વરાળિયું શાક : તહેવારોની સીઝનમાં બનાવો આ ટેસ્ટી શાક, બધા આંગળી ચાટતા થઇ જશે…

મિત્રો, હું રાજકોટમાં રહુ છું અને હું પણ મારા સગા-સ્નેહીઓ જોડે દરેક તહેવાર ઉજવું છું. કોઈકવાર અમે સાથે બધા વાડીએ જઈને માટીના ચૂલા પર કાઠિયાવાડી ભોજન બનાવીને એન્જોય કરીએ છીએ. અમે ઘણા બધા શાક દેશી રીતથી બનાવીએ છીએ, આ બધામાંથી સૌનું ફેવરિટ છે વરાળિયું શાક, કેમ ના હોય ? એવું તે ચટાકેદાર અને સ્પાઈસી બને છે કે સૌની ફરમાઈશ હોય છે આ વરાળિયું શાક, તો ચાલો બતાવી દઉં કઈ રીતે બનાવીશું આ વરાળિયું શાક.

સર્વિંગ : 10 થી 12 વ્યક્તિ ,

ભરવા માટેના શાક,

Ø 5 – 6 નંગ કાંદા,

Ø 5 – 6 ટમેટા,

Ø 7 – 8 રીંગણ,

Ø 7 – 8 લીલા મરચા,

Ø 5 – 6 બટેટા,

મસાલા માટેની સામગ્રી,

v 1/4 કપ શીંગદાણા,

v 1 કપ ચણાનો લોટ,

v 1 કપ બારીક સમારેલ કોથમીર,

v 3 ટેબલ સ્પૂન આદુ-મરચા-લસણની મરચાની પેસ્ટ,

v 3 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું,

v 3 ટેબલ સ્પૂન લીંબુ નો રસ,

v 2 ટેબલ સ્પૂન ધાણાજીરું,

v 2 ટેબલ સ્પૂન ખાંડ (ઓપ્શનલ ),

v 1 ટેબલ સ્પૂન મીઠું,

v 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો,

v 1 ટેબલ સ્પૂન હળદર,

v 1 ટેબલ સ્પૂન વરિયાળી,

v 1/2 ટેબલ સ્પૂન મરી,

v 5 નંગ લવિંગ,

v 2 ઇંચ તજની સ્ટિક,

v 2 પાંખડી બાદિયા,

v 4 થી 5 ટેબલ સ્પૂન તેલ,

વઘાર માટેની સામગ્રી,

Ø 1/2 ટેબલ સ્પૂન રાઈ,

Ø 1/2 ટેબલ સ્પૂન જીરું,

Ø 200 મિલી તેલ,

Ø 2 -3 સૂકા લાલ મરચા,

Ø 2 -3 તમાલપત્ર,

Ø 1 બાદિયુ,

Ø મીઠો લીમડો,

તૈયારી :

v 1 ઇંચ આદુ, 2 લીલા મરચા અને 15 કળી સૂકું લસણ તેમજ થોડું લીલું લસણ લઈ ગ્રીન પેસ્ટ બનાવી લેવી.

v 1 કપ કાંદાની પ્યુરી બનવી લેવી.

v 1 & 1/2 (દોઢ) કપ ટમેટાની પ્યુરી બનાવી લેવી.

v શીંગદાણા પણ ક્રશ કરી પાવડર બનાવી લેવો.

v વરિયાળી, મરીદાણા, તજ, લવિંગ અને બાદિયાની બે પાંખડી લઈ પાવડર બનાવી લેવો.

v શાકને વરાળથી બાફવામાટે થોડી કાંકરી(કપચી) ધોઇને સાફ કરી લેવી.

રીત :

1) વરાળિયુ શાક બનાવવા માટે સૌ પ્રથમ મસાલો તૈયાર કરી લઈએ, તે માટે ચણાના લોટને 5 ટેબલ સ્પૂન તેલમાં શેકી લો. ઘીમી આંચ પર સતત હલાવતા રહીને લોટને શેકવો. લોટ તળિયે બેસી ના જાય તેનું ધ્યાન રાખવું. લોટમાંથી સરસ સુગંધ આવે અને તેલ છૂટું પડતું દેખાય ત્યાંસુધી લોટને શેકવો. ત્યારબાદ સ્ટવની ફ્લેમ ઓફ કરી લોટને ઠંડો પડવા દેવો.

2) મસાલો( સ્ટફિંગ) ભરવા માટે કાંદા, બટેટા અને રીંગણમાં ક્રોસ કાપા મુકો. મરચાને પણ એક સાઈડમાં કાપો મુકો તેમજ ટમેટાને ઉપરનો ભાગ દૂર કરી બીજ તેમજ પલ્પ કાઢી લો જેથી તેમાં સ્ટફિંગ ભરી શકાય.

3) શેકેલા ચણાના લોટને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી તેમાં કોથમીર, આદુ-મરચા-લસણની પેસ્ટ, ક્રશ કરેલ મરી મસાલાનો પાવડર, શીંગદાણાનો ભૂકો, લાલ મરચું, ખાંડ, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. મસાલો મીડીયમ સોફ્ટ રાખવો, વધારે સોફ્ટ ના થઇ જાય તેનું ધ્યાન રાખવું.

4) શાકને વરાળથી બાફવા માટે એક મોટા સ્ટીલના તપેલામાં કોન્ક્રીટ એટલે કે કપચી લો, કપચીનું તપેલામાં 2 ઇંચ જેટલું લેયર થાય તેટલી કપચી નાખવી. તેમાં પાણી ઉમેરો, કપચીના લેવલથી સહેજ ઓછું એટલે કે પાણી કપચીની ઉપર ના આવે તેટલું ઉમેરવું. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખીને ગરમ થવા દો.

5) કાપા પડેલા રીંગણ, બટેટા અને મરચામાં સ્ટફિંગ માટેનો મસાલો દબાવીને ભરી લો. કાંદામાં આપણે મસાલો ભરવાનો નથી. ટમેટામાં પણ સ્ટફિંગ ભરી લો.

6) બટેટાને ચડતા વાર લાગે છે માટે સૌ પ્રથમ બટેટાને તપેલામાં મૂકી ઢાંકણ ઢાંકીને સાતેક મિનિટ બફાવા દો.

7) સાતેક મિનિટ પછી બટેટા પર રીંગણ, મરચા, ટમેટા અને કાંદા ગોઠવી બધાં શાકને વરાળથી બફાવા દો. વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવું, શાક વધારે ના બફાય જાય તેનું ધ્યાન રાખવું. શાકને છરીથી ચેક કરી શકાય. બધા જ શાક સરસ બફાય જાય એટલે એક પ્લેટમાં કાઢી લો.

8) વઘાર માટે એક મોટી કડાઈમાં 200 મિલી જેટલું તેલ લો. તેલ મીડીયમ ગરમ થાય પછી તેમાં રાઈ અને જીરું નાંખો. ત્યારપછી તેમાં સૂકો મસાલો(તજ, તમાલપત્ર, સૂકા લાલ મરચા અને બાદિયા) નાખો, જે આપણા શાકને રોયલ સ્વાદ અને સોડમ આપશે. ત્યારબાદ તેમાં મીઠો લીમડો ઉમેરો.

9) ત્યારબાદ તેમાં એક કપ જેટલી કાંદાની પેસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરી 2 મિનિટ સુધી સાંતળો. બે મિનિટ પછી બચેલો સ્ટફિંગનો મસાલો ઉમેરો.

10) બરાબર મિક્સ કરી તુરત દોઢ કપ જેટલી ટમેટાની પ્યુરી ઉમેરી દો જેથી મસાલો બળે નહિ. બરાબર મિક્સ કરીને 4 થી 5 મિનિટ ચડવા દો.

11) પાંચેક મિનિટ પછી તેમાં દોઢેક લીટર પાણી ઉમેરો, જો વધારે રસો જોઈતો હોય તો પાણી થોડું વધારે ઉમેરી શકાય, શાક ઠંડુ પડતા થોડું ઘટ્ટ બને છે. બરાબર મિક્સ કરીને ઉકાળવા દો.

12) બરાબર ઉકળી જાય એટલે તેમાં વરાળથી બાફેલા શાક ઉમેરો, શાક હળવા હાથે મુકવા જેથી સ્ટફિંગ બહાર ના નીકળી જાય. શાકને આપણે બાફેલા છે માટે ચડવા દેવાની જરૂર નથી, હળવા હાથે સહેજ મિક્સ કરી લો.

13) તો મિત્રો, તૈયાર છે વરાળિયું શાક જેને કોથમીરથી ગાર્નિશ કરી રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરો, બાજરીના રોટલા સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. મિત્રો, એકવાર જરૂર ટ્રાય કરજો, બધાને મજા પડી જશે.

તો તમને આ વાનગી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

દરરોજ અવનવી વાનગીઓ શીખો આપણા પેજ પર, લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહિ.