ઉનાળામાં એસી વાપરવા એવું તો શું કરશો કે લાઈટ બીલ પણ ઓછું આવે અને એસી પણ છૂટથી વાપરી શકાશે…

ઉનાળીની ઋતુ બેસી ગઈ છે જો કે ઉનાળામાં જેની સૌથી વધારે રાહ જોવામાં આવતી હોય તેવી ખાવાલાયક કેરી હજુ બજારમાં આવી નથી પણ ગરમી શરૂ થઈ ગઈ છે. અને લોકોના ઘરોમાં એસી પણ ચાલુ થઈ ગયા છે. આજના આ લેખમાં આપણે એસી વિષે જ વાત કરવા જઈ રહ્યા છે જેમાં તમને ઉનાળાની ગરમ ઋતુમાં એસીને યોગ્ય રીતે કેવી રીતે વાપરવું તેની કેટલીક ટીપ્સ અમે આપવા જઈ રહ્યા છીએ.

એસી વાપરનારા લોકોમાં ઘણા બધા પ્રકારના લોકોનો સમાવેશ થાય છે. કેટલાક લોકોથી ગરમી સહન નથી થતી અને તેઓ ઉનાળો બેસતાની સાથે જ એસી ચાલુ કરી દે છે. તો ઘણા લોકો એસીના ભારેખમ બીલના ભયથી એસી તો ચાલુ કરે છે પણ કચવાતા મને કરતા હોય છે જેના કારણે તેમને ઉંઘ પણ નથી આવતી અને એસી પણ ચાલુ રહે છે.

એસી વાપરનારા ઘણાબધા લોકો શરૂઆતથી એટલે કે હજુ તો ઉનાળો બેસ્યો જ હોય ત્યારથી જ 20-22 ડીગ્રી પર એસી રાખે છે અને જ્યારે ઠંડી લાગે ત્યારે તેઓ એસીના ટેમ્પ્રેચરને વધારવાની જગ્યાએ તેઓ બ્લેન્કેટ ઓઢીને સુઈ જાય છે.

આમ કરવાથી માત્ર બીલ જ વધારે નહીં આવે પણ શરીરને પણ નુકસાન થાય છે. તો આજના આ લેખમાં અમે તમને જણાવવાના છીએ કે યોગ્ય રીતે ઉનાળામાં એસીનો ઉપયોગ કેવી રીતે કરવો.

તો પછી એસીને ઉત્તમ રીતે કેવી રીતે ઉપયોગમાં લેવું ?

– તે માટે તમારે તમારા એસીના તાપમાનને 25 ડીગ્રી પર રાખવાનું છે. જો તમે પહેલેથી જ 20-21 ડીગ્રી પર એસી મુકી દેશો અને પછી પાતળી ચાદર ઓઢી લેશો તો તેનાથી તમને કોઈ જ ફાયદો થશે નહીં. તમારે એસીને 25 ડીગ્રી પર રાખવાનું છે અને સાથે સાથે ધીમી ગતીએ પંખો પણ ચાલુ રાખવો.

– આમ કરવાથી ઓછી વીજળી બળશે અને તમારા શરીરનું તાપમાન પણ યોગ્ય રહેશે અને તમારા સ્વાસ્થ્ય પર પણ કોઈ માઠી અસર પડશે નહીં. રાત્રે સુતી વખતે તમે એસીનો ઉપયોગ ન કરો. સુવા જતા પહેલાં તમારા એસીને સ્લીપ મોડમાં મુકી દો. સ્લીપ મોડમાં એર કન્ડીશનર તમારા રૂમની અંદરનું તાપમાન યોગ્ય સ્તર પર લાવશે અને પછી તે ઓફ થઈ જશે. આ રીતે તમને ઉંઘમાં ઠંડક પણ મળી રહેશે અને તે પણ વધારાના ખર્ચા વગર તેમજ સ્વાસ્થ્યને હાની પહોંચાડ્યા વગર.

– આખો દિવસ રૂમના દરવાજા તેમજ બારીઓ બંધ રાખવી, ખાસ કરીને બપોરે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે તમારા ઘરને સવારની ઠંડકમાંજ વેન્ટીલેટ કરી દો કારણ કે તે સમય દરમિયાન બહારનુ તાપમાન સૌથી નીચું હોય છે. ઉનાળાની ગરમી દરિમયાન ઓવન કે પ્રોજેક્ટર્સનો વપરાસ ન કરો ખાસ કરીને એસી ચાલુ હોય ત્યારે. એ સારું રહેશે કે તમે વહેલી સાંજે જ રસોઈ બનાવી લો અને ઘરમાં હવાની અવરજવર થવા દો અને ત્યાર બાદ જ તમારું એસી ચાલુ કરો.

– તમારા રૂમને સીધા જ સૂર્ય પ્રકાશથી દૂર રાખવા માટે તમારા બારી બારણા બંધ રાખો પડદા બંધ રાખો અને જો કોઈ તાપને રોકવા માટેના ગ્રીન કર્ટેન નખાવ્યા હોય તો તેને પણ પાડી દો જેથી કરીને ઓરડાનું ટેમ્પ્રેચર બને તેટલું નીચું રાખી શકાય અને ઓરડાને જલદી ઠંડો કરી શકાય.
ઉપર તમે એ તો જાણી લીધું કે એસી યોગ્ય રીતે કેમ વાપરવું પણ હવે આ યોગ્ય વપરાશના ફાયદાઓ પણ જાણી લો.

1. સ્વાસ્થ્યને લાભપ્રદ વપરાશ – શું તમે જાણો છો કે આપણા શરીરનું તાપમાન 35 ડીગ્રી સેલ્સિયસ હોય છે ? આપણું શરીર 23 ડીગ્રીથી લઈને 39 ડીગ્રી સુધીનું તાપમાન સરળતાથી સહન કરી લે છે. તેને માણસના શરીરની તાપમાન સહન કરવાની શક્તિ કહેવાય છે. એસીનું તાપમાન વધારે નીચું નહીં રાખવા પાછળ બીજું કારણ એ છે કે જો એસીનું ટેમ્પ્રેચર 25થી ઉપર હશે તો તમે જ્યારે રૂમની બહાર જશો ત્યારે તમારું શરીર બહારના તાપમાનને સહન કરી શકશે. સામાન્ય નિયમ એવો છે કે તમારા એસીનું તાપમાન તમારે બહારની ગરમી કરતાં 12 ડીગ્રી નીચું રાખવું જોઈએ.

જ્યારે શરીરની આસપાસનું હવામાન ઠંડુ કે ગરમ હોય ત્યારે શરીર તે પ્રમાણે પ્રતિક્રિયા આપતુ હોય છે. જેમ કે ઠંડા તાપમાનમાં ઠંડીનો અનુભવ થવો વધારે ઠંડી હોય તો છીંકો આવવી. તેવી જ રીતે જો તાપમાન ગરમ હોય તો પરસેવો આવવો વિગેરે રીતે શરીર પ્રતિક્રિયા આપતું હોય છે.

જ્યારે એસીના તાપમાનને 19-21 ડીગ્રી વચ્ચે રાખવામાં આવે છે ત્યારે તેના કારણે રૂમનું તાપમાન નીચું આવે છે જે શરીરના સામાન્ય તાપમાન કરતાં ઘણું નીચું હોય છે જેનું પરિણામ એ આવે છે કે માણસને હાઇપોથર્મિયા થઈ શકે છે અને જેની અસર શરીરના બ્લડ સર્ક્યુલેશન પર થાય છે અને આમ થવાથી શરીરના કેટલાક ભાગમાં લોહી પુરતા પ્રમાણમાં પહોંચી શકતું નથી. જેના કારણે લાંબાગાળાનું નુકસાન જેમ કે સંધીવાનો દુખાવો થઈ શકે છે.

– જ્યારે તમારા રૂમમાં એસી ચાલુ હોય છે ત્યારે શરીરને પરસેવો વળતો નથી આમ થવાથી શરીરમાંના ઝેરી તત્ત્વો બહાર નીકળી શકતા નથી અને જો લાંબા સમય સુધી આમ જ રહે તો તેમાંથી બીજા કેટલાએ રોગો ઉત્પન્ન થઈ શકે છે જેમ કે સ્કીન એલર્જી, ખજવાળ, હાઈ બ્લડ પ્રેશર વિગેરે વિગેરે.

2. આર્થિક બચત લક્ષી વપરાશ – જ્યારે તમે ઘરે હોવ ત્યારે તમારા એર કન્ડીશનરને વારંવાર બંધ ચાલુ કરવાની જરૂર નથી. તેમ કરવાથી તમારા પૈસા નહીં બચે સવારે તમારા એસીને ચાલુ કરો અને દિવસ દરમિયાન તેના તાપમાનને 27થી 29 વચ્ચે રાખો.

આમ કરવાથી તેને ફરી ફરી ચાલુ નહીં કરવું પડે અને તેમ કરવાથી વીજળીનો વપરાશ પણ ઘટશે. જ્યારે તમે એસીના આટલા નીચા તાપમાને એકધારુ ચલાવો છો ત્યારે તેનું કોમ્પ્રેસર પણ એકધારુ ચાલુ રહે છે અને તેમાં વધારે ઉર્જા વપરાય છે પછી તે 5 સ્ટાર હોય તો પણ અને આમ પાવર વધારે વપરાવાથી તમારા ખીસ્સા પર પણ ભારે અસર થઈ શકે છે.

3. એસીની આવરદા જાળવી રાખવા માટેનો વપરાશ – એસીને વારંવાર ચાલુ બંધ કરવાથી તેના કોમ્પ્રેસર પર પણ લોડ આવે છે જેનાથી એસીની આવરદા ઘટી શકે છે.