જલ્સા કરોને જેંતીલાલ

વહુની એક નાનકડી વાતથી સાસુમાને સમજાયું પોતાના ઉપવાસ અને વ્રતનું મહત્વ…

દરરોજ સવારે, પૂજા કરતાં ઝોયાના સાસુ, વાર તહેવારે, વ્રત ઉપવાસ કરીને, પછી બીમાર પડતાં… ઝોયા, સમજાવવાનો પ્રયાસ કરે કે ખરી આધ્યાત્મિકતા, વ્રત કે બટેટાની ખીચડી કે આ રાજગરાના શીરામાં નથી. પણ, સાસુ કુમુદ બેનને હમેંશા, મોર્ડન ઝોયા, નાસ્તિક જ લાગતી.


જો કે ઝોયા ઊઠતા વેંત, કુદરતનો આભાર માનતી કે સલોણી સવાર થતાં, કોઈ મારો ગઇકાલનો થાક ઉતારી નવી તાજગી બક્ષે છે. એ જમતાં પહેલા, અન્ન ને દેવતા માનતી, કેમકે, એ પ્રસાદી રૂપે એને શરીરમાં જીવનશક્તિ આપે છે અને દિવસ દરમિયાન, તે પોતાનાથી બને એટલી કોઈને મદદરૂપ બની, પોતાનાથી કોઈને કશી તકલીફ ન થાય એની પૂરતી કાળજી લેતી.પણ, છતાં ય એ તો વડીલોની નજરમાં, ખાસ કરીને સાસુ કુમુદ્દબેનની દ્રષ્ટિએ, એ નાસ્તિક જ ગણાતી !!


કુમુદબેન, આખો શ્રાવણ મહિનો એકટાણા કરતાં.. એમને થોડી તબિયત બગડી.રોજ સાંજે ભૂખ્યા રહી ન શકે અને જમાય પણ નહિ એટલે બિચારા (?) આચરકૂચર ખાઈ લેતાં. એમને પણ, હવે, તબિયત સારી ન રહેતાં, કંટાળો આવવા લાગ્યો પણ, .. આજે તો વદ પક્ષ ચાલુ થતાં.., ઝાઝા ગયા ને થોડા રહ્યા !! પણ, એ વાત,ગેસ થોડો સમજે ?? એ તો ગોટો થઈ પેટમાં ઉપડ્યો !! અને કુમુદબેન ને દવાખાને દાખલ કરવા પડ્યા !! દવા ચાલુ !! અને, એકટાણા ??… ઓફકોર્સ ચાલુ જ !!


દવાખાનેથી, ઘરે આવ્યા.., ઝોયા, એક અમેરિકન કમ્પનીમાં નોકરી કરતી હતી. એણે, એના હસબન્ડ, ઝિયાન્સ ને કંમ્પ્લેઇન કરી.. ” એય ડિયર, આપણે, રોજ સાંજે ઇન્ડિયન ફૂડ ખાઈએ છીએ, એટલે,અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ એ મને નોકરી માંથી કાઢી મુકવા કહ્યું છે !!” એમ કહી ને રડમસ મોં કરી જોઈ રહી…


ઝિયાન્સ, કઈ બોલે, ઇ પેલા જ કુમુદબેન બોલ્યા, ” અરે, તું રાત કે દિવસ જોયા વગર, કામ કેવું સરસ કરે છે !! એનું કાંઈ નહિ ?? તું શું ખાય કે ન ખાય એનાથી અમેરિકા ના પ્રમુખ ને શુ ફેર પડે છે ?? સાવ મૂર્ખ ન કહેવાય ??” ઝિયાન્સ, હસવા લાગ્યો.. ઝોયાએ, એના સામે ડોળા કાઢ્યા !!


કુમુદ બેન આ બન્ને ને જોઈ રહ્યા, એમના પતિ, કમલભાઈ હસીને,પત્નીને કાઈ સમજાવે , એ પહેલાં જ કુમુદબેન ને ઝબકારો થયો !! તે બોલ્યા,” ઝોયા, મહારાજ ને કહી દે, સાંજની રસોઈમાં, જે તમારા માટે બનાવે એ જ હું ખાઈ લઈશ. મારા માટે સાબુદાણાની ખીચડી ન બનાવે !! મારો ભગવાન, કાંઈ મૂર્ખ નથી, હું હતી..” અને એ હસી પડ્યા અને સાથે ઝોયા, ઝિયાન્સ અને કમલભાઈ પણ મલકી રહ્યા.

લેખક : દક્ષા રમેશ “લાગણી”

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં આપજો, દરરોજ વાંચો આવી સુંદર વાર્તાઓ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version