પ્રેમની વસંત બારેમાસ – મને જાણ પણ નથી ને આજે મને જોવા આવવાના છે? હવે શું થશે કાશ…

“શરદ પૂર્ણિમા એ યૌવનનો થનગણાટ છે. નાના, મોટા, બાળ, યુવાન કે પછી વૃધ્ધ હોય સૌ કોઇને ગમે તેવી ઋતુ છે. શરદ પુનમનો ચાંદએ પુર્ણતાનું પ્રતિક છે. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં કહેવામાં આવ્યુ છે કે શરદ પૂનમની રાત્રે ભગવાન મહારાસ રમ્યા હતા. શરદ પૂનમને રાસ પૂનમ પણ કહે છે. વ્રજ એટલે રાસ લીલાનું વૈકુંઠ રાસ ગરબા આજે પણ રમાય છે.

શરદ પૂનમે પ્રભુએ વાંસળીના સૂર છેડયા હતા. ઠાકોરજીની આ વેણું આજે પણ ભગવદીયોને વૃંદાવનમાં સંભળાય છે. જે પ્રભુનો આશ્રય રાખે તેને ઠાકોરજી વાંસળી સંભળાવે છે. વ્રજ એટલે વેણું, ઘેનું અને રેણું ગોપીઓનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ વર્ણવી ગોપી ને પ્રેમની ધ્વજ કહેવામાં આવે છે. ગોપીઓ રાસ માં જવાની અને પ્રભુ મિલનની એટલી ઉત્કંઠા હતી કે આંખે લગાવવાનું કાજલ ગાલે લગાવ્યું કેવો ગોપી પ્રેમ? ઇશ્વરને મળવાની આવી ભાવના હોય તો જીવનમાં પૂનમ ઉગે. શરદની રાત શ્રેષ્ઠ રાત્રી ગણાય છે. પ્રભુએ રાસ ખેલ્યો એ શ્રેષ્ઠતાનું પ્રતિક છે.

શરદ પુર્ણિમાએ દુધ પૌઆ ખાવાની પરંપરા ચાલી રહી છે. વરસાદની વિદાય શરદનું આગમન એક અનુસંધાન છે. આયુર્વેદના શાસ્ત્ર મુજબ શરીરમાં જે પિત્તનો પ્રકોપ થયો હોય તે આ દુધ પૌઆ ખાવાથી નાશ પામે છે. દૂધ પિત્તનું દુશ્મન છે. ચંદ્રના કિરણો દુધ, પૌઆમાં ભળવાથી દમના દર્દીને ફાયદો કરે છે.” આ શબ્દો છે યુવાન મિતેશના જે પોતાની પ્રિયતમાને શરદ પુર્ણિમાનું અનોખુ મહત્વ સમજાવી રહ્યો છે અને પ્રેમની વાતો કરી રહ્યા છે. મિતેશ અને કાજલ પોતાના જુના દિવસો યાદ કરે છે.

સવારનો સમય છે અને સુર્યોદય થવાની તૈયારી છે. પક્ષીઓનો મધુર કલરવ સંભળાઇ રહ્યો છે ત્યારે આજે ઘરના તમામ લોકો વહેલા ઉઠી ગયા છે. પરંતુ હજુ સુધી કાજલ તો પથારીમાં જ સુઇ રહી હતી. કેમ કે કાજલની કોલેજની પરીક્ષા એક દિવસ પહેલા જ પુરી થઇ હોવાથી તે આરામ ફરમાવી રહી છે. ઘરમાં આજે શુ બનવાનું છે તેનાથી કાજલ સાવ અજાણ છે અને ઘરના સ્ભ્યોને પણ એમ કે સામાન્ય રીતે વહેલી ઉઠવા માટે ટેવાયેલી કાજલ આજે વહેલી ઉઠી જ જશે. પરંતુ અચાનક જ કાજલની નાની બહેન રીમા તેના રૂમમાં જાય છે અને હજુ સુધી કાજલને સુતેલી જોઇને આશ્ચર્યચકીત થઇ જાય છે. તે કાજલની નજીક જાય છે તો ધીમે ધીમે કાજલ કઇક ગણગણાટ કરતી હોય તેવુ લાગે છે અને તે વધુ નજીક જઇને સાંભળવાનો પ્રયત્ન કરે છે તો કાજલ મિતેશનું નામ બોલી રહી હોય છે.

આ સાંભળીને રીમા સ્તબ્ધ થઇ જાય છે કેમ કે આજે કાજલને જોવા માટે મહેમાન આવવાના છે અને કાજલ તો કોઇ મિતેશને પ્રેમ કરતી હોય તેવો રીનાને શક જાય છે. તે રૂમનો દરવાજો બંધ કરીને ઝડપથી કાજલને જગાડે છે અને સીધુ જ પુછે છે કે આ મિતેશ કોણ છે? અચાનક જ મિતેશનું નામ સાંભળતા કાજલ પણ થોડી ગભરાઇ જાય છે ત્યારે રીમાએ કહ્યુ કે મને બધી ખબર છે કે તું મિતેશને પ્રેમ કરે છે. જો તુ મારા પર વિશ્વાસ રાખીને બધુ સાચુ કહીશ તો હું તને તારા પ્રેમને જીવનસાથી બનાવવા માટે ચોક્કસ મદદ કરીશ. તને કાંઇ ખબર જ નથી કે આજે તને જોવા માટે મહેમાન આવવાના છે. આ સાંભળીને કાજલના પગ નીચેથી જમીન ખસી જાય છે.

મેન જોવા આવવાના છે અને મને જ ખબર નથી, આવું કઇ રીતે ચાલે ? તેવો કાજલે પ્રશ્ન કર્યો. અત્યારે પ્રશ્નો કરવાનો સમય નથી હવે મારે જ તારા માટે કઇંક કરવુ પડશે તેમ રીમાએ કહ્યુ. રીમા પોતાની રીતે એક યોજના બનાવે છે અને તે પ્રમાણે કરવા માટે કાજલને સમજાવે છે. રીમાના કહેવાથી કાજલ ઝડપથી તૈયાર થઇ જાય છે. થોડીવારમાં જ કાજલને જોવા માટે મહેમાનોનું ઘરમાં આગમાન થાય છે અને પરીવારના વડીલો દ્વારા મહેમાનોનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવે છે. રીમા યુક્તીથી પરીવારના વડીલોને બહાર બોલાવે છે અને થોડીવારમાં કાજલ મહેમાનોને ચા નાસ્તો આપવા માટે આવે છે ત્યારે હાથમાંથી નાસ્તાની ડીશ નીચે પડી જાય છે.

આ તકનો લાભ લઇને રીમા ધીમેથી પરંતુ મહેમાનોને સંભળાય તે રીતે કહે છે કે બીચારી કાજલના હાથમાંથી આજે પણ ડીશ પડી ગઇ, મારી બહેનની આ બીમારી ક્યારે દુર થશે, તે હાથથી કાંઇ વસ્તુ વધારે સમય પકડી જ શકતી નથી, હે ભગવાન મારી બહેનને શક્તિ આપજે. આ વાક્યો સાંભળતા જ કાજલને જોવા આવેલો યુવક તેની માતા પાસે પહોચી જાય છે અને કહે છે કે સારૂ થયુ કે આપણને કાજલની બધી હકીકતની ખબર પડી ગઇ નહિતર આપણે તો જીંદગીભર પસ્તાવાનો વારો આવત. આ ઘટના પછી કાજલ તથા રીમા તરત જ ત્યાથી થોડે દુર જતા રહે છે અને ઘરમાં શુ થાય છે તે જોયા કરે છે.

ચા નાસ્તો કરીને મહેમાન સગપણની કાંઇ પણ વાચતીત કર્યા વગર નિકળી જાય છે જેથી પરીવારના વડીલો મુંઝવણમાં મુકાઇ જાય છે કે અચાનક એવુ તો શુ થયુ કે મહેમાન કઇ વાતચીત કર્યા વગર ચાલ્યા ગયા. આખરે પરીવારના સભ્યો નક્કી કરે છે કે જે થયુ તે સારા માટે થયુ હશે આપણી કાજલ માટે આના કરતા સારો યુવક નસીબમાં હશે. પરીવારના સભ્યો સાથે મળીને શરદ પુર્ણિમાની ઉજવણી માટેની તૈયારીઓમાં વ્યસ્ત બની જાય છે. કાજલ અને રીમા પૌઆની ખરીદી કરવા માટે ઘરની બહાર નિકળે છે ત્યારે કાજલ રીમાને બાજુની સોસાયટીમાં રહેતા મિતેશ સાથે મુલાકાત કરાવે છે ત્યારે રીમા કહે છે કે તમે બન્ને તો છુપારૂસ્તમ નિકળ્યા હો.

પરંતુ આજે મને તમારા પ્રેમ વિશે ખબર ન પડી હોત તો અનર્થ થઇ જાત. આ સાંભળીને મિતેશે કહ્યુ કે એવું તો શુ થયુ કે અનર્થ થઇ જાય ત્યારે કાજલે કહ્યુ કે જે થયુ તે તું ચિતા ના કરીશ પરંતુ હવે આપણે લગ્ન કરી લેવા જોઇએ. આ સાંભળીને મિતેશ તો ખુબ જ ખુશ થઇ જાય છે અને કહે છે કે મારા માતા પિતા સહિત આખા પરીવારને તું પસંદ છે. રીમાએ કહ્યુ કે આજે મિતેશ તમે પરીવાર સાથે અમારા ઘરે શરદ પુનમની ઉજવણીમાં સહભાગી બનજો. ચોક્કસ હું પરીવાર સાથે આવીશ તેમ મિતેશે કહ્યુ. કાજલ અને રીમા પૌઆ લઇને ઘરે પરત ફરે છે પરંતુ આજે કાજલનું મન કામકાજમાં લાગતુ નથી અને તે મિતેશના વિચારોમાં ખોવાયેલી રહે છે.

દુધ પૌઆ બનાવતી વખતે ખાંડને બદલે મીઠાનો ડબ્બો હાથમાં લે છે ત્યારે તેની ભાભી કહે છે કે કાજલબહેન આ શુ કરો છો, દુધ પૌઆમાં મીઠુ નહી ખાંડ નાખવાની હોય. ત્યારે કાજલ તેની ભાભીને કહે છે કે ભાભીજી આજે તમારે પણ મારા જીવનમાં મીઠાશ લાવવાની છે અને કાજલ રડી પડે છે. શુ થયુ, તમે મને કહેશો તો ખબર પડશેને તેમ કાજલની ભાભીએ કહ્યુ ત્યારે કાજલે તેના પ્રેમી મિતેશ અંગેની બધી વાતો કાંઇ પણ છુપાવ્યા વગર કહી દીધી. કાજલની ભાભીએ પરીવારના સભ્યોને વાત કરી ત્યારે શરૂઆતમાં કેટલાક સભ્યો ગુસ્સે થઇ ગયા પરંતુ ભાભીએ આખરે બાજી સંભાળી લીધી અને પરીવારજનોને કાજલની ખુશી માટે રાજી કરી દીધા.

શરદ પૂનમની ઉજવણીમાં મિતેશ સહપરીવાર આવે છે અને બન્ને પરીવાર વચ્ચે વાતચીત થાય છે. બન્ને પરીવારની સહમતીથી કાજલ અને મિતેશની સગાઇ નક્કી કરવામાં આવે છે ત્યારે મિતેશ બોલી ઉઠે છે કે, તારા પ્રેમનો સ્વાદ ચાખ્યા પછી શરદ પૂનમની ચાંદનીના દૂધ પૌઆની મીઠાશ પણ ફિક્કી લાગી. આ સાંભળીને કાજલ સહિત બધા લોકો ખડખડાટ હસવા લાગે છે.

લેખકઃ- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ