સૌરાષ્ટ્ર ગૌરવ જસદણ દરબાર – આલા ખાચર, કાઠિયાવાડના કાઠિ દરબારો ના રાજ્ય – જસદણ સ્ટેટ

આલા ખાચર

કાઠિયાવાડના કાઠિ દરબારોના રાજ્ય જસદણસ્ટેટ

રાજા સાહેબ :- આલા ખાચર

જન્મ તારીખ :- ૪/૧૧/૧૯૦૫

ક્ષેત્રફળ :- ૨૯૬

વસ્તી :- ૩૭,૬૭૨

આવક :- ૬,૦૦,૦૦૦

સૌરાષ્ટ્ર ગૌરવ જસદણ દરબાર ” આલા ખાચર “

સૌરાષ્ટ્ર ધરાનાના નકડા ગામ એવા જસદણના દરબાર ” આલા ખાચર ” મોટા ગજાના દરીયા દિલ વ્યક્તિ હતા, દરબારને ત્યાં દોમદોમ સાહેબી વચ્ચે પણ પોતે દીન દુ:ખીયાઓની મદદ કરવાનું ભૂલતા ન હતા. દોમદોમ સાહેબી વચ્ચે રહેતા આલા ખાચર લીધેલા નિયમનું પોતે ચૂસ્ત પણે પાલન કરતા હતા.

દરબાર આલા ખાચરનો નિયમ હતો કે.., પ્રાત:કાળે કોઈ પણ યાચક પોતાના દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછો ન જવા દેવો, દાન આપવામાં દરબાર કોઈ કસર બાકી રાખતા નહીં અને શક્ય તેટલું વધારે આપી છૂટતા, દરબારની આવી આદત તેમના દિવાન માટે ચિંતાની બાબત થઈ ગઈ હતી. દરબાર આલા ખાચર પોતાનું ઘન ગરીબ દિન-દુનિયાને આપે ત્યારે દિવાન પોતાના મનમાં ને મનમાં સંકોચાયા રાખતો પણ બોલી શકતો નહી.

એક દિવસ દરબાર પોતાનું ઘન ગરીબ દિન-દુખીયાને આપી રહ્યા હતા ત્યારે દરબાર આલા ખાચરના દાવાને ટકોર કરતા કહ્યું.., બાપુ !! થોડાં ખમૈયાં કરો, આપ રોજ રોજ આવી રીતે ગરીબોને ઘન આપ્યા કરો છો એટલે રોજ નવા નવા યાચકો આપણા આંગણે ઉમેરાયા કરે છે, હવે થોડું ધ્યાન રાખી દાન કરો.

હસતી મુદ્રાએ બાપુ દિવાનને કહે : એમાં હું શું કરું ? ગરીબ યાચકો આવે છે તેથી તો હું આપું છું અને પાછું ગરીબોને જોઈ મારું મન ઝાલ્યું પણ ક્યા રહે છે.

દિવાને આલા ખાચરની વાતના શબ્દ પકડી દરબારને કહે છે કે., બાપુ !! સાચી વાત તો એ છે કે.., તમે આપો છો અટલે તે આવે છે, આમ પણ ગોળ હોય ત્યાં માખીઓ તો આવવાની !!

દિવાનની આવી વાત સાંભળી આલા ખાચર ત્યારે તો ખામોશ રહ્યા, પણ એક દિવસ દરબાર આલા ખાચરના આંગણે ડાયરો જામ્યો હતો, રાત્રીના બીજા પહોર સુધી ડાયરો ચાલ્યો અને ત્યાર બાદ સહુ વીખરાઈ રહ્યા હતા ત્યારે દરબાર આલા ખાચરે દીવાનને સાદ કર્યો..” જરા અહીં આવીને જજો ”

દીવાન દરબાર પાસે આવી ઉભા રહ્યા, દરબારે પાસે પડેલા એક થાળ ઉપરથી પોતાના સેવકને કપડું હટાવા કહ્યું.., થાળ ઉપરથી કપડું દુર કરાવ્યું ” ત્યા હતી ગોળની એક મોટી ભીલી ” અટલે દરબાર દિવાનને સવાલ કરે છે.

દરબારઃ દીવાનજી આ શું છે ?

દિવાનઃ આ તો ગોળ છે.. બાપુ !!

દરબારઃ તો દિવાનજી એના પર માખી કેમ નથી ?

દિવાન દરબારને કહે : બાપુ અત્યારે રાત્રી છે અને રાત્રીના માખી થોડી આવે ? એ તો દિવસ હોય ત્યારે જ આવે.

આ સાથે દરબાર આલા ખાચર દિવાનના શબ્દો પકડી કહે :-

હું પણ તમને એજ કહેતો હતો કે., મારો પણ અત્યારે દિવસ ચાલે છે અટલે દિન-દૂખીયા ગરીબ યાચકો મારી પાસે આવે છે, જ્યારે ગોળની માફક મારો રાત્રી દરમિયાનનો (ખરાબ સમય) શરુ થશે ત્યારે મારે આંગણે પણ કોઈ ફરકવાનું નથી, તો પછી અત્યારે મારા સારા દિવસો ચાલી રહ્યા છે તો મારે શા માટે ખચકાવું ?

દરબારની મોટા ગજાની વાત સાંભળી દિવાન મુગ્ધ બનો ગયા, દરબાર આલા ખાચરની આવી ઊંચી ભાવના જોઈ દિવાનના મોઢા માંથી શબ્દો નીકળી પડ્યા ઘણી ખમ્મા.. ઘણી ખમ્મા.. દરબાર આલા ખાચર તને…

દરબાર આલા ખાચર તો એમના સમયને પારખી શક્યા ને જરૂરિયાત મંદ લોકોને આપી છૂટવાની ઊંચી ભૂમિકા અપનાવી શક્યા. આપણે પણ એમાંથી પ્રેરણા લઈને આપણા દિવસોને પારખીને ઉદાત્ત ભૂમિકા નિભાવવનુંશીખીએ, દાન લેવું એ સુખકર ક્યારેય હોતું નથી… મોટાભાગે તો લાચારીમાંમુકાયેલ માનવી જ માગવા નીકળે છે. માટે, કોઈ માગવા માટે તમારી સામે હાથ લંબાવે ત્યારે આ વાતને યાદ કરીને વિચારી જોજો કે તમારો અત્યારે સારો સમય ચાલે છે કે વરવો સમય ચાલે છે?

કબીરજી કહે છે :~

દુ:ખમેં સુનિરન સબ કરે, સુખમેં કરે ન કોઈ,
સુખમેં સુમિરન જો કરે તો કાહે કો દુ:ખ હોય …

આપણા સારા સમયને જો આપણે સતકાર્યોમાં લગાડતા રહીશું તો નક્કિ માનજો વરવો સમય ઓછો આવશે, પરમાત્માના પ્રસાદ રૂપે આ જે કાંઈ મળ્યું હોય તેનો સદઉપયોગ કરી લેજો. તમને મળેલા સમયને સાચવી લેશો તો, નક્કિ માનજો, સમય પણ જીવનના અંતે તમને સાચવી લેશે.

દુકાળ

દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો પાંચાળના પાદરે પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, ઢોરનાં મડદાં ચૂંથાણાં, દૂબળા-દૂબળા માણસો દુકાળના ડાચામાં ઓરાણાં. મા છોરુને છાંડી દ્યે એવો વખત પાંચાળની ભોમકાને ભરડો લેવા માંડ્યો. ચપટી ચણ માટે પંખીડાંઓ ચાંચો ટોચી ટોચીને પટોપટ પોઢી ગયાં. રાજ દરબારોની કોઠીઓનાં તળિયાં દેખાણાં ને જોતજોતામાં ખાણ ખૂટી. માણસ માતર મૂંઝાણાં. રૈયતને ઉગારવા રાજા રજવાડાઓએ દાખડો કર્યો. પણ છપ્પનના સપાટા ખમ્યા ખમાતા નથી. આવા વહમા વખતમાં ત્રણ કાઠી ગલઢેરા વચ્ચે મસલતું મંડાણી છે. ત્રણેયનાં મોં માથે મશ ઢળી ગઈ છે.દુકાળના ડારા દઈ દઈને રૈયતનો ઉગારો કરવા રાત-દી ઉજાગરો વેઠતા ત્રણેય કાઠીઓના કલેજે કારમો ઘા વાગ્યો હોય એવી વેદના ત્રબકે છે. ત્રણેય વચ્ચે તોલદાર મૌન તોળાઈ રહ્યું છે. શેલણા ગામના સુવાંગ ધણી ભાણ ખુમાણ અને જસદણ રાજના રાજવી આલા ખાચર માથે નજર ધ્રોબીને ધોબા ગામના કાઠી ગલઢેરા ડોહલ ખુમાણ વેણ વદ્યા
‘ભાઈ, ભાણ ખુમાણ અને ભાઈ આલા ખાચર, આ તો આભ ફાટ્યું છે. એમાં થીંગડું ક્યાં દેવું ?’
બેય દરબારોએ પાંપણનાં પોપચાં ઉઘાડીને ડોહલ ખુમાણની મીટ સાથે મીટ મેળવીને વળતો જવાબ દીધો
‘આપા ડોહલ ! અમારીયે મૂંઝવણનો ક્યાંય પાર નથી. નાંખી નજર ક્યાંય પોગતી નથી. આમ કોને ઉગારવા ને કોને મારવા ?’
‘રાજને મન તો રૈયત બધી સરખી પણ રૈયત કરતાંય બે વરણ મોટા લેખાય, બાપ! આજ એનો વિચાર માંડો.’
‘ડોહલ ખુમાણ, ફોડ પાડો.’
‘આપણી તેવડ હતી ત્યાં સુધી આપણે રૈયતને માટે રસોડાં ઉઘાડ્યાં ને સાદ પડાવ્યા, પણ હવે બે વરણને વધારે ટેકો કરવો પડશે.’
‘કિયાં બે વરણ?’
‘એક તો ભૂદેવ અને બીજા કવિ.’
ડોહલ ખુમાણની વાતનો મરમ પારખી ગયેલા આલા ખાચરે તરત જ વાતને આધાર દીધો
‘ખરી વાત છે, ડોહલ ખુમાણ ! ભૂદેવનું જડા મૂળ નીકળી જાશે તો ધરમની ધજાયું ને સીનાની વાતું વીંટાઈ જાશે ને કવિઓ મરશે તો માણસની મોજ મરી જાશે.’

‘અરે વાહ, આલા ખાચર! તમે મારા મનની વાત પારખી ગયા.’
‘ડોહલ ખુમાણ! તમારી વાત લાખની છે. કવિઓ જનમ લે છે, કવિઓ કાંઈ પળાતા નથી કે બનાવાતા નથી.’ શેલણાના ભાણ ખુમાણે વિગતથી વાત કરી.
‘આપા ભાણ, આપણી ઘરવખરી વેચીને પણ આપણે બ્રાહ્મણનાં રસોડાં ને કવિઓનાં રસોડાં ઉઘાડો.’
ત્રણેય ગલઢેરાએ ભૂદેવ અને કવિઓ માટે રસોડાં ઉઘાડી રોટલો ને ઓટલો આપી મોતના મોઢામાંથી કર્મકાંડીઓ અને કવિઓને ઉગારી લઈ પરંપરાના કેડાને ઉઘાડો રાખ્યો તેની સાક્ષી પૂરતી છપનિયા કાળની આ કવિતા…

મહા કોપ ધરિયો પ્રથીસરે દળવા મરી,
હુવા શંકર, બ્રહ્મા, ઈન્દ્ર ભેળા હરી,
ધોમ સર જગત પર રૂપ બેઠા ધરી,
ભોમકા ગાયની જેમ ત્યાં ભાંભરી.
દેવ મોટા કેમ નથી કરતા દયા,
થાનકે અઘોર વક્રમ મું પરે થયા,
ઝીલતો નથી શેષ બોજો જીયાં,
કડકિયા દશે દિગપાળ જાવું કિયાં.
તમ વિના દુઃખ કો આગળ ઢળે,
ચારે વર્ણને અટાણે કળયુગ ચળે,
બૂમ પાડી કહું ગાત્ર મારાં બળે,
ને ગાંઉને છરીયું માંડીયું ગળે.
રીયણ કે અંધારું કેમ છે રાજમાં,
લોપિયું ધરમને ન રહ્યું લાજમાં,
વારો આવ્યો હવે બરોબર વાજમાં,
કેમ ઘ્યાન દેતા નથી કોઈ કાજમાં.
જગતમાં ન મળે કોઈ નરમાં જતી,
સાબધે મળે નહિ કોઈ નારી સતી,
ગંગા કરી ગયાં સરગમાં ગતિ,
અળાં કે મુંને તો દુઃખ છે અતિ.
ગ્યાન વૈરાગ્ય ને ધરમ ભક્તિ ગીયાં,
થાનકે કૂડ ને કપટ ઝાઝાં થયાં,
ને બોલે ભૂપતિ મોઢે સાચોનિયા,
લંપટ થીયા કંઈક માયા તણા લોભિયા.
પ્રજાને ઘડો તે ભરાણો પાપનો,
સંસાર ભારો થયો હવે સાપનો,
બમણો બોજો વળી ત્રિવિધ તાપનો,
એવાને સંહારતાં દોષ નૈં આપનો.
જમીંની અરજ સાંભળી જે સમે,
તરત સપનોતરો જગાડ્યો તે સમે,
ભાલું આસમાન ટંક જેનું ભમે,
ડાઢમાં જીવ પાતાળ સુધી દમે.
જાગતા મારિયા કૈંકને ઝપટમાં,
ચૌદ બ્રહ્માંડને ઘેરિયાં ચપટીમાં,
ક્રોધની જોતને ખસયો કપટમાં,
ધીર છાંડી ગયા ભાળતાં ધપટમાં.
મહી દધિહલ કિયો નીર ક્યાં માપવું,
કોપનું દુઃખ તે ક્યાં જઈ કાપવું,
નાથનેજ વરલો જીવવા નાપવું,
આભ ફાટ્યો ક્યાં થીગડું આપવું.
હાકલ કરી ક્રોધમાંથીજીયાં,
થડકિયાં કાળજ્યાં પ્રાણ ઊંચા થયા,
ગઢપતિ તણા ગાઢ તૂટી ગયાં,
રૂપ ભાળ્યા ભેળા હરદમ ખાટા થયા.
થાજો માટી મયલ કે ઠાકરો,
તમે ખમતા નહિ કોઈની ટાકરો,
શિરાવતા ઘણા દી દૂધ ને સાકરો,
આવ્યો છપ્પન બહુ લાગશે આકરો.
ભેરવ કોઈ રામાનો ત્રાડક્યો ભાતમાં,
ધરા પર ઘણાને હતું બઉઘાતમાં,
વીજ પડી જેમ વાતની વાતમાં,
સાવડ કરી દીઘું ધમાકે સાતમાં.
ઝાડવે પાન કે છાલ ન રીયાં જુઓ,
હોકારો વાગિયો અને જુલમ હુવો,
માલ બધો જળ વિના તફડી મૂવો,
નરનારી જીવે એનો અવતાર નવો.
ગૌપ્રતિપાળ પંડ બદલી ગીયો,
કોપિયો રૈયતને ખમા કેસે કીયો,
થંભાવણા નાથ પંડ્યે વેરી થીયો,
બૂડતાં બાવડી કોણ ગ્રહે બીયો.
હાલ્યો છપનિયો સેન લઇ હલકમાં,
પ્રાચીના ડુંગરા ઉડાડ્યા પલકમાં,
ખેલ કરતો પછે હાલિયો ખલકમાં,
માંડ્યો ખાળ ખેડો જૂનાના મલકમાં.
ખૂબ ભૂખ્યો થયો ભક્ષણને ખોળિયો,
ત્યાંથી હાથ લાંબો કરી તોળિયો,
ચૂરમાની પેઠે દેશને ચોળિયો,
કર્યો જીજરા તણો એક કોળિયો.
સાબદો થયો ઈ ગજબની છોટનો,
કાંકરો મળ્યો નહિ સતારા કોટનો,
ખરું માનજો નથી કાંઈ ખોટનો,
રેવા દીધો નૈંડાગ ક્યાંઈ રોટનો.
એક બાજુ કરી અખિયાતને,
ભીમડી કલ્યાણીના ખાઈ ગયો ભાતને,
ખંભા તની સુણી વાતની વાતને,
પોળ ઉજ્જડ કરી બધી એક પ્રાંતને.
ખુરાસાન ઉપર હાલિયો ખારમાં,
અરબસ્તાનને ગળી ગયો આરમાં,
માણસ મારિયાં ધાનના મારમાં,
તરત ખબર ઈ ફેલાણા તારમાં.
ધોપટી મલકને સંધિ માથે ઢળ્યો,
વાઢ દઈ ત્યાંથી પાછો વળ્યો,
પટણ દટણ કરી ગુજરાત મધ પળ્યો,
દેશ વઢિયારને ઘંટ માંડી દળ્યો.
ધરા જસદણતણા ઊતર્યો ઢાળમાં,
ધાનરીઆલણે દીધો ધખસાળમાં,
જોઈને રંધેડુંદાજિયો જાળમાં,
ફટકિયો ત્યાંથી સાંધિયો ફાળમાં.
આકરો હુકમ પણ ન રહ્યો અટકમાં,
મટાડ્યો ભારતને આંખની મટકમાં,
લાંધણ્યા વાઘ જેમ થાપની લપટમાં,
ફંફેડી નાંખિયો સૂમને ફટકમાં.
કાઠિયાવાડમાં ઘુધકારો કર્યો,
ધાગધાગાંથીયો રૂપ બીજો ધર્યો,
ડોસલરાજથી કંઈક મનમાં ડર્યો,
ધોબાનીસીમમાં કાળ નકે ધર્યો.
સેલાણા ધણીની જોઈ જ્યાં સમૃદ્ધિ,
લીલીયું વાડીયું હીંડોળે નવ નિધિ,
રૈયતને ઘરોઘર હેમ રૂપું રધી,
દેશપતહડૂડે ભાણ ભરિયોદધી.
હરમત રાખજો ભેર આવ્યા હરિ,
ધરપતીરેજો હાથ મું છે ધરી,
કાળને તોડિયો રજક ભાલે કરી,
ફેંકિયો દૂર તે કદી નાવે ફરી.
કોઠારે મોરચા કણ દારૂ કર્યા,
ભાંગવા મયલને લાડુ ગોળા ભર્યા,
ઢાલની જેમ પાંતિયે રોટલા ધર્યા,
બરોબર પેરિયાંકીરતીબગતરાં.
નખાણી છાવણી પયાનાનોરસે,
કરાડે માનવી મળ્યાં સૌ કોરસે,
જામ કાઠી તણો મંડાણે જોરસે,
મારવા કાળને રજકનેમોરસે.
દારૂગોળો ભરી તોપ જેમ દાગવી,
રેનમોરો કરી બરાબર લગાવી,
હાડ ચૂરો કરી પ્રાણ લીધા હરી,
નરંદપીઠાણીએ વાત રાખી નવી.
હરાવાચ્છાતણા ધન્ય છે હાથને,
સરસનાકોડને હાથ સમરાથને,
ચાંડલાકપાળે કરો સવસાથને,
નવડ ભડ વધાવોખુમાણાંનાથને.
જે થકી ઊજળો વાડ કાઠાં, જલો,
તું સામવો કોણ સૂમ જાલેટલો,
પ્રાસ્ટીધાંનરી કાળ છંડો પલો,
ભાણ વાચ્છાહરાથી કોણ છે ભલો.

નોંધ : ધોબાના સ્વ. દરબાર શ્રી ડોહલભાઈ ખુમાણે ભયંકર છપ્પનિયા કાળ વખતે ધર્મ અને કવિતાને જીવતી રાખી બ્રાહ્મણો અને કવિઓ માટે ખાસ રસોડાં ખોલ્યાં હતાં. સંખ્યાબંધ કવિઓને ઉગારી લીધા હતા.

અહીં આપેલ કવિતા અપ્રાપ્ય હતી.

મૂળ કવિતામાં કુલ ૩૧ કડીઓ હતી. તેમાંથી થોડી નમૂનારૂપ અહીં આપી છે.

લેખક – દોલત ભટ્ટ

॥ રંગ છે ચાંદાજી વાઘેલાને ! ॥

જસદણ નો આલો ખાચર. આલા ખાચરને જેદિ’ એ’કાર આવ્યો, અભિમાન આવ્યું તેદિ’
પડખે બેઠલા દસોં દીરતનદાનનો વાંસો થાબડી આલો ખાચર
એટલું જ બોલ્યા’તા કેઃ”બારોટ, આ ધરાને માથે આલા ખાચર જેવો દાનેશરી તને
દિવો લઈ ગોતવા જા તોય નહીં મળે હો !” અને તેદિ’ રતનદાન બારોટ એટલુ કહે છે
કેઃ”આલગા, બાપ, ધરતી માનો ખોળો તો ગરવો. એની માલીપા એક એકને ભૂલવે
એવાં અણમોલ રતન પાકે. આ ધરાને માથે તો કંઈક આલા રમી ગ્યા ને કંઈક રમશે. માટે
નકામો ખોટો એ’કાર નો ભાર ના ઉપાડ.” પણ ત્યાંતો આલા ખાચરના અંગ
માથેનાં નવાણું લાખ રૂવાડાં બેઠાં થયાં. આંખુના ભમરોટા ખેચાઈને ભેળા થયા. અને
ધગેલ ત્રાંબા જેવી રાતી આંખો દસોંદી માથે ઠેરાવિખાચરે હાકલ કરી’તી કેઃ”બારોટ,
જસદણના ધણીનું અપમાન કર્યમાં. અરે આ
આલોખાચર તો માથુંય ઉતારીને દઈ દ્યે, ઈ ખબર છે ? માથાં ઉતારવાં ઈ કાંય
છોકરાં ની રમત્યું નથી હો, બારોટ, ઈ ફાંકુ કાઢી નાંખજે. અને જો ધરાને માથે દાતારના દિવા થાતા હોય, તો જા માથું ઉતારી દ્યે એવો મૂછાળો ગોતી આવ.”

”ત્યારે ભલે આલા ખાચર, અટાણે જાઉં છું. અને જેદિ’ માથું ઉતારી દ્યે એવો માટી મળશે ને તેદિ’
પાછો આવીશ. રામ રામ ત્યારે !” આટલાં વેણ સંભળાવી બારોટ ઈનેઈ ટાણે જસદણને રામ રામ કરીને હાલી નીકળ્યો. મલકનાં પડ ઉખેડી, માથું ઉતારી દે એવો માટી ગોતતો રતનદાન ગામડે ગામડે ફરે છે. એના પગરખાં ની સગથળગેહાઈ ગઈ, ટંકે દોઢ તોલો અફિણલેનારો બારોટ ક્યાંય કસુંબો લેવા રોકાતો નથી. ટેકનો પાકો દસોંદી કો’ક ગરિબની ઘરે
રોટલાનું બટકું બોટીહાલતો થાય છે. એમ થાતાં તો કેઃબંટી ચીણોને બાજરો , જવ કોદર અન્ન
જાત, નારી પાતળી પદમણી, ઈ ધરા ગુજરાત. એવાં સાત હજાર પાધર જ્યાં દુઝે છે
એવી ગેલુડી ગુજરાતમાં બારોટે પગ મેલ્યો. ગુજરાતનાં ગામડાંખુંદતો બારોટ દિયોદર ના પાદર માં થી નીકળ્યો. બરાબર ઈ ટાણે દિયોદર દરબાર ચાંદાજી વાઘેલા ના દરબાર ગઢ

ની દોઢીએ ડાયરો જામ્યો છે. કસુંબાની છોળ્યું ઉડે છે.છુટો થાળીનો ઘા કરો તો હેઠી ના પડે ને
ઠણણણઠણ કરતી કને સેંપટ જાતી રિયે એવો હેકડેઠઠ ડાયરો વાતું ના ધુબાકાદ્યે છે. દેશ પરદેશ ને અલક મલક ની વાતું કહેવા સાંભળવા માં સૌ ગરકાવ છે. બરાબર એ વખતે ચાંદાજી વાઘેલાની નજર બારોટ માથે પડીં. દરબારે સાદ દિધોકેઃ”આવો આવો મે’માન, કસું બોલ્યો.” કે’ “દરબાર, વચન દે તો કસુંબો લેવાનો છું.” કે’ “બધુંય દેવાશે. હાલો તો ખરા. માંગ્યું મળશે. બસ? હાલો.” કે’ “વાઘેલા, પે’લાં જઈને તારી રાણીને પૂંછી આવ. નકાંપછે કુંભારાણા જેવું થાય નહીં. ઈ યાદ રાખજે.” કે’ “બારોટ, વાઘેલા રાણીએ ને પૂંછીને રાજ નથી કરતા. લે ફાટ્યમો માંથી. તારે શું જોઈ છે?” કે’ ”ત્યારે સાંભળી લે, પૂતાજી વાઘેલા ના દિકરા ! તારા માં ત્રેવડ હોય તો તારૂં માથું દે.” પણ ત્યાંતો લીલા ચાહઠિયા ની માલીપા મેલી હોય તો પંખીડું પાણીનો રેલો સમજી ચાંચ

બોળે એવી ફાટેલ પિયાલા જેવી સજાવેલ તરવારનો બારોટ સામે ઘા કરી ચાંદોજી વાઘેલે કિધું’તું કેઃ”બારોટ, આ લે. ઉતારી લે મારું માથું ” કે’ “દરબાર, માથું અટાણે નથી જોતું. પહેલાં એક કાસદ ને જસદણમેલ્ય. આલા ખાચરને તેડાવ. એની હાજરી માં માથું જોવે.” ઈ વાત કે’તાં તો વાર લાગે, પણ ટૂંકમાં, ઈ ઝાકાંઝાકાં ને ઝાકાં કરતી સાંઢ દિયોદરમાંથી જસદણસામીવે’તી થઈ. આલા ખાચરને બોલાવ્યા. ચાંદોજી વાઘેલો પટાંગણ માં ઊભા છે. પડખે જ નાગીતરવારે બારોટ ઉભો છે. દિયોદર ના ધણીનું બલિદાન જોવા તેદિ’ અઢારે આલમ ટાંપીને બેઠી’તી. પણ ‘જય જોગમાયા’ કહી રતનદાન બારોટ હાથ ઉપાડ્યો. ઈ ઉપાડ્યો હાથ અધર જ રહ્યો. બારોટે હાથ પકડનાર ની સામે જોયું, તો હાથ પકડી કોણ ઊભું છે ? જસદણનો મોભી, કરણ નો અવતાર આલો ખાચર મરકમરક દાંત કાઢતો ઊભો છે. કિધુંકેઃ “લે હવે હાંઉ કર બારોટ !” અને ત્યારે તલવારનો ઘા કરી રતનદાને આલો ખાચર સાંભળે એમ ચાંદાજી વાઘેલા નો દુહો ઠપકાર્યો કેઃ તે દિધોપુતાતણા, કવિયાં હાથે કોલ, બડરાજારો બોલ, છૂપો પાડ્યો ચાંદડા !

વાર્તાકાર – ચમનભાઈ ગુર્જર સુથાર

આભાર :- દિવ્યરાજસિંહ સરવૈયા

સંકલન અને Post :-
— Vasim Landa
The-Dust Of-Heaven ✍

ખાસ નોંધ :- આ પોસ્ટમાં કોઇએ પણ કોઇપણ જાતના ફેરફાર કરવા નહિ.

દરરોજ અનેક અલગ અલગવાર્તાઓ અને જાણવા જેવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી