સુરતના વરાછા વિસ્તારમાં યોગી ચોક પાસે રહેતા મુકેશભાઇ જોશી, મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલા મધ્યમ પરિવારના માણસ છે. વડાપ્રધાનશ્રીએ લોકડાઉન જાહેર કર્યું ત્યારે જ મુકેશભાઇ અને તેમના ધર્મપત્ની ભાવનાબેને એક સંકલ્પ કર્યો કે દેશ પર આફત આવી પડી છે ત્યારે આપણાથી જે સેવા થઈ શકે તે સેવા આપણે કરવી છે અને રાષ્ટ્રઋણ અદા કરવું છે.

લોકડાઉનના લીધે ઔદ્યોગિક વિસ્તારમાં છૂટક મજૂરી કરતા મજૂરોની હાલત સૌથી કફોડી હશે એવું માનતા મુકેશભાઈએ આ ગરીબ મજૂરોને જમાડવાનું નક્કી કર્યું. સરકાર તો એની રીતે પ્રયાસ કરે જ છે પણ સરકાર કેટલીક જગ્યાએ પહોંચે એટલે આપણાથી જેટલું થાય એટલું આપણે કરવું એવું નક્કી કરીને એમની પોતાની અંગત બચતમાંથી તા.25મી માર્ચથી જ પોતાના ઘરે ભોજન બનાવવાનું ચાલુ કર્યું.

ભોજન તૈયાર કરવામાં પરિવારના જ બધા સભ્યો સવારથી લાગી જાય અને રોજ સાંજે લગભગ 700થી વધુ માણસોનું ભોજન તૈયાર કરે. ભોજન તૈયાર થાય એટલે સ્વયંસેવકો આવીને લઇ જાય અને ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા મજૂરો સુધી પહોંચાડી દે. ભોજન તૈયાર કરવામાં જે ખર્ચ થાય એ બધો જ ખર્ચ મુકેશભાઈનો પરિવાર જ ભોગવે છે. મુકેશભાઇ કંઈ કરોડપતિ માણસ નથી (મકાન પરથી પણ એની પરિસ્થિતિનો ખ્યાલ આવે) પણ માણસ તરીકેની આપણી ઓળખાણ અત્યારે નહીં આપીએ તો ક્યારે આપીશું એવા વિચારે એમણે આ સેવાકાર્ય શરૂ કરવા પ્રેરિત કર્યા.

લોકડાઉનનો આજે 15મો દિવસ છે. 15 દિવસથી મધ્યમ પરિવારનો આ દરિયાદીલ માણસ રોજના 700 માણસોનું સાંજનું ભોજન બનાવીને ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ ઠારવાનું પુણ્યકાર્ય કરે છે.
મુકેશભાઇ જેવા કેટલાય માણસો અને સંસ્થાઓ ભારતીય સંસ્કૃતિનો સાચો પરિચય છે.
વંદન આવા વિરલાઓને……
મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ