જલ્સા કરોને જેંતીલાલ

વાંકાનેરની આ બે મહિલા પોલીસ કર્મીઓને છે સો સો સલામ, એક ગુજરાતી તરીકે વાંચીને તમને પણ ગર્વ થશે આ બે મહિલાઓ પર

દેશમાં કોરોના વાયરસ સામે રણભૂમિમાં યોદ્ધા જેવી ભૂમિકા ભજવતા પોલીસ વિભાગના કર્મચારીઓ ઘણું ખરું સહન કરીને પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના બે મહિલા પોલીસ કર્મચારીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઈ તમે પણ તેમને સલામ કરી ઉઠશો.

સૌથી પહેલા આપણે વાત કરીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલ્પાબેન ડામોરની. મૂળ હિંમતનગરના વતની એવા અલ્પાબેનના લગ્નના પરિવારમાં તેના લગ્નની તૈયારીઓ ચાલતી હતી અને લગ્નની પણ તારીખ 17/5/2020 નક્કી કરી લેવામાં આવી હતી.

અલ્પાબેનના મમ્મી-પપ્પા અને ભાઈઓ માટે બહેનના સગપણનો આ અનેરો અવસર યાદગાર બની રહે તે માટે તેમના પરિવારે મોટાભાગની તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી હતી. પરંતુ ગત માર્ચ મહિનામાં જ કોરોના વાયરસને લીધે લોકડાઉન લાગુ થતા અલ્પાબેનનો પરિવાર દીકરીના લગ્ન યોજવા કે કેમ ? ની દ્વિધામાં મુકાયો.

પણ દીકરી છે ને સાહેબ, એ કદી માં-બાપ માટે ચિંતા ન બને. અલ્પાબેને પોતાની ફરજ અને લગ્ન બંને માંથી હાલ પૂરતું પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું અને પોતાના લગ્ન મોકૂફ રાખવાનો સરાહનીય નિર્ણય કર્યો. જો અલ્પાબેને ઇચ્છ્યું હોત પોલીસકર્મી તરીકેની પોતાની ફરજને સાઈડલાઈન કરી પોતાના લગ્નનો પ્રસંગ યોજી શક્યા હોત પરંતુ તેઓએ લગ્ન કરતા ફરજ પ્રત્યેની નિષ્ઠાને વધુ પ્રાથમિકતા આપી.

લગ્નની મહેંદીનો રંગ પણ ઝાંખો ન પડ્યો કે પોલીસ સ્ટેશન ખાતે હાજર

આજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અન્ય એક પોલીસકર્મી પ્રફુલાબા (પૂજા બા) એચ. પરમારની ફરજ પ્રત્યેની નિષ્ઠા પણ કાબિલે દાદ છે. પ્રફુલાબા પરમાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે LRD તરીકે કાર્યરત છે. ગત તારીખ 17/5/2020 ના રોજ પ્રફુલાબા ના લગ્ન ટંકારા આર્યસમાજ ખાતે માત્ર પરિવારના 12 જેટલા સભ્યોની હાજરીમાં યોજાયા હતા.

ગર્વની વાત એ છે કે પ્રફુલાબા પરમારે પોતાના લગ્ન પ્રસંગે ફક્ત એક દિવસની રજા લઇ બીજા જ દિવસે જયારે હજુ પોતાન હાથોમાં લગ્નની મહેંદીનો રંગ પણ ઝાંખો ન્હોતો પડ્યો ને પોતાની પોલીસકર્મી તરીકેની ફરજ નિભાવવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઇ ગયા હતા. પ્રફુલાબાની ફરજ પ્રત્યેની આ નિષ્ઠાને વાંકાનેર તાલુકા મથકના અન્ય પોલીસ કર્મચારીઓએ પણ બિદરાવી હતી અને લગ્નના બીજા જ દિવસે તેઓ પોલીસ મથકે ફરજ સાંભળવા પહોંચ્યા ત્યારે તેઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

ગુજરાત પોલીસનું ગૌરવ એવા આર.પી. જાડેજા છે આ પોલીસ સ્ટેશનના સુકાની

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના બન્ને મહિલા પોલીસકર્મી પ્રફુલાબા (પૂજા બા) એચ. પરમાર અને અલ્પાબેન ડામોરની ફરજનિષ્ઠાએ મોરબી જીલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે તેમાં શંકા નથી. પરંતુ એ પણ ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બન્ને મહિલા પોલીસ કર્મીઓ વાંકાનેરના જે તાલુકા પોલીસ મથકે કાર્યરત છે તે પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકે મોરબી જીલ્લાના સૌથી બાહોશ પોલીસ અધિકારીઓ પૈકી એક એવા રામદેવસિંહ જાડેજા છે.

રામદેવસિંહ જાડેજા આ પહેલા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે પણ દમદાર ફરજ બજાવી ચુક્યા છે અને એક ઉપરી અધિકારી તરીકે પોતાના પોલીસ સ્ટેશનના કર્મીઓને પ્રોત્સાહન અને ફરજ પ્રત્યે જાગૃત કરવાની તેમની કામગીરીનો આ લખનાર પોતે પણ સાક્ષી છે. એ સમયગાળા દરમિયાન તેમના એક સરાહનીય બનાવની ગુજરાતભરમાં નોંધ લેવાઈ હતી. *(વાંચો : પ્રેરણાદાયી સત્ય ઘટના : જે તમને પોલીસ પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલવા મજબુર કરી દેશે)

આલેખન : ઇલ્યાસ ખાન (વાંકાનેર)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version