ભગવાનની પૂજામાં જો તમે યોગ્ય ફૂલોનો ઉપયોગ કરશો તો ઈશ્વરની રહેશે કૃપાદ્રષ્ટી…

રંગબેરંગી ફૂલ કોઈપણ વ્યક્તિનું મન મોહી શકે છે. ફૂલની સુંદરતા અને સુગંધ મનને પ્રફુલ્લિત કરી દે છે. ફૂલ પવિત્ર પણ ગણાય છે તેથી જ શુભ પ્રસંગે તેનો ઉપયોગ થાય છે અને ભગવાનના મસ્તક પર પણ તેને ચઢાવી શકાય છે. જો કે ફૂલનો ઉપયોગ પણ નિયમાનુસાર જ કરવામાં આવે છે. કારણ કે ભગવાનને બધા જ ફૂલ ચઢાવી શકાતા નથી. ભગવાનને ખાસ પ્રકારના ફૂલ જ ચઢાવી શકાય છે.

ભગવાનને જે ફૂલ પ્રિય હોય છે તે જ તેને ચઢાવવા જોઈએ. તો જાણી લો કે કયા ભગવાનને કયા ફૂલ ચઢાવવા જોઈએ. ફૂલનો ઉપયોગ સમજી વિચારીને કરવાથી ભગવાનની કૃપાદ્રષ્ટિ જાતક પર બની રહે છે. તહેવારના દિવસોમાં માર્કેટમાં સૌથી વધારે જોવા મળે છે ગલગોટાના પીળા ફૂલ. આ ફૂલ ભગવાન વિષ્ણુને પ્રિય છે. તેમની પૂજામાં પીળા ગલગોટાના ફૂલનો ઉપયોગ કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે અને જાતકે કરેલી પૂજાનો સ્વીકાર પણ થાય છે.
આ ફૂલ બાદ ક્રમ આવે છે ગુલાબના ફૂલનો. ગુલાબના ફૂલ ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય છે. જે જાતકને પ્રેમ, શક્તિ, ધન, સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તેમણે શ્રીકૃષ્ણની પૂજા રોજ કરવી અને તેમાં ગુલાબના ફૂલનો ઉપયોગ પણ કરવો. મનોકામના ઝડપથી પૂર્ણ થશે.માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી વાસ કરે તેવી ઈચ્છા કોની ન હોય? આ ઈચ્છા પૂરી કરવા માટે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમાં કમળના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ.

રોજ લક્ષ્મીજીને કમળનું ફૂલ ચઢાવવાથી જીવનમાં ધનની ખામી રહેતી નથી.ભક્તની દરેક મનોકામના ભોળાનાથ પળવારમાં પૂરી કરી શકે છે. તેના માટે જરૂરી છે ભોળાનાથને પ્રસન્ન કરવા માત્રની. ભોળાનાથ એકવાર પ્રસન્ન થઈ જાય પછી ભક્તની કોઈ ઈચ્છા અધુરી રહેતી નથી. શિવજીને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે તેમનો જળાભિષેક કરવો અને તેમને ધતૂરાનું ફૂલ ચઢાવવું.

આ રીતે ફૂલનો ઉપયોગ ભગવાનની પૂજામાં કરવાથી લાભ ઝડપથી થશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ સવારમાં આવી અનેક ધાર્મિક વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.