ઊંઘણશી હિલ્લી – સમય ને સંજોગો માણસને કેવામાંથી કેવો બનાવી નાખે છે! લાગણીસભર વાર્તા…

ધારપુરની એ સરકારી હોસ્પિટલમાં એક સબંધીની ખબર પૂછવા જવાનું થયું. જેવો દરવાજો વટાવી આગળ વધ્યો તો એક અવાજ સંભળાયો. ” કેશ ચ્યાં કઢાવવાનો ભયા. ” એ મારા સામું તાકીને પૂછી રહી હતી. હું થોડી વાર તેના સામું જોઈ રહ્યો. એ પણ એકજ નજરે મારા સામું જોઈ રહી. ” મને લાગે છે કે મેં તમને ચ્યોક જોયેલા છે ભયા! ” એ અચકાતી અચકાતી બોલી.

” અરે ! તું હિરલ…હિરી તો નઇ ? ” મને ચોક્કસ થતું ના હતું એટલે ખાતરી કરવા પૂછ્યું. ” હોવે ભયા… ! મનેય ઓળખાણ ના પડી. પણ એમ લાગે સે તમે સો જેહડા, મારા પિયરના સો ? હા… હા…તે તમે કિશોરભઈને?” એ ખુશ થતાં બોલી ” ચેટલા વરહે જોયા તમને.”

image source

એણે થોડી લાચ (ઘૂંઘટ) ખેંચી બાંકડા પર હાંફતાં હાંફતાં બેઠેલા પુરુષ સામો ઈશારો કરતાં બોલી, ” ઘણા સમયથી એમનું શરીર હારુ રે’તું નથી તે આ દવાખાને દેખાડવા લઇ આવીસુ ભયા. મને કેશ કઢાવી આપોને.” ” થોડી વાર રે હિરી હું આવુ છું. પછી આપણે એમનો કેશ કઢાવી ડોક્ટરને મળીએ ” એમ કહી હું મારા સબંધીની ખબર કાઢવા ગયો.

વળતાં આવી મેં હિરીના ઘરવાળાનો કેશ કઢાવવામાં મદદ કરી. ખુબજ નંખાઈ ગયેલું શરીર ને ધગધગતો તાવ. ડોક્ટરે એને તપાસી ઇનડોર પેશન્ટ તરીકે દાખલ કર્યો. પુરુષોના એ વોર્ડમાં એની પ્રાથમિક સારવાર ચાલુ થઈ. ” સારું થાજો કિશોરભઇ તમારું તે તમે મળી ગયા મને તો બળયુ કાંઈ હુઝ પડતી ના હતી. ” એ સ્ટુલ પર બેસતાં બોલી. એની સાથે બીજું કોઈ હતું નહીં ને એના ઘરવાળાને બાટલો ચડતો હતો. એટલે હું પણ તેને મદદ કરવાના ઇરાદે બેઠો.

image source

પચીસ-ત્રીસ વરસ પહેલાનો ભૂતકાળ ફિલ્મના દ્રષ્યની જેમ મારી નજર સમક્ષ ખડો થઈ ગયો. આ એજ હિરી, જેને અમે હિલ્લી કહેતા તે બાંધલીયા કૂવે એની બૈ ( મમ્મી) જોડે નાવા આવતી. નવડાવ્યા પછી એની બૈ કપડાં પહેરાવે તો એ દૂર ભાગી જતી. કેટલું સમજાવે પછી માંડ એ ચડ્ડી-પોલકું પહેરતી. મોડે સુધી ઊંઘી રહેવવાની એની આદતતો લગ્ન થયાં ત્યાં સુધી રહેલી.

થોડી મોટી થઈ કિશોર અવસ્થામાં આવી તોય હિલ્લી છોકરીઓ કરતાં છોકરા ભેગી વધુ રમતી. લખોટી, ભમરડો કે ગિલ્લી દંડામાં એ હોય જ. અમે પાંચ-સાત છોકરા વચ્ચે એ એકજ છોકરી. હિરી અમારા ભેગી રમતી હોયને અમારી ટોળીની બાજુમાંથી ક્યારેક ગામની બીજી કોઈ સ્ત્રી નીકળે તો અચૂક એને ટોકે, ” લાજ લાજ મુઈ હવે તો ઘરડી થઈ તોય છોકરા ભેગું રમવાનું ભૂલતી નથી.?”

image source

એ વખતે આ હિલ્લી ટોકનાર સામે દાંડીઓ ઉગામી ખીસીયું કરતી. ભેરુ પાડવાના આવે ને જો હિલ્લી મારી ટીમમાં આવી જાય તો ઘણી ખુશ થઈ જતી. લંગડીમાં જ્યારે એ દાવ લેવા ઉતરે ત્યારે બે-ત્રણ છોકરાને આઉટ કરીનેજ આવે. આથી હિલ્લી જેની ભેરુ થાય એ ખુશ થઈ જતા. ગામમાં પાછી ત્રણ-ચાર હિરી નામની છોકરીઓ તો આને ઊંઘવા બહુ જોવે એથી એનું નામ પડી ગયેલુ *ઊંઘણશી હિલ્લી*કોઈ વળી એને *અડધા મગજની હિલ્લી* કહેતા.

ગામમાં દર વર્ષે બહુરૂપી આવે. આ બહુરૂપીનો ઉતારો કુંભારવાસમાં હોય. બાબુ બહુરૂપી શાનો ખેલ કાઢશે તે જાણવાની અમને તાલાવેલી લાગી પડી હોય. એક નાની દીવાલ પર ચડી ગામની વેજાનું ટોળું બેઠું બેઠું બાબુળો બહુરૂપી તૈયાર થતો હતો તે દૂરથી જોતું હતું.

image source

” આજતો શંકર-પાર્વતીનો ખેલ પડશે બોલ ” ” અરે જોતો ખરો એ પૂંછડી જેવું દેખાય, હનમાનજીનો ખેલ પડશે બોલ ” આમ ચડશાચડશી ચાલતી હતી ને હિલ્લી આવી. ” લાય હિલ્લી તારો હાથ પકડું ઉપર આવી જા, જોવાની મજા આવે શે.” મેં એને મદદ કરવાની તૈયારી બતાવતાં કહ્યું, તો એ બોલી, ” જા..જા… મારો હાથ પકડવાવાળો તું કોણ ? મારી બા કહેતી હતી કે, મારો હાથ તો મારો વર જ પકડી શકે.” એ કરડામણી નજર કરી બોલી હતી.

” તને એમ હોય તો મારી આંગળી પકડીને આવી જા ઉપર લે.” આંગળી લાંબી કરતાં મેં કહ્યું. એ વખતે એણે મારી આંગળી પકડી એવી મરડી હતી કે હું રાડ નાખી ગયેલો. બીજા દિવસે મારી આંગળીએ સોજો આવેલો એટલે મારી બાએ આંગળી પર પાટો બાંધ્યો હતો. નિશાળની રિશેસમાં એ મારી પાસે આવી બોલી, ” ચમ કિશલા, શું થયું તે પાટો બાંધ્યો સે ?”

image source

” જા..!જા…! ચમ…ની માસી…! એક તો તેં કાલ આંગળી મરડી હતી ને ઉપરથી પૂછે સે કે….” હું પૂરું બોલું એ પહેલાં તો એણે મારો હાથ તેના હાથમાં લઈ અંગળીનો પાટો જોવા લાગી, ને થોડી વારમાં તો તેની આંખોમાંથી પાટા પર ટપ.. ટપ આંશુ પડવા લાગ્યાં.

ચોમાસુ આવે એટલે બારૈયા તળાવનાં જાબૂં અમને અચૂક યાદ આવે. એક વખતની વાત બારૈયું તળાવ હેકડેઠઠ ભરાયેલું. અમારી ટુકડી ઉપડી નાહવા. એ વખતે તો હિલ્લી અમારા ભેગી ના હતી પણ તળાવના આરે ઊભેલાં ચાર-પાંચ જાબૂંના ઝાડ પર અમે જાબૂં ખાવા ચડયા તો ખબર નઇ એ ક્યાંથી આવી ગઈ.

image source

કાળાં ભમમર , મીઠાં મધ જેવાં જાબૂં તોડી તોડી અમે ખિસ્સામાં ભરતા. આ ઝાડની એક ડાળ એવી પાતળી હતી કે તેના પર કોઈ જાવાની હિંમત ના કરે. એ ડાળ પર ઝૂમખાબંધ જાબૂં આવેલાં. હિલ્લીતો સીધીજ ગઈ એ ડાળ પર. હુંએ એની પાછળ પાછળ એ ડાળ પર ગયો. ” એ કિશલા રે’વા દે ના આવીશ ના..આવીશ જોખમ છે ! ” એ બુમો પાડતી રહીને હું તો પહોંચી ગયો એની લગો લગ.

એમાં ડાળ તૂટીને આથી હું, હિલ્લી ને ડાળ ભફાંગ કરતાં પડયાં જમીન પર. હિલ્લી તો કપડાં ખંખેરી ઊભી થઈ ગઈ, પણ મારાથી ઊભું થવાયું નહીં. મને પગે બહુ વાગ્યું હતું. હું તો બુમો પાડવા લાગ્યો. બીજા છોકરા ટપો ટપ જાબૂં પરથી ઉતરી થઈ ગયા ઘર ભેગા. હિલ્લી મને ખેંચીને લઇ ગઈ પાણીના આરામાં. ત્યાં જઇ તેણે મારા પગ પર પાણી છંટયું. પછી તેનો ખભો પકડાવી તે મને મારા ઘરે મુકવા આવી હતી.

image source

ક્યાં એ ઉછળતી કૂદતી હિલ્લી ને ક્યાં આજ મારી સામે ધીર ગંભીર થઈને બેઠેલી હિરી. મન માનવા તૈયાર ના હતું. કેટલી નિર્દોષને કેટલી ભોળી. બહુ મોટી ઉંમર સુધી એનામાંથી છોકરમત ગયેલી નહીં. મેં સાંભળેલું કે સાસરે ગયા પછીએ એને ક્યારેક ભમરડો ફેરવવાનો કે મોઇ-દાંડીયો રમવાનો અભરખો જાગતો. મોડે સુધી ઊંઘવાની એની ટેવ તો કહેવાતું કે બે છોકરાંની મા થઈ તોય ગઈ ના હતી.

આ ઊંઘણશી હિલ્લી માટે એક વાત વહેતી થયેલી એ મને ઘણી વખત યાદ આવે. એક ચર્ચાયેલી વાત એવી હતી કે, આ હિલ્લી પહેલી ડિલેવરી વખતે પિયરમાં આવેલી ત્યારે એની બૈ (મા) ને એણે કિધેલું, ” બૈ… બૈ.. હું ઊંઘી જાઉં ને મને કાંઈ નાનું આવે ત્યારે મને જગાડજે ”

image source

” અરે સુઈ જા મારી દીકરી, તને જ્યારે વેણ ઉપડસે ને…એ વખતે તો અમે તને શું જગાડવાનાં ! તું જ અડધા ગામને જગાડીશ.” એની બૈ એ હસતાં આવો જવાબ આપેલો. કારણ ગામડામાં કોઈને સ્ત્રીને ડિલેવરી થવાની હોય ત્યારે ગામની કેટલીએ વ્યક્તિઓની નજર તેના પર હોય.

આવી એ અડધા મગજની હિરી, આજે એના ઘરવાળા માટે આખી રાત જાગશે. સમય ને સંજોગો માણસને કેવામાંથી કેવો બનાવી નાખે છે ! એનો જીવતો જાગતો દાખલો એટલે આ અમારા ગામની હિરી ઉર્ફે અમારી ટીમની હિલ્લી. ” તમે તો કિશોરભઇ મોટા સાયેબ બની ગયા છો એવું મેં એક વખત હાંભળ્યુતું. ” હિરી બોલી એટલે મને ભાન થયું ને ભૂતકાળમાંથી હું બહાર આવ્યો.

image source

” ના હિરી તારે માટે એવું નથી ! જો તારે કાંઈ જરૂર હોય તો કહેજે , સાંજે હું ને તારી ભાભી તમારું ટિફિન લઈને આવશું. અહીં નજીકમાં તો અમે રહીએ છીએ.”

એટલું કહી મેં એના ઘરવાળાને બોલાવવા પ્રયત્ન કર્યો તો હિરી બોલી, ” રેવા દ્યો કિશોરભઇ એ કાને બે’રા થઈ ગયા છે. નઇ હાંભળે.” કાળની થાપટ જ્યારે પડે, ત્યારે માણસ જો તેની સાથે કદમ મેળવતો થઇ જાય, તો એ જીવનનો સાચો આનંદ મેળવી શકે છે. એ મને આ હિરીએ આજ શીખવી દીધું.

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ ! અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

– તમારો જેંતીલાલ