આજનો દિવસ :- લાભશંકર ઠાકર – પ્રયોગશીલ કવિ આજના દિવસે તેમણે વિદાય લીધી હતી…

જન્મ :-
૧૪ જાન્યુઆરી, ૧૯૩૫
સેડલા, સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત

? અવસાન :-
૬ જાન્યુઆરી, ૨૦૧૬
અમદાવાદ, ગુજરાત, ભારત

? જીવનપ્રસંગ

ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રમુખની ચૂંટણીની વાત થતી હતી. એમાં લાભશંકર ઠાકરનું નામ આવ્યું.
અમની સાથે ત્યાં ઉપસ્થિત રહેલા એક વ્યક્તિએ
કહ્યું “શું તમારી તૈયારી છે ?”
તો એમણે કહ્યું
“હું ચૂંટણી અને સત્તાથી દૂર રહું છું
અને મારા જેવો સ્પષ્ટ વક્તા આ લોકોને ના ખપે !!!!!”

? થોડું વધારે :-
લાભશંકર જાદવજી ઠાકર “પુનર્વસુ” કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા. તેમના પિતાનું નામ જાદવજી અને માતાનું નામ પ્રભાવતી હતું.

તેમણે ગુજરાતી મુખ્ય વિષય સાથે ઈ. સ. ૧૯૫૭માં સ્નાતક (બી.એ.), ઈ. સ. ૧૯૫૯માં અનુસ્નાતક (એમ.એ.) તથા ઈ. સ. ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવીઓ હાંસલ કરી હતી. લાભશંકર ઠાકર સાતેક વર્ષ અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા. ઉપરાંત કૃતિ, ઉન્મૂલન જેવાં સામયિકોનું પ્રકાશન પણ તેમણે કર્યું હતું. ‘આકંઠ સાબરમતી’ નામની નાટ્યલેખકોની વર્કશોપમાં તે સક્રિય હતા. એમણે કવિતાઓ અંગે અલગ જ ચીલો ચાતર્યો હતો એમ કહી શકાય. આધુનિક ગુજરાતી કવિતાના ઘડવૈયા. એમની કવિતાઓ સૌંદર્યલક્ષી કવિતાઓથી અલગ પડી જતી. એમને “લાઠાદાદા” તરીકે પણ ઓળખવામાં આવતા.

તેમણે ગુજરાતી કવિતા, નાટક, નવલકથાના જુદા જુદા ૫૬ જેટલા પુસ્તકો લખ્યા હતા, તેમજ આયુર્વેદના ઉપચાર માટે પણ ૨૧ જેટલા પુસ્તકો લખ્યા હતા.

ઇ.સ. ૧૯૬૨માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. ઇ.સ. ૧૯૮૦માં તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો જે તેમણે અંગત કારણોસર સ્વીકાર કર્યો નહોતો પરંતુ ઇ.સ. ૧૯૯૪માં તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. ઇ.સ. ૧૯૯૧માં તેમને “ટોળા, અવાજ અને ઘોંઘાટ” માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ઇ.સ. ૨૦૦૨માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.

તેમની ૮૧મી વર્ષગાંઠના લગભગ એક અઠવાડીયા પહેલા ૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.

? કાવ્ય સંગ્રહો
વહી જતી પાછળ રમ્ય ઘોષા (૧૯૬૫)
માણસની વાત (૧૯૬૮)
મારે નામને દરવાજે (૧૯૭૨)
લઘરો
બૂમ કાગળમાં કોરા (૧૯૭૪)
પ્રવાહણ (૧૯૮૬)

? નાટકો
એક ઊંદર અને જદુનાથ (૧૯૬૪) (ત્રિઅંકી)
અસત્યકુમાર એકાગ્રની ધરપકડ (એકાંકીસંગ્રહ) (૧૯૬૭)
મરી જવાની મઝા (૧૯૭૩)
બાથટબમાં માછલી (૧૯૮૨)
પીળું ગુલાબ અને હું (૧૯૮૫) (દ્રીઅંકી)

? નવલકથાઓ
અકસ્માત (૧૯૬૮)
કોણ? (૧૯૬૮)

? વિવેચન
ઈનર લાઈફ
મળેલા જીવની સમીક્ષા (૧૯૬૯)

? લેખ સંગ્રહો
સર્વમિત્ર (૧૯૮૬)
એક મિનિટ (૧૯૮૬)

? ચરિત્ર પુસ્તક
મારી બા (૧૯૮૯)

? અમૂલ્ય કાવ્યો

? અવાજને … – લાભશંકર જાદવજી ઠાકર “પુનર્વસુ”

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તો
સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું
પણ એય શું સાચું નથી
કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.

? અંતિમ ઇચ્છા – લાભશંકર જાદવજી ઠાકર “પુનર્વસુ”

ને વૃદ્ધ હાથે પકડી બપોરના
તું હોય રામાયણ વાંચતી સખી
ઝીણાં કરી લોચન બે નમીને;
ને વિપ્રલંભે કૃશકાય આકુલા
કારુણ્યમૂર્તિ અહ દગ્ધ જાનકી
ઊભી રહી હો તુજ નેત્રની નીચે
પૃષ્ઠો પરે જીર્ણ; જરાક રમ્ય
મોતી ઝઝૂમે ચખ વૃદ્ધમાં;
કહું ?
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી
પતંગિયું એક બની સુવર્ણનું
આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષણ.

ઊંચી તમારી પ્રિય પુષ્ટ કાયા
નાહ્યા પછી રોજની જેમ હાથમાં
પ્રવેશશે છાબ લઈ, અજસ્ત્ર
મોંથી હશે મંત્ર ઝરંત સિક્ત
નમેલ બે સ્કંધ પરે પ્રશસ્ત
ઢળ્યો હશે આતપ સે’જ હે સખે
વિશ્રબ્ધ મારા મુખ શો; ધીમે ધીમે
આવી અહીં આંગણમાં કરેણની
ડાળી પરે દક્ષિણ હાથ દીર્ધ
લંબાવશો; કંપતી અંગુલિ થકી
થશે જરી સ્પર્શ ત્યહીં જ હું પ્રિયે
ગરીશ (રાતું ફૂલ) રોજ છાબમાં.

? તડકો – લાભશંકર જાદવજી ઠાકર “પુનર્વસુ”

પરોઢનાં ઝાકળમાં તડકો
પીગળે.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
ને આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘુમરાતીઆવે
થોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટરે બેઠુ
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા
ઠક્‌ ઠક્‌ ઠક્‌ ઠક્‌ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈ ને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ!

? કવિવર નથી થયો – લાભશંકર જાદવજી ઠાકર “પુનર્વસુ”

કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચાં રણ રેતીનાં
પાણીપોચા રામ
પાણીપોચો લય લચકીને
ચક્રવાકને ચૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
અરે ભલા શીદ પરસેવાનું કરતો પાણી પાણી?
તું તરસ્યો છે એવી સાદી વાત હવે લે જાણી.
શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી. ડી. ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લય લંપટના તંતુ તોડી
ઘરઆંગણીએ શાકભાજીને વાવો
કવિવર ! વનસ્પતિ હરખાય અશુ કૈં પ્રેરક સંગીત ગાઓ
અને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં
આંખ સમીપે લટકે લૂમે લૂમે
કવિવર નથી થવું તારે
શીદને વિષાદમાં ઘૂમે?

? વરસાદ પછી – લાભશંકર જાદવજી ઠાકર “પુનર્વસુ”

જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર !
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે.
યથા રાધિકા
જમુનાજલમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ-ટપકતા
પારસદેહે
વસન ફેરવે
ધીરે ધીરે.

જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નેનન માંહે
છુપાઈ ને એ
કૃષ્ણ-કનૈયો?

? અવાજને ખોદી શકાતો નથી – લાભશંકર જાદવજી ઠાકર “પુનર્વસુ”

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.તો
સફેદ હંસ જેવા આપણા સપનાઓને
તરતાં મૂકવા માટે. ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ? આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડયું છે એ ખરું.
પણ એ શું સાચું નથી
કે આંખો આપીને આપણને
છેતરવામાં આવ્યા છે ? વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ અવાજને ખોદી શકાતો નથી નૈ ઊંચકી શકાતું નથી મૌન.

? સ્મૃિત – લાભશંકર જાદવજી ઠાકર “પુનર્વસુ”

કૂંડું જૂનું તુલસીનું પડ્યું આંગણામાં.
તેની પરે ઢળી ગયું જલ શું સુનેરી
આકાશથી જરીક, ને મધુસ્પર્શજન્ય
રોમાંચથી હલી ઊઠી અતિ શુષ્ક સાંઠી !
ને આવ્યું ક્યાંક થકી દૈયડ સાવ ધૃષ્ટ
બેઠું કૂંડા પર જરા ફફડાવી પાંખો
કૂંડા મહીં છલકાતા જલમાં ઝબોળી
ચંચૂ અને કરી જરા નિજ પુચ્છ ઊંચી
છેડી દીધી સહજ કંઠ તણી સતાર !
એ શ્વેત વસ્ત્ર મહીં શોભત પ્રૌઢ કાયા
રેડી રહી ચળકતો લઈ તામ્રલોટો
ઊંચા કરેલ કરથી જલ,ભાવભીનાં
નેત્રો ઢળ્યાં મધુર,ભાલ વિષે સુગૌર
સૌભાગ્યચંદ્ર ઝલકે,તરબોળ ભીનું
આખુંય દ્રશ્ય નીતરે તડકો
અચાનક
ઊડી ગયું ક્યહીંક દૈયડ દ્રશ્યને લૈ
પાંખો મહીં.
નજર વૃદ્ધ ફરી ફરી શી
છાપા વિષે ડૂબી જવા મથતી, સવારે.

? માહિતી સૌજન્ય :-
ઇન્ટરનેટ

લેખન સંકલન : વસીમ લાંડા

દરરોજ વ્યક્તિ વિશેષ માહિતી જાણવા aમતે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી