જલ્સા કરોને જેંતીલાલ

વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટની થઈ રહી છે હરાજી ! તમને પણ માત્ર 200 રૂપિયામાં મળી શકે છે આ ભેટો !

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા તે વખતે પણ તેમની લોકપ્રિયતા કંઈ ઓછી નહોતી પણ જેવા જ તેઓ દેશના વડાપ્રધાન બન્યા કે સમગ્ર દુનિયામાં તેમના નામનો ડંકો વાગી ગયો. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દીવસનો અમુક સમય જ આરામ કરવા પાછળ બગાડે છે બાકી તેઓ પોતાના કામમાં અત્યંત વ્યસ્ત રહેનાર વ્યક્તિ છે.

તેમણે વડાપ્રધાન બનતાં જ સમગ્ર દુનિયાના વિવિધ દેશો સાથે ભારતના સંબંધો સુધારવા માટે અગણિત પ્રયાસો કરવાના શરૂ કરી દીધા હતા જે આજે પણ ચાલુ જ છે. જેના માટે તેમણે સતત વિદેશ પ્રવાસ ખેડવા પડે છે. અને આ વિદેશ પ્રવાસમાં એક દેશનો વડા બીજા દેશના વડાને એક અભિવાદન તરીકે જાત-જાતની વિશિષ્ટ ભેટો આપતા હોય છે. અને નરેન્દ્ર મોદીએ પોતાની વડાપ્રધાન તરીકેની ફરજ બજાવતાં બજાવતા અગણિત વિદેશ પ્રવાસ કર્યા હોવાથી તેમની પાસે વિદેશની અગણિત ભેટોનો ભરાવો થઈ ગયો છે જેની આવનારા દિવસોમાં હરાજી બોલાવવામા આવશે.

મોદી દેશના વડાપ્રધાન તો છે જ પણ દેશના લોકોમાં પણ તેઓ ખુબ જ પ્રિય છે અને તેમનું ફેનફોલોઇંગ કરોડોમાં હોવાથી તેમને મળેલી વિવિધ ભેટો તો થોડા ક જ સમયમાં હરાજીમાં વેચાઈ જશે. પણ જો તમે આ અવસર ન ચૂકવા માગતા હોવ તો તમને અમે જણાવી દઈએ કે તેને તમે ક્યાં ક્યારે ખરીદી શકો છો.

વડાપ્રધાનને છેલ્લા છ મહિનામાં મળેલી હજારો વિદેશી ભેટોનું આ ઓક્શન ઓનલાઈન કરવામાં આવશે. આ ઓક્શન 14 સપ્ટેમ્બરથી 3જી ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. જેનું ઔપચારિક ઉદ્ઘાટન કેન્દ્રિય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલ કરશે.

આ ઓક્શનમાં કુલ 2772 ભેટોનો સમાવેશ થાય છે જેની કીંમત 200 રૂપિયાથી માંડીને 250000 રૂપિયા સુધીની રાખવામાં આવી છે અને બની શકે કે વસ્તુઓની હરાજીમાં કીંમત વધુ પણ બોલાય. હરાજીનો મતલબ જ એ હોય છે કે વસ્તુને તમે મૂળ કીંમત કરતાં વધારે કિંમત બોલીને તેને તમે તમારી કરી શકો છો. અને કારણ કે આ ગિફ્ટ ભારતના અતિ લોકપ્રિય વ્યક્તિ એવા નરેન્દ્ર મોદીને ભેટ તરીકે મળી હોવાથી તેની કીંમત ઓર વધારે થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાનને મળેલી આ ભેટોને ઓક્શન દ્વારા વેચીને જે પણ રકમ તેમાંથી ઉપજશે તેનો ઉપયોગ સદકાર્યમાં કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ ‘નમામિ ગંગે પ્રોજેક્ટ’માં કરવામાં આવશે. તમને જણાવી દીએ કે ભારતના વડાપ્રધાનને મળેલી ભેટોની હરાજી આ પહેલીવાર નથી બોલાવવામાં આવી પણ આ પહેલાં પણ મોદીની ભેટોની હરાજી બોલાવવામાં આવી હતી અને મળેલી રકમનો ઉપયોગ સદકાર્યમાં કરવામાં આવ્યો હતો. આ અગાઉ 2019ના જાન્યુઆરીમાં પી.એમ નરેન્દ્ર મોદીને મળેલી 1800 ભેટોની હરાજી બોલાવવામાં આવી હતી. આ વખતે પણ પ્રધાનમંત્રીને મળેલી ભેટોનું પ્રદર્શન કરીને તેની હરાજી બોલાવવામાં આવશે.

આ વખતે આ ભેટોનું પ્રદર્શન નવી દિલ્લીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં કરવામા આવ્યું છે. આ ભેટોમાં મોદીનું પોર્ટ્રેઈટ, વિવિધ જાતના આર્ટવર્ક્સ, પાઘડીઓ, શાલો, તલવારો, ગાયના પુતળા અને કેટલીક ધાર્મિક મૂર્તિઓનો પણ સમાવેશ થાય છે. આમાં ઘણી બધી ભેટો એવી હશે કે જે તેમને દેશના નામી લોકો દ્વારા ભેટ આપવામાં આવી હોય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version