ બોલતો મલય નર્તકી ના પગ ને નીરખી ને જોય રહ્યો હતો, ગોરાગોરા પગ માં અલતો લગાડેલો હોવાથી એ વધુ સુંદર દેખાતા હતા, સહેજ ઊંચો ઘાઘરો પહેરેલી નર્તકી ની પગ ની પાની પણ દેખાતી હતી, ને કાકડી જેવા નાજુક એના પગમાં બાંધેલાં સોનેરી ઘૂંઘરૂ એના રૂપાળા પગ ને શોભાવતા હતા, પાતળી કમર નૃત્ય ના તાન માં બરોબર તાલ માં લચકાતી હતી, ઘેરદાર લાલ ઘાઘરો, ને તસતસતી ઘેરા જાંબલી રંગની ચોલી માં નર્તકી નો યુવા દેહ સ્વર્ગ ની અપ્સરા સમ શોભતો હતો, આછી ને સરકની લીલી ચૂંદડી ના છેડે મોતિટાંકેલા ને ગાળા માં જામનગરી બાદલો છાટેલો, સોનેરી કોર થી શોભતિ એ ચૂંદડી નર્તકી ના માથા થી લય ઉરોજ ને ઢાંકતી કમર ફરતે એવી તે વીંટળાયેલ હતી જાણે થડ ને નમણી નાગરવેલ, પાતળું એ તન ઢોલક ની થાપ સાથે નૃત્ય કરી રહ્યું હતું, એક એક મુદ્રા જાણે વીજળી નો પ્રકાશ પાથરી રહી, એના ઘૂંઘરૂં ની ઝણકાર થી એ મધુર સંગીત રેલાવી રહી હતી.
પદમણી શી શોભતિ એ નર્તકી એટલે , વૈખરી.

વૈખરી સુંદર તો હતી જ સાથે શુશીલ, ને સમજુ પણ હતી. મલય અને વૈખરી બાળપણ થી ભગવાન સોમનાથ ના મંદિર માં સાથે ભગવાન સોમનાથ ની નૃત્ય આરાધના માટે સોમનાથ મંદિર ના સંચાલક શ્રી વરદ મૂર્તિ સ્વામી ના આશ્રમ માં રહેતા હતા, બાળપણ થી સાથે રહેતા હોવાથી સહજ બન્ને એક બીજા ને ચાહતા હતા, શૈશવ ની મિત્રતા યુવાની માં પ્રેમ માં પરિણમી હતી, ને એ પ્રેમ બન્ને ની કલા માં ભારોભાર છલકાતો હતો, મલય ઢોલક પર થાપ આપે એજ તાલ માં વૈખરી ના પગ ના ઘૂંઘરૂં છમકતા ને નૃત્ય ની મુદ્રા માં રસમાધુરી.

કાર્તિકી પૂર્ણિમા એ ભગવાન સોમનાથ ની દિવ્ય પૂજા નું આયોજન વર્ષોથી થાય છે, સોમનાથ માં મેળો ભરાય ને લાખો ની સંખ્યા માં શ્રધ્ધાળુ ભક્તો ભોલેનાથ ના જ્યોતિર્લિંગ સ્વરૂપ ના દર્શન પામી ધન્યતા અનુભવે, પૂનમ ના દિવસે આ ક્રમ જળવાય ને રાતે ભગવાન સોમનાથ ની સામે રહેલ રંગમંડપ માં નૃત્ય આરાધના થી ભગવાન આશુતોષ પીનાક પાણી શ્રી નટરાજ રાજ એવા સાંબ સદાશિવ ને રીઝવવા નો કાર્યક્રમ યોજાય ને એ કાર્યક્રમ માં મોખરે હોય નર્તકી વૈખરી ને એનો બાળપણ નો મિત્ર મલય.

આજે પણ કાર્તિકી પૂનમ છે ને સવાર થી મલય ને વૈખરી ઉત્સાહ સભર નૃત્ય ની તૈયારી માં લાગ્યા છે. મલયે રેશમી વાદળી અચકન ને પીળું પીતાંબર પહેરવા કાઢ્યું, ને એ લય ને વૈખરી ને બતાવ્યું, “જો તો વૈખરી આ આજ ના નૃત્ય સમારોહ માટે કેવું રહેશે?” વૈખરી આંખો નચાવતી બોલી “સારું લાગશે પણ જો એની સાથે આ કેસરી લહેરિયાવાળું રાણી ગુલાબી ચમ્પા કોર મૂકેલું ખેસ પહેરે તો વધુ સારું લાગે.”

“હમ્મ તું સાચું કહે છે લાવ એજ પહેરું”, કહેતો મલય વૈખરી ના હાથ નો ખેસ લેવા જાય ત્યાં તો વૈખરી એ ખેસ પોતાના અંગ સાથે ચપોચપ વીંટાળી દીધો ને બોલી “આને હાથ અડાડીયા વગર કાઢે તો ખેસ તારો ને હું પણ,” મલય ઘડી ભર માથું ખંજવાળી વિચારી રહ્યો ને વૈખરી ઉભીઉભી મદમાતું હસી રહી હતી, હવે મલય પણ પ્રણય રંગ રેલાવતો એની લગોલગ આવ્યો ને ખેસ ના છેડા ને કે જે વૈખરી ના ગળે ને કમર ફરતે વિટાયેલ હતો એને મોઢા વડે ખેંચી લેવા મથી રહ્યો હતો આમ કરતા એ વૈખરી ના ખુશ્બૂભીના અંગો ની સુગંધ માણતો એની ઉપર ઢળી પડ્યો બન્ને એકબીજા ને અપલક તાકી રહ્યા હતા, થોડી ક્ષણો નો એ પ્રણય રસ બન્ને ને સ્વર્ગીય સફર કરાવી ગયો, એક ઝટકા સાથે મલય વૈખરી ઉપર થી ઉઠ્યો ને એ ઝટકા ની અસર થી મો માં રહેલ ખેસ પણ નીકળી ગયો, વૈખરી હસી પડી ને બોલી “હારી ગયો ને ! હવે હું તારી નય જા” એટલું બોલી ત્યાં મલયે એ નો હાથ પકડી લીધો ને પોતાનો એક હાથ એના મોઢા એ દાબયો ને બોલી પડ્યો “ના ના વૈખરી એવું ના બોલ તારા વગર જીવવું શક્ય નથી મારી માટે, તું મારી નય થા તો હું તો મરી જઈશ” કહેતાં તો એની આંખો ના ખૂણે અશ્રુ બિન્દ છલકી પડ્યા. બન્ને એકબીજા ને ગાઢ આલિંગન માં લઇ વચને બંધાયા કે આજ નું નૃત્ય પૂરું થયા પછી સ્વામીજી ને વાત કરી બન્ને એકમેક ના થઈશું.

.

વૈખરી સુહાગ ના સ્વપ્નાં સેવતી નૃત્ય માટે શણગાર સજી, વાદળી ઘાઘરો, ને કેસરી ચોલી, માં લીલું પીળું લહરિયું વાળી આછી ઓઢણી, નવશેરો હાર, કમરબંધ, કતીમેખલા, ચોટલા માં ચાંદી ના ચકતા, ને માંગ ટીકો, લાલ મોટો ચાંદલો ને હાથ માં કાચની ભળતી બંગડી ની ઓરે કોરે કંકણ, ને હાથ પગ માં લાલ અલતો લગાવતા એ ગાય રહી, “મહેંદી મન ભાવન મારા મૈયર ની રે મેતો હથેળી માં મુક્યા સૂરજ ચાંદ કે તારલિયો મારો સાંવરિયો રે….

હો.. કે તારલીયો મારો સાંવરિયો રે.. હું તો નમણું તે મોગરા નું ફૂલ કે સુગંધ મારો સાંવરિયો રે… કે હું તો વન ની નખરાળી હરણી રે કે મૃગલો મારો સાંવરિયો રે…” ગીત ના શબ્દો આશ્રમ ના સંચાલક સ્વામી વરદ મૂર્તિ ના કાને પડ્યા ને એમણે વૈખરી ના ઓરડા માં નજર કરી સોળ શણગાર સજેલી વૈખરી અપ્સરા સમ શોભતિ હતી સ્વામી ની નજર લલચાની, નિયત ખરાબ થઈ પણ સમય નું ભાન થતા મન ને મારી ઓરડા માં ગયા ને વૈખરી ને ઉતાવળે તૈયાર થવા કહ્યું , ને મન માં વિચાર કર્યો કે આજે કાર્યક્રમ પતે પછી રાત ના અંધકાર માં વૈખરી ને પોતાની કરી લેશે વર્ષો થી આ આશ્રમ નું ખાય રહી છે એક રાત મારી સાથે કાઢી નાખશે તો શું બગડી જશે માને તો ઠીક નહીતર બળજબરી નો રસ્તો પણ અપનાવી ને એને આજ મારી કરી ને રહીશ , એમ વિચારી સ્વામી રંગમંડપ ભણી ચાલતા થયા.

“અરે વૈખરી તું અહીં !! આવ, બોલ શું? કામ હતું?” મલય ના પ્રશ્ન ના ઉત્તર માં વૈખરી થોડી વિચલિત થતા મલય ની લગોલગ આવી મલય ના કાન માં કઈક કહી વળી. બન્ને એ એકબીજા ની સામે સૂચક દ્રષ્ટિ નાખી, ઈશારા માં જ નિશ્ચય કરી લીધો. બન્ને મક્કમ ઈરાદા ને મન માં ભરી જુદા પડ્યા.

સોનનાથ મહાદેવ ને દિવ્યાતી દિવ્ય શણગાર સજાવવામાં આવ્યો હતો, ફૂલો થી આખું મંદિર શોભતું હતું, દિવા ની ઝગમગાટ થી ચમકતું હતું, રંગમંડપ ને પતાકા થી શણગારેલ હતો, રંગોળી કરી હતી, ને માહોલ જમાવટ વાળો હતો લાખો ભક્તો ની મેદની નૃત્ય મન્ડપ માં જમા હતી, બધા આતુરતા થી કાર્યક્રમ ચાલુ થવા ની રાહ માં હતા.

થોડી વાર માં મલય ને વૈખરી મન્ડપ માં આવ્યા, ને કાર્યક્રમ ને દીપ પ્રાગટય બાદ ચાલુ કરવા માં આવ્યો.

ભગવાન શિવ ને પાર્વતી ના વિવાહ પ્રસંગ ને નૃત્ય નાટીકા દ્વારા ભજવાય રહ્યો હતો. મલય તાલ માં ઢોલક વગાડતો હતો ને એ તાલ માં વૈખરી નાચી રહી હતી. શ્રધ્ધાળુ ભક્તો નર્તકી અને વાદક વૃંદ પર ઘોર કરી અભિવાદન કરી રહ્યા હતા. ઘોર માં એકઠું થયેલું ધન મલય નો નાનપણનો મિત્ર એક બચકી માં ભરી રહ્યો હતો. નૃત્ય પૂરું થયું. લોકો ભગવાન આશુતોષ ની જય બોલાવી મંદિર માં ગયા ભીડ વધી રહી હતી , કાર્યક્રમ સ્થળ પર અફડાતફડી હતી. સ્વામી મન્દિર ની વ્યવસ્થા માં પ્રવૃત થયા.

રાત વધી, પૂનમ નો ચન્દ્ર ચાંદની રેલાવતો હતો, મંદ પવન લહેરાતો હતો આશ્રમ માં સ્વામી અસ્વસ્થતા ને બેચેની અનુભવી રહ્યા હતા, લોકો ના સુવા ની રાહ જોઈ રહ્યા હતા જેથી એ તેની મેલી મનશા પુરી કરી શકે.

ધીમે ધીમે આશ્રમ માં શાંતિ પ્રવર્તી, લોકો નિદ્રાધીન થયા, ને દબાતા પગલે સ્વામી વૈખરી ના ઓરડા ભણી ચાલ્યા, ઓરડા માં અંધકાર હતો, કઈ દેખાતું ન હતું, સ્વામી એ દરવાજે દસ્તક દેવા દરવાજો ઠપકાવ્યો ત્યાંતો એ ખુલી ગયો સ્વામી રાજી થતા અંદર પ્રવેશ્યા ચન્દ્ર નું અજવાળું દરવાજા માં થી અંદર પ્રવેશ્યું ઓરડો સાવ ખાલી હતો, ત્યાં ન તો વૈખરી હતી ન એ નો સમાન. સ્વામી ને અચરજ થયું એણે આશ્રમ ના અન્ય સભ્યો ના ઓરડા ચકાસ્યા તો જાણ થઈ કે મલય, તેનો મિત્ર અને વૈખરી આશ્રમ માં નહોતા. કાર્યક્રમ માં મળેલ ધન રાશિ લય એ ત્રણેય આશ્રમ અને ગામ છોડી ને ભાગી ગયા હતા.

મલય વૈખરી ને તેનો મિત્ર ભક્તો ની ભીડ સાથે ઓગળી ગયા આશ્રમ થી એટલા તો દૂર નીકળી ગયા કે સ્વામી એમને શોધી ના શક્યા. મલય ના મિત્ર એ મલય ને આમ અચાનક ભગવા નું કારણ પૂછ્યું, મલય એ ઊંડા નિશ્વાસ સાથે જણાવ્યું કે “કાર્યક્રમ ની પૂર્વે સ્વામી વૈખરી ના ઓરડા માં ગયા હતા ને વૈખરી ને જોય એમની દાનત બગડી હતી, સમજુ વૈખરી સ્થિતિ તરત પારખી ગઈ ને મારી પાસે આવી ને મને વાત કરી ને કાર્યક્રમ પત્યા પછી મેં તને પરાણે ધનરાશી સમેત સાથે લીધો. હવે આ નૃત્ય ને વાદન નું કાર્ય આપણે કાયમ માટે છોડવું પડશે નહીતર સ્વામી આપણને ગોતી લેશે. આ ધનરાશી વડે આપણે કઈક વ્યવસાય કરીને ગુજરાન કરીશુ. ને હું ને વૈખરી પરણીશું.” બધા એ નિરાંત નો શ્વાસ લીધો ને ભગવાન આશુતોષ શ્રી સોમનાથ ની જય બોલાવી.

લેખિકા : ચિંતલ જોશી “સરીતા”

સાભાર – વસીમ લાંડા “વહાલા”

દરરોજ આવી અનેક નાની નાનીવાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી