મારે શું સમજવું? – આજે અચાનક જ આવેલા એક મેસેજે ધકેલી દીધી ભૂતકાળમાં, વાંચો એવું તે શું હશે એ મેસેજમાં……..

“મારે શું સમજવું ?”

સુરભી આજે પોતાને જ ખુદ પ્રશ્ન કરવા લાગી, કે મારે હવે શું કરવું જોઈએ ? મારે ખરેખર મારી લાઈફમાં આગળ વધવું જોઈએ ? હવે હું ક્યારેક માથાના વાળ જેટલું પણ દુખ સહન કરવા નથી માંગતી કેમકે અત્યાર સુધી જેટલી દુઃખની વ્યાખ્યા ને કલ્પના હોય એ બધા જ દુ:ખોને હું ભોગવી ચૂકી છું ને કોણ ક્યારે અને કેવી રીતે ઉપયોગમાં આવી શકે એ પણ હું સમજી ગઈ છું.

હજી મારી ઉંમર જ કેટલી થઇ છે ? ખાલી પાત્રીસ તો છે. શું પાત્રીસ વર્ષની એજ થવાથી કોઈ એના જીવનમાં આગળ ન વધી શકે ? નવી દુનિયા ન બનાવી શકે ?

પોતાના મન સાથે વાત કરતી ગઈ ને અત્યાર સુધીમાં એક કલાકમાં પાંચ કપ કોફીના પી ચૂકી હતી. અચાનક એને શું સૂઝયું કે એ ઉભી થઈને પોતાના બેડરૂમમાં પહોચી ગઈ ને પોતાના વોર્ડરોબમાંથી એકદમ ન્યુ ને વેસ્ટર્ન કપડા કાઢી ને ફટાફટ રેડી થઇ ગઈ ને સીધી જ એ પોતાનું એકટીવા સ્ટાર્ટ કરીને પહોચી ગઈ જજીઝ બંગલા રોડ પર જોબ માટેના ઈન્ટરવ્યું માટે.ગુજરાતની સારામાં સારી ચેનલમાં આજે એનું ઈન્ટરવ્યું હતું. ઈન્ટરવ્યું લેવાઈ ચૂક્યું હતું. એનું ઈન્ટરવ્યું કોપી એડિટરની પોસ્ટ માટેનું હતું. એના ગુજરાતી વિષય પરના પ્રભુત્વને કારણે એને જોબ તો મળી જશે. પરંતુ જ્યારે એની લાઈફ વિષે અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે એનો આત્મવિશ્વાસ ને ઉત્સાહ શૂન્ય બની ગયો.

“તમે મેરીડ છો ? તમારે જોબ શા માટે કરવી છે ? તમે ક્યા રહો છો ? તમે આમ તો પ્રોપર અમદાવાદનાં નથી? વગેરે વગેરે ……આવા પ્રશ્નો અને જોબ સાથે શું લેવાદેવા? તો પણ સુરભિએ ઇન્ટરવ્યુ લેવા વાળાને સંતોષકારક જવાબ આપીને એ ત્યાંથી નીકળી ગઈ…

પરંતુ એક પ્રશ્ને આજે આખો એનો ભૂતકાળ એની નજર સામે જીવંત કરી દીધો. એ એકટીવા લઈને ઘરે આવવાની જગ્યાએ સીધી જ રીવરફન્ટ પહોચી જાય છે. ત્યાં એક સરસ મજાના બાંકડે બેસીને સાબરમતીના વહેતા પાણીને અવિરત જોયા કરે છે. એકદમ મૌન ન કોઈ વિચાર કે ન કોઈ પ્રશ્ન બસ સ્થિરમગ્ન થઈને એ વહેતા નીરને જ જોયા કરે છે. આથમતા સૂર્યનું પ્રતિબિંબ વહેતા નીરમા આછું સોનેરી પ્રતિબિંબ પથારી રહ્યા હતા. થોડીવાર તો એવું લાગ્યું કે આ સૂર્ય એના કિરણોનાં પ્રતિબિંબનો સ્પર્શ આપીને આ નદીને સોળેશણગારથી સજાવી રહ્યા છે. અને નદી પણ હોંશે હોશે ઉછળતી કુદતી એ શણગાર સજવા માટે તૈયાર હોય એવું લાગ્યું.એક સૂર્યના પ્રતિબિંબનાં સ્પર્શથી જ જો આખું નદીનું સ્વરૂપ બદલાઈ જતું હોય તો એક સ્ત્રીને જો યોગ્ય પુરુષનો સ્પર્શ મળે તો એનું જીવન જરૂર બદલાઈ શકે છે.

અફસોસ…! હું ક્યા આ નદી જેટલી નસીબદાર છું. મારે તો એકલા જ આ મારી મંઝીલ ખેડવાની છે. એકલતામાં જ સફળતા આ કહેવત મારા માટે જ બની છે. હું આ કહેવતને સાર્થક કરીશ જરૂર કરીશ …પરંતુ….!

પરંતુ મારો કરુણ ભૂતકાળ ક્યા મારો પીછો છોડે છે? ખબર નહિ ક્યા સુધી મારી સાથે રહેશે ?

મારે મારા જીવનમાં ખુબ આગળ વધવું છે. એના માટે મારે મારા ભૂતકાળને જ સાથે રાખવો પડશે ને પૂરતી હિંમત સાથે અડગ મને રહેવું પડશે. હું મારા એ ખરાબ પાસ્ટથી હું મારા સફળ ભવિષ્ય માટે પ્રેરણા બનાવીશ. હું શારીરિક અને માનસિક રીતે હજી વધારે મજબૂત બનીશ. ડાઈવોર્સ થયા તો શું થયું ? શું ડાઈવોર્સ પછી કોઈ સ્ત્રી એની જિંદગી શરુ ન કરી શકે ?

ભલે મારું એજ્યુકેશન સરકારી સ્કુલમાં થયું હોય. ભલે મને મારી સેફટી માટે કરાટે ક્લાસમાં ન મોકલવામાં આવી હોય. ભલે મારું અંગ્રેજી નબળું રહ્યું પણ તોયે હું એક સફળ નારી તો બનીશ જ ને એ પણ મારા ભૂતકાળને સાથે રાખીને. હું જ્યાં સુધી મારા જીવનમાં સફળતા નહી મેળવી લઉં ત્યાં સુધી હું એકલી જ રહીશ! હું સાબિત કરીને બતાવીશ આ નકામા સમાજને કે જિંદગીમાં આગળ વધવા માટે કોઈના સાથની કોઈને ક્યારેય જરૂર હોતી નથી બસ, મનથી મજબૂત ને તટસ્થ વિચારો હોવા જોઈએ એક ખંત ને એક ફીતુર હોવું જોઈએ જીવનમાં તો અને તો જ તમે તમારા નક્કી કરેલા ગોલને અચીવ કરી શકો છો.

હજી એ વિચારી રહી હતી ત્યાં જ પેલી ચેનલમાંથી કોલ આવ્યો, “ મેડમ તમે ક્યારથી જોબ જોઈન્ટ કરી શકશો ?

“હું કાલથી જ જોઈનીંગ કરીશ.”

“ઓ.કે. ગુડ…, કાલે સવારે નવ વાગ્યાના સમયે પહોચી જજો ઓફીસ ને તમારા ડોક્યુમેન્ટ વેરીફાય માટે લેતા આવશો ઉપરાંત તમારું રેસિડેન્ટ પ્રૂફ..”

“ઓ.કે …..થેન્ક્સ”

કોલ કટ થતા જ સુરભી થોડી અકળાઈ આ રેસિડેન્ટ પ્રૂફ ક્યાંથી કાઢવું ? હું તો પી.જીમાં રહું છું ને ઈન્ટરવ્યુંમાં તો હું જુઠું બોલેલી કે હું અને મારા હસબંડ સાથે જ રહીએ છીએ. એમની અહિયાં ટ્રાન્સફર થઇ હોવાથી અમે અહિયાં થોડા સમય પહેલા જ શિફ્ટ થયા છે ને મને કંટાળો આવે છે ઘરે. ન્યુ વાતાવરણ હોવાથી ફાવતું નથી એટલે મારે જોબ કરવી છે…….યાર મેં તો આવું આવું….કહ્યું હતું, હવે? સુરભી કશુક વિચાર બેટા વિચાર તું તો ફસાઈ ખરેખરની ….એક મુસીબતમાંથી માંડ છૂટે ત્યાં બીજી આવીને ઉભી જ રહે છે. સાલું આ એકલી સ્ત્રી માટે અઘરું છે હો આ સમાજમાં રહેવું ?

સમય અને સંજોગના સમન્વયે સુરભિને ઉંમર કરતા પધારે પરિપક્વ બનાવી દીધી હતી. એણે થાય એટલી હિમ્મત ભેગી કરીને આ તમામ પરિસ્થિતિનો સામનો કરવા મન મક્કમ કરી લીધું હતું. કહેવાય છે કે, જેના નિર્ણય અડગ હોય એ હિમાલય પણ સર કરી શકે છે …ઉદાહરણ તરીકે “ અરુંધતી રોય” જેનો એક પગ પ્લાસ્ટીકનો હોવા છતાં એવરેસ્ટ શિખર સર કરવાનું ગૌરવ ધરાવે છે. તો મારે તો બે હાથ , બે પગ ને મારા વિચારો બધું જ ઉતમ ને કાર્યશીલ છે. બસ સુરભી બેટા તું મહેનત કર્યે જા કર્મના ફળની ચિંતા ન કર !!!

આવી રીતે રોજ ખુદની સાથે વાતો કરીને પોતાને ખુદને મોટીવેટ કરીને સુરભિએ અજાણ્યા સિટીમાં પોતાની નવી જિંદગીની શરૂઆત કરી.સુરભીમાં એક ગુણ સારો હતો. એના જીવનમાં આળસ બિલકુલ ન હતી. અબ્દુલ કલામનો એક પ્રસંગ એણે વાંચેલો જેમાં લખ્યું હતું કે, અબ્દુલ કલામ પોતે પોતાના સ્વપ્નો સાકારકરવા માટે જીવ્યા ત્યાં સુધી માત્ર ને માત્ર બે જ કલાક સુતા. એ પોતે એવું માનતા કે સુવામાં સમય બરબાદ ન કરાય… એ સમયમાં એડવાન્સ વર્ક કરી શકાય જેનાથી જીવનમાં ખુલ્લી આંખે જોયેલા બધા જ સપનાઓ પૂરા કરી શકાય છે.

બસ, સુરભીના મગજમાં આ વિચારે મક્કમ રીતે ઘર કરી લીધું. એ રાત દિવસ મહેનત કરવા લાગી. દિવસે જોબ ને રાત્રે એને જોયેલું સ્વપ્ન પૂરૂ કરવા ખુબ મહેનત કરવા લાગી, ક્યારેક આખી રાત જાગીને પણ વાંચ્યા ને લખ્યા કરે.

આમ ને આમ પોતે જ પોતાની ગુરુ બની ગઈ. ગુજરાતી ભાષા વાંચવાનો અને સારા સારા વિચારો લખવાનો એને ખુબ જ શોખ એટલે એ મન મૂકીને લખવા બેસી જતી.ખુબ જ ઓછા સમયમાં એ ગુજરાતી ભાષાની સારી લેખિકા બની જાય છે. જે સુરભી ચાર વર્ષ પહેલા એકલી ઓટોમાં બેસીને ઘરે પણ નહોતી પહોચી શકતી એ સુરભી આજે હજારો લોકોની વચ્ચે પોતાની લખેલી કવિતાઓ અને ગઝલો સ્ટેજ પર બોલી પોતાનો ઉત્સાહ વધારી રહી છે.

જીવનમાં આગળ આવવા માટે નથી પૈસાની જરૂર કે નથી કોઈની મદદની જરૂર. બસ, જરૂર છે તો આત્મબળ, આત્મવિશ્વાસ, ધગશ ને એક ખંતની!!!!

આમ કરતા કરતા ક્યા પાંચ વર્ષ વીતી ગયા એની સુરભીને પણ ખબર ન પડી. પોતાની આવડત ને મહેનતથી જોબમાં પણ પ્રમોશન મેળવી લીધું. વગર જર્નાલીઝમેં એ સારી એડિટર બની ચૂકી હતી. ઉપરાંત એક સારી લેખિકા તરીકે એને સ્થાન પણ મેળવી લીધું …પૈસો, માન, પ્રતિષ્ઠા બધું જ પ્રાપ્ત કરી આજે સુરભી પોતાના જેવાનાથી ખરેખર “ તૃપ્ત“ બની ચૂકી છે.

એના સ્વપ્નનું એક નાનું એવું ઘર પણ વસાવી લીધું છે. એ એના આ એકાંતિ સફરમાં ખુબ જ ખુશ છે. હવે એ એના જીવનમાં એટલી વ્યસ્ત છે કે એને એનો ભૂતકાળ એ યાદ કરવા બેસે તો પણ એને યાદ નથી આવતો.

એક દિવસ અચાનક એના જીવનમાં એક મેસેજે તોફાન મચાવી દીધું.

સવારે ઉઠીને પેપર વાંચી રહી હતી ત્યારે એ રાતના આવેલા બધા જ મેરેજો ઈનબોક્સમાંથી વાંચીને ડીલીટ કરી રહી હતી. ત્યાં જ એની નજર એક મેસેજ પર પડે છે….” જેમાં લખ્યું હતું કે, સોરી સુરભી!!! હું તને હજી ખુબ જ યાદ કરું છું. મને વિશ્વાસ હતો જ કે તું ખુબ જ આગળ વધીશ! તું તારા જીવનમાં આગળ વધીશ એટલા માટે તો મેં તને છોડી દીધી હતી. હવે મારો ગોલ પૂરો થયો. શું તું મને માફ નહિ કરી શકે ? હું હજી તને એટલો જ લવ કરું છું.મને ખુબ જ અફસોસ છે કે , હું તારા પ્રેમને સમજી ન શકયો!! તારા ત્યાગને ઓળખી ન શક્યો ! તારા રૂપને મેં વહેમની નજરથી જોયેલ. તું ખરેખર ખુબ જ સુંદર છે. તારી સુંદરતા તારી ઇનર બ્યુટી છે. તારામાં છલ, કપટ નથી એટલે તું મન મૂકીને ખીલી છે. મને તારી ખુબ જ ચિંતા રહેતી કારણ હું તને ખુબ જ લવ કરું છું એટલે. મને ડર હતો કે તને કોઈ મારાથી છીનવી ન લે એટલા માટે હું તને ઘરમાં જ રાખતો …..મેં તને ચાર દીવાલની વચ્ચે કેદ રાખી લગ્ન પછી, તારી પાંખો જ કાપીં નાખી હતી. હું નહોતો ઇચ્છતો કે તું ઘરની બહાર નીકળે એટલા માટે મેં તને ક્યારેય ઘરની બહાર જવા નહોતી દીધી. હું ખરેખર મારું જ વિચારતો રહ્યો. તારા સ્વપ્નો, તારા વિચારો શું છે એ મેં ક્યારેય જાણવાનો કે સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો.

અત્યારે તું ખુબ આગળ નીકળી ગઈ છે. હું રોજ તારી વાર્તાઓ ને આર્ટીકલ્સ પેપરમાં આવે છે એ વાંચું ત્યારે તને મેં ગુમાવી એનું ખુબ જ દુ:ખ થાય ને એ વિચારે મારી આંખ બે પળમાટે ભીંજાઈ જાય છે. હું તને અને તારા પ્રેમને એક પળ માટે પણ ભૂલી નથી શકતો. હજી આપણે સાથે હતા ત્યારે માણેલી એક એક પળનો હું અહેસાસ કરું છું.

તારા ગાલોમાં પડતા ખંજન, તારા રેશમી ને સુંવાળા ને મુલાયમ વાળનો સ્પર્શ….તારું એસરસ મીઠું, નાનું ને પ્રેમાળ ચુંબન કરીને મને જગાડવાનું, રોજ ટીફીનમાં નવી નવી વસ્તુઓ બનાવી મને પ્રેમથી જમાડવાની તારી રીત, તારો ગુસ્સો, તારું હાસ્ય, તારી મોટી મોટી કમળની પાંખડી જેવી આંખો, તું જ્યારે પણ તૈયાર થતી ત્યારે તું અરીસામાં જોવાની જગ્યાએ મને પૂછતી , “હું કેવી લાગુ છું.? “

“હું કહેતો , જોઈ લે અરીસામાં”

“ત્યારે તું વેલની માફક વીંટળાઈ બોલતી કે, મારો અરિસો જ તમે છો, મારું પ્રતિબિંબ જ તમે છો “

“તારી પ્રેમ કરવાની અદા ખરેખર નિરાળી છે. તારો પ્રેમ પામવો એ કોઈના નસીબની વાત નથી. મેં પુણ્ય કર્યા હશે એના પ્રતાપે તને પામી ને મેં પાપ પણ કર્યા હશે જેનાં હિસાબે તું મારાથી આટલી દૂર ગઈ !”

“મને માફ કરી દે !!!”

“આવી જા મારી જિંદગીમાં પાછી. આપણે પાછો આપણા બંનેનાં પ્રેમનો બગીચો બનાવીએ ને એમાં પ્રેમથી સુંદર ફૂલો ખીલાવશું:…..”

બસ, આટલું વાંચતા જ સુરભી આખી રગેરગથી હલી ગઈ. એ માંડ ખુશ હતી. કેટલીયે રાતના ઉજાગરા પછી એ પોતાનો ભૂતકાળ ભૂલી હતી. આજે અચાનક જ સંદીપનાં આ મેસેજે એને પાછી ભૂતકાળમાં ધકેલી દીધી.ફટાફટ કીચનમાં જઈને એને એક નહિ, બે નહિ, પણ પાંચ કપ કોફી બનાવી એક પછી એક કપ પીતી ગઈ. આંખોમાં આજે આંસુઓનો દરિયો હતો ને મન કેટલાય પ્રશ્નોથી ઘેરાયેલું …

હવે, તને મારો પ્રેમ સમજાયો, ત્યારે ક્યાં ગયો હતો તારો પ્રેમ જ્યારે તે જ મને સામેથી ડિવોર્સ પેપર મોકલ્યા હતા. આજે તું જ મને વિચાશીલ વ્યક્તિ કહે છે ને ? આજથી પાંચ વર્ષ પહેલા તે જ મને માનસીક રોગી જણાવી સાબિત કરીને કોર્ટ થકી મારી સાથે ડાઈવોસ લીધેલા.

આજે હું તને સારી લાગુ છું…. કારણ હું હવે મારા પગ પર ઉભી રહી શકુ છું એટલે ને ? મને હજી યાદ છે તારા જ બોલાયેલા એ શબ્દો , “ હું તારો હાથ છોડી દઈશ તો તું ભિખારી બની જઈશ …. તારી ઔકાત શું છે કે તને કોઈ નોકરી આપે “

તારા આ જ શબ્દો મારા મોટીવેશનનું કારણ બન્યા છે….એનો ખુબ ખુબ આભાર ….

તને ખબર છે આ સમાજમાં મારી શું હાલત હતી એ ? અને હવે આવ્યો તું મને અપનાવવા !

એકવાર રામે સીતાનો ત્યાગ કર્યો પછી સીતા પણ રામના મહેલમાં પાછા ક્યારેય નથી આવ્યા..તો હું તો સીતા છું જ નહિ તો હું કેમ તારી પાસે પાછી આવી શકું ?

દ્રોપદી વેર લેવા યુદ્ધ કરાવી શકે પણ હું તો સુરભી છું હું બુદ્ધનાં શરણમાં જઈને શાંતિનો માર્ગ અપનાવી હિંસાથી દૂર રહીને આગળ વધી છું.

તને હવે મારી કિંમત થઇ ?
જ્યારે મારે જરૂર હતી તારા સાથની ત્યારે તારી સમજણ ક્યા ગઈ હતી ?

આટલું મેસેજમાં ટાઈપ કરતા કરતા બંને આંખોમાંથી અશ્રુની ધારા થવા લાગી ને આંખે અંધારા આવવા લાગ્યા ને છેલ્લે એટલું જ ટાઈપ કરી શકી,

મારેશું સમજવું ????

નેત્યાં જ મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો….!!!

|| અસ્તુ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી અનેક નવીન વિષયની વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી