ત્વચાને મુલાયમ રાખતા વિવિધ પ્રકારના વેક્સ હવે ઘરે જ બનાવો..

ચાલો આજે જાણીએ કેટલાક હોમમેડ વેક્સ વિષે.

વેક્સિંગ એ નિયમિત રીતે સ્ત્રીઓને બ્યુટીપાર્લરના ફેરા કરાવવા માટે મજબુર કરી દીધી છે. આજે સામાન્ય સ્ત્રીઓ દર મહિને વેક્સિંગ માટે એકવાર તો પાર્લરની મુલાકાત લે જ છે.

વેક્સિંગ હવે સ્ત્રીઓની લગ્ઝરી નહીં પણ જરૂરિયાત બની ગયું છે. ભલે તેને કરાવવામાં સ્ત્રીને કેટલીક પીડાઓનો સામનો કરવો પડતો હોય પણ તે કરાવવું જ પડે છે.

જો કે વેક્સિંગ હવે માત્ર સ્ત્રી પુરતું જ મર્યાદિત નથી રહ્યું પણ હવે તો પુરુષો પણ કરાવે છે જે તમે આજે ટીવી તેમજ સિનેમામાં આવતા હેન્ડસમ હંકને જોઈને કહી શકો છો.

માટે વેક્સિંગ એ સ્ત્રીઓ માટે મસ્ટ બ્યુટી-ટ્રીટમેન્ટ થઈ ગયું છે. અને તે ઘણા અંશે મોંઘી પણ હોય છે.
શું તમે ક્યારેય એવો વિચાર કર્યો કે પહેલાના જમાનામાં સ્ત્રીઓ પોતાના શરીરના વાળ દૂર કરવા માટે શું કરતી હતી.

હા તેઓ પણ પોતાની સુંદરતા નિખારવા માટે અનોખા પણ અસરકારક નુસખાઓ અજમાવતી હતી જેમાંના કેટલાક આજે પણ ખાસ કરીને ભારતમાં અસ્તિત્ત્વ ધરાવે છે. તે સમયમાં સ્ત્રીઓ કેટલીક કુદરતી સામગ્રીઓને ભેગી કરી ઉબટણ બનાવી પોતાના શરીરના વણજોઈતા વાળ દૂર કરતી હતી.

તો ચાલો આજે જાણીએ કેટલાક એવા કુદરતી હેર રીમુવર વિષે જેને તમે તમારા ઘરે જ બનાવી તેનો ઉપયોગ કરી શકો છો. કુદરતી સામગ્રીઓથી બનતી સૌન્દર્ય ઔષધીઓની ખાસ વાત એ હોય છે કે તે ક્યારેય તમને નુકસાન નથી કરતી કે તેની કોઈ આડઅસર પણ નથી થતી.

શુગર વેક્સ

આ વેક્સ ટ્રીટમેન્ટને સદીયોથી અપનાવવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર આફ્રિકા, ગ્રીસ અને મધ્ય પૂર્વમાં.
સામાન્ય વેક્સ તમારી ચામડીને ખેંચે છે જ્યારે શુગર વેક્સ તમારા વાળને મૂળથી ખેંચે છે જેના કારણે બીજા વાળ ઉગતા વાર લાગે છે.

આ ઉપરાંત શુગર વેક્સમાં સામાન્ય વેક્સની જેમ લાલ રેશીસ પડતા નથી. અને તે ખાસ કરીને સંવેદનશીલ ત્વચા માટે ઉત્તમ છે.

તે માટે તમારે 1 કપ ખાંડ, 2 ટેબલસ્પુન પાણી, 1 ½ ટેબલ સ્પૂન લીંબુના રસની જરૂર પડશે.

ઉપર જણાવેલી ત્રણે સામગ્રીને એક તપેલીમાં મીક્સ કરો. હવે તેને ધીમા તાપે ગરમ કરો અને તે જાડુ થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરો.

તેને ખુબ વધારે પણ ગરમ ન કરવું કારણ કે તેનું તાપમાન જ્યારે સામાન્ય થઈ જશે ત્યારે તે પથરા જેવું હાર્ડ થઈ જશે.

હવે તેને ગેસ પરથી ઉતારી ઓરડાના તાપમાન પર લાવો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે વધારે પડતું ગરમ ન હોય કારણ કે તે તમને ગંભીર રીતે દજાડી શકે છે.

હવે આ મિશ્રણને બટર નાઇફ કે સ્પેટ્યુલા વડે તમારે જ્યાં વેક્સ કરવું ત્યાં લગાવો. અને વેક્સીંગ સ્ટ્રીપથી તેને ખેંચી લો.

આ પ્રકારનું વેક્સ તમારા વાળ ખુબ ઉંડેથી ખેંચે છે માટે બીજા વાળ ઉગતા વાર લાગે છે. તેમજ તેમા કોઈપણ જાતનું કેમિકલ નહીં હોવાથી તે તમને કોઈ નુકસાન પણ નથી પહોંચાડતું.

હળદરની પેસ્ટ

હળદરના સેંકડો ઔષધી ઉપયોગો આપણે જાણીએ જ છીએ. તે શરીરના બાહ્ય ભાગથી લઈને આંતરીક ભાગ સુધી તમને કોઈને કોઈ રીતે લાભપ્રદ છે. તેને આયુર્વેદમાં ખુબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. હળદરને સામાન્ય રીતે આપણે રંગ ગોરો કરવા, તેમજ કફ દૂર કરવા તેમજ વ્યંજનોમાં રંગ લાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ.

પણ તમે તે નહીં જાણતા હોવ કે તેનો ઉપયોગ તમે હેર રીમુવર ક્રીમ તરીકે પણ કરી શકો છો. હળદરની આ પેસ્ટ ધીમે ધીમે કરતાં તમારા વાળ સદંતર ઉગતા બંધ કરી દેશે તેમજ તમારા શરીરને સુંદર કોમળ ત્વચા પણ આપશે.

તે માટે તમારે જરૂર પડશે 3 ટીસ્પૂન્સ હળદર અને લગભગ 1 ટી સ્પૂન દૂધની. જો તમારે તમારા શરીરના વધારે હિસ્સામાં વેક્સ કરવું હોય તો તમે તે પ્રમાણે તેનું પ્રમાણ વધારી શકો છો.

આ બન્ને સામગ્રીને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તેની ટુથપેસ્ટ જેવી પેસ્ટ ન બની જાય. અહીં કોઈ ચોક્કસ માપને ફોલો કરવાની જરૂર નથી તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે તેનું પ્રમાણ બદલી શકો છો.

હવે આ તૈયાર થયેલી પેસ્ટને તમે તમારી ચામડી પર લગાવો. તેને વાળના ગ્રોથની દીશા તરફ લગાવો અને તેને સુકાવા દો. હવે તેના સુકાઈ ગયા બાદ એક સ્વચ્છ કપડાને હુંફાળા પાણીમાં પલાળીને તે ભીના કપડાને વર્તુળાકારમાં સુકાઈ ગયેલી પેસ્ટ પર ફેરવી તેને દૂર કરો.

આ પ્રક્રિયાનું તમારે નિયમિત કેટલાક દિવસના અંતરે પુનરાવર્તન કરવાનું છે. આ ઉપચારને અપનાવ્યા બાદના થોડા મહિનામાં તમે નોટિસ કરશો કે તમારા વાળ ખુબ જ પાતળા તેમજ આછા થઈ ગયા છે અને તેને ફરી ઉગતા પણ વાર લાગે છે.

લેમન એન્ડ શુગરકેન

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે ખાંડ શેરડીમાંથી જ બને છે. તો પછી સીધી શેરડીનો જ ઉપયોગ વેક્સ માટે કેમ ન કરી શકાય. ચોક્કસ કરી શકાય. તે માટે તમારે એક ગ્લાસ શેરડીનો રસ અને તેની સામે પા ગ્લાસ લીંબુનો રસ લેવો અને બન્નેને મિક્સ કરવા.

ત્યાર બાદ આ મિશ્રણમાં બે ચમચી મધ અને બે ચમચી કોર્નફ્લોર મિક્સ કરી તેને જ્યાં વેક્સ કરવું હોય તે જગ્યા પર બટર નાઇફથી ફેલાવી તેને વેક્સીંગ સ્ટ્રિપથી ખેંચી લેવું.

જીલેટીન પીલ-ઓફ ફેસ માસ્ક

આ માસ્કનો ઉપયોગ તમે તમારા ચહેરા પરના સુંવાળા અને આછા વાળ પર કરી શકો છો. ખાસ કરીન તમારી ડાઢી તેમજ તમારા અપર લીપ માટે આ એક ખુબ જ સારો ઉપાય છે.

તે માટે તમારે, 1 ટેબલ સ્પુન અનફ્લેવર્ડ જીલેટીન, 1 ½ ટેબલસ્પુન દૂધ, 1-2 ટીપાં લેવેન્ડરનું એસેન્શિયલ ઓઈલ (તે વૈકલ્પિક છે જેની જગ્યાએ તમે તમારી ત્વચાને અનુકુળ બીજુ તેલ પણ ઉમેરી શકો છો)

ઉપર જણાવેલી બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. હવે તેને 10-15 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લો. હવે આ ગરમ મિશ્રણ જેવું હુંફાળુ થાય એટલે કે તમે તેને અડી શકો તેટલું ઠંડુ પડે ત્યારે તેને તમારે તમારા ચહેરા પરના જે વાળ ન જોઈતા હોય તે જગ્યા પર સ્પેટ્યુલા વડે ફેલાવો.

તે ખુબ જ ઝડપથી ફેલાઈ જશે, માટે તમારે તેને લગાવતી વખતે પણ થોડી ઉતાવળ રાખવી. હવે આ માસ્ક જ્યાં સુધી ડ્રાય થાય ત્યાં સુધી રાહ જુઓ ત્યાર બાદ તેને હાથ વડે ઉખાડી લો.

હવે વધારાનું જો કંઈક ચોંટેલું હોય તો તેને તમે હુંફાળા પાણી વડે સાફ કરી શકો છો અને રુમાલને દબાવીને તેને લુછી શકો છો.

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પ્રયોગ કર્યા બાદ તમારે તમારા ચહેરાને સાબુ, ફેસવોશ કે કોઈપણ પ્રકારના કેમિકલયુક્ત પદાર્થથી ધોવાનો નથી તેનાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. અને જો તમે ત્યાર બાદ ક્યાંક બહાર જવા માગતા હોવ તો તમારે તેના પર સનસ્ક્રીન લગાવવું જોઈએ.

મુલતાની માટી

મુલતાની માટીને આપણે સામાન્ય રીતે આપણા ચહેરાનો રંગ નીખારવા માટે તેમજ ચહેરા પરના ખીલ દૂર કરવા માટે કરતા હોઈએ છીએ, પણ આજે તમને તેનો અન્ય ઉપયોગ પણ જાણવા મળશે.

મુલતાની માટીમાંથી હેર રીમુવર ક્રીમ બનાવવા માટે તમારે જોઈશે. મુલતાની માટી, ચણાનો લોટ, દૂધનો પાવડર અને લીંબુનો રસ. આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરવી.

તેને ઉબટણ જેટલું ઘાટું બનાવવું. હવે આ તૈયાર થયેલા ઉબટણનું તમારે તમારા શરીર પર માલિશ કરવું. આ પ્રક્રિયાનું નિમિત પુનરાવર્તન કરવાથી ધીમે ધીમે તમારા શરીરના વણજોઈતા વાળ દૂર થશે.

ચણાનો લોટ – મધ – ચોખાનો લોટ

આ પણ એક પ્રકારનું ઉબટણ જ બનશે. આ ત્રણે સામગ્રીને તમારે બરાબર મિક્સ કરી દેવી. આ તૈયાર થયેલા ઉબટણનું તમારે તમારા શરીરના વણજોઈતા વાળ પર 15થી 20 મિનિટ સુધી મસાજ કરવાનું છે અને આમ કરવાથી તે જાતે જ તમારા શરીર પરથી દૂર પણ થઈ જશે.

એ વાત હંમેશા મગજમાં રાખવી કે કોઈ પણ કુદરતી ઉપચાર તેનું પરિણામ બતાવવામાં વાર કરે છે માટે તમારે હંમેશા તે માટે ધીરજ રાખવી જોઈએ.

બહાર પાર્લરમાં કરાવવામાં આવતા વેક્સ તમને તરત જ પરિણામ આપશે પણ તે તમારી ત્વચા માટે નુકસાનકારક હોય છે. માટે તમારી ત્વચાની સ્વસ્થતા જાળવી રાખવા માટે પણ તમારે કુદરતી ઉપચારનો રસ્તો અપનાવવો જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ