આજનો દિવસ : શ્રી નારાયણ સ્વામીજીનો પ્રાગટય દિવસ…

આજનો દિવસ :-

શ્રી નારાયણ સ્વામીજી

જન્મ તારીખ: અષાઢ સુદ બીજ , જૂન, ૧૯૩૮, સં. ૧૯૯૪ ( પ્રાગટય દિવસ: ૨૯/૦૬/૧૯૩૮ અને બ્રહમલીન: ક્યાંક ૧૫ તો ક્યાંક ૧૬ / ૦૯ / ૨૦૦૦ આપેલ છે)

બાળપણનુ નામ: શકિતીદાન મહિદાનજી લાંગાવદરા

પિતાજીનુ નામ: શ્રી મહિદાનજી લાંગાવદરા

માતાજીનુ નામ: શ્રી જીવુબાબેન લાંગાવદરા

અભ્યાસ: ૨ ઘોરણ સુધી

ગુરુજી નુ નામ: પ;પૂ; શ્રી.સરધારના મહાન સંત શ્રી હરીહરાનંદજી બાપુ

? સંક્ષપ્ત

સંતવાણીના સમ્રાટ નારાયણ સ્વામીનો જન્મ સંત, શૂરા અને સતિની ભોમકા એવા સૌરાષ્ટ્રના ગઢડા પાસેના આંકડિયા ગામે તા. ૨૯-૦૬-૧૯૩૮ ના રોજ પ્રભુપરાયણ ગઢવી કુટુંબમાં થયો હતો. માતાપિતાએ તેમનું નામ શક્તિદાન રાખ્યું. સંત સ્વભાવના માતા-પિતાના સત્સંગના સહવાસે તેમને ભક્તિરસ વારસામાં મળ્યો હતો. રાજકોટમાં એક ઉધ્યોગપતિને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરીએ રહ્યા. સાથે ડોંગરે મહારાજની ભગવતકથામાં સંતવાણી આપવા પણ જાય. સાંસારિક જીવનનો ત્યાગ કરી, સ્વામી નારાયણાનંદ નામ ધારણ કર્યું. સિત્તેર ના દસકામાં જ્યારે દુકાળ ચાલતો હતો ત્યારે નારાયણ સ્વામી એ અનેક કાર્યક્રમો દ્વારા પશુઓની પાંજરાપોળ ને આર્થિક મદદ કરી હતી. (જે રકમ થી કદાચ પોતે કરોડપતિ બની શક્યા હોત.) જૂનાગઢના શિવરાત્રી મેળામાં પ્રતિવર્ષ સંતવાણીનો કાર્યક્રમ થતો જેમાં પૂજ્ય મોરારીબાપુ પણ નારાયણ સ્વામીના ભજનો સાંભળવા અચૂક આવે. આવા સૂરના સ્વામી અલગારી ભજનિકનું ઇ. સ. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૦૦માં અવસાન થયુ.

? થોડુ વધારે પણ અગત્યનુ

શક્તિદાન મહીદાન લાંગાવદરા
૨૯-૬-૧૯૩૮ થી ૧૫-૯-૨૦૦૦

નારાયણ સ્વામી રાજકોટ શહેરનાં વતની હતાં. તેઓ ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે. તેઓનાં ભજનને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક ડાયરો અથવા સંતવાણી કહે છે એવા કાર્યક્રમો ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. જેમાં તેઓ ભારતીય દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ મહેતા જેવા સાહિત્યકારોએ રચેલ ભજનો સંભળાવીને બધા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.

નારાયણ સ્વામીએ સંસાર માંથી સન્યાસ લીધો હતો. શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલ શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં. જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતાં તેમની સાથે વેરાવળ (શાપર)નાં મુળુભા(બચુભાઈ) તેમજ અન્ય સાથીદારો એ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે. ત્યાર પછીથી તેઓએ સ્થાપેલ આશ્રમમાં રહેતા હતાં. તેનું પુર્વાશ્રમનું નામ શક્તિદાન ગઢવી હતું. તેનો આશ્રમ ગુજરાતનાં કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે આવેલો છે. જયાં તેઓએ બિમાર તથા અશક્ત ગાય ની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલ. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ નારાયણ સ્વામી માર્ગ નામ આપેલ છે.

? જીવનપ્રસંગ

જ્યારે જ્યારે ટી વી પર ભજન કે ડાયરાના સારા કાર્યક્રમો આવતા હોય ત્યારે રસ પૂર્વક જોવા અને સાંભળવામાં મજા પડી જાય, ભીખુદાન ભાઈ જેવા મહાન કલાકારને જાણે સાંભળ્યાજ કરીએ, પણ આમાં તો બધું સમય મુજબ ચાલતું હોય, એમાં પણ જ્યારે નારાયણ બાપુને જોવા અને સાંભળવા મળે ત્યારે આ સમયની મર્યાદા ખૂબજ સાલે, છતાં આનંદ આવીજાય, આમતો જોકે અત્યારે અનેક કલાકારો ભજનો અને ડાયરા કરતા હોયછે, અને તેને સાંભળવા સેંકડોની સંખ્યામાં લોકો ઊમટતા હોયછે, પણ મને આમાં કંઈક ખૂંચતું હોય એવું સતત લાગ્યા કરે, કદાચ એ મારો ભ્રમ પણ હોઈ શકે, પણ નારાયણ બાપુને નજીકથી માણ્યા હોય ત્યારે આજનો ભજન ના ભાવ વિહોણો મજાકીયો માહોલ જ્યાં પણ હોય જરૂર ખટકે. અને જ્યારે રૂપિયાની ધોળ થતી હોય, ત્યારે નારાયણ બાપુનો એક પ્રસંગ મને ખાસ યાદ આવે.

એક જગ્યાએ ભજન જામેલા, બાપુ પણ પુર બહારમાં ખીલેલા, ત્યારે શ્રોતાઓ પણ આનંદ માણી રહેલા, એમાં એક ઉત્સાહી ભાઈ ઊઠીને બાપુને ઘોળ કરવા લાગ્યા, થોડી વારતો બધું રાબેતા મુજબ ચાલ્યું પણ પછી બાપુએ એ ભાઈને બેસી જવા કહ્યું અને ભજન રોકીને શાંતિથી સમજાવ્યું કે દરેક લોકોએ આનંદનો અતિરેક કરતાં પહેલાં એક વાત સમજવી જોઇએ કે આપણે મર્યાદા ભંગ તો નથી કરતાને? આ લક્ષ્મીજીનું અપમાનછે, આમ રૂપિયા ફેંકાય નહીં અને બીજી વાત અમો ભજન કરવા આવ્યા છીંએ, ભીખ માંગવા નહીં, આવી રીતે તો ભિખારી પણ પૈસા ન લે. અને જો તમારે કોઈ લાભાર્થે આ ઘોળ આપવાની હોય તો મર્યાદાથી આપો, તમારા ધનનું પ્રદર્શન ન કરો, મારા ભજન નો કાર્યક્રમ રાખવો હોય તો મારા નિયમોનું પાલન કરવું પડશે, નહીંતો ભજનતો અનેક ગાનારાછે જે રૂપિયા ખાતર ગમે તેમ કરશો તો પણ ચલાવી લેશે.(ખાસ નોંધ – આ જગ્યાપર આવતા ઘોળના રૂપિયા બાપુનેજ મળવાના હતા.)

બાપુના આવા સ્વભાવને લીધે ઘણી વાર વિવાદ થતા કે બાપુ તુંડ મિજાજી છે, શું આપને આમાં કંઈ ખોટું હોય તેમ લાગેછે?

આ હતી બાપુની ખુમારી, જે આજે ભાગ્યેજ કોઈમાં જોવા મળેછે.

ભજન ના કાર્યક્રમમાં કાંતો સાહિત્યકાર અથવા હાસ્ય કલાકાર મુખ્ય કલાકારને આરામ આપવા માટે રાખવામાં આવેછે, જેમાં ભીખુદાનભાઈ જેવા મહાન વ્યક્તિ હોય તો સાહિત્ય સાથે જ્ઞાન અને થોડી ગમ્મત પણ મળે, પણ ક્યારેક તો હાસ્ય કાલાકારની જગ્યાએ જાણે કોઇ એવા મશ્કરા લોકો આવી જાય જે ભજન ના માહોલને અનુરૂપ નહોય, બોલવું ઘણુંજ સહેલું છે, પણ શું અને ક્યાં શું બોલવું તે જાણવું ઘણુંજ અઘરું છે, હા જેને આ વાતની ખબરજ નથી તેને શું કહેવું? તેના માટેતો આયોજકોએજ જવાબદાર વલણ રાખવું જોઈએં જે ભજન ના ભાવની મર્યાદા ન જાળવી શકે તેવા લોકોને લવાયજ નહીં, ભજન ના કાર્યક્રમની મર્યાદા હોવી જોઈએ, તેમાં હા હા હી હી ન હોય, હા પ્રેક્ષકોના મનોરંજન પૂરતું હાસ્ય રાખી શકાય. પણ આતો પાછા ત્યાં જે રૂપિયા વાળા હોય તેના ગુણગાન કરતા હોય, એક કહેવાતા આવા કલાકારતો એવા તાનમાં આવી ગયા કે એક સારા ભજનિક ખરા પણ નારાયણ સ્વામીની હરોળમાં કોઇ પણ રીતે ન આવી શકે તેને બાપુ પછી કોઇ બાપુનું સ્થાન લઈ શકે તેવા ગણાવી દીધા. એ તો ઠીક પણ પાછો પેલો કલાકાર પણ આવીને આરામથી ગોઠવાઈ ગયો, જાણે તે પણ બાપુનો વારસો જાળવી રાખવા સક્ષમ હોય. હવે આમાં કોને દોષ આપવો? કોઈ શ્રોતાએ પણ ટકોર ન કરી. દરેકે પોતાની મર્યાદા સમજીને ચાલવું જોઇએ. એક ગાયકાતો ત્યાં સુધી બોલી ગઈ કે “મને લોકો મીરાં બાઈનો અવતાર માનેછે.” અરે બાઈ તું મીરાંબાઈ ના જોડા સાફ કરવાને લાયક પણ નથી, અને જો કોઈ આવું માનતા હોય તો તેનું પરીક્ષણ કરાવવું પડે, કોઈ માનસિક બીમારી તો નથીને? આજના હાઈ ફાઈ જમાનામાં આપણો ભૂતકાળ વધારે છાનો રહેતો નથી, વાણી સ્વતંત્રતાનો હક્ક છે પણ બધે નહીં. થોડા તો લાજો? અવાજ સારો હોય એટલે બધા ગુણ આવી ન જાય. ભજન માટેતો તપ કરવું પડે, બાકીતો રાગડા કહેવાય.

? કહેવાય છે કે નારાયણ સ્વામી ને મુડ ન હોય તો કોઇપણ લાલાચ કે જરુરીયાત એમને ગાવા માટે મજબૂર કરી શકતી ન હતી.

નારાયણ સ્વામી ના અવાજમાં મને ખૂબ ગમતી આ રચનાઓ

मुझे मेरी मस्ती कहाँ लेके आई
जहाँ मेरे अपने सिवा कुछ नाही …!!

ઉપરાંત કૈલાસ કે નિવાસી ( રાજનભાઇ દવેના ઘરે સાંભળેલી ) ( આ સૌપ્રથમ સાંભળેલ ભજન )

? ફોટો સૌજન્ય :- ઇન્ટરનેટ

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? જીવનપ્રસંગ સૌજન્ય અને આભારી :- કેદારસિંહજી જાડેજા

લેખન સંકલન : વસીમ લાંડા

દરરોજ આવી અનેક રસપ્રદ વ્યક્તિઓ વિશેની માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી