જલ્સા કરોને જેંતીલાલ

વાર્તાની રાજકુમારી – દરેક વાર્તામાં કેમ રાજકુમારી રાજકુમારની જ રાહ જોવે છે… દિકરીનો આ સવાલ… અને વિચારતી થઈ ગઈ એક માતા…

અંજલિ દરરોજ વાર્તા કરે પોતાની લાડલી કાવ્યા ને … અને લાડકીના વાળ માં હાથ ફેરવતી જાય ત્યારે જ ઊંઘ આવે એને…આ પ્યારી મમ્મી, ચકલી, કાગડા, પરી અને રાક્ષસ ની વાતો પોતાના પટારા માંથી અવનવી ને નિત નવી કાઢે…બચપણની જ જૂની યાદો ને કલ્પના ની પાંખો પહેરાવી ને પોતાના અધૂરા સપના ને મુક્ત આકાશ આપે.. મનના માનેલ રાજકુમાર ને વાર્તા માં વણી ને પોતાને પતિ ના ત્રાસ માંથી મુક્ત કરવા આવશે એમ કહી ને જાત ને ફોસલાવે..


… રાજકુમારી ને એની ઢીંગલી બન્ને ને રાક્ષસે એકદંડીયા મહેલ અંદર કેદ કર્યા હતા એમાંથી છોડાવવા પાંખવાળા ઘોડા પર બેસી હાથ માં ખુલ્લી તલવારે એક રાજકુમાર આવશે છોડાવવા… અને ” આપણને બન્ને ને લઈ જશે !!! ” એમ બોલી ને એકદમ સાવધ બની ને ભૂલ સુધારતા એકદમ જ બોલી કે …” એ બન્ને ને છોડાવવા..”

અંજલિએ પોતાની ભૂલ આજે તો તરત જ સુધારી પણ, વર્ષો પહેલા પિતાજી ની સામે બોલી ન શકી કે મારો જીવનસાથી મેં ગોતી લીધો છે અને કમને પોતાના સપનાઓ ને ક્લેજા નું કબ્રસ્તાન બનાવી ને દાટી દીધા. ખરેખર હવે આ જ ભાગ્ય ને સાચું આ જ સૌભાગ્ય !! એમ સમજી ને કથીર ને સોનુ માનવા લાગી…. અને આમેય સ્ત્રી પિયર થી સાસરે આવે ત્યારે એ બીજો એક નવો અવતાર ધારણ કરે છે.. કોઈની લાડલી સાસરી ની લાજ બને છે.. કાળજા નો કટકો કોઈની કુળવધુ બને છે.. બાપની આંખોનું અજવાળું સસરા ના કુટુંબ ની આબરૂ બને છે,.


અંજલિ એ જોયેલા સપનાઓ તો સ્ત્રી ની સમર્પિતતા વડે જાત ને સોળે શણગાર સજાવીને જૌહર કરી લે છે..પણ , આજે તો હદ થઈ ગઈ…

…થયું એવું કે સવાર માં જરા ઊઠવાનું મોડું થયું અને એના પતિ અરુણ નું મગજ છટકેલું અને ઉતાવળ થી બધું કામ પતાવતી હતી ત્યાં અરુણ નો ઘાંટો સંભળાયો .. .. ” મારા મોજા ક્યાં છે ???” અને એ વધુ ન ખીજાય અને નાનકડી દીકરી કાવ્યા જાગી ન જાય એ ડર થી અંજલિ ઉતાવળે ભાગી અને ટિફિન ભરતા પડતું મૂક્યું ને એ.. એનું હેન્ડલ સમતોલ ન રહેતા ટિફિન પ્લેટફોર્મ પરથી નીચે પડ્યું અને શાક રોટલી … બધું જમીન પર વેરવિખેર !!!… અવાજ આવતાં અરુણ આવી પહોંચ્યો અને … સટ્ટાક.!!!. કરતી એક ઝાપટ અંજલિ ના ગોરા ગોરા ગાલ પર પડી !!! અને રાડો પાડતો અને ન બોલવાના શબ્દો બોલી ને તે ચાલી નીકળ્યો. એણે કોઈ જ દરકાર નહોતી કે ” અંજલિ ના પગ પર ગરમ શાક પડ્યું તો દાઝી ગઈ હશે કે પછી નાનકડી કાવ્યા અવાજ થી જાગી ને બેડરૂમમાંથી બહાર આવી ગઈ હતી અને પપ્પાએ મમ્મીના ગાલે ઉપાડેલ હાથ અને બૂમ બરાડા થી માસૂમ દિલ પર શુ વીતશે ?? !!!”


ત્યાં જ થીજી ગયેલી અંજલિ અરુણના ગયા પછી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી !.પણ, અચાનક અંજલિ નું ધ્યાન કાવ્યા પર પડતાં જ ફટાફટ પોતાની આંખો ને મોં લૂછી ને ગભરાટ થી એના તરફ ફરી અને …”અરે !!મારી પરી !! તું કેમ જાગી ગઈ દીકરા ?? ” અને જે ઉંમરે બાળકો ભેંકડા જ તાણતાં હોય…એવી માસૂમવય ની દીકરી પોતાના પપ્પાનો ડરામણો દેખાવ જોઈ ને પપ્પા ગયા એટલે બોલી પડી .. ” મમ્મી !, વાર્તાના રાક્ષસ જેવા જ પપ્પા …??? “

” એવું ના બોલાય દીકરી !! તું તો મારી પરી છો ને ?? ” એમ કહી પોતાની આંખોમાં ધસી આવતાં આંસુ ને જાણે અંજલિ ભરી પી ગઈ અંજલિ !! પણ … નાનકડી કાવ્યા , મમ્મીની સામે જોઈ જ રહી …અંજલિ તો જાણે કે કઈ છુપાવવા મથતી હોય તેમ , આમ તેમ જોતી બધું સાફ કરવા લાગી અને પોતાના પગ પર હજુયે શાક ના તેલ વાળા ડાઘ હતા તે લુછવા જતા એના મોમાંથી સી… સિસકારો નીકળી ગયો !!…આ બધું નિરીક્ષણ કરતી કાવ્યા પોતાની વ્હાલી મમ્મી પાસે આવી પ્રેમથી એના પગ પર નાની નાની આંગળીઓ ફેરવી ,પૂછવા લાગી , “” મમ્મી, બહુ દુખે છે ?? ” એટલું બોલી ને ફૂંક મારવા લાગી.!! .અને આગળ બોલી..


“મમ્મી , કાલ ની વાર્તા માં રાજકુમારી અને પરી ને રાક્ષસ ના કેદમાંથી છોડાવવા કોઈ રાજકુમાર આવ્યો કે નહીં ?? હે મમ્મી ?? એય મમ્મી, દરવખતે રાજકુમારી શું કામ કોઈ રાજકુમાર નો વેઇટ કરે ?? શુ કામે રાહ જોવે ? રાજકુમારી કેમ બહાદુર ન હોય ?? એ પોતે જ પોતાને અને નાની પરી ને કેમ ન બચાવી શકે ?? શુ રાજકુમારી અશક્ત કે બીમાર છે ?? મમ્મી , મમ્મી, બોલ ને… રાજકુમારી ને પોતાના હાથપગ નથી ?? એની પાસે કેમ કોઈ હથિયાર નથી ?? મમ્મી , રાજકુમારીઓ કેટલા વરસ આમ રોતી રહેશે અને રાજકુમાર ની રાહ જ જોયા કરશે ?? પોતે કેમ પોતાનો બચાવ ન કરી શકે ?? મમ્મી , મમ્મી, રાજકુમારીઓ અને પરીઓ કેટલો વખત રડ્યા જ કરશે ??? મમ્મી , રાજકુમારી ને ફાઇટ કરતા ક્યારે આવડશે ??…. બોલ ને મમ્મી…!! હે મમ્મી… !!!”

અંજલિએ જોયું તો કાવ્યા એની સામે એક પ્રશ્ન નહિ પણ એક તાકાત બની ને ઊભી હોય તેવું લાગ્યું . તે વિચારતી રહી. શુ વાંક છે પોતાનો ?? કે આમ રિબાઈ રિબાઈ ને જીવી રહી છે ?? ભલે પોતે ખાસ કોઈ ડીગ્રી નથી ધરાવતી પણ, પિયર માં પોતાનું બ્યુટી પાર્લર ચલાવતી અંજલિ અત્યારે પણ ધારે તો સ્વમાનથી આજીવિકા રળી શકે. અને પોતાના પતિ ના ત્રાસ માંથી છૂટવા માટે પોતાના પિતા , ભાઈ કે કોઈ બીજો રાજકુમાર આવે અને બન્ને ને આ કેદ માંથી છોડાવે એવી રાહ જોયા કરે એ વ્યર્થ છે !! સ્ત્રી ક્યાં સુધી આમ સમાજે કે પુરુષ જાતે નક્કી કરેલા નિયમો મુજબ બેટી , બહેન કે પત્ની કે માં બની ને પોતાના સ્વ નું બલિદાન જ આપ્યા કરશે ?


આધુનિક યુગ માં સ્ત્રી જ્યારે દરેક ક્ષેત્ર માં પોતાની જાત ને પુરુષ સમોવડી કે તેથી યે ચડીયાતી સાબિત થઈ છે અને પોતે પણ છે જ !!… સ્વસ્થ, તંદુરસ્ત અને એક આવડત ધરાવતી નારી … તો શા માટે લાચાર જિંદગી જીવવી ? અને ક્યાં સુધી ?? અંજલિએ મનોમન એક ગાંઠ વાળી.

અંજલિ એ સરસ મજાના પોતાને ગમતા ગીત ચાલુ કર્યાં, મ્યુઝિક સિસ્ટમ માં …અને હસી ને કાવ્યા ના હાથ પકડી કપલ ડાન્સ કરતી કરતી … ખૂબ જ ખુશ થઈ અને પોતાની વ્હાલી મમ્મી ને આવા સ્વરૂપ માં જોઈ ને નાનકડી ઢીંગલી પણ ગેલ કરવા લાગી… નવડાવી ને તૈયાર કરી ફટાફટ એક્ટિવા લઈને દીકરી ને સ્કૂલે મુકવા ચાલી નીકળી . કાવ્યા પણ આજે જુદા જ મૂડ માં હતી. સ્કૂલે સહમી સહમી સી રહેતી કાવ્યા આજે તો આત્મવિશ્વાસથી ટીચર ને બધા જ જવાબ આનંદથી હસતાં ચહેરે આપવા લાગી. એનું કારણ એની મમ્મી હતી કે જે આજે એક રોલ મોડેલ બની હતી એની લાડકી માટે..

તે દિવસે , અંજલીને પોતાની દીકરી ના સવાલો માંથી જ જવાબ મળ્યો હતો , કે શા માટે કોઈ રાજકુમારી … રાહ જોયા કરશે કે કોઈ રાજકુમાર… પાંખોવાળા ઘોડા પર સવાર થઈ ને આવશે… ને એને બચાવી ને લઈ જશે… અને જો એ રાજા કે રાજકુમાર હારી જાય તો શા માટે રાણીઓ ને રાજકુમારીઓ જૌહર કરે ?? વાંક શુ એનો ?? સ્ત્રી હોવું એ શું કોઈ અપરાધ છે ?? સ્ત્રી પોતે કેમ રાણી લક્ષ્મીબાઈ ન બની શકે ? પોતે જ તો શક્તિ સ્વરૂપ છે, દુર્ગા કાલી કે સરસ્વતી સ્ત્રી રૂપે જ છે અને એની પાસેથી જ તો બધી શક્તિ રહેલી છે ,તે ખુદ શક્તિ સ્વરૂપા છે !.. તો શા માટે આ દેશ ની સ્ત્રી લાચાર બને ??


એ દિવસે કાવ્યા આવે એ પહેલાં જ અંજલિ એ જાતે જ નિર્ણય કરી લીધો અને સાંજે અરુણ સામે જઈ ને બધી વાત કરતા એમ પણ જણાવી દીધું કે પોતે હવે પોતાનું બ્યુટીપાર્લર ચાલુ કરવા જઈ રહી છે . અરુણ એ ઘણા પગ ભરાવ્યા પણ અંજલિએ અલ્ટીમેટમ આપતા કહી દીધું કે તે પોતાના નિર્ણય માં અડગ છે . પતિ તરીકે ઘણા ધમપછાડા કર્યા,જ્યારે અરુણ એ એના પિયરીયાવ ને ફરિયાદ કરવાના ત્રાગા કર્યા તો પણ જરાય ડગ્યાં વગર કહી દીધું કે તમારે જેને કહેવું હોય તેને કહી દો .. મારો નિર્ણય અફર છે અને મને કોઈ સમાજ નો ડર નથી . છેલ્લે ખચકાયા વગર ત્યાં સુધી કહી દીધું કે , જો તમને આ વાત મંજુર ન હોય તો તમે મને છુટાછેડા આપવાની પણ છૂટ છે !

અરુણ પહેલા તો હબક ખાઈ ગયો કે આ શું થયું ?? એને કાઈ સમજાતું નહોતું કે આ ગાય જેવી સીધી સાદી લાગતી અંજલીમાં એકદમ જ આ નવદુર્ગા ક્યાંથી પ્રગટી ! પણ, તે ધીમે ધીમે સમજી ગયો કે હવે આમાં એક નવી સ્ત્રી એ જન્મ લઈ લીધો છે અને કોઈ જ કારી ન ફાવતા છેલ્લે ધમપછાડા બંધ કરી ને સમાજમાં પોતાને જ ખુલ્લો પડવા ના ડર થી અંજલિ માં આવેલ ફેરફાર ને કમને સ્વીકારીને શાંત રહ્યો .અંજલિ સાલસતા થી બધું જ કામ કરતી હતી અને જ્યાં પણ જરૂર પડે ત્યાં, લાચારી અનુભવ્યા વગર અરુણ ને પણ જવાબદારી આપતી થઈ …અને પછી તો ઘરમાં એક સ્થિર આવક આવતી જોઈને અને બધું વ્યવસ્થિત ગોઠવાઈ જતાં અરુણ રાજી થયો ,તે ખુશ રહેવા લાગ્યો ઘરમાં નાણાં ની તંગી દૂર થતાં એક જાતની મોકળાશ અનુભવવા લાગ્યા અને અંજલિ ને એક નવા સ્વરૂપે જોઈ ને પોતે પણ ધીમે ધીમે બદલાઈ ગયો. અંજલીમાં તેને સ્ત્રી ના બધા જ રૂપ દેખાયા ..


ન ખબર પડતાં પણ સાહજીકતાથી અરુણ પણ પોતાની પત્નીના નવતર સ્વરૂપને પામી ને એક સારી પતિ બનવા લાગ્યો અને એક ઋજુ પિતા તરીકે ઉભરી આવ્યો તેનામાં પ્રેમના અંકુર હતા તે છોડ બની લહેરાવા લાગ્યા અને પ્રેમ ના પુષ્પો મ્હેકાવા લાગ્યા મા દિકરી બન્ને પર !!… ..કાવ્યા પણ પોતાના પાપાની પરી બની ને પપ્પા ના ખભા પર બેસી ને નવી નવી વાર્તાઓ સાંભળવા લાગી…

એક હતો રાજા એક હતી રાણી અને એક એમની રાજકુમારી…સુંદર , નાજુક , કોમળ, પણ…. લાચાર …અને રડતી જરાય નહિ હો !!! રાજા રાણી અને બહાદુર રાજકુમારી…ખાધું પીધું ને રા…..જ… કર્યું !!!…🌸🌸🌸🌸🌸

લેખક : દક્ષા રમેશ

દરરોજ આવી અનેક વાર્તાઓ જેમાં આજના સમાજના તમને દર્શન થશે વાંચો બધી વાર્તાઓ ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version