ઊની કપડાંની યોગ્યરીતે માવજત કરવાથી સાચવી શકશો વર્ષોવરસ…

ઊની કપડાંની યોગ્યરીતે માવજત કરવાથી સાચવી શકશો વર્ષોવરસ…

શિયાળાએ ધીમેધીમે પગરવ કર્યો છે ત્યારે સવારના પહેલા પહોરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઘરના એક ખૂણામાં ગોઠવેલ ધાબળા, ગોદડાં અને કબાટમાં છેક ઉપરના ખાનામાં મૂકી રાખેલ શિયાળુ કપડાંઓ બહાર કાઢીને વાપરવાની ઇચ્છા થઈ આવે છે. એવા સમયે આખું વર્ષ સાચવી રાખેલ ઊની કપડાં, શાલ, સ્વેટર અને મોજા – સ્કાર્ફ જેવી મોંઘી વસ્તુઓને સાચવીને સાફ કરીને ફરીથી વાપરવાની શરુઆત કરાય છે.

ગયા વર્ષે સાચવીને રાખેલ ગરમ કપડાં ફરી કાઢીને ઉપયોગમાં લેવાનો સમય આવ્યો છે ત્યારે એની સાચવણી એ રીતે કરવી જોઈએ જેથી શિયાળાની ઋતુ પૂરી થયા બાદ એજ બધાં કપડાંને વ્યવસ્થિત રીતે ફરીથી માવજત કરીને રાખી મૂકી શકાય.

૧ ગરમ કપડાં ભીના ન થાય તે જોવું જોઈએઃ

ઊની કપડાંને હંમેશાં ભીની કે ભેજવાળી જગ્યાએ ન રાખવું જોઈએ. ક્યારેય ઊની કપડાંને બાથરૂમમાં ઉતારીને ન રાખવાં જોઈએ. અથવા જો તેના પર પાણી કે અન્ય પ્રવાહી પડી જાય તો તરત જ સુકાવવા સૂર્યપ્રકાશવાળી કે હવાની અવરજવર થતી હોય એવી જગ્યાએ રાખવું જોઈએ.

૨ શેમાં ગોઠવો છો એ જગ્યાની સ્વચ્છતા રાખવીઃ

જે બેગ કે કબાટના ખાનામાં ગોઠવો છો તે જગ્યાની સ્વચ્છતા વિશે સભાનતાપૂર્વક કાળજી રાખવી જોઈએ. એ બેગ, અટેચી કે કબાટમાં હવાની અવરજવર હોય, ભેજ રહિતનું હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમાં ઊની કપડાં ગોઠવવા પહેલાં સારી ગુણવત્તાવાળાં અખબાર પાથરવા જોઈએ. આજકાલ તો પ્લાસ્ટિક મેટ પણ ઉત્તમ ક્વોલિટીની મળે છે. આ સિવાય ઝીપબેગમાં પણ ગોઠવીને કબાટ કે બેગમાં રાખી શકો છો. તેની અંદર ફિનાઈલ કે નેપ્થિલિન બોલ્સને સાદાં રુમાલ કે સુતરાઉ કપડાંમાં કે છાપાંમાં વીંટાળીને મૂકવા જોઈએ. જેથી તે લાંબો સમય સચવાય અને જીવાત ન પડે.

૩ ગરમ કપડાં ધોતી વખતે કાળજી રાખવીઃ

ઊની કપડાં અને ગરમ શાલ – ચાદરોને ધોવા માટે સારી ક્વોલિટીનો લિક્વીડ ડિટર્જન્ટ વાપરવો જોઈએ. આ સિવાય જો ઊની કે ગરમ કપડાં જો ફરવાળાં હોય તો તેને મુલાયમ બ્રશથી સાફ કરવાં જોઈએ. એ વાત ધ્યાનમાં રહે કે શિયાળુ કપડાંને વોશિંગ મશીનમાં સામાન્ય કપડાંની જેમ ધોવા ન જોઈએ. સામાન્ય રીતે ગરમ કપડાંના રુંવાડાં ખૂબ જ નાજૂક હોય છે જેને ઠંડા પાણીમાં જ ધોવા જોઈએ. પરંતુ ખૂબ ગંદાં થઈ ગયાં હોય તો માફકસરના ગરમ પાણીમાં બોળીને ધોવું જોઈએ.

૪ ભેજ વગરની જગ્યાએ રાખવું જોઈએઃ

ભેજ એ ગરમ કપડાંનો સૌથી પહેલો દુશ્મન છે. જો ગરમ કપડાંમાં ભેજ ઉત્પન્ન થશે તો તેમાં કાંણાં પડવાની શક્યતા છે. આ સિવાય ભેજવાળાં ગરમ કપડાંમાં જીણી જીવાત અને કિટાણુંઓ ઘૂસી જાય છે અને તેમાં ફંગસ આવી જાય છે. ભેજયુક્ત ગરમ કપડાંમાં ખાસ પ્રકારની દૂર્ગંધ પણ આવવા લાગે છે જે પહેરતી વખતે બીલકુલ સ્વાસ્થ્યપ્રદ નથી.

૫ ડાઘ પડ્યો હોય તો સાફ કરવાઃ

ઊનના કપડાં પર જો ધૂળ માટીવાળાં થયાં હોય, કોઈ તેલ કે અન્ય ડાઘા પડે તો તેને તરત જ સાફ કરવા માટે પ્રયત્ન કરી લેવા જોઈએ. મુલાયમ બ્રશથી કે નવશેકાં પાણીમાં ડાઘને પલાળીને બંને હાથથી ઘશીને સાફ કરવું જોઈએ. જો ડાઘ વધારે હોય તો આછા ગરમ પાણીમાં સ્પિરિટ ઉમેરીને ડાઘા ઊપર ઘસવું જોઈએ.

૬ ઇસ્ત્રી કરતી વખતે કાળજી રાખવીઃ

ગરમ કપડાંમાં પણ સળ પડી જાય છે. ઓફિસ પહેરી જવાના કે પ્રસંગોપાત પહેરવાના ઊની કપડાંને ઇસ્ત્રી કરવી પડે છે. જેથી તે ચમકદાર લાગે અને તેનું કડકપણું જળવાઈ રહે. ઇસ્રી કરતી વખતે ધ્યાન રાખવું કે લોખંડની કે સ્ટીલની ઇસ્ત્રીનો ઉપયોગ ન કરવો જોઈએ. છતાંય કરવો પડે તો તેની ઉપર સુતરાઉ કાપડ રાખીને ગરમ કપડાં પર હળવે હાથે ઇસ્ત્રી કરવી જોઈએ. સામાન્ય રીતે સ્ટીમ આયર્ન સૌથી વધારે સલાહભર્યું છે.

લેખન.સંકલન : જલ્સા કરોને જેંતિલાલ ટીમ