વગડાનું ફૂલ – ગામડા ગામમાં ચાલતી વર્ષો જૂની બાળવિવાહની રીત દર્શાવતી અદ્ભુત વાર્તા…

🌸’વગડાનું ફૂલ’🌸

” તૈયાર થઈ ને રેજો વેવાયું… !! તૈયાર થઈ ને રે…જો, અમારી જાન ને ઉતારા જોસે…!!!.””

એય ને લાંબે રાગડે.. લગનના ગીત ગાત્યુ જાનડિયું..ને મજાનો વરરાજો શોભતો હતો અને જાડેરી જાન કરમણ ને ન્યા આવી પુગી….કરમણ નાઈત નો વડો હતો એટલે જાન ની સરાભરામાં કોઈ ખામી નહોતી પણ નવાઈ તો ઇ વાતની હતી કે વરરાજો હજુ હાલતાં હાલતાં પડી જાતોતો ને એ જમાનામાં ‘ડાયપર’ ન્હોતા… એટલે વરરાજાએ જાનડિયુંના કપડાં પલાળી દીધા’તાં !!! … કેમકે એ સમય બાળવિવાહ ની કોઈ નવાઈ નહોતી .. વરરાજાની બધાય મજાક કરતાતાં .. એની માં ને કહે “…ખોળા માં રહેલી સોનલ ને હેઠી મુક અને આ વરરાજાને કોરો કરો પછી વેવાઈ ને માંડવે જાઈએ..!!”

ત્યાં તો વેવાણું મેમાનો ને મળવા આઇવ્યું અને એમાં વરરાજાની સાસુ ય હતાં એની આંગળીએ એક બાળક હતો અને એણે આવતા વ્હેત જ હેઠે મુકેલી રડતી સોનલ ને કાખમાં લઈ લીધી ને તરત જ એ છાની રૈ ગઈ.અને આંગળીએ રહેલ કરમણ ના સૂરજ સામે ટગરટગર જોઈ ને કિલકીલાટ કરવા લાગી.. બધાય મજાકના તોર માં હતાં .. એમાંથી કોઈ બોઇલું ય ખરું કે ” એલા આતો એક ધક્કે બબ્બે લગન થાય એવું સે ” અને કરમણ ને અરજણ બેઉ ભાઈબંધ વેવાઈ તો બન્યા હતા જ પણ એમણે ય આ બોલ ઊપાડી લીધો ને ડબલ સબંધે બંધાઈ ગયા..


એમની નાત માં હજુ એકવીસ મી સદી નોતી આઇવી… કેમકે છોકરા છોકરી ને જીવનસાથી ની પસંદગી કરવાનો હક તેમને નહોતો કારણ કે એમના માબાપ જ નક્કી કરી લેતાં. એ પણ સાવ નાનપણ થીજ , કોઈ કોઈ ના તો હજુ હાલવા ય ના શીખ્યા હોય ,ઘોડિયા માં સુતા હોય ત્યાં લગન નક્કી , મોટે ભાગે અંદરો અંદર સગપણ થઇ જતાં. કેટલાય ના તો પેટે ચાંદલા થયેલા !!! એટલે બાળક જન્મે એ પહેલાં નક્કી કરે અરસપરસ કે જો બન્ને ને ત્યાં દીકરો ને દીકરી આવશે તો આપણે વેવાયું બનશું !!!!

અને આવું બોલી ને જ નહીં પણ એકબીજા ને એકએક નાળિયેર અને રૂપિયો આપતાં એટલે થઈ ગયું સગપણ ….અને સારું મુરત હોય ત્યારે બાળકોને કાંખ માં તેડીને કે છાબડા -ટોપલાં કે સુંડલામાં બેસાડી ને અથવા સુવડાવીને બન્નેના બાપ ફેરા પણ ફરી લેતાં !! હા , દીકરી ની વિદાય કરી ને સાસરે મોકલવા ને બદલે પિયર જ રાખવામાં આવતી અને યુવાન બને ત્યારે કે યોગ્ય નક્કી કરેલા સમયે આણું વાળવાનું એટલે કે ત્યારે દીકરીને સાસરે મોકલવાની !


અને આ બધું રમતવાત નહોતી.. એકવાર સગપણ નક્કી કર્યું એટલે કર્યું પછી છોકરાઓ મોટા થાય ત્યારે આ બધું મંજુર રાખવું પડતું, નહિતર નાત બેસાડવામાં આવે અને જેને આ સંબંધ મંજૂર ન હોય તેમણે સામેવાળા ને દંડ ભરવો પડે … એ દંડ બહુ મોટો રાખવામાં આવતો . જેથી કરીને કોઇ તોડી ન શકે.

હવે , કરમણ ભાઈ એ વરસો પેલા અરજણ ને ત્યાં બે સગપણ કરતાં તો કરી લીધાતાં પણ,… સમય પરિવર્તન થઈ ચૂક્યો હતો. કરમણબાપા ની રૂપા અને અરજણ બાપાનો રાજુ ની જોડી એકદમ મજાની હતી દેખાવે , ભણતર .. બધુંય પણ કરમણ બાપાના સૂરજ ની જોડી અરજણ બાપા ની સોનલ સાથે… કઈ મેળ બેસતો નહોતો..

વાત જાણે એવી હતી કે રૂપા, રાજુ તો જાણે એકબીજા માટે જ સર્જાયા હોય એવી જોડી જામી હતી પણ…. સોનલ તો… અસલ ગામડાની ગોરી અને જાણે વગડાનું ફૂલ !! ભણી પણ નહોતી ઝાઝું !! જ્યારે સૂરજ તો ભણવામાં ખૂબ હોશિયાર, ડબલ ગ્રેજ્યુએટ, સરકારી નોકરી અને દેખાવે ય ચોકલેટી હીરો જેવો… ચારે ય છોકરાઓ મોટા થયા અને રિવાજ મુજબ આણું વાળવાનો દિવસ નક્કી કરવાનો હતો. બન્ને ઘરેથી કન્યા વિદાય કરવાની હતી. પણ , સૂરજ ને સોનલની સાથે જોડી કંઈક જામતી નહોતી અને એ બધાને ઊડી ને આંખે વળગતું હતું.


કરમણ હવે કરમણ મુખી બન્યાતાં અને એ બધું સમજી ચુક્યા હતાં કે પોતે ભાઈબંધી અને નાત ના રિવાજ ને લઈ ને પોતાના હોનહાર ને સ્વપ્નશીલ યુવાન દીકરા નું દિલ તોડી ચુક્યો છે. એક બાજુ નાત નો વડો પોતે…અને વળી અરજણ ની પાક્કી દોસ્તી .. અને બીજી બાજુ ઓફિસર દીકરો એની રહનસહન , બોલચાલ ને રુઆબદાર વ્યક્તિત્વ.. એની સાથે શોલે ફિલ્મ ની બસંતી જેવી સોનલ નો કાઈ મેળ નહોતો જ દેખાતો. સૂરજ પણ મૂંઝાયેલો લાગતો હતો. એને જોઈને કરમણ મુખી પણ મનોમન નક્કી કરી ને સૂરજ ને પાસે બોલાવી ને દાણો દાબી જોયો..

” બેટા, એવું નથી કે આપણે દંડની રકમ ન ભરી શકીએ.. જો તારું મન ન માનતું હોય તો હજુ કહી દે .. હું નાત બોલાવીશ અને જેટલો દંડ નક્કી થાય એ ભરી દઈશ પછી તને એમ ન થાય કે … તારું મન મારી ને તારે જીવવું અને બે ય ની નહિ પણ બધાય ની બેય કુટુંબ ની જિંદગી બરબાદ થાય.. !!!!” પોતાના પિતાજી ધર્મસંકટ માં ન મુકાય જાય અને વળી બીજું સગપણ પોતાની બેન નું તો એ ઘરે હતું .. એ પણ કદાચ તૂટી જાય !! અને ન તૂટે તો, પોતે બેનડી નો એકનો એક ભાઈ વાર તહેવારે એની બેન ભાઈ ની રાહ જોયા કરે અને ભાઈ ન તો જઈ શકે ન કઈ કહી શકે… અને આખી જિંદગી આ બે કુટુંબ વચ્ચે કાંટા ની જેમ નાસુર બનીને ભોંકાયા તો કરે જ !! શું કરવું ??


બધો જ વિચાર કરી ને સૂરજ પોતાના સપનાઓ ને સળગાવી ને સઘળી સમસ્યા નો અંત લાવવા આ સગપણ સ્વીકારી લે છે. બન્ને ઘરે થી આણું વાળવાની તિથિ નક્કી કરવામાં આવી . રૂપા અને રાજુ નો હરખ ક્યાંય માતો ન્હોતો પણ.. સોનલ અને સૂરજ …??

ત્યાં એક એવી ઘટના બની કે અરજણ સામે ચાલી ને કરમણ મુખી ને મળવા આવ્યો અને જે વાત કરી … જાણે ‘” ભાવતું’તું ને વૈદ્યે કહ્યું..'” એમણે ભારે દુઃખી હ્રદયે કહ્યું કે સોનલ આ સંબંધ ને ફોક કરવા માંગે છે !! નાત ભેગી કરો અને તમે જે દંડ નક્કી કરશો તે ભરવા અને માફી માંગવા તૈયાર છું !!

મુખી તો રાજી રાજી થઈ ને અરજણ ને ભેટી પડ્યા અને જાણે દિલ ની દિલાવરી થી માફ કરતાં હોય તેમ કહ્યું, ” અરે હોય કાંઈ ?? નાત તો ભેગી કરશું જ પણ, તારે નથી માફી માંગવાની અને નથી દંડ ભરવાનો !! સહુ નાતિ જનો ની હાજરી માં આ સંબંધ તોડવાની જાહેરાત કરશું અને આપણી યારી આવી જ મજબૂત રહેશે . વાત રહી સબંધ ની ?તો હું જાહેર માં નિયમ અને કાયદો મુકીશ બધા સામે કે..


” આજ પછી આપણા કોઈ જ જાત ભાઈઓ પોતાના દીકરા દીકરી ના બાળવિવાહ નહિ કરે !! હવે યુગ બદલાઈ રહ્યો છે , છોકરાઓ આપણી ઉપરવટ જઈ ને આપણે બનાવેલા નિયમો તોડે એ પહેલાં આ બાળવીવાહના કુરિવાજ ની ઝંઝીર હું તોડી નાખવા માંગુ છું. “” બધું સમુસુતરું પર પડ્યું. કોઈ નાનકડો વિરોધ થયો પણ એ સિવાય બધાએ આ નવો વિચાર અપનાવ્યો . ભારે હ્રદયે અરજણે ત્યાંથી સોનલ અને સૂરજનું સગપણ ફોક કરી રૂપા અને રાજુ ના બંધન ને મજબૂત રાખી આણુ વાળવાનું નક્કી કરી ઘરે આવ્યો. બધા ને અચરજ ભારોભાર થયું હતું કે સોનલે આ સગપણ તોડ્યું ક્યા કારણે ?? કેમકે એની નાત માં સૂરજ જેવો હીરો સમજો ને ‘ નાત નું ગૌરવ ‘ સાત જન્મના પુણ્ય ભેગા કરી ને મળવો દુર્લભ !!


આ વાત ની સાચી ખબર તો જ્યારે રૂપા સાસરે ગઈ ત્યારે એને સોનલ ના મોઢે સાંભળવા મળી … ” બાળપણ માં કરેલા સગપણ ને જ્યારથી સમજવા શીખી ત્યારથી જ પોતે તો સ્વીકારી લીધું હતું પણ,

જેમ જેમ આપણે ચારેય મોટા થતા ગયા તેમ તેમ રાજુ ને તારું મિલન અને મળવા માટે નો તલવલાટ ને સ્નેહ ની આતુરતા સૂરજ અને મારી વચ્ચે નહોતી એ મારાથી કેમ છાનું રહે ?? હું બધું જ સમજી ચુકી હતી ..એથી એક ડર રહેતો કે તમારા ઘરેથી આ સંબંધ ફોક કરવાનું કહેણ ક્યારે આવશે ?? પણ મને જ્યારે જાણવા મળ્યું કે તારો ભાઈ પોતાની બધી ફરજ માટે બલિદાન આપી મારો સ્વીકાર કરવા તૈયાર થયો ત્યારે મને એમાં મારુ જ નહીં પણ, મારા સ્ત્રીપણા નું મારા સ્વાભિમાન નું અપમાન થતું જણાયું !! મારુ સ્ત્રીત્વ મને સવાલ કરવા લાગ્યું… અને આમ રૂંધાય ને કે રિબાઈ ને જીવવું મને મંજુર નહોતું !! આથી જ મેં મારા બાપુ ને બધું જ સમજાવી ને તૈયાર કર્યા અને તારો ભાઈ જે ઈચ્છતો હતો એ સામેથી જ મેં આપ્યું અને એ પણ કોઈનું માન ભંગ ન થાય એ રીતે !!


રૂપા તો ભેટી પડી પોતાની આ વ્હાલી નણંદ ને !! પણ સાથે પૂછી બેઠી કે હવે તમારું શુ થશે બેનબા ?? ત્યારે એ વગડા ના ફુલે જે જવાબ આપ્યો જેનાથી આખોય સુકોભઠ્ઠ વગડો ફોરમ ફોરમ થઈ મહેકી ઊઠ્યો.!! “” સ્ત્રી તો સદીઓ થી પુરુષ કરતા ચડિયાતી જ છે ,એણે એ કાઈ સાબિત કરવાની જરૂર નથી. સ્ત્રી ક્યારેય પોતાને લાચાર ન સમજે , હું તારા ભાઈ જેટલી ભણેલ નથી પણ ” ભણતર કરતા ગણતર વધુ સારું” એ ન્યાયે અને દસ પાસ છું… હું સીવણ નું હજુ આગળ ભણીશ અને મારી પોતાની આ દેશી ભરત માં આવડત છે એ વધુ આગળ ધપાવીશ અને ક્લાસીસ ખોલીશ બીજી બેનું ને સીવતા ભરતા ને ગૂંથતાં શિખવાડીશ ?? ”


…અને રૂપા એ પૂછી જ લીધું કે હવે પછી તમે આમ સાવ એકાકી જિંદગી … ??? ત્યારે હસીને ને મક્કમતા થી કહી દીધું , ” ના રે ના !! હું કોઈ જોગણ કે વિજોગણ બની ને મારી જાત ને સજા નહિ દઉં પણ, કોઈ સામે ચાલી ને આવશે,.. મારુ સ્વમાન ભેર સ્વાગત કરશે પોતાના જીવન માં .. તો જરૂર થી એ મનના એવા માણીગર ને મારો બનાવીશ …ને મારો સંસાર વસાવીશ ..”

ગામડાની ગોરી જાણે કે કહી રહી .. don’t worry… Let’s move on.. cheers.. ફ્રેન્ડઝ, સ્ત્રી પોતે ક્યારેય કોઈ પર નિર્ભર નથી કે ક્યારેય નબળી નથી એણે કોઈ ને બતાવવાની જરૂર નથી બસ પોતે સ્વ ને પીછાણે તો ઘણું…શું કહો છો આપ ??

લેખક : દક્ષા રમેશ

દરરોજ આવી અનેક નાની નાની સમજવા જેવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ