વારંવાર થનારો પ્રેમ – ખરેખર કપલની વચ્ચે આવી નાની નાની વાતોથી જ સાચી ખુશી મળે છે…

“વારંવાર થનારો પ્રેમ”

આખરે, તે દિવસ આવ્યો જયારે રાજ તે મીરાને તેની માતાને મળાવવા માટે પ્રથમ વાર તેના ઘરે લઇ ગયો હતો. રાજ અને મીરા બંને નર્વસ હતા.


રાજે બેલ માર્યો અને તેની માતાએ દરવાજો ખોલીને તેમને અંદર આવકાર્યા. અંદર આવકારીને રાજે મીરા અને તેની માતાને એકબીજા સાથે મળાવ્યા. ત્યારે જ રાજની માતાએ ચહેરા પર સ્મીત સાથે મીરા સામે પ્રેમભરી નજરે જોઈને હાથ મળાવા હાથ લાંબો કર્યો.

પણ મીરાએ હાથ ના મળાવ્યો. તે ઝુકીને રાજની માતાના પગે લાગી. મીરાના આ વર્તનથી રાજની માતાના ચહેરાની મુસ્કાન તેમના દિલ પર છવાઈ ગઈ અને તેમણે મીરાને ગળે લગાડી. પછી તેઓ સોફા પર બેઠા અને વાતો કરવા લાગ્યા. વાતો પરથી વાત નીકળી અને રાજની માતા પુછી બેઠી, “પહેલી વાર સાડી પહેરી છે દીકરી?”


હા કહેવું કે ના કહેવું એના અસમંજનમાં મીરા ભરાયેલી હતી ત્યાં જ રાજે વચ્ચે તેના શબ્દો ઉમેરતા કહ્યું, “ના ના મમ્મી. એવું કંઈ નથી.” પરંતુ મીરાએ રાજની માતાએ ચહેરા અને આંખોના હાવભાવથી સાચું જણાવ્યું. વાતોના સફરથી આગળ વધી તેઓ ડાઈનીંગ ટેબલ પર જમવા બેઠા.

આખરે જમતા-જમતા, રાજની માતાએ મીરાને પુછી લીધું કે, “દીકરી તું આટલી સરસ લાગે છે. તો તને આ રાજમાં શું ગમ્યું?” રાજના મોઢામાં પુરી-શાક હતું અને અચાનક જ આ સાંભળતા તેને હેડકી આવી ગઈ. જે જોઈને મીરા હળવું મુસ્કુરાઈ અને તેણે જવાબ આપતા મીરાએ જણાવ્યું કે, “સાંભળ્યું છે કે એના પરિવારમાં લોકો સરસ છે એટલે. બીજું કઈ નહીં.”

Happy portrait of mother and son in the kitchen.

તે સાંભળતા પાણી વગર જ રાજની હેડકી મટી ગઈ. હસી-ખુશીની આ મુલાકાત બાદ મીરાએ વિદાય લીધી. તેને મૂકીને ઘરે આવીને રાજે તરત જ તેની માતાને પૂછ્યું, “મમ્મી, મીરા કેવી લાગી?” “દીકરા, હાથ મીલાવાની કસોટી તો બરાબર, પણ જે રીતે તેણે ડાઈનીંગ ટેબલ પર બેસીને ખાલી જગ્યા પુરી ત્યાંજ હું તેના સંસ્કાર પારખી ગઈ. તેના હોવાથી આપણું ઘર આજે સંપૂર્ણ લાગ્યું દીકરા. અને હા, જે છોકરી તારી માટે પહેલીવાર સાડી પહેરી શકે છે, તેને ક્યારેય ના તરછોડતો બેટા.” આમ કહીને પોતાના પ્રતિભાવમાં રમૂજનો રંગ ઉમેરતા રાજની માતાએ ઉમેર્યું કે, “પણ સાચું કહું તો તારા માટે કંઈક વધારે પડતી સારી છે. તું એને પણ પુછી લે જે કે એકવાર વિચારી લે તારા માટે.”


આટલું કહીને રાજ અને તેની માતા છુટા પડ્યા. આખરે મીરાએ ઘરે પહોંચતા રાજને ફોન કર્યો અને તરત જ પૂછ્યું, “મમ્મીને હું કેવી લાગી? સાચું કહેજે?” જેનો જવાબ આપતા રાજે કહ્યું, “એમને તો તું ખુબ જ ગમી પણ…” “પણ?” મીરા પૂછી બેઠી. “પણ એમણે મને કહ્યું છે કે તું મારા કરતા વધારે સારી છું. એટલે એકવાર ફરી વીચારી લે મારા માટે.” રાજે કહ્યું. આ સાંભળીને મીરા ખીલખીલાઇ અને તેણે કહ્યું, “110% સાચી વાત છે. હવે તો વીચારવું જ પડશે.”


“શું? તું વિચારીશ એમ? એક વાત કહે, તને મારા કરતાં પણ વધુ પ્રેમ કરવાવાળો મળશે? અને મળશે તો તું શું કરીશ?” રાજે પૂછ્યું.
મીરાએ ત્વરીત ઉત્તર આપ્યો, “મળશે એમ? હા મળશે જ ને. અને મળશે ત્યારે હું તેના માથા પર પ્રેમથી ચુંબન કરીને તેને કહીશ કે તારા પિતાને જમતા- જમતા હેડકીઓ આવે છે.” આ સાંભળીને રાજ મુસ્કુરાયો. તે દિવસે તેને ફરી એકવાર મીરા સાથે પ્રેમ થઇ ગયો હતો. ખરેખર, જીવનસાથી જોડે આવી નાની-નાની વાતો જીવી વારંવાર પ્રેમમાં પડવાની મજા જ કંઈક અલગ હોય છે.

લેખક : ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ