વરદાન કે અભિશાપ – આજની દરેક પેઢી નો દ્રષ્ટિકોણ બદલતી વાત !!!

સૃષ્ટિ….ઈશ્વર નું અદ્દભુત સર્જન…શૂન્ય માંથી હોવાની અનુભૂતિ…કઈ રીતે સર્જી નાખી હશે ઈશ્વરે એને ? એકજ દિવસ માં ? કે પછી ઘણા દિવસો, મહિનાઓ , વર્ષો કે સદીઓ ના પરિશ્રમ ને અંતે ? પૃથ્વી ગોળજ હશે ને? અન્ય ગ્રહો ની વચ્ચે ગોળ ગોળ ચક્કર ખાતી કેવી સુંદર ભાસતી હશે ? જાણે સખીઓ ની વચ્ચે નૃત્ય કરતી કોઈ યુવાન નૃત્યાંગના ! સૃષ્ટિ ના અંધકાર ને વીંધી ને સૂર્ય ની કિરણો જયારે પૃથ્વી ને સ્પર્શી એને પ્રજ્વલિત કરતી હશે ત્યારે એ ચળકતો પ્રકાશ કેવો મનમોહી લાગતો હશે ? જાણે કોઈ નાના બાળક ને શિયાળા ની કડકડતી ઠંડી થી બચાવવા એક માં પ્રેમ અને સંભાળ થી સ્વેટર પહેરાવે એમજ સૂર્ય પણ પોતાની કિરણો નું સ્વેટર પહેરાવી પૃથ્વી ને હુફાંળી કરતો હશે ત્યારે એના માતૃત્વ નો એ ચળકતો રંગ કેવો લાગતો હશે ? પૃથ્વી ના આવરણ ના અંતર સ્ત્રોતો કેવા ભિન્ન હશે ? વૃક્ષો નો આકાર કેવો હશે?

હજારો વૃક્ષો….દરેક રીતે એકબીજા થી જુદા ! એના ભિન્ન પાંદડાઓ , નાના, મોટા, સાંકડા , પહોળા, આછા, ગાઢ જયારે પવન ના સ્પર્શે હિંચકા ખાતા હશે ત્યારે કેવા ખુશ ભાસતા હશે ? ભૂમિ ઉપર ઉગી નીકળતા છોડ કેવા હશે ? પાણી માં ઉદ્ધભવતા છોડ જેવાજ કે એકબીજા થી તદ્દન ભિન્ન ? આકાશ નો એ ભૂરો વાદળી રંગ કેવો હશે? એની પર વિહરતા એ મુક્ત વાદળો જયારે મિજાજ બદલી ભૂરા માંથી રાખોડિયા કાળા થતા હશે ત્યારે આકાશ નો રંગ બદલાતો હશે ને ? એ વાદળો માંથી જયારે પાણી ના ફુવારા છૂટતા હશે ત્યારે ભીંજાયેલી ધરતી કેવી રોમાંચક અનુભવાતી હશે ? પંખીઓ કેવા હશે ? ભિન્ન કદ , ભિન્ન દેખાવ, ભિન્ન રંગો વાળા એ પંખીઓ ની પાંખો કેવી દેખાતી હશે ? એ પાંખો ફેલાવી જયારે મુક્ત ગગન માં વિહરતા હશે ત્યારે આકાશ નો શણગાર બની રહેતા હશે ?

પહાડો કેવા ભવ્ય દેખાતા હશે ? એમાંથી સરી પડતા ધોધ નો એ દૂધ જેવો સફેદ ફીણિયો રંગ કેવો આહલાદક હશે ? જયારે એ ધોધ કલ કલ વહેતા, ધીરે ધીરે શાંત થતા નદી, ઝરણાઓ માં ભળતા હશે ત્યારે મિલન ની એ ક્ષણો આંખો ને કેવી ઠંડી લાગતી હશે ? સમુદ્ર ના ચંચળ મોજાઓ જયારે કિનારે આવી અફળાતા હશે તો એ દ્રવ્ય આકારો કેવા દ્રશ્યો રચતા હશે ? સૂર્યાસ્ત થી સતરંગી થયેલું આકાશ જયારે એ સમુદ્ર માં પ્રતિબિંબિત થતું હશે ત્યારે શું એક અરીસા સમું દીસતું હશે ?

રંગો કેવા હશે? જયારે એ મેઘધનુષ્ય માં ભળતા હશે ત્યારે વધુ સુંદર રચાતા હશે ? મેઘધનુષ્ય ના શરીર પર પોતપોતાનું સંતોલન કઈ રીતે જાળવતા હશે ? એજ રંગો પતંગિયા ની નમણી પાંખો પર કેવા વિખેરાયા હશે ? માનવશરીરો પર એના આવરણો કેવા મઢાય જતા હશે ?ભિન્ન ચામડી ના રંગો કેવા હશે ? માનવશરીર કેવું હશે ? માનવી કેવો દેખાતો હશે? એના હાથ , પગ, નાક, કાન , વાળ,આંગળીઓ, ચ્હેરો કેવા હશે ? બાળક અને વૃદ્ધ તદ્દન જુદા દેખાતા હશે ? યુવાન શરીરો એમનાથી જુદા હશે વળી ?

સવાર કેવી દેખાતી હશે? અજવાળું કેવું હશે ? એ અજવાળા માં શ્વાસ લેતા પ્રાણીઓ કેવા હશે ? એમની એ પૂંછડીઓ, શીંગડાઓ, ચાર પગ શું એમને મનુષ્ય થી વિરોધી બનાવતા હશે ? રાત કેવી હશે? એને પ્રકાશિત કરતો એ સફેદ શીતળ ચન્દ્ર કોઈ અપ્સરા જેવો ખીલતો હશે ? એને સાથ આપતા એ તારાઓ નો આકાર કેવો હશે ?

ફૂલો શું એની સૌરભ જેટલાંજ આકર્ષક હશે ? એમના સુંવાળા શરીર જોવામાં પણ એવાજ અંતર હરનારા બની રહેતા હશે ? દરેક ફૂલ એકબીજા થી તદ્દન ભિન્ન હશે કે થોડા મળતા ભળતા પણ હશે ? પાણી કેવું દેખાતું હશે ? એ રંગ વિહીન દ્રવ્ય કંઈક જુદુંજ ભાસતું હશે ? એના સ્વાદ સમુજ ટાઢું ?

સમર્થ ને શું ખબર ? જન્મજાત અંધ વ્યક્તિ માટે આ બધાજ પ્રશ્નો ના ઉત્તર ક્યાં મળી શકે ? સમર્થ ના હય્યા માં છલોછલ ભરેલા આવાજ અનંત પ્રશ્નો ના ઉત્તર ફક્ત એની કલ્પનાશક્તિજ આપી શક્તી . પણ કલ્પનાશક્તિ પણ પૂર્વજ્ઞાન વિના તો શુન્યજ ને ! જેણે જીવન માં રંગોજ જોયા ન હોય એ વ્યક્તિ ની કલ્પનાશક્તિ પણ ફક્ત અંધકાર માં પડેલી કોઈ કાળી સ્લેટ સમાન . એના પર જે પણ ઉપસાવો બધુજ સમાન. અંધકાર ના ગાઢા લીસોટાઓ સમાન !

સમર્થ વિશ્વ્ માં દ્રષ્ટિ ધરાવનાર મનુષ્ય જેટલો ભાગ્યશાળી ક્યાંથી ? એ આંખો નું વરદાન જેને મળ્યું હોય એ માનવીઓ પોતાની દ્રષ્ટિશક્તિ થી ઈશ્વર સર્જિત આ સૃષ્ટિ ને કેવી હ્રદયપૂર્વક માણતા હશે ! પોતાના એ દિવ્ય ચક્ષુઓ નો કેવો સર્જનાત્મક ઉપભોગ કરતા હશે ! પ્રકૃત્તિ નો કેવો લ્હાવો ઉઠાવતા હશે ! સંબંધો ને ઉજાણી જેમ જીવતા હશે ! એક માનવી નો અન્ય માનવી સાથે નો એ દ્રષ્ટિ તંતુ વિશ્વ્ ની માનવ સાંકળ ને કેવી એકજોડ બાંધતો હશે ! પણ પોતે એ સાંકળ માંથી વિખૂટો પડેલો એક અંશ જ તો હતો.

બાળપણ થી અંધકાર ના અભિશાપ માં ધકેલાયેલ સમર્થ જીવન ની દર ક્ષણ દ્રષ્ટિ ના વરદાન માટે તડપતો રહ્યો હતો. એમાંથી બહાર નીકળવા તરસી રહ્યો હતો. આજે વીસ વર્ષ ના યુવાન સમર્થ નું એ ઈચ્છા સ્વ્પ્ન આખરે ફળ્યું . આંખો ના સફળ ઓપરેશ પછી એ અંધકાર ના અભિશાપ માંથી હમેશ માટે બહાર નીકળી આવવા માં થોડીજ મિનિટો બાકી હતી. આંખો ઉપર ની પટ્ટીઓ ઉતરે કે દ્રષ્ટિ નું એ દિવ્ય વરદાન જીવન ને પ્રકાશિત કરવા રાહ જોઈ બેઠું હતું. ઈશ્વર એ ભેટ માં આપેલ આ અતિ સુંદર સૃષ્ટિ ને ઈશ્વર નું સૌથી સુંદર સર્જન માનવીઓ.. એમને નરી આંખે જોવાની તત્પરતા થી હ્ય્યુ ધડક ધડક થઇ રહ્યું હતું. હવે રાહ જોવું મુશ્કેલ થઇ રહ્યું હતું. બસ કાઢી નાખો આ પટ્ટીઓ..નીકાળો બહાર આ અંધાપા ના અભિશાપ માંથી…..આપી દો મારુ દ્રષ્ટિ વરદાન……

” બેટા દાક્તર સાહેબ આવી ગયા .” ખભે મુકાયેલા હાથ થી હૃદય નો
ધબકાર બમણો થયો. પાછળ ઉભેલા માતાપિતા નો ઉત્સાહ પણ સમર્થ ના ઉત્સાહ જેમજ આભ સ્પર્શી રહ્યો હતો.

” સમર્થ, તૈયાર ?” દાક્તર સાહેબ ના પ્રશ્ન થી સમર્થ નો ચ્હેરો ચન્દ્ર જેમ ચમકી ઉઠ્યો.

” જી ક્યારનોય….”

” એક ટેબલ ત્યાં ગોઠવી દો ……” નર્સ ને સૂચન આપી દાક્તરે પટ્ટીઓ ખોલવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી. પાસેની બાલ્કની માં સમર્થ ની બેઠક તૈયાર કરાવી. ઈશ્વર ની સૃષ્ટિ ને પહેલી વાર નરી આંખે નિહાળવાની એ રોમાંચક ક્ષણ આખરે આવી ઉભી. વર્ષો અંધકાર ના અભિશાપ માં ગાળ્યા. પણ હવે બસ….હવે તો મળશે એ દ્રષ્ટિ નું વરદાન…માનવી ને માનવી સાથે સાંકળતી નેત્રો ની કડી ….

દાક્તર સાહેબ ના હાથો સમર્થ ના ચ્હેરા ની આસપાસ વીંટળાઈ સંભાળ પૂર્વક પટ્ટી ના આવરણો એક પછી એક હટાવી રહ્યા. જેમ જેમ એ આવરણો હટતા ગયા તેમ તેમ પ્રકાશ ના આવરણો દ્રષ્ટિ ઉપર ધીરે ધીરે ચઢતા ગયા.

” હવે ધીરે રહી આંખો ખોલી શકો ” દાક્તર સાહેબ ના સૂચન ને અનુસરતા સમર્થ એ દબાવી ને મીંચેલી એ આંખો ને હળવી કરી. આંખ ના સ્નાયુઓ તણાવ થી ખેંચાયી સખત થયા હતા. એ સ્નાયુઓ ને પણ ઢીલા છોડી પાંપણો ને ધીરે ધીરે ઉપર તરફ ઉઠાવી.

” ધીરે……ધીરે…..હા…….આમજ………..” દાક્તર સાહેબ ની સલાહ નું સાવચેતી થી અનુસરણ કરતા સમર્થ એ ખુબજ હળવે થી આંખો ઉઘાડી. પ્રકાશ થી અંજાયેલી આંખો ઝાંખા દ્રશ્ય થી સંઘર્ષ કરતી સ્વચ્છ દ્રશ્ય તરફ આગળ વધી ,પોતાના જીવન નું સૌ પ્રથમ ચક્ષુ અનુભવ માણવા . ઈશ્વર એ માનવતા ને ભેટ આપેલ એ સુંદર સૃષ્ટિ પર સમર્થ ની પહેલી દ્રષ્ટિ પડી.

અચાનક એક પ્રચંડ ધમાકા થી આખી બાલ્કની ધ્રુજી ઉઠી. આંખો ની સામે કાળો ગાઢ ધુમાડો છવાઈ ગયો. ધમાકા ની પ્રચંડતા થી સમર્થ નું શરીર થર થર કંપી રહ્યું. આંખો ની ઉપર ચઢેલા એ કાળા વાદળો જેવા ધુમાડા માંથી સમર્થ ની આંખો રસ્તો બનાવી કોઈ દ્રશ્ય શોધી રહી. અને જે દ્રશ્ય જડ્યું એનાથી સમર્થ ની ઇન્દ્રિયો સૂન થવા લાગી. માનવજીવન અફરાતફરી માં દોડી રહ્યું હતું. કેટલાક શરીરો અગ્નિ થી ફાટી ને હાડપિંજર સમા ભયાનક પડ્યા હતા. એ કાળા ભૂંજાયેલા શરીરો માંથી લોહી ની નદીઓ વહી રહી હતી. આંખો માનવશબો ની બહાર સ્પ્રિંગ સમી નીકળી આવી હતી. ” બચાવો…….બચાવો……..”

નાના બાળ શરીરો અર્ધ ભડતુ પરિસ્તિથી માં ફફડી રહ્યા હતા. અહીં થી ત્યાં દોડી રહેલી માનવતા હેબતાઈ ને બેબાકળી બની હતી. માનવ આંક્રન્દો થી આખો વિસ્તાર ગુંજી રહ્યો હતો. કોઈ માં, કોઈ પિતા, કોઈ પ્રિયતમા, કોઈ પતિ, કોઈ બાળક વિખુટા પરિવારો ને દયનિય ચીસો સાથે ખોજી રહ્યા હતા. ” હે ઈશ્વર ……હે ઈશ્વર…..” ઈશ્વર ની આ સળગતી સૃષ્ટિ નો ભયાનક નઝારો આત્મા ને પીગળાવી રહી હતી.

” દાક્તર સાહેબ, રસ્તા ની સામે તરફ કોઈ માનવીય બૉમ્બ ફાટ્યો……..હજારો લોકો ઘવાયા છે……..ઇમરજન્સી……”

દાક્તર સાહેબ તરતજ ઇમરજન્સી વોડ તરફ દોડી ગયા….

પાછળથી સંભળાઈ રહેલી સમર્થ ની ચીસો થી હ્ય્યુ દ્રવી ઉઠ્યું પણ આશ્વાસન આપવા માટે ન સમય હતો ન શબ્દો :

” દાક્તર સાહેબ , મારુ અંધકાર નું વરદાન મને પરત કરી દો …….આ દ્રષ્ટિ નો અભિશાપ ન જીરવાશે !!!!! ”

લેખક : મરિયમ ધુપલી

આપ સૌ ને મારી આ સ્ટોરી કેવી લાગી કેવી લાગી અચૂક કેજો !

ટીપ્પણી