“ગ્રહ મેળ કરતાં મન મેળ સારો!” – તમે શું માનો છો મિત્રો ???

હાશ…..! આજે કોઈ જ નથી …..નથી કોઈ લાઈન કે નથી કોઈપણ વ્યક્તિ…પંડિતજીની ઓફીસ પર પહોચીને વિશ્વાએ શાંતિનો શ્વાસ લીધો.
આજે નક્કી મારા ગ્રહો બદલાયા લાગે છે….નહિતર આજ સુધી જીવનમાં આમ સરળતાથી પાણીનો ગ્લાસ પણ પીવા માટે મળ્યો નથી…..આટલું વિચારે છે ત્યાં જ પંડિત આવ્યા.

‘”જય શ્રી કૃષ્ણ! બહેન. …, એમ જ આવ્યાં કે કોઈ કામ છે ?”
‘”જય શ્રી કૃષ્ણ’, પ્રણામ, આ મારી દીકરી નિષ્ઠા માટે કાલે એક સારા ઘરનાં ને સંસ્કારી છોકરાનું માગું આવ્યું છે તો મને થયું કુંડલી મેલાપક કરાવી લવ એટલે આવી છું.

“બંનેની કુંડલી લાવ્યાં છો ને ?”
“હા….હા આ લ્યો, સરસ મેળવી આપો એટલે મારી દીકરી કોઈ દિવસ સાસરીમાં દુખ ન જોવે”
‘હરી ઓમ તત્સત….., હા બેન તમે જરાય ચિંતા ન કરો ખુબ જ સરસ કુંડળી મેળવી આપુ.નિષ્ઠા દીકરી રાજ કરશે રાજ એની સાસરીમાં ને જમાઈની આંખોની પાંપણ પર રહેશે ….એવું જ સારું જોઈ આપું છું બેન…..ચિંતા ન કરો.

પંડિત બેઠા કુંડલી જોવાને વિશ્વાને તો વિશ્વાસ જ બેસી ગયો કે, નક્કી આજે કુંડળી મેચ થશે જ કેમકે આજ સુધી ક્યારેય પંડિતજી એકલા નથી મળ્યા, ને જયારે એ ઘરેથી નીકળી ત્યારે ગાયના શુકન પણ થયેલા….તેમજ મારી લાડકી નિષ્ઠા જે લગ્ન કરવા માટે નનૈયો ભણતી હતી એને પણ આ છોકરાને જોવા ને મળવા માટે હા પાડી છે….બેઠા બેઠા વિશ્વા તો હજારો સપના જોવા લાગી એની દીકરીના લગ્ન અર્થ.

કેટલું સરસ ઘર છે. મારી નિષ્ઠા તો એ ઘરમાં રાજ કરશે રાજ. જો કુંડળી મળી જશે તો હું ચાલતા-ચાલતાં અંબાજીના દર્શન કરવા જઈશ. હે મા માતાજી…..મારું આટલું કામ કરી દો. વિશ્વાએ બેઠા બેઠા બાધા પણ રાખી લીધી માતાજીના દર્શનની, ગમે તેમ તોય ‘મા તે મા’ એ એના સંતાનનું સારું જ ઈચ્છે.

‘વિશ્વા બહેન, કરો કંકુના, રૂપિયો નાળીયેર આપી જ દો, રાહ જોવા જેવું કશું છે જ નહિ…કુંડળીમાં પૂરા ૩૨ ગુણ મળે છે હો. આટલા બધા ગુણ તો સો માં માંડ બે ને જ મળે….લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવી છે. મોઢું ધોવા ન જતા, નહિતર પસ્તાશો’ ,આટલું બોલી પંડિતે દક્ષિણા પેટે પૂરા એક હજાર એક લીધા.

વિશ્વાબેન તો રાજીના રેડ થઇ ગયા…પૂરા એકાવન રૂપિયાના પેંડા લઈને ઘરે પહોચ્યા માતાજીને સારા કામ માટે થાળ ધરાવ્યો…પછી કોલ કર્યો નીશના મમ્મીને.
“હેલ્લો, રીટાબેન! હું નિષ્ઠાની મમ્મી વિશ્વાબેન બોલું છું, કેમ છો ?”
“અરે, બોલો બોલો…તમે કેમ છો ? હું તો એકદમ મજામાં છું?”
“હું પણ “

“જઈ આવ્યા પંડિત પાસે? શું કહ્યું ?”
“મીઠું મોઢું કરો! પૂરા બત્રીશ ગુણ મળે છે. હવે તો મારે ઘર પણ જોવું નથી મેં મારી દીકરી આપી તમને આજથી….કાલે આવો બધા સાંજે મારા ઘરે બંને ઘરનું જમવાનું રાખીએ.”
“ગુણ તો સારા મળ્યા છે. હવે અમારે પણ કશું જોવું નથી. આમ પણ આપણે ક્યાં અજાણ્યા છીએ તે બધું જોવાનું હોય…આપણે તો જુના ને જાણીતા રહ્યાં જો.”

“હા, હું પણ એ જ તો કહું છું. કાલે સાંજે સાત વાગે આવી જજો હો. હું નિષ્ઠાને પણ ઘરે વહેલી આવવા જણાવી દઈશ”
“હા. શ્યોર……મળીએ કાલે….ચાલો આવજો,”
“આવજો”
હાશ, મારી લાડુને કેટલું સારું ઠેકાણું મળ્યું…..આજે તો આ એક ને એક વાત વિશ્વા સો વાર મનમાં ને મનમાં જ બોલી…..અંદરથી હરખનો કોઈ પાર ન હતો. જલ્દી નિષ્ઠા આવે એની જ રાહ જોતી રહી.
(ટીન…..ટીન..ટીન…..ડોરબેલ રણકી)

આખા દિવસના ઇન્તજાર પછી આવેલી નિષ્ઠાને હળવા સ્મિત સાથે દરવાજો ખોલતા આવકારી…નિષ્ઠાને નવાઈ લાગી એને થયું કે મમ્મી આજે કેમ આવી રીતે જોવે છે?
“મમ્મી તું બરાબર તો છે ને ? આજે કોઈ આવ્યું હતું આપણા ઘરે ? કે પછી દીકરીની વિદાય વાળું કોઈ ગીત સાંભળ્યું લાગે છે ? હે ને……તારો આ પ્યારો પ્યારો પ્રેમાળ ચહેરો આજે અલગ જ પ્રેમ વરસાવી રહ્યો છે હો”,
નિષ્ઠા ઘરમાં એન્ટર થતા થતા જ એકી શ્વાસે આટલું બોલી ગઈ. વિશ્વા જવાબ આપે એ પહેલા તો એ ટપ ટપ કરતી સીડીઓ ચડીને એના રૂમમાં પહોચી ગઈ.

“હે ભગવાન, ફઆ છોકરી પણ અજીબ છે….પ્રશ્નો પૂછે પણ જવાબ એકેય સાંભળે નહિ..ચાલ એ બિચારી થાકીને આવી છે…થોડીવારમાં એ ફ્રેસ થઇ નીચે આવશે…એટલે તરત જ એ કોફી પીવા માંગશે….હું બનાવી આપું….એની જોબ પણ જવાબદારી વાળી છે…કેટલી થાકી જાય છે મારી વ્હાલી….હવે કેટલા દિવસ અહિયાં રહેશે મારી જોડે? આવા કેટલાય લાગણીવશ પ્રશ્નો મનમાં લાવતી નિષ્ઠા કોફી બનાવવા કિચનમાં જાય છે.
“દિલ મેરા બોલે ચલ હટ……” આ ગીત નિષ્ઠાના અવાજમાં વિશ્વા કોફી બનાવતા બનાવતા સાંભળે છે…..એટલે એ બોલી, “હ્મ્મ્મમ્મ્મ્મ……નક્કી આજે બેનબા બહાર જતાં લાગે છે. એ જયારે જ્યારે કોઈ મૂવી જોવા જવાની હોય છે…ત્યારે ત્યારે મેકઅપ કરતા કરતા, પરફ્યુમ લગાવતા લગાવતા અજીબો અજીબ નખરા કરતા કરતા આ સોંગ ગણગણતી હોય છે…એટલે પત્યું ….થયું આજે મારી આ કોફીનું હરિભજન!”

“ચલ કોફી, આજે મારે જ તને પીવાની છે…..તો હું મારા ટેસ્ટ મુજબ કડક બનાવું તને…….અરે હા, મેંન વાત તો હું કેમ ભૂલી ગઈ કાલે પેલાં છોકરાવાળા નિષ્ઠાને જોવા આવવાના છે…ગોળ ખાવાનો છે…નિષ્ઠાને જોબમાં રજા મૂકવાનું કહેવાનું છે….કાલે સવારે અમારે મા- દીકરીને શોપિંગ કરવા પણ જવું પડશે….આ છોકરી મને બધું ભૂલવાડી દે છે.
નિષ્ઠા સીડીઓ ઉતરતા ઉતરતા જ બોલી, ““મોમ……..આજે શું થયું તને ખબર છે, હું

જોબ પર પૂરી વીસ મિનીટ લેટ પહોચી…..મારા ખડૂસ બોસ મને કહે દીકરી અહિયાં આવ તો,
“હું ગઈ “
તો મને કહે કેમ લેટ આવી? ,
મેં કહ્યું, “ હું તમારા માટે ગરમ ગરમ ગાઠીયા લેવા ગઈ હતી ને એટલે મારે લેટ થયું”

“લાવ લાવ, આમ બહુ દિવસ થયા છે ગાઠીયા ખાધાને”
“અરે શું તમે પણ ….કોલેસ્ટ્રોલ છે અને ગાંઠિયા ખાવા છે ? તમને ચિંતા નથી મને તો થાય ને તમારી ચિંતા……એટલે મેં આ જ વિચારે હું એમનામ પાછી આવી છું……ખબરદાર જો ભૂલથી પણ ગાંઠિયા માંગયાં છે તો ! “
હા હા હા……………….મેં મારા બોસને ઉલ્લુ બનાવી દીધા. બિચારા મને લેટ આવી એટલે ઠપકો આપવાના હતા ને મેં એમને જ ……….હા હા હા…..”

“એ બધું છોડ પાંચ મિનીટ બેસ મારી પાસે મારે તને કશુક જણાવવું છે”
“ જો મમ્મી …..તું ખોટા ખોટા નાટક નહી કર ………..હું મૂવી જોવા જાવ છું….પછી હું આખી રાત તારી પાસે જ બેસીસ બસ…પ્રોમિસ …..અને હા મારે લેટ થશે આવતા. તું સમયસર જમી લે જે……તું દવા લઇ લે જે ……અને હા જો યાર એકવાત તો રહી જ ગઈ….પ્લીઝ આજે મારું બિગબોસ ખાસ દીલથી જોજે ને મને જણાવજે એમાં શું થયું ને શું થશે ? કોનો શું ટાસ્ક હતો એ બધું હો”, એકી શ્વાસથી ચપ્પલ પહેરતા પહેરતા આટલું બધું બોલીને આદત મુજબ જવાબ સાંભળ્યા વગર જ ગો…..થઇ ગઈ.

“ક્યારે થશે આ છોકરી મોટી? બે મિનીટ પણ આરામ નહિ…..જપ નહિ….સતત દોડધામ ને બોલ બોલ….પણ સાવ નિખાલસ છે….મને ક્યારેક એના આ જ સરળ સ્વભાવની ચિંતા થયા કરે છે.”
ચાલ કોફી આપણે બે પાછા એકલા હવે હું તને પીવું છું કે તું મારી એકલતા પીવે છે એ જ મને નથી સમજાતું ?

“કોફી પીધી ને જોયું તો બિગબોસ આવવાની તૈયારી થઇ ગઈ હતી….ટી.વી ઓન કરીને દીકરીની આજ્ઞાનું પાલન કરતી વિશ્વા ધ્યાનથી બીગ બોસ જોવા બેસી ગઈ…..આવું તે કઈ જોવાતું હશે. આ અત્યારની જનરેશન પણ કેવું કેવું જોવે છે?” આટલું બોલતાં બોલતા એ ક્યારે આંખ મીંચાઈ ગઈ એની ખબર જ ના પડી.”

પવન સાથે આવીને સંભળાતા મીઠા મીઠા કોયલના ટહુકાઓ સાથે ને બારીની તિરાડમાંથી આવતા કુણા કુણા તડકાના સ્પર્શે શ્વેતાની સવાર પડી ….આંખ ખોલીને જોવે છે તો એ સોફા પર જ આખી રાત સુઈ રહી હતી….આઉટડોર કીની મદદથી નિષ્ઠા પણ રાત્રે ઘરમાં આવેને સોફાની પાસે એનો હાથ પકડીને આખી રાત ત્યાં જ સુઈ ગઈ હતી….

“નથી કપડા બદલ્યાં કે નથી રૂમમાં ગઈ એ કેટલી ઓનેસ્ટ છે મારી દીકરી…એ જેવું કહે એવું તો કરે જ…એને જતા જતા મને કહેલું કે એ આખી રાત મારી પાસે બેસશે…..તો જો સાચે જ બેસી રહી…..મારી વ્હાલી લાડૂ…” સુતેલી નિષ્ઠાનાં માથા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા મનમાં જ બોલી.

“મમ્મી……હજી હાથ ફેરવને કેટલી મજા આવે છે”, માંડ માંડ આંખ ખોલતી નિષ્ઠા બોલી
“સુઈ જા દીકું હું હાથ ફેરવું છુ….આમ પણ તારે આજે જોબ પર નથી જવાનું….આજે તો….”
આજે તો……આ છેલ્લે બોલાયેલો અધૂરો શબ્દ નિષ્ઠા કાને પાડતા એની ભરપૂર આવતી નિંદ્રામાં ભંગ પડ્યો

“એટલે”
“ચલ તું મીઠી નીંદર માણ મારી લાડુ બસ, આજે તું જોબ પર નહિ જાય”
“ઓ.કે મોમ….હું તારું બધું જ માનું છું..તારી એક ને એક તો દીકરી છુ”, મીઠડા અવાજમાં બોલતા બોલતા નિષ્ઠા વિશ્વાના ખોળામાં સુઈ જાય છે…ને મોબાઈલ લઈને રજા માટેનો મેસેજ બોસના મોબાઈલ પર સેન્ડ કરતી પાછી સુઈ ગઈ.

“ચલ તું રૂમમાં સુઈ જા આરામથી હું તને દસ વાગે ઉઠાડું છું…ત્યાં સુધીમાં હું રૂટીન કામ ફીનીશ કરી લવ છું.
‘ના,મમ્મી તું પણ સુઈ જા આપણે સાથે કામ કરશું આખો દિવસ છે….ચલ મમ્મી હવે મારી ડાહી ને ક્યુટ ક્યુટ મમ્મી બનીને આ જ સોફા પર સુઈ જા…રોજ રાત્રે રૂમમાં બેડ પર તો બધા સુતા હોય આજે દિવસે ને એ પણ સોફા પર મીઠા મીઠા સપના જોઈએ….ચલ સૂઈજા!…અબે માન જાઓ ના પ્લીઝ,”

(આમ તો બંને મા-દીકરી હતા પણ બંને જ એકબીજાનો સહારો હતા એટલે બંને એકબીજાના દુઃખને સમજી હૂફ આપ્યા કરતા)
નિષ્ઠાની જીદના હિસાબે આખરે વિશ્વાને માનવું જ પડ્યું……એ પણ સુઈ ગઈ એની દીકરીની સાથે.

સૂર્ય બરાબર માથા પર આવવાની તૈયારી છે. શાકભાજીવાળાની લારીઓના અવાજ….વાહનોની અવર જવરનો થોડો ઓછો વધતો અવાજ, હોલની ચાર દીવાલ વચ્ચેના શાંત કોલાહલને ખલેલ પહોચાડી એટલે નિષ્ઠાની આંખ ખુલી ગઈ….એને તરત જ ઘડિયાળમાં જોયું તો બરોબર બાર વાગવાની તૈયારી હતી…..વિશ્વા હજી ભર નિંદરમાં જ હતી…એ હળવેથી ઉભી થઈ બિલકુલ અવાજ કર્યા વગર….ધીમે ધીમે તૈયાર થઇ ગઈ ઘરનું રૂટીન કામ પતાવ્યું પછી શાંતિથી પેપર વાંચવા બેથી ત્યાં વિશ્વાની આંખ ખુલી..

“નિષ્ઠા …તું ઉઠી ગઈ છે ? કેટલા વાગ્યા ?”
“મોમ બપોરના બે વાગશે, આજે તમે ખરેખર દિવસની નીંદરને જોરદાર માણી છે હો….કાશ હું પણ આવો જ પ્રેમ દિવસની નીંદરને તમારી જેમ કરી શકેત”
“બહુ લેટ થયું નહિ ?”

“અરે….ના ના, ચાલે રાખે મમ્મા….આજ તો જિંદગી છે…..જીયો જી ભરકે “
તું તો રેડી છે હું ફટાફટ તૈયાર થઇ જાવ …આપણે બહાર જ જામી લઈશું….પાંચ વાગ્યા પહેલા આપણે ગમે એમ કરીને ઘરે આવી જવું પડશે….હું દસ મીનીટમાં જ રેડી થઇ જાવ છું. ફાસ્ટ ફાસ્ટ હો બેટા”
હજી તો નિષ્ઠા પેપર જ વાંચી રહી છે ત્યાં સાચે જ વિશ્વા દસ મીનીટમાં રેડી થઈને આવી પણ ગઈ..”ચલ બેટા યોર મોમ ઇસ રેડી…નાવ ગો?”,
WOW…..ક્વીક્લી રેડી…ક્યાં બાત હૈ! ચલ તું લોક કર હું જલ્દી મારું એકટીવા કાઢું છુ”

“ના…..બે મિનીટ પ્લીઝ તું મારું કશુક સંભાળ, આજે આપના જુના પડોશી રીટા બહેન એમની ફેમીલી સાથે આપણા ઘરે તારી સગાઈ એમના દીકરા રામ સાથે નક્કી કરવા આવવાના છે….કુંડળી મેલ સારો હોવાથી મેં હા પાડી દીધી છે…મને વિશ્વાસ છે કે , તું…….”
“મમ્મી, તું મારું થોડું કશું ખરાબ કરીશ? મને આ સગાઈથી કોઈ જ પ્રોબ્લમ નથી…..લવ યુ મોમ”

“આજે વિશ્વાને એની દીકરી પર ગર્વ થયું…….બિલકુલ એના ડેડ પર જ ગઈ છે..જો એ અત્યારે હોત તો ખુબ જ ગર્વ કરેત! પણ, અફસોસ……એમને નિષ્ઠાને જોઈ જ ક્યાં છે….એ તો નિષ્ઠાના જન્મ પહેલા જ એકસીડન્ટમાં ….”
“ શું વિચારે છે મમ્મી ચાલ જલ્દી પછી લેટ થશે”

વિચારને ત્યાં જ મૂકી એ દીકરીની ખુશીમાં પોતાના ગમને સંકેલી હસતી હસતી એકટીવા પર બેસી જાય છે.
સાંજે રીટાબેન, એમનો દીકરો રામ અને એમના હસબન્ડ પ્રીતેશભાઈ આવ્યા સગાઈનું નક્કી કરી નાખ્યું. ઘડિયા લગ્ન પણ લેવાઈ ગયા….વિશ્વા બહેન ખુબ જ ખુશ હતા, કારણ કે એમના જીવનમાં ઘણા વર્ષે ખુશીએ દસ્તક દીધી હતી…..

પણ અફસોસ, ખુશી લાંબો સમય ટકી નહિ…..એક દિવસ નિષ્ઠા રડતી રડતી આવી અને હવે સાસરે ક્યારેય નહિ જાય એવું કહીને બીજે જ દિવસે કોર્ટમાં ડિવોર્સ લેવા માટે અરજી પણ કરી દીધી.
શું પ્રોબ્લમ થયો હતો એ આજે ડિવોર્સ થયા પછી પણ નીષ્ઠાએ વિશ્વાને કહ્યું નથી….આખી જિંદગી એ નહિ પૂછવાના સમ પણ આપી દીધા છે એટલે વિશ્વા હવે ક્યારેય જાણી પણ નહિ શકે.

નિષ્ઠા ખુબ જ સમજદાર હતી…એ જે જાય છે તેને પ્રેમથી આવજો કહીને વિદાય કરતી ને જે આવે છે એનું દિલથી સ્વાગત કરતી.
એની ઓફીસ પર એક આસુતોષ નામનો સુંદર, સ્માર્ટ ને સમજદાર છોકરો જોબ કરવા માટે જોઈન્ટ થાય છે….નિષ્ઠાને એની જોડે સારું ફાવે છે..બંને વચ્ચે સમજણ સારી છે. એટલે કોઈ ઈશ્યુ નથી બનતા.

નીષ્ઠાએ આસુતોષ સાથે મેરેજ કરી લીધા….આજે એમના લગ્નને દસ વર્ષ થયા છે હજી સુધી કોઈ જ પ્રોબ્લમ નથી આવી…ને એમના બંનેના બગીચામાં ખીલતા એમના બે સંતાનો છે એક ખુશી ને એક આનંદ…સાચે જ એ બંનેના જીવનમાં ખુશી અને આનંદ જ છે.

આજે વિશ્વા નિષ્ઠાનો સંસાર જોઇને મનમાં જ બોલી કે, “ સાચે જ ગ્રહ મેળ કરતાં મન મેળ સારો જીવનમાં”
ગ્રહ દિશા બદલી શકે પણ મન ….ના કયારેય નહિ !

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ અવનવી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી