બીજી ભાષાઓ શીખવાની ઘેલછામાં આપણે આપણીજ માતૃભાષાને ભૂલી ગયા છીએ…

માતૃભાષાની સાધના અને સજ્જતા માટેનું એક સ્વૈચ્છિક સંગઠન

ભાષા વાણી સ્વરૂપ છે. અનેક શબ્દોથી બનેલી ભાષા વાણી સ્વરૂપે અવનવા પરિવર્તનથી બદલાતી જાય છે. સમયનાં વહેણ સાથે ભાષા પણ સરિતાની જેમ અનેક પ્રવાહોમાં નિરંતર પરિવર્તનશીલ છે. આત્યારે વર્તમાન સમયે જોઈએ તો એમાં ઘણાં બધાં પરિવર્તનો આવ્યાં છે. આપણે આપણી માતૃભાષાને છોડીને બીજાની માતૃભાષાને અપનાવવા લાગ્યાં છીએ. જે ગંભીર બાબત કહેવાય !

જો કોઈ ગુજરાતી ગીત સાંભળી રહ્યું હશે, તો આપણે તરત જ બોલીશું, “હાય હાય, તું હજી ગુજરાતી ગીતોમાં જ છું.”

પણ, કેમ? શું માતૃભાષામાં ગીતો સાંભળવાથી કોઈ નાનું બની જતું હોય છે ?

માતૃભાષા એ સોનું છે અને સાહિત્યકાર એનો ધડનાર છે. પછી આ સોનામાંથી કેવા ઘરેણા ધડવા એ જે તે ધડનાર પર આધારિત છે. તેથી મને મારી માતૃભાષા પ્રત્યે ગર્વ છે.

કોઈ પણ પરિસ્થિતિ સુખ દુઃખ ઘટના બને તો તેમાંથી તેજસ્વીતાનું દર્શન આપણે આપણને આપણી માતૃભાષા કરાવે છે.

પોતાનું બાળક અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરે! એવું જ આજકાલના દરેક માતા-પિતા એવું જ ઈચ્છતા હોય છે. પરંતુ એ એટલું ભૂલી ચૂક્યા છે કે, બાળકની માતૃભાષા એ જીવન વિકાસના મૂળમાં રહેલી છે. બાળકની જ્ઞાન પ્રાપ્તિની ભાષા જેટલી તેજસ્વી તેટલો તેનો જ્ઞાનાત્મક વિકાસ ઊંચો. તે બાળકની અધ્યયન ક્ષમતાનું સંવર્ધન કરે છે. બાળકની માતૃભાષા દ્વારા જ બાળકની સર્જનશક્તિ, પ્રત્યાયન ક્ષમતા અને તેનો સાંસ્કૃતિક વિકાસ સાહજિક રીતે થાય છે.અનેસાથે સાથે બાળકનો વિશ્વ નાગરિત્વની દિશામાં વિકાસ કરવા માટે અંગ્રેજી ભાષાની સજ્જતા ઉત્કૃષ્ટ કક્ષાએ જરૂરી છે.

ઉપરકહેલ વાત વિચારવા જેવી તો ખરી જ ! જો આ બાબતે તમે આજે વિચાર નહીં કરો તો તમે ક્યારેય નહીં વિચાર્યું હોય એવું પણ પરિણામ આવી શકે છે.

આજનાં યુવાન માતા-પિતાની મૂંઝવણ પણ એ જ છે કે એમનાં બાળકને ક્યા માધ્યમમાં ભણાવવો જોઈએ ? સાચું ને ? એવું પણ નથી કે આજના યુવાન માતા-પિતા આ વિષે નથી વિચારતાં. હજી ગઈકાલની જ વાત કરીએ તો અમદાવાદનાં જ એક યુવા દંપતીએ એમના એક ના એક દીકરાને અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી માધ્યમમાં ભણવા મૂક્યો.

તમને એ જાણીને નવાઈ લાગશે કે એમનો દીકરો અંગ્રેજી માધ્યમાં ભણવામાં ખૂબ જ હોંશિયાર છે. અને દર વર્ષે ક્લાસમાં બીજા અથવા ત્રીજા નંબરે જ આવે છે. છતાં એમને વિચાર્યું કે આપણે આપણાં બાળકને શા માટે ગુજરાતી માધ્યમમાં નથી ભણાવતા ? બોલી ગુજરાતી, પહેરવેશ ગુજરાતી, જમવાનું ગુજરાતી તો પણ ભણતર અંગ્રેજી કેમ ? આવો પ્રશ્ન થયો ને બંને પતિ પત્નીએ ખૂબ વિચાર્યું…

માતૃભાષા પ્રત્યે આવો ઉમદા વિચાર કરનાર ચંદ્રેશભાઈ પ્રજાપતિ અમદાવાદમાં પોતાનો બીઝનેસ ધરાવે છે. અને તેમને ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ હોવાથી ઘણી અછાદંસ કવિતાઓ પણ લખી છે. એમના વાઈફ હાઉસ વાઈસ છે.

એમનો દીકરો નિશીથ આખો દિવસ રમવાની જગ્યાએ ચોપડાઓમાં જ રચ્યો પચ્યો રહેતો હતો. રમવાની જગ્યાએ રીડીંગ, હોમવર્ક ને કોઈને કોઈ શૈક્ષણિક પ્રવૃતિમાં જ રચ્યો પચ્યો રહેતો. ઘરમાં કોઈ સાથે વાતચીત પણ નહીં. નિશીથને જોઈને ચંદ્રેશભાઈને વિચાર આવ્યો કે આટલી બધી મહેનત તો હું પણ મારા અભ્યાસ દરમ્યાન નહોતો કરતો. જો આ અંગ્રેજી માધ્યમના અભ્યાસમાં જેટલી મહેનત કરે છે એટલી જ મહેનત જો એ ગુજરાતી માધ્યમમાં કરશે તો એને એની મહેનતનાં પ્રમાણમાં ડબલ પરિણામ મળશે. આમ પણ આજકાલ સરકારી નોકરી માટે મોટા થઈને ગુજરાતી શીખવું પડે છે. ને એમણે તરત જ એમના અંતરઆત્માએ જે કહ્યું એનો અમલ કરીને હોંશે હોંશે એમના દીકરા નિશીથને મૂક્યો ગુજરાતી માધ્યમમાં ભણવા.

આજના દરેક યુવાન માતા પિતા જો આવું જ વિચારશે તો અને તો જ આપણી માતૃભાષા ગુજરાતી છે. એવું આપણે વર્ષો પછી પણ ગર્વ સાથે કહી શકીશું. એમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ તો ખાલી એક ઉદાહરણ જ છે. આવા તો  ઘણાં કિસ્સાઓ તમે તમારી નજર સામે જ જોયા ને સાંભળ્યા હશે !

ગુજરાતી ભાષાની કથળતી જતી સ્થિતિ અંગે ચર્ચાઓ જ કર્યે રાખવી ? કે પછી કોઈ ઉમદા કાર્ય પણ હાથ ધરવું જોઈએ !

ગુજરાતી ભાષાની સ્થિતિ જોઇને ગાંધીનગર સ્થિત રહેતા ચિલ્ડ્રન યુનીવર્સીટીનાં સ્થાપક શ્રી હર્ષદભાઈ શાહે માતૃભાષા સેતુ નામે એક સ્વૈચ્છિક સંગઠનની રચના કરવામાં આવી. જેમાં ગુજરાતી ભાષાનું પાયાનું જ્ઞાન તેમજ લોકોને ભાષા પ્રત્યે પ્રેમ જાગે એવું ઉમદા કાર્ય હાથ ધર્યું છે. યુનિવર્સીટીના જ એક હોલમાં બધાને હોંશે હોંશે આમંત્રણ આપીને ગુજરાતી ભાષાનું પાયાથી જ્ઞાન આપવા માટે ગુજરાતી ભાષાની નાની એવી પાઠશાળા પણ ખોલી છે… જે મહિનાના બીજા અને ચોથા શનિવારે ગુજરાતી ભાષાના જાણકાર કોઈ મહાન તજજ્ઞ દ્વારાપાયાનું જ્ઞાન આપવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે આ પાઠશાળામાં, કોલેજનાં પ્રોફેસરો, પ્રિન્સીપાલ, શિક્ષકો તેમજ સરકારી નોકરી કરી રીટાયર થયેલ મોટા મોટા વ્યક્તિઓ પણ આ કાર્યમાં જોડાયા છે…

આવું ઉમદા કાર્ય કરનાર હર્ષદભાઈ શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શું જોઇને અને વિચારીને આ કાર્ય હાથમાં લીધું છે.

તો તેઓ જણાવે છે કે, હું વર્ષોથી જોવ છું. કે ગુજરાતી ભાષાની કથળતી જતી સ્થિતિ અંગેચોમેર – અત્ર, તત્ર ને સર્વત્ર કાગારોળ મચતી રહે છે. ગુજરાતનાં ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નાપાસ થાય… તેપણ લાખોની સંખ્યામાં ! ચર્ચાનો વિષય તો બને જ ને ? કોઈક ખૂણેથી એવી વાત પણ જાણવા મળે કે શિક્ષકોને જ ગુજરાતી નથી આવડતું તો તેમાં વિદ્યાર્થીઓનો શું વાંક !

ચારે કોર બસ ચર્ચા જ ચર્ચા ઉકેલની તો કોઈ વાત જ નહીં. ને ગુજરાતી ભાષાની કથળતી સ્થિતિ માટે આજકાલ લોકોમાં પણ ઘણી બધી  ભ્રમણાઓએ સ્થાન લઈ લીધું છે. જે મારે દૂર કરવું છે.

ભ્રમણા – ૧ અંગ્રેજી વિના આપણો ઉદ્ધાર નથી.

ભ્રમણા – ૨ હવે જમાનો બદલાઈ ગયો છે. અંગ્રેજી માધ્યમમાં જ છોકરાઓને ભણાવાય.

ભ્રમણા – ૩ છોકરાને ડોક્ટર બનાવવો હોય તો અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવો જોઈએ.

ભ્રમણા – ૪આપણી માતૃભાષા જ જ્યારે ગુજરાતી છે તો એ તો આવડે જ ને ! એમાં વળી શું ભણાવવું ?

આવીઅનેક ચિત્ર વિચિત્ર ભ્રમણાઓનાં વમળમાં આપણો સમાજ ફસાયો છે. એ વમળમાંથી ઘણાં બહાર નીકળી શકતાં જ નથી.

આ બધી જ ભ્રમણાઓનાં જવાબ સ્વયં સ્પષ્ટ છે. પરંતુ આંખે અને મગજે અંધારા છવાયા છે. એ દૂર કરવા છે.

હજી ગયા મહિનાના બીજા શનિવારે જ ગાંધીનગર ખાતે આવેલી. ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી ખાતે અમે ડો.ઉમાકાંત રાજ્યગુરુને તજજ્ઞ તરીકે બોલાવ્યા હતા. એ એમણે ગુજરાતી ભાષામાં થતી જોડણી ભૂલો વિશે ખૂબ સરસ માહિતી આપેલ… અને ત્યારબાદ એ જ કાર્યશાળામાં એક મૂલ્યાંકન ટેસ્ટ પણ રાખવામાં આવી હતી જેથી આવનાર વ્યક્તિને પોતાને ખ્યાલ આવે કે મને ગુજરાતી કેટલું આવડે છે.

આનંદની વાત છે કે હવે આ કાર્યનું ઇષ્ટ સ્વરૂપ બંધાતું જાય છે અને સમાજ ઘટકો પાસેથી અનપેક્ષિત એવું ઘણું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. ૨૩ જૂનના દિવસે યોજાયેલ કાર્યશાળા વિશિષ્ટ બની રહી હતી. આપણા બધાના જાણીતા અને  માનીતા… ભાષાપ્રેમી અને ભાષાવિદ શ્રી ભાગ્યેશભાઈ જ્હા આ કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મહેસાણાના શ્રી જેઠાભાઇ પટેલ આ સત્રમાં જોડણીના નિયમો એમની આગવી શૈલીમાં શીખવ્યાં હતા. અ ઉપરાંત BISAG નીટીમ દ્રારાઆખો ત્રણ કલાકનો કાર્યક્રમ રેકોર્ડ પણ કરવામાં આવ્યો હતો. અનેક રીતે આ કાર્યશાળા મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

હર્ષદભાઈનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ જ છે. જે એમને આવા ઉતમ કાર્યો કરવાની પ્રેરણા આપી રહ્યો છે.

આપણે જ સૌ અંગ્રેજી ભાષાનાં શિક્ષણ માટે આંધળાં થઇ ચૂક્યાં છીએ.

જરા વિચારો તો ખરા કે શું દુનિયાના બીજા દેશો જે અત્યારે ટેકનોલોજીમાં ખૂબ આગળ છે. ત્યાં પણ અંગ્રેજી માધ્યમનું જ શિક્ષણ આપવામાં આવતું હશે ? ના, મિત્રો એવું બિલકુલ નથી. દુનિયાનાં કેટલાય દેશો અંગ્રેજી ભાષામાં કામ કરતાં જ નથી. પોતાની જ ભાષા ત્યાં ભણાવવામાં આવે છે અને નીતનવા સંશોધનો પણ કરે છે. જાપાન, ફ્રાંસ, સ્પેન, જર્મની, ઇઝરાયેલ, રશિયા અને બીજા કેટલાંય દેશો… શું આ તમામ દેશોમાં પ્રગતિ નથી ? પ્રગતિ તો છે જ  સાથે સાથે ત્યાંની પ્રજા પણ સ્વાભિમાન બનીને જીવી રહી છે. કેમ કે એ લોકો એમની જ ભાષાને ખૂબ ચાહે છે.

આ બધું જાણવા છતાં શા માટે આવી આંધળી ડોટ મૂકવાની ? શું આપણે કશું વિચારી નથી શકતા ? માતૃભાષામાં જ ભણીને કેટલાંય મહાન વૈજ્ઞાનિકો, કવિઓને લેખકો આ દેશને મળ્યા જ છે ને ?

ટૂકમાં, કહીએ તો આપણી માતૃભાષાની અણછાજતી, ઉપેક્ષા અને અવગણના જ આ પ્રશ્નનાં મૂળમાં છે.

માતૃભાષાને અનહદ પ્રેમ કરી સ્નેહ, સંવેદના અને સંસ્કારનું અનમોલ ભાથું વરદાન સ્વરૂપે મેળવીએ… બાકી બધું તો એની મેળે પાછળ પાછળ આવી મળશે.

જય જય ગરવી ગુજરાતી ભાષા !

||અસ્તુ||

લેખક : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણાં પેજ પર.

ટીપ્પણી