વારસો – એક ૫૦ની ઉંમર પાર કરવા આવેલ ઠરકી શેઠ સાથે કેમ આ યુવતી કરવા માંગે છે લગ્ન, રહસ્યમય રસપ્રદ વાર્તા…

” શિવાંગી , તારી અને શેઠ પ્રતાપની આયુ વચ્ચે આભ અને ભોમ જેવડો તફાવત છે …” ” અરે , શેઠ પ્રતાપ તો થોડા વર્ષમાં ૫૦નો આંકડો વટાવી જશે .” ” ક્યાં તું ૨૮ ની , નાજુક , નમણી , સુંદર કાયા અને ક્યાં એ કદાવર , આધેડ શરીર ….” ” અરે શિવાંગી , એના માથાના વાળ પણ રહ્યા નથી હવે ….”


” ચાલો આયુ અને દેખાવને થોડા સમય માટે પડખે રાખી દઈએ , તો પણ શેઠનો રંગીલો સ્વભાવ આખું ગામ સારી પેઠે જાણે છે …” ” એની રાસલીલાઓ કોઈથી છુપી ક્યાં છે ? ફૂલની પાછળ ભમરો ને રૂપ ની પાછળ પ્રતાપ શેઠ .” ” એની દારૂ અને રૂપની લત જ તો છે , જેને લીધે આજ સુધી કુંવારો રખડે છે . ” ” આખા ગામમાં એના લગ્નની માંગણીઓ એક ઘર થી બીજે ઘર વર્ષોથી રખડી રહી છે . પણ કયા ભલા ઘરના લોકો પોતાની કુળ લક્ષ્મીને પ્રતાપ શેઠના નર્કમાં ધકેલે ?”

” જ્યાં સુધી એની મા જીવી ત્યાં સુધી એના કાળા ધંધાઓ સંતાકૂકડી સમા ચાલતા રહ્યા . પણ જેવી ડોસીએ દુનિયા છોડી કે હવેલીનો ખુલ્લો સાંઢ બની છૂટ્યો છે . ” ” ના રે ના , એવા ચરિત્રવિહીન પુરુષ જોડે જીવન ન નિભાવાય . એના કરતા અમારી દીકરી આજીવન ઘરમાં કુંવારી બેસી રહે તો ભલે . ” ” શિવાંગી તું જેના લગ્નપ્રસ્તાવને હા પાડવા વ્યાકુળ થઇ ઉઠી છે , શું એની જીવનશૈલીથી તું પરિચિત નથી ?” ” શિવાંગી , આંખો ઉઘાડી રાખી કુવા માં ન કુદાય . એ તો આત્મહત્યાજ કહેવાય વળી . ” બધાએ જ મને બહુ સમજાવી હતી. માતા, પિતા, ભાઈ, સખીઓ, આડોશપાડોશનાં શુભચિંતકો અને સાચું કહું તો ગામના દરેક સજ્જને .


પ્રતાપ શેઠ જોડે લગ્ન કરવાની હું સહમતી ન આપું એ માટે દરેકે , દરેક રીતે મને સમજાવવા પ્રયાસો કર્યા હતા . પરંતુ એ બધાના પ્રયાસો ઉપર હું ઠંડુ પાણી રેડી , લગ્નના સાત ફેરાઓ ફરી ,પ્રતાપ શેઠની જીવન સંગીની બની ,જીદ્દ અને મક્કમ હય્યા જોડે આપની નજર સામેની આ અતિ વિશાળ હવેલીમાં ખુશી ખુશી પ્રવેશી આવી હતી .

૨૮ વર્ષની આયુ અને યુવાનીની તાજગી . સૌને થયું કે એ મારો અપરિપક્વ જીવન નિર્ણય હતો. મારી યુવાન દ્રષ્ટિ મારા અને પ્રતાપ શેઠ વચ્ચેના બમણા ઉંમર ભેદને નિહાળવામાં તેમજ પ્રતાપ શેઠના શોખીન વ્યક્તિત્વ અને રંગીલા ચરિત્રને ઓળખવામાં થાપ ખાઈ બેઠી હતી . પણ તેઓ ક્યાં જાણતા હતા કે મારી દ્રષ્ટિ તો અન્ય કશેજ હતી .

શેઠની આધેડ આયુ , શરાબ ,દારૂની લત . મા અને બાપુનો સ્વર્ગવાસ. એકના એક ધનવાન , લાડકા નબીરાના નામ ઉપર લાખોની મિલ્કત . સ્વર્ગ જેવી હવેલી . નોકરચાકર અને ગાડીઓ. ઘરેણાઓની રેલમછેલ . શેઠ હજી જીવે તો પણ કેટલા વર્ષ ? થોડા વર્ષોની ધીરજ અને કાલે ઉઠી શેઠ દેહ ત્યાગે ત્યારે એમનો અઢળક ‘ વારસો ‘ કોનો ? હા ,હા ,હા . સાચી વાત . એમની એકની એક ધર્મ પત્ની એટલે કે મારો . જ્યાં સૌની દ્રષ્ટિ શેઠની કુટેવો ઉપર મંડાઈ હતી ત્યાં મારી ચાલાક નજર મંડાઈ હતી શેઠના વારસા ઉપર , તદ્દન માછલીની આંખ ઉપર જડાયેલી અર્જુનની ધ્યેયબઘ્ધ નજર સમી .


મારા જીવનની નિયતિ મારા હાથે લખાઈ હતી. મારુ ભવિષ્ય મારા નિર્ણયોમાં સુરક્ષિત હતું . હું મારી ખુદની ભાગ્યવિધાતા હતી . મારા જીવનનો નકશો મેં જાતે ચીતર્યો હતો અને એના દરેક સ્થળો અને દરેક વણાંકો સંપૂર્ણપણે મારા નિયંત્રણમાં હતા .

હવે ફક્ત રાહ જોવાની હતી . તદ્દન ધીરજ અને ધૈર્ય જોડે . પ્રતાપ શેઠના મૃત્યુની . હું એજ તો કરી રહી હતી . પરંતુ એ રાહ જોડે એક અપેક્ષા વિહીન વાયરો જીવનમાં તુફાન સમો ધસી આવ્યો અને મારા જીવનના નકશામાં પોતાનું સ્થાન મૌનપૂર્વક ખોજવા લાગ્યો . હું ક્યારે એ વાયરાના વહેણમાં વહી ગઈ ,એ જાણી પણ ન શકી . પ્રેમનું વહેણ હોય છેજ એવું . સમયવિહીન , નિશ્ચિતતા વિહીન , યોજના વિહીન . અચાનકથી ફૂંકાય છે ને હય્યાને સાથે ઉડાવી લઇ જાય છે.

પ્રતાપ શેઠનો યુવાન મિત્ર વરુણ . ઉંમર મારી સહ આયુ કહી શકાય એટલી . પ્રતાપ શેઠ જોડે એનું હવેલીમાં નિયમિત જવું- આવવું . ક્યારેક શિકાર કરવા ભેગા નીકળવું તો ક્યારેક હવેલીના પ્રાંગણમાંજ બન્ને મિત્રો વચ્ચે કલાકો સુધી ચાલતું ચેસનું યુદ્ધ . જયારે- જયારે મિત્રોની મદિરા સભા જામતી ત્યારે એ માટેની તમામ સગવડ મારે હીસ્સેજ તો આવતી . પ્રતાપ શેઠ એમના જામમાંથી નશો ગ્રહણ કરી લેતા જયારે અમારી યુવાન નજરો પ્રતાપ શેઠની સભાનતાની ગેરહાજરીનો લાભ ઉઠાવતી નશાની અદલાબદલી કરી લેતી .


ધીરે ધીરે એ નજરોના જામ એકલતામાં શબ્દોના સ્વરૂપમાં પરિવર્તિત થવા લાગ્યા . ઔપચારિક વાતોથી શરૂ થયેલી ભાવનાઓ અવનવી લાગણીઓના રંગે રંગાવા લાગી. એકમેક તરફનું આકર્ષણ વીતતા સમય જોડે ચરમશિખરને સ્પર્શી રહ્યું .

હવેલીના મુખ્ય દ્વાર તરફ તકાય રહેતી મારી આંખો વરુણની રાહ શા માટે નિહાળતી ? જયારે એ નજરની સામે આવી ઉભો રહેતો ત્યારે શરમથી કશે છુપાઈ જવાનું મન કેમ થઇ ઉઠતું ? એ થોડા દિવસ સુધી હવેલી ઉપર ન આવે ત્યારે એની ચિંતામાં આખી આખી રાતના ઉજાગરાઓ કેવા ? એની આંખ જોડેના સ્પર્શ માત્રથી આખા શરીરમાં કંપારીઓ શા માટે ફરી વળતી? એની આસપાસ કે પડખે રહેવા માત્રથી સંપૂર્ણ હોવાનો એ અનુભવ કેવો વિચિત્ર ! એના શરીરની સુવાસ મારા તનમનમાં કઈ રીતે અનુભવાતી ? શું આજ પ્રેમ કહેવાય ?

પ્રશ્નો અગણિત હતા પણ ઉત્તર એક પણ નહીં . વરુણના જીવનમાં પ્રવેશ્યા પછી ખબર નહીં કેમ , મારુ જીવન લક્ષ્ય વિખરાવા લાગ્યું . માછલીની આંખ ઉપર જડાયેલી દ્રષ્ટિ જાણે કોઈ નવી દિશા તરફ વળવા લાગી . જ્યાં ધન , સંપત્તિ કશાનું મહત્વ ન હતું . દૂર દૂર સુધી ફક્ત લાગણીઓ અને ભાવનાઓનુંજ આધિપત્ય હતું . એ આધિપત્ય દ્વારા મારુ બાહ્ય જગત બદલાઈ રહ્યું હતું કે પછી હું જાતેજ ? ખબર નહીં ? જેવું હું વરુણ માટે અનુભવી રહી હતી ,શું એ પણ મારા માટે એવોજ સમાન ભાવ અનુભવી રહ્યો હતો ?


સાચું કહું તો હું કશું જાણતી ન હતી . પણ હા , હવે પ્રતાપ શેઠનું અસ્તિત્વ મનને ઊંડું ખૂંચી રહ્યું હતું . મારા અને વરુણ વચ્ચેની એક અભેદ દીવાલ ! એમના મૃત્યુ સુધી ધરવાની ધીરજ કે રાખવાનું ધૈર્ય હવે વધુ ને વધુ કઠિન બની રહ્યું હતું . જ્યાં સુધી એ આધેડ શરીર જીવતું રહેશે ત્યાં સુધી વરુણ અંગેનો કોઈ પણ વિચાર કે નિર્ણય એક ડગ પણ આગળ વધશે નહીં . એ વિચારથીજ મન ખિન્ન થઇ ઉઠતું . જે કુટેવોથી મારા વ્યવહારુ હૃદયને કશો ફેર પડતો ન હતો હવે પ્રતાપશેઠની એ દરેક કુટેવ પર ભારોભાર તિરસ્કાર છૂટવા લાગ્યો હતો . એમનું અસ્તિત્વ મારા ભવિષ્યની ખુશીઓ ઉપર સર્પ જેવું જડાઈ બેઠું હતું .

મારા ભવિષ્ય નિર્માણ અંગેનું નિયંત્રણ ડગમગી રહ્યું હતું . મારા જીવન નકશામાં કશો મોટો અપરાધિક ફેરફાર લેવાનો સમય આવી ચુક્યો હતો. નિયતિને ફરીથી વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવી પડશે , એ નિયતે મારુ મગજ જાતજાતની યુક્તિઓ અને યોજનાઓ ઘડવાનું શરૂ કરી ચૂક્યું હતું . એવું શું કરાય કે પ્રતાપ શેઠનું મૃત્યુ શીઘ્ર નજીક ખેંચી લવાય ? જમણમાં વિષ ભેળવી , નશાની હાલતમાં ગળું ઘોંટી કે કોઈની પાસે પૈસા ચૂકવી.. પણ એ બધી યોજનાઓ કે યુક્તિઓ અમલમાં મૂકી મારો હાથ ખરડાય એ પહેલાજ નિયતિ એ જાતે જ એક મોટો વણાંક લીધો . પ્રતાપ શેઠ જીવલેણ માંદગીમાં પટકાયા . દિવસે દિવસે એમની પરિસ્થતિ વધુ વણસતી ગઈ .

મારું અંતર વિશ્વ્ ખુશીથી ઝૂમી ઉઠ્યું . વરુણની દુલહન બનવાના , હવેલી અને પ્રતાપ શેઠનો સમગ્ર વારસો મેળવી લેવાના મારા બન્ને જીવન સવ્પ્નો એકીસાથે મારી નજર આગળ હકીકતમાં પરિવર્તિત થતા હું સ્પષ્ટ જોઈ રહી . મારી ખુશી સાતમે આકાશે હતી . હવે બહુ સમય ન હતો . ફક્ત થોડા દિવસો હજુ ધૈર્ય . પ્રતાપ શેઠની આંખ મીંચાય અને મારુ સ્વતંત્ર જીવન મારા ખોળામાં .


હા, થોડાજ દિવસો તો થયા અને પ્રતાપ શેઠે આંખો મીંચી દુનિયા છોડી . સાથે સાથે પોતાનો અઢળક વારસો પણ ફક્ત અને ફક્ત મારા નામે છોડી ગયા. આજે અતિવિશાળ હવેલીના આ પલંગ ઉપર અછૂત બની પડેલું મારુ શરીર જયારે તમને આ આખી હકીકત સંભળાવી રહ્યું છે ત્યારે મારા જીવનમાં ન પ્રેમ છે , ન ખુશી , ન વરુણ ,ન સુખ , ન સ્વાસ્થ્ય .

મારા જીવનનો નકશો હવે મારા હાથમાં નથી , ન કદી હતો . એ મારા મનનો વ્હેમ , મારું આંધળું અભિમાન કે મારા અંતરની માત્ર ભ્રમણા જ તો હતી . માનવી જે જાતેજ ભાગ્યના હાથની કઠપૂતળી છે ,એ પોતાના જીવનના તારોનું નિયંત્રણ ક્યાંથી જાળવી શકે ? જેને પોતાના જીવનના ભાગ્ય અંગે શૂન્ય જ્ઞાન હોય એ વળી ભાગ્યવિધાતા ક્યાંથી બની શકે ? જેનું જીવન અને મૃત્યુ એના પહોંચની બહાર હોય એ પોતાની નિયતિ ઘડવાની હેસિયત કેમ ધરાવી શકે ?


આજે મારી પાસે બધુજ છે છતાં કશું નથી . મારુ શરીર ક્ષણ ક્ષણ વેદના અને પીડાથી વીંધાય રહ્યું છે . કર્મોનું હથિયાર અવિરત પડછાયા સમું મારા અશક્ત અસ્તિત્વ ઉપર મંડાઈ રહ્યું છે . સમયનું દરેક બિંદુ મને મૃત્યુ નજીક ઝડપથી લઇ જઈ રહ્યું છે . બધુજ સમાપ્ત થઇ ચૂક્યું છે. કશું બાકી રહ્યું છે તો એ મારા માટે પ્રતાપ શેઠે છોડેલો પોતાનો ‘ વારસો ‘….આ કિંમતી હવેલી , મોંઘા ઘરેણાઓ , નોકરચાકર , ગાડીઓ , ઢગલો ધન અને ‘ એચ આઈ વી વાયરસ’

લેખક : મરિયમ ધુપલી

વાર્તા વિષે આપના અભિપ્રાય જરૂર જણાવજો.