જલ્સા કરોને જેંતીલાલ

વધેલી ખીચડી અને મિકસ લોટ ના મુઠીયા – સવારે બનાવેલ ખીચડી વધી છે તો આજે બનાવો આ ટેસ્ટી વાનગી…

હેલો ફ્રેન્ડઝ, આપણા ગુજરાતી ઓ ના ઘરો મા સાંજ ના જમવા મા અને સવાર ના નાશતા મા વિવિધ પ્રકારના ઉપમા પૌવા ઢોકળા કે મુઠીયા બનાવતા જ હોઇએ છીએ, મુઠીયા મા પણ વિવિધતા હોય છે જેમકે, દુધીના, પાલક ના, મેથી ના, ભાત ના, કોબી ના મૂળા ના, વગેરે વગેરે.. આજ હું તમને શીખવાડીશ વધેલી ખીચડી ના મુઠીયા. આપણે હમેશા સાંજ ના જમવા મા ખીચડી બનાવતા હોઈએ છીએ, અને તે વધે એટલે આપણે તે વઘારી ને ઉપયોગ મા લેતા હોય છે, વધેલી ખીચડીમાથી ઘણી બધી વાનગીઓ બની શકે છે, જેમકે ખીચડી ના થેપલા, ખાખરા, ભજીયા, ડબકા મુઠીયા વગેરે … આજ હું તમને એક સરળ અને સ્વાદિષ્ટ ખીચડી અને મિકસ લોટના મુઠીયા બનાવતા શીખવાડીશ તો ચાલો નોંધી લો સામગ્રી.

* 500 ગ્રામ મિક્સ લોટ

* 2 થી 21/2 કપ ખીચડી

* 11/2 કપ કોથમીર

* 2 ટેબલસ્પૂન આદુ મરચા,લીલાલીમડા અને લસણની પેસ્ટ

* 1 ટેબલસ્પૂન લાલ મરચુ

* 1/2 ટેબલસ્પૂન હળદર

* 1/4 ટી સ્પૂન હિંગ

* 1/4 કપ તેલ

* સ્વાદ અનુસાર મીઠું


* વઘાર કરવા માટે ની સામગ્રી —

*1 ટેબલસ્પૂન રાઇ

* 1/2 જીરુ

* 11/2 સફેદ તલ

*10-12 લીમડા ના પાન

* 2-3 લીલા મરચાં

* ચપટી હીંગ

* રીત —-

સૌ પ્રથમ તો મિકસ લોટ મા શુ શુ છે અને તે કેવી રીતે બનાવવો તે નોંધી લો.

500 ગ્રામ ઘઉં,

150 ગ્રામ ચણાનીદાળ,

100 ગ્રામ અડદ ની દાળ,

150 ગ્રામ મગની ફોતરા વગર ની દાળ (મોગર દાળ)), 100 ગ્રામ ચોખા.

ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી લો અને તેને કરકરો લોટ દળાવી લો.

* 1-મુઠીયા બનાવવા ની રીત —


સૌ પ્રથમ એક વાસણ મા આ તૈયાર કરેલ મિકસ લોટ લઇ તેમા વધેલી ખીચડી, બારિક સમારેલી કોથમીર, આદુલસણ મરચા અને લીમડા ની પેસ્ટ, લાલ મરચું, હળદર, હીંગ, તેલ તથા સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને હળવા હાથે મિક્સ કરી લો, તમને ગળપણ માટે ખાંડ ઉમેરી શકો છો.


* 2- હવે તેમા થોડુ થોડુ પાણી ઉમેરતા જાવ અને લોટ ને મિકસ કરતા જાવ, ધ્યાન રાખવું કે ખીચડી ભેળવેલી છે એટલે તેમા બહુ વધારે પાણી ની જરૂર નથી પડતી. એકદમ નરમ અને ઢીલો એટલે કે તમે મુઠીયા વાળી શકો એટલો નરમ લોટ તૈયાર કરવો.


* 3- ત્યાર બાદ તેના લાંબા રોલ વાળી લો અને તેને એક ચારણી મા અથવા કાણા વાળી પ્લેટ પર લાઈન સર ઉભા ગોઠવો વચ્ચે વચ્ચે થોડો ગેપ રાખવો, ત્યાર બાદ બાકી ના રોલ ને આડા ગોઠવો, તેમા પણ વચ્ચે વચ્ચે ગેપ રાખવો આવી રીતે બધા રોલ તૈયાર કરી તેને એક મોટી કડાઈ મા નીચે પાણી નાખી ને તેના ઉપર એક કાઠો મૂકી તેના પર એ ચારણી મૂકી ઉપર ઢાંકણ ઢાંકી દો, અથવા ઢોકળીયા મા 25-30 મિનીટ સુધી બાફવા મુકી દો.


* 4– 25- 30 મિનીટ બાદ તેમા ચપુ ભરાવી ને ચેક કરી લો, જો ચપુ ક્લીન બહાર આવે તો સમજવું કે મુઠીયા ચઢી ગયા છે એટલે ગેસ બંધ કરીદો અને તેને 10-15 મિનીટ સુધી ઠંડા થવા દો.


5–એકદમ ઠંડા થઈ જાય એટલે તેને ચપુ અથવા કટર વડે ટુકડા કરી લો ધ્યાન રાખવું કે મુઠીયા ને ગરમ હોય ત્યારે ન કાપવા કારણ કે ગરમ હોય ત્યારે તે ખૂબ નરમ હોવાથી તેના ટુકડા બરાબર નહીં થાય અને તે ભાંગી જશે.


* 6- ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ લીમડા ના પાન અને મરચાં તથા તલ નાખી ને ચપટી હીંગ નાખી મુઠીયા વઘારી લો અને તેને ધીમી ફ્લેમ પર કડક અને બ્રાઉન થવા દો, તો ચાલો તૈયાર છે ખીચડી ના મિકસ લોટ ના મુઠીયા તેને લીલી ચટણી અને સોસ સાથે કે દહી અથવા ચા સાથે પીરસી દો.


* ટીપ —

* મે આ મુઠીયા મિકસ લોટ ના બનાવ્યા છે, તમે એકલા કરકરા ઘઉ ના લોટ મા થોડો ચણા નો લોટ ઉમેરીને પણ બનાવી શકો છો.

* ઘઉ કરકરો લોટ ના હોય તો બારીક લોટ મા થોડો જાડો રવો અને ચણા નો લોટ ઉમેરવો.

જેવી રીતે વધેલી ખીચડી ના મુઠીયા બનાવ્યા એવી રીતે તમે વધેલા ભાત, પૌવા, મગ, દાળ ના પણ આવી જ રીતે મુઠીયા બનાવી શકો છો. આશા છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે, ફરી એક નવી રેસીપી લઇ ને આવુ ત્યા સુધી બાય અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Exit mobile version