વેકેશનમાં તમારે તમારા બાળકો પાસે શું કરાવવું જોઈએ ?

વેકેશનમાં તમારા બાળકો શું કરશે ?

વેકેશન પડી ગયું છે ત્યારે દરેક માતાપિતાને પોતાના બાળકોની એક્સ્ટ્રા એક્ટિવિટિઝની ચિંતા સતાવતી હોય છે. કે તેમને આ વેકેશનમાં શું પ્રવૃત્તિ કરાવવી. સ્વીમીંગ કરાવવું, ક્રીકેટનું કોચિંગ કરાવવું, કરાટે કરાવવા કે પછી શું કરાવવું ? ઘણા માતાપિતા બાળકોની રુચી જાણ્યા વગર જ તેમની પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવતા રહે છે. પછી બાળકને તેમાં રસ હોય કે ન હોય. પણ કોઈક પ્રવૃત્તિ તો તેની પાસે કરાવતા જ હોય છે.

ઘણીવાર માતાપિતા એટલા કન્ફ્યુઝ હોય છે કે તેમને ખ્યાલ નથી આવતો કે તેઓ વેકેશનમાં પોતાના બાળકો પાસે કેવી પ્રવૃત્તિ કરાવે. અને ઘણીવાર માતાપિતા બાળકો પાસે દેખાદેખીમાં કોઈ પણ પ્રવૃત્તિ કરાવે છે પણ જીવનની પાયાની બાબતો ચૂકી જતા હોય છે. જેમ કે સાથે જમવું, સાથે ફરવા જવું, સાથે સમય પસાર કરવો, સાથે રમવું. વિગેરે વિગેરે. તેને આપણે ક્વોલિટિ ટાઈમ કહીએ છીએ.

આજના આ લેખમાં અમે તમને માર્ગદર્શન આપીશું કે તમારે વેકેશનમાં બાળકો સાથે કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ.

બાળકો પાસે વેકેશનમાં શું કરાવવું

– વેકેશન શરૂ થઈ ગયું છે. માતાને શાળા ચાલુ હોય ત્યારે શ્વાસ લેવાનો પણ સમય નથી હોતો. તેણે બધું ઘડિયાળના ટકોરે કરવું પડે છે. જો કે વેકેશનમાં પણ માતા વ્યસ્ત જ રહે છે. પણ ચાલુ દીવસોની સરખામણીએ વેકેશનમાં તેની પાસે થોડી ઘણી નીરાત હોય છે. માટે વેકેશન દરમિયાન તમારે તમારા બાળક સાથે ઓછામાં ઓછું એક ટાઇમ તો જમવું જ જોઈએ. અને જમતી વખતે તેમને પોતે જે અનાજ આરોગી રહ્યા છે તે પાછળ ખેડૂતની મહેનત વિષે પણ માહિતી આપવી જોઈએ જેથી કરીને તેઓ સમજે કે અનાજનો બગાડ ન કરી શકાય.

– એક લેખમાં મારા વાંચવામાં આવ્યું હતું કે જાપાનની શાળાઓમાં શાળાની સફાઈ વિદ્યાર્થીઓ દ્વારા જ કરાવવામાં આવે છે. જેથી કરીને તેઓ સ્વચ્છતાનું મહત્ત્વ સમજે. તેવી જ રીતે કમસે કમ વેકેશન દરમિયાન તમારા બાળકો પાસે માત્ર તેમની થાળી ધોવડાવાનો આગ્રહ રાખો. એમ કરવાથી તેઓ શ્રમનું મહત્ત્વ સમજશે.

– જો તેઓ તમને રસોઈમાં મદદ કરવા માગતા હોય તો તેમને તેમ કરવા દો. તે માટે તેમને સરળ કામ આપો જેમ કે તમને રસોઈ બનાવવા માટે વસ્તુઓ અંબાવવી. સાદુ કામ જેમ કે સલાડ બનાવવું વિગેરે વિગેરે. તેમ કરવાથી તેઓ ઘરની નજીક આવશે. ઘર સાથે એક મજબુત સંબંધ કેળવશે.

– વેકેશનમાં ભલે ભણવાની પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી હોય તેમ છતાં તેમને દિવસમાં ઇંગ્લીશ, હિંદી અને ગુજરાતીના પાંચ નવા શબ્દો તો ચોક્કસ શીખવજો. તેમ કરવાથી તેમનું શબ્દ ભંડોળ વધશે. અને તેઓ પોતાની જાતને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરી શકશે.

– તેમને ઘરમાં ગોંધી ન રાખશો. તડકો હોય તો તમે તેને પોતાના પાડોશી મિત્રને ત્યાં રમવા જવા દો. તેમ કરવાથી તે સામાજિક બનશે.

– જો સંયુક્ત કુટુંબમાં ન રહેતા હોવ. દાદા-દાદી, નાના-નાની સાથે ન રહેતા હોવ તેઓ દૂર રહેતા હોય તો તેમની પાસે થોડા દિવસ માટે બાળકોને રહેવા મોકલી દો. તે રીતે બાળકો મોટાઓને માન આપતા શીખશે તેમજ પોતાના વડીલોનો પ્રેમ પામશે અને વડીલોનું મન પણ પ્રસન્ન રહેશે. બની શકે તો તેમની સાથે સેલ્ફી ખેંચાવો.

– વેકેશનમાં એકવાર તમારે તમારા બાળકોને તમારા વ્યવસાય, નોકરી, ધંધાની જગ્યાએ લઈ જવા જોઈએ. જેથી કરીને તેઓ જાણે કે તમે કુટુંબના ઉછેર માટે કેટલો પ્રરિશ્રમ કરો છો.

– સ્થાનિક ઉત્સવતો, તહેવારો, ઉજવણી, મેળાઓમાં તેમને લઈ જાઓ. તેમ કરવાથી તેઓ તેનું મહત્ત્વ સમજશે. તેમના બાળપણની એક મીઠી યાદ બંધાશે. જેને તેઓ જીવન ભર વાગોળ્યા કરશે.

– વેકેશન દરમિયા તેમની પાસે આ એક કામ તો ચોક્કસ કરાવજો. તેમની પાસે એક વૃક્ષ ચોક્કસ રોપાવજો. તેમ કરવાથી તે પ્રકૃતિનું મહત્વ સમજશે. અને થોડા વર્ષો બાદ પોતાના વાવેલા વૃક્ષને મોટું થયેલું જોઈ તેને પોતાના પર ગર્વ થશે.

– નવરાશના સમયે માતાપિતાએ પોતાના બાળપણના રમુજી પ્રસંગો બાળકો સાથે શેયર કરવા જોઈએ. પોતાના કુટુંબનો ઇતિહાસ શેયર કરવો જોઈએ. તેમ કરવાથી તે પોતાની જાતને કુટુંબ સાથે જોડાયેલા અનુભવશે.

– તેને બહાર રમવા દેજો. તેને ધૂળમાં રમતા રોકશો નહીં. તેમ કરવાથી તેને પોતાની માટી પ્રત્યે એક અલગ જ લાગણી બંધાશે.

– તેને નવા નવા મિત્રો બનાવવા માટે પ્રેરજો.

– જો નવરાશ મળે તો તેમને એક વાર હોસ્પિટલ, અનાથઆશ્રમ, વૃદ્ધાશ્રમ, વિગેરેની મુલાકાત કરાવજો.

– માત્ર વેકેશન દરમિયાન જ નહીં પણ ચાલુ શાળાએ પણ તેમની દીન ચર્યામાં થોડી કસરતોનો સમાવેશ ચોક્કસ કરજો. તેમ કરવાથી તેમનું સ્વાસ્થ્ય તો સુધરશે જ પણ તેમ કરવાથી તેમનામાં થોડું અનુસાશન પણ આવશે અને તેઓ કસરતનું મહત્ત્વ પણ સમજશે.

– આજના જમાનામાં બાળકોને મોબાઈલ વિષે કંઈ ખબર ન હોય તેવું બને જ નહીં. તેમ છતાં તેમને આધુનિક ટેક્નોલોજીના સારા-નરસા બન્ને પાસાઓ વિષે માહિતગાર કરજો.

– તેને નવી નવી રમતોનો પરિચય કરાવો. આધુનિક રમતો કરતાં તેને પોતાના બાળપણની રમતો જેમ કે ગીલ્લી ડંડો, સતોલીયા, દોડ પકડ વિગેરે રમતો શીખવજો. તેમની સાથે રમજો.

– પોતાના સંબંધીઓ જેમ કે મામા-ફઈના ઘરે થોડા દિવસ સમય ગાળવા ચોક્કસ મોકલો. તેમ કરવાથી તે કુટુંબના સભ્યો જોડે લાગણીના તાંતણે બંધાશે. એકબીજાની લાગણીઓને સમજતા તેમજ માન આપતા થશે.

Kid Read Holiday Book Children Reading Christmas

– વેકેશનમાં બાળકો બને ત્યાં સુધી મોબાઈલ-ટીવીથી દૂર રહે તેમ કરવું. તેમની પાસે કોમિક્સ, અથવા તો કોઈ સાહસ કથાઓ, ઇતિહાસલક્ષી વાર્તાઓ વિગેરે વંચાવવાનું રાખો. તેમ કરવાથી તેઓ મોબાઈલ-ટીવી બહારની દુનિયાને જાણશે. અને વાંચનની ખાસ વાત એ કે વિવિધ વાંચન દ્વારા બાળકોની કલ્પનાશક્તિ વિકસે છે. જે તેમના જીવનના વિકાસ માટે ખુબ જ ઉપયોગી છે.

– નવરાશના સમયે ક્યાંય ફરવાનું આયોજન કરો તો તેમાં તમે જ્યાં બાળપણ પસાર કર્યું હતું તે જગ્યાની મુલાકાત ચોક્કસ કરાવો. અને તે સાથે જોડાયેલી વિવિધ વાતો પણ જણાવો.

– તેમને રમતા ન અટકાવો. ચિંતા ન કરો કે તેઓ દોડશે તો પડી જશે અને વાગશે. તેમને દોડવા દો, પડવા દો, જાતે ઉભા થવા દો. તેમને ઝાડ પર ચડવા દો. બસ નિર્દોશ મજા માણવા દો.

બસ આટલું ધ્યાનોમાં રાખી બાળકોને નિર્દોશ રીતે પોતાનું વેકેશન ગાળવા દો. તેના દરેક વેકેશનને યાદગાર બનાવો. જેથી કરીને મોટા થઈને તેઓ પોતાના બાળપણના પ્રસંગને વાગોળે રાખે. અને પોતાના બાળકોને પણ તે વિષે વટથી જણાવે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ