વહુની વસંત – બે બાળકોની માતા કે જે હવે વિધવા છે શું તેને પોતાનું જીવન જીવવાનો અધિકાર નથી…

ગામ આખું થું… થું… કરવા લાગ્યું જ્યારે ખબર પડી કે , “સરોજ ભાગી ગઈ !!!…. અરજણ ભાઈ ની દીકરી …બાજુ ના ગામે પરણાવી ‘તી ” ગામ માં જે મળે તે એક જ વાત ! “જોને કેવો કળિયુગ આવ્યો છે…અત્યાર સુધી છોકરીઓ ભાગી જતી …આ તો …વિધવા સ્ત્રી , ને…ઉપરથી બબ્બે છોકરા ની માં…??? કાઈ વિચાર નહિ આવ્યો હોય એને ?? ભારે થઈ..!!!. માં થઈ ને આવું પગલું ભરતા શરમ નહિ આવી હોય ??એના બાપ ને અને ભાયું ને તો એવી રીસ ચડી ને સરોજ ઉપર !! ” અમને તો જરાકેય ખબર ન પડવા દીધી !!…જરાકેય શંકા ગઈ હોત તો !!!…ત્યાં ને ત્યાં જમીન માં ધરબી દેત !!… ગામ માં કોઈ ને મોઢું બતાવવા જેવા ના રાયખા.!!..બેશરમ .!!.. ભાગી ગઈ એના કરતાં મરી ગઈ હોત તો શું વાંધો હતો ?? થું…થું..!!!


સરોજ !…સરોજ ! ….આવું કેમ કર્યું હશે સરોજે ?? કોને ખબર ?? રામ જાણે !!…અને સરોજ જાણે .. હા ..હા .. ખરેખર સરોજ જ કહી શકે કે આવું પગલું કેમ ભર્યું ?? સરોજ…એક વિધવા સ્ત્રી…ના , .. પણ હવે એ પરિણીતા હતી નિખિલ ની પત્ની હતી..પોતાના ઘર ની બાલ્કની માં રહેલા ઝુલા પર બેસી ને નિખિલ ની રાહ જોતી હતી…અને શૂન્યમનસ્ક થઇ ને… આકાશ ને નીરખી રહી..આ પંખી ને પાંખ છે એમ પોતાને ય …જો બે ઘડી પાંખ મળી જાય તો ? પાંખ મળી જાય તો…..ફ્રરરરર કરતી ઊડી ને જાય ને પોતાના બચ્ચાઓ ને જોઈ આવે , વ્હાલ કરી આવે ….છાતી સરસા ચાંપી આવે !! ..પણ ના ના એ બચ્ચાં સામે હું કેમ જાઉં ? એની આંખો માં સવાલો ઉઠશે તો હું શું જવાબ આપીશ ?? અને માસૂમ શિવમ અને હેત ના ચહેરા એની આંખો ની સામે આવી ગયા..જાણે કે પૂછી રહ્યા છે ….મમ્મી, મમ્મી , તું કેમ અમને છોડી ને જતી રહી …ક્યાં જતી રહી ?? આ કાકા ને મામા જો કહે છે કે તું બઉ ખરાબ છો …છીનાળ છો !! …માં છીનાળ એટલે શું ?? મમ્મી , મમ્મી , તું ક્યાં છો ક્યાં છો ???


આકાશમાં મુક્ત મને ઊડતા પંખીડાઓ જોતી સરોજે પોતાની આંખો ભાર દઈ ને મીંચી દીધી…જાણે કે હવે આ દુનિયા જોવા જ નથી માંગતી.!!..ન ખબર પડતાં કયારે નિખિલ ઘરે આવી ગયો ને પાછળથી ધીમા પગલે આવી ને એણે સરોજ ની આંખો પર પોતાના બન્ને હાથ દાબી દીધા !!! અને “ઓહ..!!!.અરે !!! કયારે આવી ગયો તું ?? મને તો મને તો..ખબર જ ન રહી . !!! ” ..બોલતા બોલતા ..જાણે કે પોતે કોઈ ગુનો કર્યો હોય એમ ઓઝપાઈ ને …જોઈ રહી નિખિલ ની સામે કે જાણે એની ગુનેગાર હોય !! ને પોતાની ચોરી પકડાઈ ગઈ હોય…નિખિલ , સરસ સુદ્રઢ બાંધો ને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો એનો નવો પતિ એકદમ સરોજ ની આંખ માં આંખ નાંખી ને જોઈ રહ્યો…એ બધું જ સમજી ગયો… એણે ઊભી થઈ ગયેલી સરોજ ને ખભે થી પકડી ફરીથી ઝુલા પર બેસાડી દીધી …ને ત્યાં એની બાજુ માં બેસી …પૂછવા લાગ્યો … ” તું કેમ મારી વાત માનતી નથી ?? આપણે હવે એક નિર્ણય કરી લીધો છે તો પછી ??? જો આજે ફરીથી તને શિવમ અને હેત ની યાદ આવી ને ?? “


સરોજ રડી પડી… ” હું શુ કરું નિખિલ ?? મને કંઈ સમજાતું જ નથી… નથી હું ભૂતકાળ ભૂલી શકતી ને નથી મને ભવિષ્ય સારું દેખાતું ?? અને તેથી જ મારુ વર્તમાન પણ દુઃખી જ રહે છે અને તને પણ …દુઃખી કરું છું ..” કહીને સરોજ હિચકાને પોતાનું માથુ ટેકવી દે છે. ત્યારે , “અરે ગાંડી !! તું મને દુઃખી કરવા ન માંગતી હોય તો મારી વાત માની જા…. પછી જો ..આ ઘર પણ બાળકો ની કીકીયારી થી કિલ્લોલતું થઈ જશે ..ને પછી પછી તો દુઃખની રેખા ય અહીં નહિ પ્રવેશી શકે .. એકવાર તું જો … માની જા… પ્લીઝ …સરોજ … હું આ ઘર ને એનો હક આપવા માંગુ છું . આપણો પરિવાર પૂરો કરવા માગું છું “… અને નિખિલ એક પુરુષ એક પતિ મટી ને …એક સાલસ દોસ્ત ની અદા થી સરોજ ની સામે પ્રશ્ન સૂચક નજરે જોઈ રહે છે .


સરોજ મક્કમતાથી ના પાડતા કહે છે ..” એ શક્ય નથી હવે નિખિલ !! મારાથી હવે એ …ના ..ના “… અને એ રડી પડે છે .. નાના બાળક ની જેમ … ત્યારે નિખિલ ઊભો થઈ એને પાણી પાય છે અને સરોજ ને પોતાની બાજુ માં લઇ ને એના કપાળ પર ચૂમી લઇ ને માથા પર હાથ ફેરવતા ફેરવતા … સરોજ ના લીસ્સા વાળ હીંચકા ને સેલ્લારે લહેરાય છે ને એની એ લટો ને સરખી કરતા કરતાં નિખિલ નિર્ણય જાહેર કરતો હોય તેમ કહે છે , ” જો સરોજ , હું તને દુઃખી જોવા નથી માંગતો .. મને ખબર હોત કે તું મને સાવ આમ સાથ નહિ આપે …તો હું ક્યારેય તારી સાથે લગ્ન કરવાનું વિચારત પણ નહીં તું જોતો ખરા !! તારી હાલત .!! જાણે ‘ભરી વસંતે પાનખર લાગી ગઈ’ . તું એકવાર હું કહું છું એના પર વિશ્વાસ મૂકી જો , આપણે પ્રયત્ન તો કરી જોઈએ .”


” ના ના નિખિલ , હું ફરીથી એ જગ્યાએ નહિ જઈ શકું …. હું મારા જાણીતા ઓળખીતા કોઈ ની નજરો નો સામનો નહિ કરી શકું . અને કેટ કેટલા ને મોઢે તાળા મારીશું …મને છેલ્લે મારી કાકાની દીકરી મળી હતી ત્યારે એણે જ કહ્યું હતું કે આખું ગામ , અરે એક જ નહીં પણ બંને ગામ તારા પર થું…થું ..કરી રહ્યા છે..અને તારા દિયર ને જેઠ તો ઠીક પણ તારા ભાઈઓ પણ કહે છે કે એકવાર જો સરોજ હાથ માં આવે તો…એને એકને જ નહીં પણ નિખિલિયા ને ય પતાવી દેવો છે !! ના ના .. નિખિલ .. આપણે મારા છોકરાવ ને લેવા નથી જવું…જો મારા નસીબ માં હશે તો ક્યારેક મોટા થઈ ની મને ક્યાંક મળી જશે તો એમને સમજાવીશ કે એની મમ્મીની કેવી મજબૂરી હતી કે એમને છોડી ને મારે ભાગવું પડ્યું “…સરોજ ફરીથી રડી પડી …


નિખિલ એને રડતી જોઈ એકદમ ભાવવેશ માં આવી ને કહેવા લાગ્યો.. “.કોઈ મને તો શું તારો ય વાળ તો વાંકો કરી જુએ !!… તું જરા પણ ડર નહિ ચાલ , આપણે તારા નહિ આપણા …મેં જેમને મન થી મારા પોતાના માન્યા છે …આપણા શિવમ અને હેત ને તેડી આવીએ .. જોઉં છું કોણ આડે આવે છે !!..” ત્યારે ગભરુ હરણી શી સરોજ …નિખિલ ની છાતી પર પોતાનું માથું રાખી ને ચિત્કાર કરી ઉઠે છે ..”.એ બધા જલ્લાદો જેવા જડ છે.. હું એમના પંજા માંથી માંડ માંડ છૂટી નહિતર મારા દિયર અને મારા ભાઈઓ મારી જમીન મિલકત પચાવી પાડી ને મને પેલા અય્યાસી એવા ગામ ના ઉતાર જેવા વિધુર ઠાકોર જોડે જ નાતરું કરાવી દેત .. આતો તું મને મળ્યો ..

અને મને ખબર પડી કે મારા ભાઈ અને બાપુજી ની ધમકી ને વશ થઈ ને મેં તારી સાથે પ્રેમ હોવા છતાં બીજે લગ્ન કરી લીધા ને આપણા પ્રણય ની બહાર ને પતઝડ માં ફેરવી ને એક પતિ ની ફરજપ્રસ્ત પત્ની બની ગઈ , એક સુખદ સપનું માની તને દિલ ના એક ખૂણા માં દબાવી દીધો , ને બે છોકરા ની માં બની ગઈ . પણ, તને જ્યારે ખબર પડી કે બીમારી માં મારા પતિ ગુજરી ગયા છે , ત્યારે તું મળવા આવ્યો અને ત્યારે જ મને જાણ થઈ કે તું હજુ મારી યાદો સાથે , આપણા પવિત્ર પ્રેમ ને જીવંત રાખી અહીં દૂર ના શહેર માં એકાકી જીવન જીવે છે..મારા બાળકો સાથે હજુ પણ મને સ્વીકારવા તૈયાર છે . ત્યારે તારા , મારા પર ના પ્રેમ ની જીત થઈ ને હું તારી સાથે હાલી નીકળી. આપણે તો નક્કી કર્યુંતું કે બધાને વાત કરી વિધિસર અને સમાજ ની સામે હું તારી પત્ની બનીશ …


પણ હાય રે !! મારા નસીબ કેવા કે તે વાત મૂકી ત્યારે જ “જોઈશું પછી જવાબ દેશું ” કહી તને ભગાડી મુક્યો ને મને અને બાળકો ને જાણે નજરકેદ જ કરી લીધાં . હું તો હિંમત હારી ગઈ હતી પણ તું મને સમયસર લઈ ગયો ન હોત તો તો મારા માસૂમ બાળકો ને ઝેર પાઇ ને હું..હું પણ …આત્મહત્યા જ કરત અને એ સિવાય કોઈ આરો જ નહોતો … સિંહ ના પાંજરા માં સામેથી જ મારણ મૂકે એમ મને ઠાકોર ની સામે મુકવાની યોજના હતી એ લોકો ની !!!. મને ત્યાંથી ઉગારી ને નિરાંતે બાળકોને પણ લઈ આવશું એવું નક્કી કરીને , તું અહીં લઈ આવ્યો ને મને મુક્ત પંખીડા જેવું ખુલ્લું આસમાન આપ્યું …જગતનું તમામ સુખ આપ્યું …. અને હવે હવે …એ કોઈ ને ય જાણ નથી કે આપણે ક્યાં છીએ..

તો સામે ચાલી ને આફત ને આમંત્રણ નથી આપવું . નસીબ માં હશે તો છોકરાઓ મળશે ક્યારેક ..નહીતો ..ભાગ્ય મારા !!…પણ હવે હું ફરીથી એ દોઝખ માં જવા નથી માંગતી .અને ફરીથી વૈધવ્ય .!!.ના !! ના..!! .”” સરોજ ને છાની રાખતા નિખિલ બોલ્યો , ‘ ભલે બસ , તને એટલો બધો ડર હોય તો રહેવા દે !..બે ત્રણ મહિના થઇ ગયા ને બેએક મહિના થશે ત્યાં કોઈને કોઈ રસ્તો મળી રહેશે ….આપણે નથી જવું બસ ! …તું કહે એમ જ કરીશ પણ તું રડ નહિ ..શાંત થા …ખુશ થઈ ને રહે ..ભગવાન પર છોડી દે ! .. તે કે મેં કયારેય કોઈનું ખરાબ નથી કર્યું …કુદરત જરૂર થી આપણી મદદ કરશે !…મારી સરોજ ના જીવન માં બહાર આવશે ! …વસન્ત ખીલશે !…


અને કુદરતે પણ જાણે પડઘો પાડ્યો હોય એમ …એક આધેડ વય ની બાઈ બે બાળકો ને લઈ …પૂછતી પૂછતી એમના ઘરે આવી પહોંચી … એ સ્ત્રી ને જોઈ નિખિલ કઈ પૂછે એ પહેલાં જ …સરોજ … બા ! બા ! કરતા દોડી …ને બન્ને છોકરાઓ એ સ્ત્રી નો હાથ છોડી ને મમ્મી …મમ્મી …કરતા દોડી ને સરોજ ને ચોંટી પડ્યા …સરોજ તો વિસ્ફારિત નેત્રે સ્ત્રી સામે જોઈ રહી ને બંને બાળકોને ચૂમી ઓ થી નવડાવી રહી ને …પેલી સ્ત્રીની સામે હાથ જોડી .. પગે લાગવા વાંકી વળે છે ત્યાં એને અટકાવી ને ગળે લગાડતા … એના ઓવારણાં લેતી જોઈ ને નિખિલ આખી વસ્તુસ્થિતી સમજી જાય છે ને આગળ આવી ને સરોજ ની સાથે એ પણ પેલી સ્ત્રી કે જે સરોજ ની સાસુ હતી … સરોજ ના મૃતપતિની માં હતી ..તેને પગે લાગે છે. બન્ને ના ફરી ફરી ને ઓવારણાં લઈ સરોજની સાસુ આંસુ લૂછતાં લૂછતાં આશીર્વાદ આપે છે ને કહે છે .


” સરોજ , દીકરી ! સુખી થાવ ! ” અને નિખિલ સામે જોઇને કહે છે “ભગવાન તને સો વરસ નો કરે દીકરા , મારા દીકરા નું આયુષ્ય તો નહોતું પણ તું જ આ બન્ને છોકરાઓ ને સ્વીકારી લે . એમને બાપ નું સુખ આપ , હું તો ખર્યું પાન !! , હું બધું ય સમજતી હતી પણ મારું કાઈ ચાલતું નહોતું , તમે બન્ને એ જે હિંમત કરી તે સારું કર્યું .. નાની ઉંમરે વિધવા થઈ ને સ્ત્રી ની શી હાલત થાય એ મને અનુભવ છે . મેં એ જીવન જીવ્યું છે પણ હું નહોતી ઇચ્છતી કે સરોજ પણ મારી જેમ દુઃખી ને લાચાર રહે … અને સંપત્તિ ની લાલચે મારા છોકરાવે જે નિર્ણય કર્યોંતો એનો મેં વિરોધ કર્યો હતો પણ મને ય ચૂપ રહેવા ધમકાવી , પેલા ઠાકરડા નું નામ લઈ ને ડરાવી, પણ હું તો ખૂબ જ રાજી થઈ .. હું પણ , જ્યારે મારા પતિ નું મૃત્યુ થયું ત્યારે યુવાન હતી, એક… એક .. ખીલી વસંત હતી અને અકાળે પાનખર માં ફેરવાઈ ગઈ . સ્ત્રી નું દુઃખ એક સ્ત્રી થઈ ને હું ન સમજુ ?? અમારો જમાનો રૂઢિચુસ્ત હતો , મારા માં હિંમત પણ નહોતી , પણ તમે જે કર્યું એ યોગ્ય જ છે , હું મારી વહુ ની વસંત ને પાનખર માં ફેરવવા નથી માંગતી , મારી વહુ ની વસંત ખીલવવા માંગુ છું .


સમાજ સ્વીકારે કે નહીં પણ હું તને મારો દીકરો માનીને આશિષ આપું છું ને હાથ જોડી ને અરજ કરું છું કે આ બે પહુડા ને ય તારા આશરે લઈ લે . એ નબાપા તો થયા પણ છતી માં એ અનાથ જેવા થઈ ને જીવે અને બધા એને માં સામી ગાળો દઈ જિંદગી જીવવા નહિ દે. એ બધા તો ગમે ત્યારે તું આ છોકરાવ ને લેવા કે મળવા આવીશ ને ત્યારે તમારું કાસળ કાઢી નાખવા તૈયાર જ છે . હું છાનીમાની એમની નજર બચાવી ને તારા કાકાની છોકરી એ કીધેલી વાતું પરથી …અથડાતી કુટાતી માંડ માંડ અહીં આવી છું . અને હવે હું પણ પછી જાવાને બદલે કોઈ મંદિર ના ઓટલે મારુ જીવન ગુજારીશ . ત્યારે નિખિલે એમનો હાથ પકડી …


…..પોતાના માથા પર મૂકતા કહ્યું , ” જન્મ દેનાર માં નું સુખ તો નથી મળ્યું પણ તમારા પૌત્રા નો પિતા બનનાર ને તમે પુત્ર તરીકે સ્વીકારી ને મારો પરિવાર પૂરો નહિ કરો માં ?? અને ફાગણ ના કેસૂડાં ખીલી ઉઠ્યા …નિખિલ ના આંગણે.. ને એના આંગણે ..ફાગણ ફોરમ્યો…વસંત ઋતુ આવી ને સરોજ ને નિખિલ ના જીવન માં કાયમી ને માટે રોકાઈ ગઈ !! . સ્ત્રી બીજી સ્ત્રી નું અને જો પોતે જ જો પોતાનું મહત્વ સમજે તો.????


વાર્તા માટેના અભિપ્રાય કોમેન્ટમાં જણાવી શકો છો.

લેખક : દક્ષા રમેશ

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર…