મને ઉજ્જડમાં એરંડો ન બનવા દેનાર : ભૂપત પટેલ !!!

ચા નબળી એની સવાર નબળી ને દાળ નબળી એનો દિવસ નબળો એમ જેનો હરિફ નબળો એની કારકિર્દી પણ નબળી. મારે તો સામે ભૂપત હતો. કેરીયર નબળી પડે એનો સવાલ જ નહોતો. અરે, એકેય બાજુથી ઢીલું પડવું પોસાય એમ જ નહોતું. કેમ કે સામે ભૂપત હતો. અને દુશ્મનાવટ (અંહિયા સાચો શબ્દ હરિફાઇ) પણ કેવી!!!

આજે વીસ વર્ષ પછી પણ અમે સાથે એક બાઇક પર નિકળીયે એટલે એ વખતનાં સ્ટુડન્ટ્સ એક વાર તો “હા હા… બેય એક હારે!!!!!” આમ કહીને લહેકો કરે જ અને કેટલાક તો ફોટા ય પાડે. આવડાક ખોબા જેવડાં ગોંડલમાં વર્ષે એક વાર છાપામાં પેમ્ફલેટ નાખો તો જાહેરાત આખું વર્ષ ચાલે એમાં એક અઠવાડીયે મારું પેમ્ફલેટ છાપામાં આવે તો જવાબ આપતું એનું પેમ્ફલેટ સામા અઠવાડીયે આવે.

ને પછીનાં અઠવાડીયામાં પાછું મારું. આમ જ હાલ્યાં કરતું હોય એમાં સામેથી કહેવડાવેય ખરું કે “ચેતનને કહેજો કે મારે તો કાગળ પણ ફ્રીમાં આવે છે અને પ્રીન્ટીંગ પણ ફ્રીમાં થાય છે. એટલે મને તો પોસાશે પણ ચેતન નાહી રહેશે. એને કો’ક પાછો વાળો” ને પછી હું હેઠો બેસું. – આવો ભૂપત સામે હતો.

ગરબામાં મારે બધું લુટી લેવાનું હતું. એટલે મારાં ગરબામાં સોરઠ ઉપરાંત અમદાવાદ, સુરત, વિધ્યાનગર, આણંદ, વડોદરા, અરે મુંબઇ પણ – બધું જ આવે. પણ ભૂપત એટલે અસ્સલ કાઠીયાવાડી રાસડો. રમતો ન હોય, માણતો જ હોય.

એનાં રાસમાં ખાલી રાસ ન હોય, એનાં રાસમાં રસ પણ હોય. અને મારે તો રાસમાં રસ હારે કસ પણ કાઢવાનો હોય. કેમ કે ઇનામ જીતવું જરુરી હોય. આ વર્ષે મળેલ ઇનામની સીધી અસર સામા વર્ષનાં ધંધા પર થવાની હોય એટલે. પાછુ વળીને જોવાય એમ જ ન હતું. કેમ કે અસલ દેશી રમત ગોંડલમાં લાવનાર ભૂપત મારી સામે હતો.

ક્યારેક એ એમનાં બધાં ખેલૈયા લઇને મારાં ક્લાસે કીધાં વગર રમવાં આવે ને ક્યારેક હું પણ મારાં ને લઇને એને ત્યાં વણનોતર્યે પહોચી જાવ. આવું તો શક્તિપ્રદર્શન ચાલતું. એકબીજાનાં સ્ટેપ્સ કોઇ કોપી ન મારી લે કે એકબીજા જેવાં ડ્રેસ કોઇ બનાવી ન લે એની પૂરતી કાળજી રખાતી.

આવાં તો અમે ઇસરો અને નાસાનાં વૈજ્ઞાનિકોની જેમ પેટન્ટ હોલ્ડર ગરબા સાયન્ટીસ્ટ્સ હતાં. એમનો એક પણ સ્ટુડન્ટ મારાંમાં આવી ન જાય કે મારો એક પણ ત્યાં ન જાય એવી જાસુસી કરતી રો અને મોસાદ પણ અમે જ હતાં. ક્યારેક એ મને વખોડે, ક્યારેક હું એને વગોવુ. પણ મે ક્યારેય એને અવગણ્યો નહી, કેમ કે એ ભૂપત હતો અને સામે હતો.

સપ્તકનાં વીસ વર્ષનાં વાણાંમાં તાણાંવાણાંની જેમ વણાયેલ ઇસમ નં. એક એટલે ભૂપત. તમને જંપીને બેસવાં ન દે એ જ હરિફ. અને હરીફ એવો જ હોવો જોઇએ. નહીતર રમવાની મજા ન આવે. બાકી તો એક જ ક્ષેત્રમાં એક પાર્ટી જે કરતી હોય એ જ કામ બીજી પાર્ટી પણ કરતી જ હોય.

ભૂપતે મને ક્યારેય બેસવા ન દીધો. અને એણે જ્યારે રમવાનું અને ક્લાસ મૂક્યા ત્યાં સુધીમાં હું ઘડાઇ ગયો હતો. અંદરોઅંદરની સ્ટુડન્ટ્સની હરીફાઇને ભૂપતે અમે જ્યાં રમવાં જતાં ત્યાં ન આવીને ક્યારે બંધ કરાવી દીધી એ મને પણ ખબર ન પડી. આવો એ લીડર.

આજે પણ જો ગોંડલમાં દાંડીયા રાસ એસોશીએશન બને તો પ્રમુખ તરીકે હું એનું જ નામ મૂકુ અને હું સેક્રેટરી બનું. ગોંડલનાં ખેલૈયાઓનું રાજકોટનાં ગરબામાં સારામાં સારી રીતે પ્રતિનિધીત્વ કરવામાં ભૂપતનો સીક્કો આજે એણે રમત છોડી દીધાનાં લગભગ એક દસકા પછી પણ એવો જ પડે છે. કેમ કે ભૂપત એટલે પાક્કો ખેલાડી. આ ભૂપત સામે હતો. મને બહુ દોડાવ્યો.

વર્ષ બે હજારમાં મે પહેલી અને છેલ્લી વાર ગરબાનાં કાર્યક્રમનું આયોજન કરેલું. મારાં જેટલી જ દોડાદોડી એમાં ભૂપતે કરેલી. સ્પોન્સરશીપ લાવવાથી માંડીને પોલીસ અને નગરપાલિકાની મંજૂરી લાવવાની ઘણી જવાબદારી એમણે જ ઉપાડી લીધી હતી. એ તો ઠીક મારાં પ્રોગ્રામમાં એણે ઇનામો પણ આપેલાં. કોણ કહે કે આ ભૂપત સામે હતો???

જે લોકોને આજે “હંગતા બકડીયા” પડી જાય છે ને એ તમામને સામે એક ભૂપત હોવો જોઇએ. તો ખબર પડે કે કેટલી વીસે સો થાય છે. મે કેમ વીસ પૂરાં કર્યા એ એક હું જાણું છું અને હવે તો એક ભૂપત પણ જાણે છે. કેમ કે ભૂપત સામે હતો એ તો મારી માન્યતા હતી. હરિફ કોઇ દિવસ સામે હોતો જ નથી. એ તમારી સાથે જ હોય. તમને પ્રગતિ કરાવનાર ક્યારેય સામે હોઇ જ ન શકે, એને સાથે જ ગણવો. અને એટલે જ મે વીસ કેમ પૂરાં કર્યા એ હવે ભૂપત પણ જાણે છે, કેમ કે એ સાથે છે!!!

લેખક : ચેતન જેઠવા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી