વારેવારે ચા પીવાની ઇચ્છા થાય છે? એકવાર જાણી લો શું નુકશાન થઇ શકે છે…

ભારત દેશમાં જ નહીં પણ આખી દુનિયાના દરેક ખૂણાંમાં તમને ચાના રસિયા મળી આવશે. ચાની સુગંધ આ ટી લવર્સને એક જુદી જ કિક આપે છે. કેટલાક લોકો તો એટલા બંધાણી હોય છે કે તેમને ચા પીધા પછી જ સવારે કામ કરવાની સૂઝ પડે. કોઈને તો બેડ ટીની આદત હોય. તો કોઈને ચા પીને જ ટોઈલેટ જવાની ટેવ પડી ગયેલી હોય.


કોઈ કોઈ અફિસમાં તો દિવસમાં ૧૫ – ૨૦ કપ ચા ગટગટાવી જવાતી હોય છે. દરેક ક્લાયંટ સાથે એક કપ ચા પીવાય તો તે ઓફિસરની શું હાલત થતી હશે એ તમે વિચારી પણ નહીં શકો. કોઈ મજૂર વર્ગ તો દિવસ દરમિયાન કેટલીય વાર એકાદ રકાબી ચા અને એક બીડી પીને આખો દીવસ મજૂરી કામ કરીને કાઢી નાખતો હોય છે.

પરંતુ આવી ટેવની શું આડ અસર થાય છે તેની જલ્દી ખબર નથી પડતી. લાંબે ગાળે એવા કેટલાક નુકસાન થાય છે કે તેને મટાડવા મુશ્કેલ પડે છે. એથી વધુ શરૂઆતમાં જ્યારે તકલીફ પડે ત્યારે જાણી પણ નથી શકાતું કે વધુ પડતી ચા પીવાની આદતને લીધે આવું થાય છે.

એવામાં અચાનકથી જો કોઈ તમને કોઈ કહી દે કે ચા સદંતર બંધ જ કરી દો… તે પહેલાં જાણી લો નુકસાન અને ઘટાડી દો વારેવારે ચા પીવાની ટેવ…

માથાનો દુખાવો

જેમને વારેઘડીએ ચા પીવાની આદત હોય એમને ક્યારેક એવા સંજોગો આવે કે જે તે સમયે તલપ લાગે ત્યારે ચા ન મળે તો તેમને અસહ્ય માથામાં દુખાવો થવા લાગે છે. માથાના લમણાં ખેંચાય છે અને સણકા પણ કોઈને પડવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે ચામાં ખાસ પ્રકારનું કેફિન હોય છે જેનું શરીરમાં નિયમિત રીતે ચોક્કસ પ્રમાણ જાય છે જો એ પ્રમાણ ઓછું થાય કોઈ દિવસ તો તકલીફ પડે છે. એટલે જ ઓછી પીવાની ટેવ રાખવી જોઈએ.

મોંમાં અને પેટમાં ચાંદાં

જેમને ગરમાગરમ અને દિવસમાં આઠથી દસ વખત ચા પીવાની ટેવ હોય એમને જતે દહાડે મોંમાં કે પેટમાં ચાંદાં પડે છે. જે શરીરમાં વધુ પડતી ગરમી જમા થવાને કારણે આવું થાય છે. તુરંત ઉપચાર ન થાય તો અન્નનળી સુધી અલ્સર પ્રસરે છે અને દર્દીને વધારે મુશ્કેલીઓ પણ પડી શકે છે જેમાં ખાસ કરીને ખાવા પીવાનું બંધ થઈ જવા સુધીની તકલીફ પડે છે.

કિડની પર અસર

ચા પીવાની ઇચ્છા થાય ત્યારે પાણી પણ વારંવાર પીવાય છે. જેના કારણે વધુ વખત યુરિન સેન્સેશન પણ થાય છે. કોઈવાર કોઈ મિટિંગમાં જવાનું હોવાથી કે કોઈ કામની વ્યસ્તતાને લીધે રોકવો પડે તો પણ કિડનીને ભાર પડે છે અને વારંવાર નિકાલ થવાથી પણ જતે દહાડે કિડનીને નુક્સાન થાય છે.

બ્લડ પ્રેશર

ચાની તલપ એવી ચીજ છે કે જો તરત ન મળે કે પોતાના ટેસ્ટની ન મળે તો મનમાં કંઈક મજા નથી આવતી એવું અનુભવાય છે. સ્વભાવ ચીડિયો કે ગુસ્સાવાળો થઈ જાય છે. જેને કારણે હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ લાગૂ પડે છે.

કબજિયાત

વારંવાર અને કડક પત્તીની ચા પીવાની ટેવથી મળ બંધાઈ જાય છે. પરિણામે ચાના બંધાણીઓને કબજિયાતની તકલીફ પણ રહે છે. જેમ જેમ એ મળ જૂનો થઈને પેટમાં નિકાલ થયા વગરનો જમા થાય છે તેમ તેમ પેટની બીજી તકલીફો જેમ કે ગેસ થવો કે વળ પડવા જેવી વધવા લાગે છે.

નબળાઈ લાગે

આ બધી તકલીફો એકંદરે આપણને સામાન્ય લાગે છે પરંતુ જેઓ ચાના બંધાણી છે એમને જો આમાંથી કોઈ એકાદ મુશ્કેલી પણ પડે તો આખા શરીરને નુકસાન થાય છે. પાચનતંત્ર નબળું પડે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી અનેક બીજા રોગો પેસે છે અને નબળાઈ અનુભવાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ