ઉંમરના આ પડાવ પર પણ છે અડીખમ, એકદમ સામાન્ય વ્યક્તિના જીવનમાં કરો ડોકિયું…

ફોટાવાળા બાનું નામ છે કોકિલાબેન. જેમની ભરૂચ કોર્ટની સામે “ચા” ની લારી આવેલી છે. બે દિવસ પહેલા હું ત્યાં ગઇ હતી, ત્યારે તેઓ બેસવાની પાટલી ઉપર સાડીમાં ટીકી ભરી રહ્યાં હતાં. એમાં બે પ્રકાર આવે એક પ્રકારમાં સિલાઇ કરીને ભરી શકાય અને બીજી રીતમાં ફિવિકૉલ ટાઇપનો ગમ(ગુંદર) આવે જેનાથી ચોંટાડવાની હોય છે. સિઁલાઇ કરીને બેસાડવાનું કામ ઓટોમેટિક મશીનથી થાય છે. જેમાં રોજગારની સંભાવના ઓછી હોય છે. જ્યારે હાથથી કામ કરવામાં આવા જરૂરિયાતમંદ લોકો બે પૈસા કમાઈ શકે છે અને વેપારીને પણ સસ્તું પડે.

આતો થઈ થોડી ટીકીભરત વિશેની માહીતી. હવે એમની અંગત જીવનની થોડી રસપ્રદ વાતો જાણીએ. પહેલા તો મેં એમની રજા લીધી, ‘બા તમારો એક ફોટો ખેંચું?’ એટલે, તરત બોલ્યા, કેમ? અડધી મિનીટ પછી કહે ક્યાં મૂકવાની છે? મેઁ કહ્યું, ‘ હું લેખિકા છું, તમને આ ઉંમરે પણ મહેનત કરતા જોઈને થયું કે કંઇક લખું, ચિંતા ન કરો હું ક્યાંય તમારો ફોટો આપું નહીં”

હું તો ડાહી ડમરી બાને મારી વાતમાં વિશ્વાસ આવી ગયો હોઁ. પછી મને કહે બેન, આતો પૈસા માટેની મજબૂરી છે એટલે કરવું પડે, બાકી આ ઉંમરે કોને ગમે ? ‘બા આ સાડી ભરવા કેટલા પૈસા મળે’ જવાબ હતો દશ રૂપિયા. પાંચ થી સાડા પાંચ ફુટ સાડીમાં ટીકી ભરવાના દશ રૂપિયા મળે! એજ સાડીની કિંમત ટીકી લાગતા ૨૦૦ થી ૨૫૦ વધી જાય! મારો બીજો સવાલ તમે કેટલાં પૈસા કમાઈ લો. જોરદાર ને મોજીલો જવાબ આપ્યો, “હાથમાં જેટલું જોર ને ટાંટિયા ને કમર તોડવાની તાકાત હોય એટલી કમાણી થાય!” છતાં મેઁ ફરીથી પુછ્યું, પણ કેટલાં કમાઈ લો, એતો કહો? “જો હું ધારું તો મહિનામાં સો થી દોઢસો જેટલી સાડી ભરી શકુ! દશ રૂપિયાના હિસાબે ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા થાય. બાકી તો રોજની માંડ બે-ત્રણ થાય.

આટલી મહેનત પછી વિચારો! મને કહે બેન કામ જ કયાં છે? સાડીમાં કેવી રીતે ને કેટલી ટીકી લગાડવી કેવી રીતે નક્કી કરો? તો કહ્યું, એક સેમ્પલ પીસ તૈયાર કરીને બતાવે એ પ્રમાણે કરવાનું હોય. ટીકી એમની હોય, આપણે ખાલી ભરીને આપી દેવાનું. પછી કહે એમને અંદાજ હોય કેટલી સાડીમાં કેટલી તિલડીં જરુર પડે. એ પ્રમાણે જ આપે. વધે તેં પાછી ન આપીએ. પણ આપણે એનું રાખી શું કરવું છે, કોઈકવાર ઘટે તો એમાંથી વાપરી લઇએ. બીજા કામમાં આ બીજી લારી મારા ભાઈની છે એ પણ જોડે સાચવું, મને રોજના પચાસ રૂપિયા આપે અને મારી ચાની જે ઘરાકી થાય એ આવક.

કોર્ટની સામે આવી ઘણી નાની મોટી લારીઓ હોય છે, એટલે દરેક પોતાની રીતે ભાડું ને ખર્ચ કાઢતા કમાતા હોય. બા ના દાખલા પરથી લાગે છે કે, વધારે કમાણી નહી હોય, ત્યારે તો એ બીજા વધારાના કામ પણ સાથે કરે છે. સાંજ પડે ઘરાકી ઓછી હોય ત્યારે આ કામ કરતા હોય છે. વાતના અંતે છેલ્લે કહ્યું, “ફોટો તો બતાવ, કેવો આવ્યો?”. હસતા હસતા મેં મોબાઇલમાં ફોટો બતાવ્યો.

આ જ તો છે એક ભારતીય સંસ્કૃતિની ‘મા’ નામી, પ્રખ્યાત અને બાહુબલીઓના ઇન્ટરવ્યુ હમેંશ મીડિયામાં ચમકતા હોય છે. મને થયું લાવ ધરતી સાથે જોડાયેલા, એકદમ સામાન્ય વ્યક્તિના જીવનમાં ડોકિયું કરી લઉ, અને કરી પણ લીધું, સંપૂર્ણ સંતોષ થયો, જાણે ખજાનો મળી ગયો. આ માડી તો ધરતી પર પડેલ મોતી નીકળ્યા!. અદભુત વ્યક્તિત્વના ધણી, સ્પષ્ટ જવાબો, હાજરજવાબીપણું, ખુમારી, મહેનત કરીને નિષ્ઠાપુર્વક જીવવાની ધગશ અને તાકાત પણ ખરી.

“સીધી બાત નો બકવાસ” નો આટીટ્યુડ, નો “સુગરકોટેડ વર્ડ”. કુટુંબ અને સમાજ હોય તો સમસ્યાઓ તો રહેવાની જ તેમ છતાં જે અદાથી જીવનનાવ હંકારી રહ્યા છે એ જોતાં માન ઉપજે. એકદમ સહજ અને નિખાલસ. કુદરતનો ન્યાય અને તહજીબ છે કે દરેક વ્યક્તિ ટોપ/શિખર ઉપર ન પહોંચી શકે. જેમનું જીવન જ ઘણીબધી મર્યાદાઓથી શરૂ થયું હોય એ ગમે તેટલા ઠેકડા મારે, કયા સુધી જઈ શકે ? જેમના જીવનની વ્યાખ્યા જ “સ્ટ્રગલ” હોય તેમ છતાં તેમના જીવનનું સૂત્ર તો આજ “સમડીની ચાલ જોઇને ચકલીએ ડિપ્રેશનમાં ન આવવું જોઈએ” રાખ્યું હોય તો સલામ કરવાનું મન કેમ ન થાય.

હા, આ જ હકીકત હોવી જોઈએ, નાના છીએ , પૈસા નથી તો શું !! માનવી તો છીએ ને ! અમને પણ ” જીવતા” આવડે સે , હો ભાઈ!! સફળ વ્યક્તિ પોતાનું સ્ટેટસ જાળવી રાખવા કે વધારવા માટે રાતદિવસ મહેનત કરે છે, જ્યારે એક સામાન્ય માણસ માત્ર પોતાના ઘરની આજીવિકા કે જીવન ટકાવી રાખવા માટે રાત દિવસ મહેનત કરતો હોય છે! આવા લાખો લોકોના વ્યક્તિગત પ્રયત્નો થકી જ તો આ દેશ ગતિમાન લાગે છે અને પ્રગતિ દેખાય રહી છે!

ફ્રેન્ડ્સ, ક્યારેક ક્યારેક આવા તારલાઓ જે ધરતીના પેટાળમાં ક્યાંક પડ્યા હોય એમને બહાર કાઢી ને એમની ઓરીજીનલ ચમક આપની સમક્ષ રજુ કરવા પ્રયત્ન કરીશ. ગમશે ને ? કે પછી રાખી સાવંતનું રજૂ કરું??.

શબ્દ અને વિચાર

લેખક : નિતુનિતા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ