તુલસી માતાને ઘરમાં આ રીતે વાવવાથી તેની ખૂબ સારી વૃદ્ધિ થાય છે. જાણો શું કાળજી લેવી ઘટાદાર તુલસીના છોડ ઉગાડવા માટે…

ઘરના આંગણે સ્વસ્થ તુલસીનો છોડ ઊગે તે સમૃદ્ધિની નિશાની કહેવાય. જાણો સકારાત્મક સંકેત મેળવવા તેની કેવી માવજત કરવી.

તુલસીના છોડનું મહત્વ આપણાં ધાર્મિક અને આયુર્વેદિક બંને શાસ્ત્રોમાં અતિશય રહેલું છે. આ છોડને જેટલો પવિત્ર મનાય છે તેટલો જ તે ઔષધિય ગુણો પણ ધરાવે છે. તેનામાં રોગપ્રતિકારક શક્તિ સારી માત્રામાં રહેલી છે. તેથી તાવ, શરદી, ફ્લૂ અને ચેપી રોગો સામે રક્ષણ મેળવવા તુલસીના પાનનો ઉપયોગ થાય છે. ગૃહિણીઓ તેની સવારે નહાઈને પૂજા પાઠ કરીને સૂર્ય અર્ગ્ય સાથે તેમાં પણ જળ રેડે તો કહેવાય છે કે પરિવારમાં સમૃદ્ધિ રહે છે.


તુલસી માતા ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે. પ્રસાદ ધરાવતી વખતે તુલસી દળ હોય તેમાં તો તે શ્રેષ્ઠ પ્રસાદ બની જાય છે. તુલસીના પાનને ચામાં ઉમેરી શકાય અને દૂધમાં આદૂ કે સૂંઠ અને મરી સાથે લઈને ઉકાળો બનાવીને પણ પી શકાય. તુલસીને પાંગરતાં બહુ વાર નથી લાગતી અને તે જે પણ ઘરમાં ભરપૂર માત્રામાં વિકસ્યાં હોય ત્યાં કહેવાય છે કે ખૂબ જ પોઝિટિવ એનર્જી આવે છે. માતા તુલસીને વૃંદા પણ કહે છે ઘરને વૃંદાવન બનાવવા કેટલીક કાળજી લેવાથી ખૂબ જ સરસ રીતે પાંગરી શકે છે.

તુલસી ક્યાં વાવવા


તુલસી એવો છોડ છે જે સરળતાથી કોઈપણ જમીનમાં અને કોઈપણ વાતાવરણમાં ઉછરી શકે છે. તેને પૂરતો સૂર્યપ્રકાશ અને યોગ્યપ્રમાણમાં ભેજ મળવો જોઈએ. તેમાં કોઈ કિટાણું ન પડે અને છોડ કરમાય નહીં તેનું ધ્યાન રાખવું. તુલસીના છોડ પોતાને જોઈતું પોષણ જમીનમાંથી સહેલાઈથી શોષી શકે છે. છતાં અવારનવાર તેમાં ખાતર પણ નાખવું.

માંજર


તુલસીના બીજને માંજર કહે છે. તેની પોતાની એક અદભૂત સુગંધ હોય છે. માંજરના કડક રોપા શરૂઆતમાં કૂણાં લીલાં ઉગે છે. પછી તે જાંબલી રંગના થાય છે અને ત્યાર બાદ સુકાઈને કથ્થઈ રંગના થઈ જાય છે. માંજર પાકે ત્યારે તેને તુલસી પરથી ઉતારી લેવા જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ કડક અને ખરબચડાં માંજર તુલસી માતાને કરડે છે અને તેને તોડીને ઉતારીને ભાર હળવો કરવો જોઈએ. વનસ્પતિ શાસ્ત્ર મુજબ માંજરને વધુ સમય સુધી છોડમાં ન રહેવો જોઈએ. તેના બીજને તોડીને ફરીથી ક્યારીમાં વેરી દેવા જોઈએ. તેની ઉપરની ટોચને મહિનામાં એક કે બે વાર કાપવી જોઈએ જેથી તેની ડાળખીનો સારો વિકાસ થાય અને તેનું થડ વિકસે.

કાળજી


જેમ જેમ માંજર ઉગીને પાકે તેને અવારનવાર ઉતારી દેવા જોઈએ. માંજરને ખેંચવા નહીં પણ તેને કાતર કે પ્લકરથી કાપી દેવા જોઈએ અને જે જમીનમાં તુલસી હોય ત્યાં જ વેરી દેવા જોઈએ. તુલસીમાં કીટ નાશકને બદલે ગાયનું સૂકાયેલું છાણ નાખવું. જો વધારે જીવાત થઈ હોય તો વર્મીસીલી ખાતના થોડા દાણાં નાખવા. અને વધારે જીવાણું પડી ગયા હોય તો જ કેમિકલયુક્ત ખાતર છાંટવું જોઈએ. કેમિકલવાળા ખાતર તો જ નાખવા જો તેને ખાવાના ઉપયોગમાં ન લેવા હોય તો. તેને દિવસ દરમિયાન સપ્રમાણ તડકો મળે એ રીતે નાખવા. દરરોજ તેમાં થોડું પણ પાણી અચૂક રેડવું જેથી તેમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે.

કુંડાં કે ક્યારી


તુલસીના છોડને ઉછેરવા એવું નથી કે કોઈ ચોક્કસ વાતાવરણ કે માટીની જરૂર પડે. તે બારેમાર પાંગરી શકે તેવો છોડ છે. પણ તેને શેમાં વાવ્યો છે અને કેવી કાળજી લીધી છે તે અગત્યનું છે. જો તેને ખુલ્લી ક્યારીમાં વાવશો તો તેના મૂળ વધુ ઊંડે સુધી વિકસશે અને તે ઝડપથી મોટું પણ થશે. જો તેને નાનાં કુંડામાં વાવશો તો પણ તે સારી રીતે ઉછરી શકે છે પણ તેની ઉંચાઈ બહુ ન પણ વધે. ક્યારીમાંના છોડ પોતાની રીતે જમીનમાંથી જ જોઈતું પોષણ મેળવી લેતાં હોય છે જ્યારે કુંડામાં વાવેલ તુલસીને કાળજી પૂર્વક ખાતર, પાણી અને કાપણી કરતાં રહેવું પડે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ