જલ્સા કરોને જેંતીલાલ

ઉતરન – પતિ પણ ઉતરન, દિકરી પણ ઉતરન અરે એક સાડી પણ નથી મારી પોતાની… લાગણીસભર વાર્તા…

કોઇ અંતરની હકીકતની ન હોય ચચાઁ,

બહુ થઇ જાય તો પાંપણને પલાળી લઇએ.

“આ લે.. તું કાલે બળાપો કરતી હતીને કે લગ્નમાં પહેરવા માટે તારી પાસે સાડી નથી.. તો આજે તારા માટે સાડી લઇ આવ્યો..” કાંતિભાઇએ સાયકલ ફળિયામાં મુકીને સાયકલમાં ભરાવેલી થેલી પત્ની લીલાબેનને આપતાઈ કહ્યુ. લીલાબેનના ચહેરા પર એક ક્ષણ ચમક આવી ગઇ, પણ બીજી ક્ષણે થેલી ખોલી એટલે ચહેરા પરની ચમક ઊડી ગઇ. થેલીને સાઇડમાં મુકતા બોલી, “એટલે પાછી કોઇની ઉતરેલી સાડી જ લઇ આવ્યા એમ ને ?”


“અરે.. ઉતરેલી થોડી છે ? મારા શેઠાણીએ બે વાર જ પહેરી છે. આ મોટા માણસોનું આવું જ હોય… બે-ત્રણ વાર પહેયાઁ પછી તે કપડા જુના થઇ જાય.. આપણે તો બઘુ ચાલે.. જોજે ને આ સાડીમાં તારો વટ પડી જશે.” કાંતિભાઇએ બચાવ કયોઁ. “નથી પાડવો મારે ઉતરેલી સાડીમાં વટ.. સાદી સાડી હશે તો પણ ચાલશે.. પણ નવી જોઇએ. આખી જિંદગી કાઢી નાખી ઉતરન પર..” લીલાના શબ્દોમાં કડવાશ સાથે દુ:ખ હતું.”મમ્મી. તું ગુસ્સો ન કર.. આવું શું કામ બોલે છે? ” ઓફિસેથી હમણાં જ આવેલી જલ્પાએ મમ્મીને શાંત કરવા કહ્યુ.


“તું તો બોલતી જ નહી.. મારી જિંદગીમાં ઉતરનની શરુઆત જ તારાથી થઇ છે… પતિ ઉતરન…દીકરી ઉતરન.. કપડાં , વાસણ, ઘરવખરી બઘું જ ઉતરન.. બીજાનુ વાપરેલુ જ મને મળ્યુ છે..” લીલાબેનનો ગુસ્સો વઘારે ઉછળી ગયો. “જલ્પા બેટા.. તું ન બોલ.. જા તું અંદર જતી રહે” કાંતિભાઇએ જલ્પાને સલાહ આપી. જલ્પા નિસાસો નાખીને ઘરમાં જતી રહી. પછીના બે કલાક સુઘી લીલાબેનનો બડબડાટ ચાલુ રહ્યો.

આવું તો ઘરમાં ઘણીવાર થતું. બીજીવારની પત્ની તરીકે લીલાબેન ઘરમાં આવ્યા ત્યારે કાંતિભાઇ અને તેમની ત્રણ મહિનાની દીકરી જલ્પા બે જ હતા. કાંતિભાઇની પહેલી પત્ની જલ્પાને જન્મ આપીને ગુજરી ગઇ હતી. કાંતિભાઇ જન્મેલી દીકરીને કેમ સાચવશે? એ સવાલ કાંતિભાઇ કરતા તેના સગાસંબંઘીઓને વઘારે સતાવતો હતો.. અને સગાસંબંઘીઓએ જાત મહેનતથી લીલાને કાંતિભાઇ માટે શોધી લીઘી.


લીલા… ગરીબ મા-બાપના ઘરમાં જન્મેલી અપ્સરા જેવી યુવતી હતી. દેખાવમાં સુંદર. વાણી-વતઁનમાં પણ સાલસ. કામકાજમાં હોશિયાર. બસ દોષ એટલો કે તેના મા-બાપ ગરીબ હતાં..ગામડામાં રહેતા હતા. ગરીબ એટલે સવારે ખાઘુ હોય તો સાંજે મળશે કે નહી તે ચિંતા રહે એટલા ગરીબ.. લીલા ગરીબ હતી પણ તેના સપના મોટા હતા.. ઘરના તૂટેલા અરીસામાં પોતાની જાતને જોતી ત્યારે પોતે જ પોતાની સુંદરતા પર મોહી જતી. સુંદર-ધનવાન યુવાન સાથે લગ્ન કરવાના તેના અરમાન હતાં.. પણ ઘારેલું કયાં થાય છે?? નસીબમાં કંઇક બીજુ જ હતું. તેના સપના પૂરા કરી શકે તેવો રાજકુમાર તો કયાંથી મળે?


સુંદર ધનવાન યુવાનના મા-બાપને ગરીબ કન્યા કયાંથી પસંદ પડે.? અને કાંતિભાઇ માટે બીજી પત્ની શોધતા સગાસંબંધીની નજરમાં લીલા વસી ગઇ. લીલાના મા-બાપ પાસે માગુ નાખ્યુ. તેના મા-બાપે નસીબમાં હોય તે મળે એમ સમજીને સ્વીકારી લીઘુ. અને લીલાને પણ સમજાવી દીધી કે ગરીબ કન્યાના માથે છત અને પુરુષના નામનો સહારો જોઇએ.. પહેલીવારનો કે બીજીવારનો વર એવી વાતમાં ન પડાય.. અને કાંતિભાઇના ઘરમાં તો તે અને જલ્પા સિવાય બીજું કોઇ છે જ નહી.. સાસુ-સસરા-નણંદની ખટપટ જ નથી… જેમતેમ કરીને લીલાને સમજાવીને લગ્ન કરાવી દીધા.

લગ્નની પહેલી રાત્રે અનેક અરમાનો લઇને બેઠેલી લીલાના અરમાન સળગી ગયા. કાંતિ રૂમમાં આવ્યો અને ત્રણ મહિનાની જલ્પા લીલાના ખોળામાં મુકતા બોલ્યો, ” લે.. હવેથી તું આની મા અને આ તારી દીકરી.. મને નહી સંભાળે તો ચાલશે પણ મારી જલ્પાને સંભાળી લેજે”


લીલાને આમ પણ કાંતિ ગમતો ન હતો. અનાજ કરિયાણાની દુકાનમાં નોકરી કરતો કાંતિ કોથળા ઉપાડીને પોતે જ કોથળા જેવો થઇ ગયો હતો. ઓછી હાઇટ, માથે ટાલ, વઘી ગયેલું પેટ, અને તેલ મસાલાથી ગંઘાતા કપડાં… લીલાને કયારેય તેના પર પ્રેમ ન આવ્યો. પતિ-પત્નીના સંબંઘમાં કયાંય રોમાન્સ ન હતો.. બસ રૂટીન ક્રિયાની જેમ બઘુ ચાલતું . લીલાએ પોતાની ઇચ્છાઓ મારી નાખી. જિંદગી સ્વીકારી લીઘી… બસ એક જલ્પાને ન સ્વીકારી શકી. સાવકી મા બનીને જ રહી. જલ્પાએ પોતાની સગી મા તો જોઇ જ ન હતી.. તે તો લીલાને જ મા માનતી, મમ્મી કહેતી, પણ લીલાએ કયારેય તેને બેટા કહ્યુ ન હતું.


કાંતિભાઇની આથિઁક સ્થિતિ પણ બહુ સારી ન હતી. ખાવા-પીવાની ચિંતા ન રહેતી … પણ મોજશોખ માટે રૂપિયા ન હતાં. તેમાં પણ તે જે દુકાનમાં નોકરી કરતા હતા તે દુકાનના માલિકની પત્ની થોડાથોડા દિવસે પોતાની ઉતરેલી સાડી લીલાબેન માટે મોકલતી. અને કાંતિભાઇને લીલાબેન માટે નવી સાડી લેવાની જરૂર કયારેય જણાય જ ન હતી. લીલાબેનનું આખું જીવન ઉતરેલા કપડાથી જ વીતી ગયુ.

લીલાબેનનો બઘો ગુસ્સો જલ્પા પર ઉતરતો. નાની જલ્પાને કયારેય સમજાતું નહી કે મમ્મી તેના પર ગુસ્સો શું કામ કરે છે ? , પણ જેમ જેમ મોટી થતી ગઇ તેમ તેમ તેને સમજાતું ગયું, પણ તેને કયારેય મમ્મી પર ગુસ્સો ન આવતો. તે સમજતી હતી કે એક યુવાન છોકરીને એક દીકરીના બાપ સાથે લગ્ન કરવા એ કેટલું અઘરૂં છે. તે વિચારતી કે ભલેને ગુસ્સામાં તો ગુસ્સામાં પણ પોતે નાની હશે અને રાત્રે રડતી હશે ત્યારે મમ્મી જ જાગતી હશે ને ? પોતાનું બઘું કામ મમ્મીએ જ કયુઁ હશે ને? આ વિચારે તેને લીલાબેન પ્રત્યે વધુ પ્રેમ આવતો. પણ લીલાબેન તેને કયારેય બેટા ન કહેતા.


બીજા દિવસે સવારે લીલાબેન શાંત હતાં. જલ્પા તૈયાર થઇને નોકરીએ જવા નીકળી ત્યારે કહ્યુ કે આજે ઓફીસમાં કામ છે તો આવતા મોડું થશે, અને તેની આ વાત પર લીલાબેનની રેકોઁડ પાછી ચાલુ થઇ ગઇ…”આ સારું.. ઘરનું કામ કરવાની ચિંતા નહીં.. કામનું બહાનું કરીને કયાં જાય છે કોને ખબર… જુવાન દીકરી છે.. કંઇક થશે તો વાંક તો મારો જ આવશે કે સાવકી મા એ સાચવી નહી. મહિનાથી નોકરીનું ભૂત ચડયુ છે” જેવા વાકયો તેમની ટેપરેકોડઁમાંથી કાંતિભાઇ સાંભળતા રહ્યા. તે કંઇ બોલ્યા વગર દુકાન ચાલ્યા ગયા.


સાંજના સાડાસાત વાગી ગયા. રોજ સાડા છ એ ઘરે આવી જતી જલ્પા હજી આવી ન હતી. લીલાબેન ફળિયામાં આંટા મારતા હતાં. આઠ વાગ્યે જલ્પા આવી. તે હજી ઘરમાં પગ મુકે ત્યાં લીલાબેન તાડુકયા… “કયાં હતી? ઓફિસનું તો બહાનુ હતુ ને?” જલ્પાએ હસીને મમ્મીનો હાથ પકડયો. અને પોતાની બાજુમાં બેસાડીને કહ્યું, “હા બહાનું હતું.. તું મારી મમ્મી છો ને.. એટલે તને ખબર પડી જ જાય” એમ કહીને એક પેકેટ લીલાબેનના હાથમાં મુકયું.


લીલાબેને પેકેટ ખોલ્યુ તો અંદર એક તેમને ગમતા લાલ રંગની સુંદર વકઁવાળી સાડી હતી. લીલાબેન ઘડીકમાં જલ્પા સામે તો ઘડીકમાં સાડી સામે જોઇ રહ્યા. જલ્પા બોલી, “મમ્મી.. તારા માટે જ છે.. એકદમ નવી.. કોઇએ હાથ પણ નથી અડાડયો.. મમ્મી આ ઉતરન નથી …. મારો પહેલો પગાર આવ્યો છે તો તારા માટે જ લાવી છું… તને ગમી ને ??” અને લીલાબેન , ” હા.. બેટા.. ગમી..” કહીને આટલા વષોઁમાં પહેલીવાર જલ્પાને ગળે લગાડી દીધી…. બન્ને આંખમાં આંસુ હતા..

લેખક : દિપા સોની “સોનુ”

Exit mobile version